" સંવેદનાની આંખોથી જોનાર, સેવા અને સંસ્કૃતિના પ્રકાશવાહક "
સાધારણ કુટુંબમાં જન્મેલા ભાસ્કર યોગેન્દ્રરાય મહેતા અસાધારણ વ્યક્તિત્વના તેજસ્વી દીપક છે. જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે પ્રારંભિક શિક્ષણ આશ્રમ રોડની વિશેષ શાળામાં લીધું અને ત્યારબાદ સામાન્ય બાળકો સાથે માધ્યમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની સફર જ્વલંત રીતે પૂર્ણ કરી. સંસ્કૃત ભાષામાં યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને તેમણે પ્રતિભાનો પરિચય આપ્યો અને આ સિદ્ધિએ તેમને જર્મનીમાં સંશોધન પત્ર રજૂ કરવાનીતક આપી.
જર્મનીના આંતરરાષ્ટ્રીય મંચ પર જ્યારે દરેક પોતાની ભાષામાં શોધ - પત્રવાંચી રહ્યા હતા, ત્યારે ભાસ્કરભાઈએ ગર્વભેર સંસ્કૃતમાં શોધ - પત્ર રજૂ કર્યું. અંગ્રેજીમાં નિષ્ણાત હોવા છતાં સંસ્કૃત ભાષાનું માન વધારવાનો સંદેશ આપવા તેમણે આ રીતે શોધ - પત્ર વાંચ્યું અને બાદમાં પોતે જ તેનો અંગ્રેજીમાં અનુવાદ કરીને સૌને ચકિત કરી દીધા.
કારકિર્દીની શરૂઆત સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે નોકરી કરી, ત્યારબાદ પ્રાંતિજ અને અંતે ઇડરમાં સંસ્કૃત અધ્યાપક તરીકે નિવૃત્તિ સુધી સેવા આપી. સંસ્કૃત સેવા સમિતિમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું. દિવ્યાંગો પ્રત્યે ઊંડી સંવેદના ધરાવતા ભાસ્કરભાઈએ સાબરકાંઠામાં નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડની જિલ્લા શાખા સ્થાપી અને હજારો દિવ્યાંગોને શિક્ષણના પ્રકાશ તરફ દોરી તેમની જિંદગીમાં નવી દિશા આપી. તેઓ આસંસ્થાના ભારત સ્તરે પ્રમુખ પણ બન્યા.
ગુજરાતના પ્રથમ દિવ્યાંગ બાબતોના કમિશનર તરીકે તેમના ત્રણ વર્ષના કાર્યકાળમાં આપેલા ચુકાદાઓ આજે પણ કોર્ટમાં ઉદાહરણરૂપ માનવામાં આવે છે. સહૃદયતા, કોમળતા અને માનવતાવાદથી ઓતપ્રોત ભાસ્કરભાઈએ અનેક જરૂરિયાતમંદોને પોતાના ઘરે રાખ્યા, ભોજન આપ્યું અને મર્યાદિત આવક હોવાછતાં હંમેશાં મદદ માટે આગળ આવ્યા.
માંદગીના સમયમાં પણ તેઓ દિવ્યાંગોના કલ્યાણ અને વિકાસ વિશે ચિંતા કરતા રહ્યા.સાચા અર્થમાં, ભાસ્કરભાઈ મહેતા " મુઠ્ઠી ઊંચેરા માનવીના જીવંત પ્રતીક છે. તેમને તેમના અમૃત મહોત્સવ પ્રસંગે સત્ સત્ વંદન.