20 મી સદીનો મધ્યભાગ સમાજમાં મહત્ત્વનો પરિવર્તનશીલ ગાળો બની રહ્યો છે, પરંતુ | નેત્રહીન સમાજ માટે હજુ વિકાસની મંજિલ ઘણી દૂર હતી. પશ્ચિમમાં થયેલું થોડું ઘણું કાર્ય હજુ પૂર્વ સુધી પહોંચ્યું ન હતું તેવા સમયે યોગેન્દ્રરાય મહેતા અને રંભાબેનને ત્યાં એક તેજસ્વી બાળક અવતરે છે. જેને કુદરતે જન્મથી જ દ્રષ્ટિથી વંચિત કર્યો છે, પરંતુ તેની અંદર ચેતનાના દ્વાર પ્રકાશિત છે અને તે સમગ્ર નેત્રહીન સમાજને વિકાસની મંજીલ તરફ દોરી જનાર છે, આ બાળકનું નામ હતું ભાસ્કર મહેતા.
બાળપણથી જ પરિવારની હૂંફ અને સંસ્કાર ઘડતરે તેમને શિક્ષણમાં અગ્રસર બનાવ્યા. વક્તૃત્વકળા તો તેમને સિદ્ધહસ્ત હતી. તેનો પરિચય તેમને બાળપણથી જ સમાજને કરાવી દીધો હતો. તેમનું વિવિધ ભાષા પરનું પ્રભુત્વ તેમની પ્રતિભાને વિકસાવે છે એટલું જ નહીં પરંતુ નેત્રહીન વ્યક્તિ સામાન્ય સમાજમાં સંસ્કૃત જેવા અઘરા વિષયમાં પ્રતિષ્ઠિત પ્રાધ્યાપક તરીકેની ગરિમા પ્રસ્થાપિત કરી. પ્રાધ્યાપક તરીકે તેમની સેવાઓ અજોડ રહી છે અને અનેક પ્રતિભાવંત વિદ્યાર્થીઓ સમાજને ચરણે ધર્યા છે. ભાષાવિદ તરીકે એમની ઓળખ તો છે જ, પરંતુ નેતૃત્વના ગુણ પણ તેમના વ્યક્તિત્વનું પાસું છે. શિક્ષણની સાથે સાથે નેત્રહીન સમાજને વિકાસની મંઝિલ સુધી લઈ જવા માટે તેમના અથાગ પ્રયત્નોને સમાજ આગવી રીતે ઓળખે છે. આવું મંજાયેલું વ્યક્તિત્વ જ્યારે સમાજને મળે ત્યારે તે સમાજ અવશ્ય પ્રગતિના પંથે આગળ વધે, સાબરકાંઠા જેવા અંતરિયાળ વિસ્તારમાં તેમણે રાષ્ટ્રીય અંધજન મંડળની જિલ્લા શાખાની સ્થાપના કરી અને માત્ર નેત્રહીનો જ નહીં પરંતુ અન્ય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે પણ વિકાસના દ્વાર ખુલ્લા કર્યા. તેમનું ઓજસ્વી વ્યક્તિત્વ અને એમનો પરિશ્રમ આજે સક્ષમ થયેલા નેત્રહીનોના
જીવનમાં દેખાઈ આવે છે. આવનાર પેઢી પણ ભાસ્કરભાઈના વિચારોને આધારે જ તેમનો વિકાસપથ તૈયાર કરશે. તેમનું વ્યક્તિત્વ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે પર અમીટ છાપ છોડી જાય છે. તેમના દ્વારા રજૂ થયેલા શોધપત્રો અને આલેખો દ્વારા તેમની વિચારધારાને તેમણે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે તેમના આવા પ્રતિભાશાળી તત્વચિંતનને કારણે તેઓ વિકલાંગ કમિશનરના ઉચ્ચ હોદા સુધી પહોંચી શક્યા અને સમગ્ર દિવ્યાંગ સમાજનું ગૌરવ વધાર્યું. સાચેજ તેમણે ઉમાશંકર જોશીની પંક્તિ સાર્થક કરી છે-