નેત્રહીનોની શિક્ષણસંસ્થાઓના માધ્યમથી તેમના શિક્ષણ, તાલિમ અને પુનર્વસન માટે અનેક વિધ-પ્રયત્નો થતાં રહ્યાં છે. સમાજના આ તક વંચિત વર્ગને સમાજના મુખ્ય પ્રવાહમાં સાંકળવો તથા તેમનામાં રહેલી જન્મજાત શક્તિઓનો આવિર્ભાવ કરવો અને સાથે - સાથે તેઓ સમાજમાં સફળતાથી સ્વીકૃત બને તે માટે તેમના સામર્થ્ય અને ક્ષમતાનો પ્રસાર-પ્રચાર થાય તેવા વિવિધ હેતુઓથી આવી પ્રવૃત્તિઓ એક માધ્યમ બની શકે છે.
અલબત્ત આવી પ્રવૃત્તિઓને સંકલિતરૂપે સામૂહિક પ્રયાસના ફ્ળરવરૂપ એક જ પ્લેટર્ફોર્મ ઉપરથી રજૂ કરવામાં આવે તો તે વધારે પ્રભાવક, વધારે અસરકારક અને વધારે લોકો સુધી પહોંચતી થઈ શકે તે માટે સને ૧૯૮૩ માં આ ક્ષેત્રનાં કેટલાંક મોવડીઓને સ્વ. પદ્મશ્રી જગદીશભાઈ પટેલે એક્ત્ર કર્યા અને એન.એ.બી. ગુજરાત રાજ્ય શાખાના નેજા નીચે એક રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ગઠન કરવું તેવું સૂચન કર્યું. જેને તમામ ક્ષેત્રીય તજ્ઞોએ એક સૂરે વધાવી લીધું અને આ રીતે આ સમિતિનો વિધિવત્ પ્રારંભ થયો.
શરૂઆતના તબક્કમાં સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું, રાજ્યરમતોત્સવ વગેરે રમત-ગમત સાંસ્કૃતિક સ્પધાઓનું આયોજન થતું હતું, સમય સંજોગોના તકાજા મુજબ સમય-સમય ઉપર અંધજનોના વિકાસને પોષક એવી નવી રમતો કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા ઉમેરાતી ગઈ. બીજુ એક મહત્વનું પરિવર્તન વિચારાયું એ કે આ પ્રકારના આયોજનો કોઈ મોટા શહેરોમાં જ ન યોજાતા શક્ય હોય ત્યાં સુધી ગુજરાતના નાના નગરો – કસબાઓ અને ગ્રામીણ પ્રદેશોમાં લઇ જવા–આની પાછળનો હેતુ સ્પર્ધાના માધ્યમથી આમજનતા સુધી પ્રજ્ઞાચક્ષુઓની શિક્ષણસંસ્થાઓ, પ્રજ્ઞાચક્ષુઓની ક્ષમતાઓ તથા ક્ષેત્રીય જાણકારી લોકો સુધી પહોંચાડવાનો હતો, આમ કરવા માટે નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડની જિલ્લા શાખાની ભાગીદારીને વધારે ક્રિયાન્વિત કરવાનો સફ્ળ પ્રયોગ રાજ્યકક્ષાના નેતૃત્વ દ્વારા અમલમાં મૂકાયો. જેના પરિણામ સ્વરૂપે આ લેખમાં કે અન્યત્ર આપ જોઈ શકશો કે અત્યાર સુધીમાં યોજાયેલી સ્પર્ધાઓને વ્યાપ અને વિસ્તાર સતત વધતા અને વિસ્તરતા રહ્યાં છે. આજે ગૌરવ સાથે કહી શકાય છે કે સાતેક જેટલી સ્પર્ધાઓ જેવી કે અખિલ ગુજરાત નેત્રહીન વિજય મર્ચન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ જેનો પ્રારંભ ૧૯૮૩ થી કરવામાં આવ્યો. અત્યાર સુધી ગુજરાતના જુદા-જુદા નાના - મોટા નગરો અને કસબાઓમાં તેનું આયોજન જિલ્લા શાખાઓના સૌજન્યથી કરવામાં આવ્યું. ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ૧૯૮૩ થી અમદાવાદથી શરૂ થઈ દાહોદ, બાવળા,કચ્છ – ભૂજ, આદિપુર, જામનગર, ભાવનગર, વિસનગર, હિંમતનગર વગેરે સ્થળોએ યોજાઈ ગઈ. આગામી અઢારમી ક્રિકેટ ટુર્નામેન્ટ હિંમતનગર સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા તા. ૧,2,૩ માર્ચ -2૦૦૩ના રોજ યોજવાનું નક્કી થયું છે. એવીજ રીતે સાંસ્કૃતિક પ્રવૃત્તિક્ષેત્રે પણ ગુજરાત નાટ્યમહોત્સવનું કુલ આઠ વાર આયોજન થયું. છે.
સુરતમાં ત્રણવાર,અમદાવાદમાં એકવાર, જામનગરમાં એકવાર, ભાવનગરમાં એકવાર, પાલનપુર તથા ઈડરમાં એક - એકવાર આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ ગુજરાત રાજ્ય રમતોત્સવનો પ્રારંભ સને ૧૯૮૯ થી થયો. અત્યાર સુધી કુલ ૧5 રાજ્યોમાં રમતોત્સવનું આયોજન ગુજરાતના જુદા-જુદા સ્થળોએ કરવામાં આવ્યું જેવાં કે દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, પ્રાંતિજ, જામનગર, ખેડા, ધોરાજી, વિસાવદર, રાજકોટ, ભરૂચ, હાલોલ, ભાવનગર, પેટલાદ, જેતપુર અને અંતિમ 2૦૦૩ માં જામનગર ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગીતક્ષેત્રે નેત્રહીનો આગળ વધે તે માટે ગુજરાત રાજ્ય શાખા એન.એ.બી. દ્વારા ચારથી પાંચ વાર જુદા - જુદા નગરોમાં આયોજન કર્યુ છે. જેની ફળશ્રુતિરૂપે અનેક નવા કલાકારો ઉભરીને બહાર આવ્યા. ચેસ, કાવ્યગોષ્ઠિનું પણ આયોજન કરવામાં આવ્યું, બ્રેઇલ લેખન - વાંચન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું. આમ વૈવિધ્યસભર સ્પર્ધાઓના માધ્યમથી જુદી-જુદી રસરૂચિ ધરાવતા ગુજરાતના પ્રજ્ઞાચક્ષુઓના મોટા સમૂહને લાભાન્વિત કરી શકાય છે.
એન.એ.બી. રાજ્યશાખાની એન.એ.બી. જિલ્લા શાખાઓ સમજપૂર્વકના સક્રિય સાથ અને સહયોગથી નજીકના ભવિષ્યમાં નેત્રહીન મહિલાઓ માટેની અખિલ ગુજરાત કક્ષાની તથા નાના ભૂલકાઓ માટેની સ્પર્ધાઓ ઉમેરવાનું વિચારી રહ્યાં છીએ.
વિચાર તો એવો પણ ખરો કે સમિતિના કાર્યક્ષેત્રને પણ વિસ્તારવું અને પલટાતાં સમયને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં આજ પ્લેટર્ફોર્મ ઉપરથી પર્વતારોહણ, ટ્રેકીંગ, પર્સનાલીટી ડેવલપમેન્ટ અને પબ્લીક સ્પીકીંગ તથા કોમ્પ્યુટર તાલીમની જોગવાઈઓ પણ ઉપલબ્ધ કરાવવી.
ગુજરાત રાજ્યની રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ચેરમેન તરીકે હું મારા પૂરોગામી ચેરમેનશ્રીઓ તથા રાજ્યશાખાના મંત્રીશ્રી જી.જે. વાછાણીનો અને એન.એ.બી.ના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડૉ. શ્રી બી. પૂનાનીનો હાદિર્ક આભાર માનું છું. કારણ કે આ સૌના સાથ-સહયોગ અને માર્ગદર્શન વગર આ યાત્રા આટલી સુખદ ન રહી હોત.
એન.એ.બી. સાબરકાંઠા જિલ્લા શાખા અને તેના મંત્રીશ્રી પ્રો. ભાસ્કરભાઈ વાય. મહેતાને અખિલ ગુજરાત નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાનપદ સ્વીકારવા માટે સમિતિ વતી હું હાર્દિક અભિનંદન આપું છું. આપ સૌને મારી શુભેચ્છાઓ, ફરી મળીએ છીએ, માધાપર (કચ્છ–ભૂજ) માં અખિલ ગુજરાત કક્ષાના નાટ્ય મહોત્સવ નિમિત્તે.
અંતમાં મરિઝ સાહેબનો એક શેર આપ સૌને અર્પણ...
“મને હતું ઢળી પડીશ હું અમુક શ્વાસમાં,
ભલું થયું તમે મને મળી ગયા પ્રવાસમાં “
જે.બી.કવિ
ચેરમેન
રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સમિતિ (ગુ.રા.