ઈ.સ. 1940 થી 1945 ના વર્ષોમાં થયેલ બીજા વિશ્વયુદ્ધ વખતની આ વાત છે. લંડનમાં એક સજ્જન વરસાદ, વાવાઝોડું અને બરફના તોફાનમાં સપડાયા અને ઘરનો રસ્તો ભૂલી ગયા. તેમણે રસ્તે જતાં એક પથિકને કહ્યું, " સર, આપ મને મારા ઘર ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચાડી શકશો? ' એ પથિકે એટલું જ કહ્યું, " સાહેબ, આપ મારો હાથ પકડી લો. " આ સજ્જનને એ પથિકનો હાથ પકડી લીધો. બંનેએ તોફાનમાં ચાલવાનું શરૂ કર્યું. અનેક રસ્તાઓ પસાર કર્યા પછી પથિક ઊભો રહ્યો અને પહેલા સજ્જનને કહ્યું, " સાહેબ, આ સામે દેખાય છે, આપનું નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ છે? "
સજ્જને કહ્યું, " હાજી, આ જ છે. આપનો આભાર. પરંતુ હું એ જાણી શકું કે આપને આ વરસાદ, વાવાઝોડા, આંધી અને તોફાનની અસર કેમ ન થઈ? આપને એ અવરોધરૂપ કેમ ન બન્યું? ' ' એ પથિકે જવાબ આપ્યો, " સાહેબ, વરસાદ, વાવાઝોડું, તોફાન એ બધું આપને છે. મારે શું એમાં? હું તો અંધ છું. " આ સાંભળી તોફાનમાં ભૂલા પડી ગયેલા ઈગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલને ખબર પડી કે મને અહીં સુધી લઈ આવનાર મારા માર્ગદર્શક એક પ્રજ્ઞાચક્ષુ છે. પ્રજ્ઞાચક્ષુ આંતરદ્રષ્ટિથી જે જોઈ શકે છે, તે તો દેખતા પણ જોઈ નથી શકતા.
વિશ્વના મહાન વિદુષી પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર આનું જ્વલંત ઉદાહરણ છે. અમેરિકન ફેડરેશન ફોર બ્લાઈન્ડ એમનું જીવન સ્મારક છે. ઈજિપ્તના એક ગામડાની વાત છે. મૌલાના સાહેબે ગામના પરિચિત યુવાનને ઝડપથી જતો જોયો. મૌલાના સાહેબને આજે હુસૈનની ચાલ જુદી લાગી. તેમણે હુસૈનને અટકાવી પૂછ્યું, " હુસૈન, ક્યાં જાય છે? " હુસૈને કહ્યું, " આત્મહત્યા કરવા. " આટલું સાંભળતા જ મૌલાના સાહેબ સ્તબ્ધ બની ગયા. એમણે પૂછ્યું, " હુસૈન, તારા જીવનમાં એવું તે શું બન્યું કે તને આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ? " હુસૈન રડી પડ્યો અને બોલ્યો, " મૌલાના સાહેબ, દુનિયાની રંગીન સવાર, સાંજ અને પહાડો, ઝરણાંઓ, આ વનરાઈ, આ પંખીઓ બધા પર મારવા માટે કાળો પડદો પડી ગયો. હું અંધ થઈ ગયો. હવે હું કંઈ જોઈ નથી શકતો. આવું વ્યર્થ જીવન જીવીને કરવું શું? " મૌલાના સાહેબે એક વૃક્ષ ફરતે ઓટલો બાંધેલ હતો ત્યાં લઈ જઈબેસાડ્યો અને ધીરજપૂર્વક ઘણું સમજાવ્યું. મૌલાના સાહેબે કહ્યું, " જો હુસૈન, ખુદાએ જિંદગી આપી છે, આમ એનો અકાળે અંત લાવવા માટે નથી. આથી તું એમ કર, જીવવાનો પ્રયાસ તો કરી જો. " મૌલાના સાહેબની સમજાવટથી હુસૈન પાછો ફર્યો. એણે જીવવાનો પ્રયાસ કર્યો, ફરી
ભણવાનું શરૂ કર્યું. હુસૈન બી.એ. થયો, એમ.એ. થયો અને છેલ્લે પી.એચ.ડી. પણ થયો. આટલું જ નહીં, ઈજિપ્તના શિક્ષણ પ્રધાન તરીકે આજીવન સેવા આપી. જગતની સામાન્ય યુનિવર્સિટીઓએ તેને ૧ ૩ વખત પી.એચ.ડી.ની ડિગ્રી માનદ પ્રદાન કરી. આ યુવાન હતો ડૉક્ટર | તાહા હુસૈન.
લોકસાહિત્ય પરિવારના સ્થાપક રતુભાઈ અદાણી સાહેબ ૨૦ લોક કલાકારો સાથે દિલ્હી ગયેલા. ત્યાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાને ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ઈન્દિરા ગાંધી અતિ વ્યસ્ત હોવા છતાં પૂરતો સમય ડાયરાના કલાકારો માટે ફાળવ્યો હતો. જસમા ઓડણના રાસની પણ તેમણે ફરમાઈશ કરેલી. એ વખતે વિશ્વ વિખ્યાત વાયોલિનવાદક યહૂદી મેન્યુહીન ઈન્દિરાજીના મહેમાન હતા. યહૂદી મેન્યુહીન તેમની ૨૧ વર્ષની ઉંમરમાં દુનિયાના ૨૨ દેશોમાં કાર્યક્રમ આપી ચૂક્યા હતા. ડાયરો પૂરો થયો એટલે યહૂદી મેન્યુહીને ઈન્દિરાજીને જણાવ્યું કે મારે આ બે કલાકારોને ફરી સાંભળવા છે. એ બે કલાકારોમાં એક હતા પ્રજ્ઞાચક્ષુ વાયોલિનવાદક નાનજી મિસ્ત્રી અને બીજા હતા ભારતના શ્રેષ્ઠવાદક સુલેમાન જુમ્મા. બંને કલાકારોએ ફરી સંગત કરી કાર્યક્રમ રજૂ કર્યો અને સૌ ખુશ થઈગયા.
માણસ કેટલા વર્ષ જીવ્યો એ મહત્વનું નથી, એ કેવી રીતે જીવ્યો એ મહત્વનું છે. એની પાસે શું છે એ મહત્વનું નથી, એ છે તેનો કઈ રીતે ઉપયોગ કરે છે. સામાન્ય માણસના જીવનમાં ઉંમર વધવાની સાથે ઉંમરમાં વર્ષો ઉમેરાતાં જાય છે, જ્યારે અસામાન્ય માનવીના જીવનમાં વર્ષોમાં જીવન ઉમેરાતું જાય છે. દિવ્યાંગ કમિશનર પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા સાહેબ આવા અસામાન્ય માનવી છે. તેમનું સમગ્ર જીવન પ્રબળ પુરુષાર્થનું પ્રતીક છે. માત્ર પ્રબળ પુરુષાર્થ નહીં, સાચી દિશાનો પુરુષાર્થ અને એ પણ દૃઢ સંકલ્પ સાથેનો, ધીરજપૂર્વક અને યાતનાઓ સહ્યા પછી સતત જાગૃતિ સાથેનો સિદ્ધ કરેલો પ્રબળ પુરુષાર્થ.
પ્રજ્ઞાચક્ષુ શાળામાં નહીં, એકેડેમિક એજ્યુકેશનમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એસ.એસ.સી. ૧૯૬૯ માં, બી.એ. ૧૯૭૩ માં, એમ.એ. ૧૯૭૫ માં, ૧૯૭૬ માં એલ.એલ.બી., ૧૯૭૯ માં આ તમામ પરીક્ષાઓ તેમણે પ્રથમ વર્ગમાં પસાર કરી છે. બી.એડ.ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે પાસ કરેલ છે. દિવ્યાંગ દેવ હોય છે, આત્મા નહીં – મહેતા સાહેબે તેમનું આ સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. હિન્દી, વિનીત અને સંસ્કૃત એમની વિશેષ લાયકાત છે. પ્રોફેસર ભાસ્કર મહેતા સાહેબને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં તેમની પ્રથમ પ્રજ્ઞાચક્ષુ લેક્ચરર તરીકે નિમણૂક થઈ હતી. ૧૯૮૩ થી
મહેતા સાહેબ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ઈડરમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે તેમણે ફરજ બજાવેલ છે. વચ્ચે ત્રણ વર્ષ દિવ્યાંગ કમિશનર તરીકે ફરજ સંભાળી ફરી ઈડરમાં તેમણે પોતાનું સ્થાન સંભાળ્યું હતું. પ્રોફેસર મહેતા સાહેબે જગતના વિવિધ દેશોમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ સંભાળેલ છે. ૧૯૭૦ માં જર્મનીમાં, ૧૯૯૫ બેંગકોકમાં, ૧૯૯૫ સિંગાપોરમાં, ૧૯૯૭ ઢાકામાં, ૨૦૦૬ માં મલેશિયામાં, આ દેશોમાં તેમણે ભારતની સત્તાવાર ડેલિગેટ તરીકે ભાગ લીધો છે.
ભાસ્કર મહેતાના પિતા યોગેન્દ્રરાય અને માતા રમવા બહેને ભાસ્કર પરિવારના સંઘર્ષના દુ : ખી દિવસો અતિ વ્યથામાં વ્યતીત કર્યા છે. તારીખ ૨૩ સપ્ટેમ્બર ૧૯૫૦ માં પરિવારમાં જ્યારે બાળક ભાસ્કરનો જન્મ થયો ત્યારે તમામ કુટુંબીજનો અત્યંત ખુશ થયેલા, પરંતુ થોડા સમયમાં જ આ ખુશી યાતનામાં પરિવર્તિત થઈ ગઈ. બાળક ભાસ્કર કંઈ જોઈ નથી શકતો, એ માત્ર અવાજ પરથી એ તરફ ધ્યાન આપે છે. નિષ્ણાત ડૉક્ટર સાહેબનો અભિપ્રાય લેવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બાળકની જન્મજાત ખોડનો કોઈ ઈલાજ નથી. આવો કારમો આઘાત સહી પરિવારે બાળક ભાસ્કરના ઉછેર પર ધ્યાન આપ્યું. થોડા સમય પછી બીજા બાળકનો આ પરિવારમાં જન્મ થયો, પરંતુ કરુણતાની ચરમસીમા તો એ હતી કે આ બાળક ગગન પણ પ્રજ્ઞાચક્ષુ છે એવી પ્રતીતિ થઈ. ધન્ય છે આ માતા - પિતાને જેમણે ભાસ્કર અને ગગનને જીવન જીવવાની પ્રબળ પ્રેરણા આપી, જીવન સંઘર્ષમાં વિજય બનાવ્યા. નાના પુત્ર વિરાટને એરફોર્સમાં સ્થાન અપાવ્યું, જેણે ૧૯૭૧ ના ભારત - પાકિસ્તાન યુદ્ધમાં એક કાબેલ પાઇલટ તરીકે વીરતાભરી રીતે ફરજ બજાવી.
હવે વાત કરું મહેતા સાહેબના ધર્મપત્ની બહેનશ્રી પ્રવિણા બહેનની ભાસ્કરભાઈના માતૃશ્રી જે પ્રજ્ઞાચક્ષુ સંસ્થામાં નિશુલ્ક સેવા આપતા હતા, તે જ સંસ્થામાં પ્રવીણા બહેન પણ નિશુલ્ક સેવા આપતા હતા. પ્રજ્ઞાચક્ષુઓની વેદનાનો સંવેદના રૂપે અનુભવ કરનાર પ્રવીણા બહેને ત્રણ લીધેલ કે હું પરણીશ તો કોઈ પ્રજ્ઞાચક્ષુને જ પરણીશ. આ જાણ્યા પછી માતૃશ્રી રંભા બહેનને કહ્યું, ' મારો પુત્ર ભાસ્કર જ પ્રજ્ઞાચક્ષુ છે અને ઘણો હોશિયાર અને તેજસ્વી યુવાન છે. " એ જ વખતે ભાસ્કરભાઈના શૈક્ષણિક સિદ્ધિના સમાચાર અવારનવાર છાપામાં આવ્યા કરતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પણ તેમની સિદ્ધિની નોંધ લીધી હતી. પ્રવીણા બહેને આ તમામ વિગતો જાણી અને એકવાર સીધા ભાસ્કર મહેતાને ત્યાં પહોંચી ગયા. કોઈપણ પ્રકારની પૂર્વભૂમિકા વગર એમણે બેધડક સીધો જ લગ્નનો પ્રસ્તાવ રજૂ કર્યો. ભાસ્કરભાઈ આ પ્રસ્તાવ સાંભળી
અવાચક થઈ ગયા. તેમણે કલ્પના પણ ન હતી કે કોઈ યુવતી આટલી સામાજિક રીતે કોઈ પ્રજ્ઞાચક્ષુ યુવક સાથે લગ્ન કરવા તૈયાર થઈજાય. ભાસ્કરભાઈએ પ્રવીણા બહેનના લગ્નનો સહર્ષ સ્વીકાર કર્યો. સમગ્ર પરિવારમાં હર્ષની લહેર પ્રસરી. બંનેના સાદગીથી લગ્ન થયા અને પ્રસન્ન દાંપત્ય સાથે તેમનો સુખી સંસાર થયો.
આવા ઉમદા સંસ્કારો ધરાવનાર દંપતીના સંતાનો પણ તેજસ્વી અને સંસ્કારી જ હોય ને ! મારો પુત્ર મનન આઈ.ટી. એક્સપર્ટ છે, ઇંગ્લિશ લિટરેચર સાથે એમ.એ. થયેલ દીકરી ઝરમર હાલ ઈગ્લેન્ડ છે અને નાનો પુત્ર ચંદીગઢમાં એમ.બી.એ.નો અભ્યાસ કરે છે. મેં મહેતા સાહેબ સાથે અને પ્રવીણા બહેન સાથે વાત કરી છે. મહેતા સાહેબે વિગતવાર વાત કરી, એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે તેમને મળ્યા એ વાત પણ કરી, અન્ય સ્મરણો વર્ણવ્યા. વિશુદ્ધ ગુજરાતી ભાષા બોલનારો વર્ગ હવે કોઈ બાકી રહ્યો હોય તો તે છે નાગર જ્ઞાતિ. નાગર ભાષામાં અનુસ્વાર ન જવા દે અને સંગીતમાં સ્વર. સાહેબની ભાષા સાંભળી મને ફરી પ્રતીતિ થઈ. મહેતા સાહેબ અંધજન વિદ્યાર્થી મંડળ થઈને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ખૂબ કામ કર્યું છે. પ્રવીણા બહેને પણ સમાજસેવિકા તરીકે સાહેબના કામમાં સહાયતા કરી છે. પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો માટેની તેમની સેવા નોંધપાત્ર છે. નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડના ચીફ પેટર્નર તરીકે સાહેબની સેવા ચાલુ જ છે.
માનવીનું મન જ બંધન અને મુક્તિનું કારણ છે. જે છે તેનો સ્વીકાર એ મુક્તિ છે. જે છે તેનો સ્વીકાર એ બંધન છે. નાગર જ્ઞાતિમાં મેં ઘણા કાર્યક્રમો આપ્યા છે, ઘણા નાગરો મારા અનન્ય સ્નેહીઓ પણ છે. નાગરોના પત્રો પણ સાહિત્યક હોય છે. તેઓ મને જણાવે કે આપને ગુરુતમ કાર્યક્રમ આપવાનો રહેશે અને લઘુતમ પુરસ્કાર સ્વીકારવાનો રહેશે. તારીખ ૨૩-૯- ૨૦૨૫ ના રોજ સાહેબ ૭૫ પૂરા કરે છે અને ૭૬ મા વર્ષનો મંગલ પ્રારંભ કરે છે એ જાણી આનંદ થયો. તેમને હાર્દિક શુભેચ્છા. હસતા રહેશું, રમતા રહેશું. પ્રારબ્ધના પરિહાર અગન, ખેલ જીવતરનો ખેલી રચશું સમ ઇતિહાસ.
તારીખ ૧૦-૮-૨૦૨૫
થાનગઢ