કુકડિયા ગામની માટીમાં મારું જન્મવર્ષ 1967 અંકિત થયેલું છે. હું મૂળ ચિત્રોડાની દીકરી છું અને કુકડિયા મારું વહાલું મોસાળ છે ; જ્યાં બાળપણની મીઠી યાદો રમતી હતી. મારું પ્રાથમિક શિક્ષણ, એટલે કે ધોરણ 1 અને 2, ચિત્રોડાની કન્યાશાળાનાં આંગણે થયું. એ દિવસો નિર્દોષ આનંદથી ભરપૂર હતા. પછી મારા પપ્પા મુંબઈ સ્થાયી થતાં, અમે પણ મહાનગરની દિશામાં પ્રયાણ કર્યું અને મારું આગળનું સમગ્ર શિક્ષણ મુંબઈની શૈક્ષણિક ભૂમિ પર જ પૂર્ણ થયું. 12 સાયન્સની કેડી કંડારી, મેં ડી.એમ.એલ.ટી.નો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. 1990 માં મારા હાથ પીળા થયા અને જીવનની નવી ઇનિંગ્સ શરૂ થઈ. લગ્ન પહેલાં મેં ત્રણ વર્ષ એક કમ્પ્યૂટરાઈઝ્ડ લેબમાં ઉત્સાહભેર નોકરી કરી.
1990 માં ઈડરની ભૂમિ સાથે મારાં લગ્નનાં સંબંધો બંધાતા, હું ત્યાં કાયમ માટે સ્થાયી થઈ ગઈ. ધીમે ધીમે જીવનનાં વહેણમાં મને અનુભવવા માંડ્યું કે મારી આંખોમાં કંઈક અજુગતું બની રહ્યું છે. શંકાનાં વાદળો ઘેરાતા મેં હિંમતનગર અને અમદાવાદનાં નામાંકિત ડોક્ટરોનો સંપર્ક કર્યો. તેમણે જે કહ્યું તે સાંભળીને થોડો આઘાત લાગ્યો " તમારી આંખની નસો સુકાઈ રહી છે અને દૃષ્ટિ ધીમે ધીમે ઓછી થશે, પરંતુ એકદમ અંધાપો નહીં આવે. " આ ગંભીર વાત જાણ્યા છતાં, મેં જીવન પ્રત્યેનો મારો ઉત્સાહ ઓછો ન થવા દીધો. હું મારી આગવી દુનિયામાં, ખુશીઓથી છલકાતી મસ્તીથી જીવતી રહી. આ મીઠી પળોમાં મારા ખોળે પુત્ર દૈવિક અને ત્યારબાદ પુત્રી પાર્શ્વ | અવતર્યા અને સાથેસાથે મારી આંખોની તકલીફ પણ પોતાની ગતિએ વધતી રહી.
વર્ષ 2005 નું એ સંભારણું છે જ્યારે એક દિવસ મારા નણંદ, વીણાબેન જે શાળા નંબર 2 માં શિક્ષિકા હતાં, તેમનો ફોન આવ્યો. તેમણે મને તાત્કાલિક શાળાએ મળવા બોલાવી. ત્યાં પહોંચી તો એક પ્રવાસી શિક્ષક રાજુભાઈ લીમ્બચિયા હાજર હતા. તેમણે મને અંધજન મંડળ અને તેના કર્ણધાર ભાસ્કરભાઈ વિશે ઘણી વિગતવાર માહિતી આપી. રાજુભાઈએ મને ભાસ્કરભાઈનો ટેલિફોન નંબર આપી, તેમની સાથે વાત કરવા સૂચવ્યું. ભાસ્કરભાઈ સાથે વાતચીત કરીને મેં તેમને મળવાનો સમય લીધો. મારા ભત્રીજા સાથે હું તેમની ઈડરના સત્યમ ચોકડી આગળ આવેલી ઓફિસે પહોંચી. ઓફિસમાં પ્રવેશતા જ મેં ભાસ્કરભાઈને મોબાઈલ પર કોઈને ફોન કરતા જોયા.
આ દેશ્ય મારા માટે નવાઈ ભર્યું હતું, કારણ કે 2002-03થી મારા ઘરે મોબાઈલ ફોન હોવા છતાં, | 2005 સુધી મને મોબાઈલ વાપરતા આવડતો ન હતો, જ્યારે એ સમયે તો હું ઘણું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી. મેં ભાસ્કરભાઈને કુતૂહલવશ પૂછ્યું અને તેમણે મારા હાથ પકડી, મારી આંગળી પાંચ નંબર પર મૂકીને સમજાવ્યું. તેમણે કહ્યું કે પાંચ નંબર પર એક ટપકું હોય છે જે યુનિવર્સલ સાઈન છે
(એ વખતે કીપેડવાળા ફોન હતા). પછી તેમણે આંગળી ફેરવીને નંબર ડાયલ કરવાની રીત શીખવી. ત્યારબાદ હું દસ પંદર મિનિટમાં જ ઘરે પહોંચી અને ફોન ચલાવતી થઈ ગઈ તે જ દિવસે તેમણે મને તેમની હોમ સાયન્સ માટે ચાલતી છોકરીઓની હોસ્ટેલની મુલાકાત કરાવી. ત્યાં મેં એક પછી એક દરેક દીકરી સાથે વાત કરી, તેમની તકલીફો અને અંગત સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કર્યો. તેમની વાતો સાંભળીને મારા હૃદયમાં એક ભાવ પ્રગટ્યો, " દુનિયા મેં કિતના ગમ હૈ, મેરા ગમ બહોત કમ હૈ. " મારી પોતાની પરિસ્થિતિની સરખામણી અન્ય લોકોના સંઘર્ષ સાથે કરતા મને લાગવા માંડ્યું કે મને તો ખરેખર કોઈતકલીફ જ નથી.
હોસ્ટેલમાંથી પાછા આવી, મેં ફરી ભાસ્કરભાઈને મળવાનું કર્યું. તેમનો પહેલો પ્રશ્નમારા માટે અણધાર્યો હતો " તમારા પતિ સાથેના તમારા સંબંધો કેવા છે અને ઘરમાં તમારી સ્વીકૃતિ કેટલી છે? " આ પ્રશ્નના ઉત્તરમાં જો મારે મારા પરિવારને ગુણ આપવાના હોય, તો કદાચ 100 માંથી 100 ગુણ આપવા પડે, કારણ કે મારા પરિવારનું વર્તન મારા માટે અત્યંત સહજ, સ્વીકાર્ય અને પ્રેમપૂર્ણ હતું. તે સમયે મારા સાસુ પણ અમારી સાથે હતાં. ભાસ્કરભાઈનો આ પ્રશ્ન પૂછવા પાછળનું મૂળ કારણ જયશ્રીબેન મિસ્ત્રી અને માધવીબેન હતાં, જેમને આંખની તકલીફ થતાં સૌથી પહેલો વિરોધ તેમના પોતાના પતિનો હતો, જ્યારે મારા કિસ્સામાં મારા પરિવારનો ભરપૂર સહયોગ એ ખૂબ જ પ્રબળ પાસું હતું. તેમની સાથેની વાતચીત પછી તેમણે મને અંધત્વનું સર્ટિફિકેટ કઢાવવા કહ્યું. ત્યારે મેં સ્પષ્ટતા કરી કે, " સાહેબ, મને તમારી સંસ્થામાંથી મળતા કે સરકારમાંથી મળતા એક પણ લાભો જોઈતા નથી. " ત્યારે સાહેબે મને અત્યંત પ્રેમપૂર્વક સમજાવ્યું કે, " તમારે કોઈ લાભ જોઈતા હોય કે ના હોય, પણ તમારી આવડત, તમારી સમજણ અને તમારું ભણતર એ બધાનો લાભ તમે આપણા અંધ દીકરા - દીકરીઓ માટે અહીંયા વાપરી શકશો અને તમે અહીંયા આવી પણ શકશો. " તેમના શબ્દોમાં વિશ્વાસ મૂકીને મેં મારું સર્ટિફિકેટ કરાવ્યું.
જે દિવસે મને સર્ટિફિકેટ મળ્યું, તે દિવસે મને પહેલીવાર ખબર પડી કે જેને હું મારી આંખની સામાન્ય તકલીફ ગણતી હતી, તે તો મારી આંખો અંધાપા તરફ જઈ રહી હતી. આ સાંભળીને મને શરૂઆતમાં ખૂબ આઘાત લાગ્યો, પરંતુ હું કર્મના સિદ્ધાંતને ઊંડાણપૂર્વક સમજતી હતી, જાણતી હતી અને ખૂબ સારી રીતે તેને પચાવી ચૂકી હતી. મેં મારી આટલી લાંબી જિંદગીમાં મને ક્યારેય મારી આંખની તકલીફ માટે અફસોસ કર્યો નથી. મેં ખૂબ જ મસ્તીથી મારું જીવન જીવ્યું છે. ઘણીવાર હું મારા મિત્રવર્તુળમાં હસતાં હસતાં કહું છું કે, " હું તો અંધાપાને એન્જોય કરું છું. " ભાસ્કરભાઈએ સૌથી પહેલા મારી ઓળખાણ જયશ્રીબેન મિસ્ત્રી સાથે કરાવી, તે પછી માધવી સાથે કરાવી. મને યાદ છે, એ સપ્ટેમ્બર 2005 માં ભાસ્કરભાઈ દિવ્યાંગ કમિશનર બન્યા હતા અને તે જ વખતે તેમણે મારી ઓળખાણ સોનલ મહેતા સાથે પણ કરાવી. હું ધીમે ધીમે સંસ્થામાં, ઉપર
હોસ્ટેલમાં, એમ જતી - આવતી થઈ. હોસ્ટેલમાં જતાં - આવતાં મને ત્યાંની દીકરીઓ સાથે આત્મીયતા બંધાઈ અને મારું જવાનું ધીમે ધીમે વધવા માંડ્યું. હું તેમની જરૂરિયાતની વસ્તુઓ લાવતી, ક્યારેક કંઈક સારું ખાવાનું પણ લઈ આવતી. મારો આ સેવાભાવ જોઈને પ્રવિણાબેન અને ભાસ્કરભાઈએ મને કારોબારી સભ્ય બનાવી. ધીમે ધીમે સમય જતાં તેમણે મને જોઈન્ટ સેક્રેટરી પણ બનાવી. તેઓ વારંવાર મને સંસ્થાના કોઈપણ નાના - મોટા કાર્યક્રમ હોય, કોઈ કોર્સ હોય તો મને બોલાવતા અને કોઈપણ પ્રકારની દિવ્યાંગતાને સમજવા માટે, મને આ એક સારો અનુભવ અહીં મારા ગામમાં જ મળી રહેતો હતો.
ત્યારબાદ, હું મારા બાળકોને અમદાવાદ ભણાવવા માટે લગભગ દોઢ વર્ષ અમદાવાદ રહી. બાળકો કૉલેજમાં એડમિશન લીધાં બાદ હું અમદાવાદથી પાછી આવી. મારી નાની - મોટી જરૂરિયાતો હોય કે મારે ક્યાંય જવું - આવવું હોય, તો મને સંસ્થામાંથી સારો એવો સહયોગ મળી રહેતો હતો. આમ સમય જતાં સંસ્થા સાથે મારો ગાઢ પરિચય થતો ગયો અને સંસ્થા પરિવારમાં હું એક પરિવારના સભ્યની જેમ રહેવા લાગી. 2020 માં જ્યારે લોકડાઉન આવ્યું, ત્યારે ભાસ્કરભાઈ ની તબિયત ખૂબ જ નાદુરસ્ત હતી તેથી પ્રવિણાબેન અને તે વખતના કારોબારી સભ્યોએ નક્કી કર્યું અને એક પ્રપોઝલ મારા આગળ પણ આવ્યું કે તમે સેક્રેટરી બનો. ત્યારે મેં મારી દૃષ્ટિ ક્ષતિની મર્યાદા સાથે અને ખૂબ જ અકડામણ સાથે પ્રવિણાબેનને કહ્યું કે, ' ' બેન, મારે ચેક સાઈન કરવાના હોય, ડોક્યુમેન્ટ સાઇન કરવાના હોય, તો હું કોઈની પણ હાજરીમાં, કોઈની પણ મદદ વગર આ બધાં કામ કેવી રીતે કરી શકું? " ત્યારે પ્રવિણાબેને મને દેઢતાપૂર્વક કહ્યું કે, ' ' હું તમારી સાથે જ છું અને તમારા આગળ હું ઢાલ બનીને રહીશ. તમે નિશ્ચિતપણે આ જવાબદારી સ્વીકારો. " પ્રવિણાબેનનાં આ શબ્દોમાં વિશ્વાસ મૂકીને મેં આ કાર્યભાર સંભાળ્યો. એ દિવસ 31 જુલાઈ હતો, જે દિવસે કારોબારીની મીટિંગ થઈ જેમાં મને સેક્રેટરી તરીકેનું પદ સોંપવામાં આવ્યું અને પહેલી ઓગસ્ટ 2020 થી હું સેક્રેટરી બની. આમ, એક સામાન્ય ગૃહિણીમાંથી મને સેક્રેટરી બનાવવાનું સંપૂર્ણ શ્રેય ભાસ્કરભાઈ, પ્રવિણાબેન અને રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરની શાખા, એટલે કે સાબરકાંઠા જિલ્લા શાખાને જાય છે.
મને સેક્રેટરી બનાવવા પાછળનું મૂળ કારણ હું કદાચ એવું માનું છું કે ઈડરમાં જહું સ્થાનિક રહેતી હતી, જેથી હું મારા ઘરના કામ સિવાયના સમયમાં, એટલે કે બપોરના 12:00 થી 4:00 ના સમયમાં, નિયમિતપણે સંસ્થામાં જઈ શકતી હતી અને મેં એવી જ રીતે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. મેં મારી આવડત પ્રમાણે અને પ્રવિણાબેનની સલાહથી જ કામ કર્યું. તેમાં સૌથી મોટું અને ખરેખર ગમે તેવું કામ હોય તો એ કે સંસ્થાનું પોતાનું મકાન બનાવવાની શરૂઆત ભૂમિપૂજનથી કરવી. આ
ભગીરથ કાર્ય એ સમયગાળામાં જ અમે પાર પાડ્યું. મને ખબર નથી કે મેં કેવી રીતે આ આખું મકાન, ભૂમિપૂજનથી લઈને બે માળ, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ, મારી નજર સામે ઊભું થતાં જોયું. એ દેશ્ય ખરેખર ખૂબ જ સંતોષકારક અને હૃદયસ્પર્શી હતું. તેમજ અલગ અલગ દિશામાં નવા નવા પ્રોજેક્ટ પણ શરૂ થયા. હા, પણ આ બધાની પાછળ હું પૂરેપૂરો શ્રેય પ્રવિણાબેનનું દેઢ મનોબળ અને અમારા પ્રમુખ દિલીપભાઈ ગાંધીને આપીશ. તેમણે ખરેખર સંસ્થાના પ્રમુખ તરીકે કહો કે પરિવારના પ્રમુખ તરીકે કહો, ખૂબ જ સારી રીતે તેમની ફરજ નિભાવી છે. અમે બંને બહેનો (હું અને પ્રવિણાબેન) ઘરના કામ કરીને ઓફિસમાં આવતા, તો પણ કેટલાક ડોક્યુમેન્ટેશનમાં, કેટલાક કામમાં તેમણે અમને જરા પણ તકલીફ પડવા દીધી નહીં. અને છતાં પણ બધો જ શ્રેય એ અમને બે બહેનોને આપે. તેઓ ખરેખર ખૂબ ભલા માણસ અને ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. આ સમય દરમિયાન મારા સહધર્મી તરુણકુમાર, દીકરો દૈવિક, દીકરી પાર્શ્વ તેમજ મારા અન્ય પરિવાર અને મિત્રવર્તુળને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હશે, પરંતુ તેમણે મને હરહંમેશ હસતા મોઢે સાથ આપ્યો છે, જેનું ઋણ શબ્દોમાં વર્ણવી કે ચૂકવી શકું તેમ નથી.
આમ હવે સંસ્થાને 40 વર્ષ પૂરાં થવા જઈ રહ્યાં છે અને ભાસ્કરભાઈને 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ આવી ગયો છે. તો એ બંને ખાસ પ્રસંગો માટે, બંનેને મારા તરફથી ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ ! સંસ્થાનાં 40 વર્ષ પૂરાં થતાં અને સંસ્થાના પોતાના મકાનમાં ભાસ્કરભાઈના અમૃત મહોત્સવ માટે પરમ કૃપાળુ પરમેશ્વરને એટલી જ પ્રાર્થના કે તેઓ સ્વસ્થ એટલે કે નિરામય દીર્ઘાયુષ્ય ભોગવે અને સંસ્થાના જે ભાસ્કર ભવન નામનું મકાન બનાવ્યું છે તેમાં પણ તેમની ચહલપહલ નિરંતર ચાલુ રહે. મારી આ જીવનગાથા ખરેખર મારા માટે એક અદ્ભુત અનુભવ રહીછે.
સોનલબેન ટી. દોશી