આપણી આ વિશાળ દુનિયામાં સામાન્ય માણસની જેમ વિકલાંગ બહેનો પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે. પરંતુ સમાજની અસમાનતાને કારણે વિકલાંગ મહિલાને સમાન થવામાં ઘણી અચણો નડે છે. જન્મથી માંડી ઉછેર, શિક્ષણ, વ્યવસાય વગેરેમાં પણ તેને અન્યાય થાય છે. ખાસ કરીને ગામડામાં ઉછરતી બહેનો ગરીબ આર્થિક પરિસ્થિતિને કારણે તથા તેને સમાજમાં સ્થાન મળી શક્યું નથી. પણ અમારી સંસ્થા દ્વારા વળી આવી વિકલાંગ મહિલાઓને જાગૃત કરી પોતાનું સ્થાન મેળવવા વિવિધ પ્રવૃત્તિઓ કરી તેને આગળ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે.
સંસ્થા દ્વારા પ્રવાસી અધ્યાપકોને ગામડે-ગામડે ફરી આવી વિકલાંગ મહિલાઓને શોધવાનો પ્રયત્ન ચાલે છે. તે ઉપરાંત તેમના મા - બાપને સમજાવવામાં આવે છે. તે પછી તેને સંસ્થામાં તેના અભ્યાસ માટે જુદી - જુદી સંસ્થાઓમાં આચાર્યશ્રી પાસે જઈ તેના એડ્મીશન માટે વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત તેના રીડર,રાઈટર, ટેપરેકાર્ડર, કેસેટ, શિષ્યવૃત્તિ, પુસ્તકો, યુનિફોર્મ વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. વિકલાંગ મહિલાની એસ.એસ.સી. પછી હાયર એજ્યુકેશન પછી કોલેજમાં પ્રવેશ અપાવવામાં આવે છે. ખાસ કરીને વિકલાંગ મહિલા સાથે બનતી અઘટિત ઘટનાઓને ધ્યાનમાં રાખી મહિલા કોલેજમાં એડમીશનનું પ્રાધાન્ય આપવામાં આવે છે.
આવી મહિલાઓને શિક્ષણ ઉપરાંત નેતૃત્વ તાલીમ શિબિરમાં ભાગ લેવડાવે છે. રાજ્યમાં અને રાજ્ય બહારના સેમીનારમાં તેમની હાજરી અચૂક હોય છે . રાષ્ટ્રીયકક્ષાએ નેતૃત્વ તાલિમ શિબિરમાં વિશ્લેષા, દમયંતિ વગેરેને મોકલવામાં આવે છે, એટલું જ નહિ એવોર્ડની બાબતમાં પણ સંસ્થા પાછળ રહેતી નથી . નિલમ ખુરશીત કાંગા પ્રાઈઝ પણ સંસ્થાના અંધ અધ્યાપિકા શ્રી જયશ્રીબેનને મળેલ છે. રમત-ગમતની પ્રવૃત્તિમાં પણ સંસ્થાને ચેમ્પિયનશીપ સુધી સિધ્ધિ પ્રાપ્ત થયેલ છે . તેમાં કુમારી નીતા ખરાડી મોખરે છે. આદર્શ ગૃહિણી તરીકે સંસ્થાની વિદ્યાર્થીની મનોજબા સિસોદીયા ગ્રેજ્યુએશન પૂર્ણ કરી પ્રભુતામાં પગલાં માંડી પોતાના સંસારને નિભાવી એક આદર્શ ગૃહિણીનું ઉદાહરણ પૂરૂ પાડે છે. સાથે - સાથે તે પ્રવાસી અધ્યાપિકા તરીકે ગામેગામ ઘરે-ઘરે જઈ અંધ મહિલાને ભણાવે છે.
સમાજમાં કેટલાંક તત્વો મહિલાઓને અંધ બન્યા પછી તરછોડી દે છે ત્યારે પરિસ્થિતિ ખૂબ વિકટ બને છે પણ આ સંસ્થા દ્વારા આવી મહિલાઓને ફરી પગભર બની પોતાનું સ્થાન ટકાવી રાખવા પ્રોત્સાહિત કરવામાં આવે છે . એથી પ્રવાસી અંધ અધ્યાપિકા ખત્રી માધવીબહેન તેમજ જયશ્રીબહેન મિસ્ત્રી તેનું સચોટ ઉદાહરણ છે . વિદેશ ગમનમાં પણ અંધ મહિલાઓનું સ્થાન મોખરે છે, સંસ્થાના સહમંત્રીશ્રી જયશ્રીબહેન મિસ્ત્રી કોલંબોની કોન્ફરન્સમાં સ્થાન મેળવી સંસ્થાને યશ અપાવે છે . ગામડામાં ઉછરતી આવી મહિલાઓને ઘરકામ કે રસોઈ શીખવાડવામાં આવતી નથી પરંતુ તેનું આ કામ સફ્ળ બને એટલા માટે સંસ્થા અંધ બહેનો માટે ગૃહતાલીમ મળે અને પોતાનું કામ પોતે કરી શકે.
રસોઈ બનાવી શકે તે માટે ૩5 અંધ મહિલાઓની હોસ્ટેલ ચલાવે છે. વિના અનુદાને લોકોના સાથથી સંસ્થાના હોદ્દેદારોમાં પણ મહિલાઓને સ્થાન નિ:શંક છે. કારોબારી સભ્ય સહમંત્રી વગેરેમાં પણ અંધ તથા વિકલાંગ બહેનોને પ્રાધાન્ય મળે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય અંધશિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે અંધ અધ્યાપિકા જયશ્રીબેન એમ. મિસ્ત્રીને સ્થાન મળેલ છે.
આમ જિલ્લાની ગામડામાં વસતી તમામ અંધ મહિલાઓને ઘર, કુટુંબ, સમાજ વગેરેમાં સ્થાન મળે તે હેતુથી તેને શિક્ષણમાં, વ્યવસાયમાં અને દરેક ક્ષેત્રે સામાન્ય મહિલાની જેમ સ્થાન મળે તે માટે સંસ્થા પૂરેપૂરો પ્રયાસ કરે છે.
રેડિયો વિજ્ઞાન કાર્યક્રમ તથા અખિલ ભારતીય અંધ મહિલા નેતૃત્વ તાલિમમાં વિશ્લેષ જાનીનું સ્થાન પ્રથમ રહ્યું . અંધજનકાર રેલીમાં તસ્લીમ મેમણ અને યાસ્મીન મોરસવાલા તથા સ્વ . બબુ ઝાલાનો વિજય, આઝાદી સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં અંધ બહેનોનું ભાગ લેવુ. અંધ મહિલા નાટ્ય કલાકારોની તાલિમ અને તક્તા પરની સફ્ળ પ્રસ્તુતિ, અંધ મહિલા શિબિરોનું આયોજન, અંધમહિલાઓ સાથે સદષ્ટિ મહિલાઓનું પ્રવૃત્તિમાં જોડાઈ સહાયરૂપ બનવું, સંસથામાં મહિલા અધ્યાપિકાની નિમણુંક, કાર્યાલયમાં મહિલા કર્મચારીની સતત હાજરી વગેરે વિશેષતાઓ આ પ્રવૃત્તિને વેગ આપે છે. સદષ્ટિ શ્રીમતિ પ્રવીણા મહેતા, શ્રીમતિ રજનીબહેન શાહ, ડૉ, હાસ્યદાબહેન પંડયા, પ્રો. નીશાબહેન તાજપુરીયા, શ્રીમતિ દક્ષા બ્રહ્મભટ્ટ, શ્રીમતિ મીનાક્ષીબેન દવે વગેરે મહિલાઓએ અમારા વિકાસમાં યોગદાન આપ્યુ તે ધન્યવાદને પાત્ર છે.
સંસ્થાના પ્રમુખશ્રી જે.જે. શાહ માનદ્ સામાન્યમંત્રીશ્રી પ્રા. ભાસ્કર મહેતા પુરુષ સંચાલકો અને પુરુષ કર્મચારી વર્ગ અમારા વિકાસમાં અહર્નિશ અમારી સાથે રહી અમને અકળાવતા પ્રશ્નોનો ઉકેલ લાવે છે. બ્લાઈન્ડ વુમન એસોસિએશન અમદાવાદ, નેશનલ બ્લાઇન્ડ વુમન ફોરમ એ.આઈ.સી.બી. નવી દિલ્હી, એન.એ.બી. ઈન્ડિયા, અંધ મહિલા ઉત્કર્ષ સમિતિ મુંબઈ અંધ મહિલા સરપંચ સુધા પટેલ, સળ અંધમહિલા । અનુરાધા મોહિત, દિલ્હી, વિશાખાબેન મહેતા, મુંબઈ અમારા દૂર રહ્યાં રહ્યાં પણ પથપ્રદર્શકો બન્યા, જેમનો આ તબક્કે આભાર ન માનુ તો અનુચિત ગણાશે .
સંસ્થામાં કદમ તાલ મિલાવી અંધ મહિલા પ્રવૃત્તિઓ વિક્સી તે જોતાં અર્ધનારીનરેશ્વર પૂર્ણતાના પથે એ કલ્પના સાચી લાગી . વિકલાંગ મહિલા વિકાસ રથના બંને ચક્રો સરખી ગતિએ આગળ વધે તે જરૂરી છે. રાજ્ય સાડી પહેરવાની સ્પર્ધામાં માધવી ખત્રી તેમજ શીતલ પરમારનો વિજય ધ્યાન ખેંચે છે. સમગ્ર રાજ્યના સંવેદનશીલ ઉત્કંઠીત કાર્યકરોને આલ્હાદ આપતો અખિલ ગુજરાત અંધમહિલા લગ્નગીત સ્પર્ધાનો શાખાના પ્રગતિશીલ પુરુષ પ્રજ્ઞાચક્ષુ મંત્રીશ્રીનો નિર્ણય અમારી આગેકૂચમાં પ્રાણ પૂરશે. અમે સુસ્થિર થયેલી અંધ મહિલાઓ કદાચ યોગદાન આપી શકીએ, કિન્તુ શ્રીમતિ પ્રવિણા મહેતાના અવિરતકાર્યને અમો વિકલાંગ મહિલાઓ બિરદાવીએ છીએ.
પ્રજ્ઞાચક્ષુ જયશ્રીબેન મગનલાલ મિસ્ત્રી
સહમંત્રી
એન.એ.બી. સાબરકાંઠા જિલ્લા શાખા,ઈડર