ભાસ્કરભાઈ ભાંગ્યાના ભેરુ

ભાસ્કરભાઈના અમૃતમહોત્સવની આ ક્ષણ તેમને માટે જેટલી આનંદદાયક છે તેથીય વિશેષ અમારે માટે હર્ષઅપાવનારી છે કારણ નાનપણથી જેના જેવા થવાનું સ્વપ્ન સેવ્યું હોય, જેમના જેવા થવાની કોશીશ કરી હોય તેમનો અમૃતમહોત્સવ છે. સાવ નાનપણથી જ ભાસ્કરભાઈના સ્નેહ અને સાંનિધ્યથી અમે સદા પલ્લવિત થતા રહ્યા છીએ, એટલે તેમની સાથે પસાર કરેલા સમય અને પ્રસંગોનાં સ્મરણોની યાદી ઘણી વિશાળ હોય તે સ્વાભાવિક છે. આજે તે પ્રસંગોને વાગોળવાનું મન થાય તે પણ સ્વાભાવિક છે, પણ આજે હું ભાસ્કરભાઈના જીવનમાંથી શું શીખ્યો તેની વાત કરવી છે.

ભાસ્કરભાઈની ચાર આગવી લાક્ષણિકતાઓએ મને ખૂબ પ્રભાવિત કર્યો છે. તેમનું ભાષા સામર્થ્ય, તેમની સંવેદનશીલતા, તેમનું કર્મનિષ્ઠ જીવન અને તેમનોરમૂજી સ્વભાવ.

ભાસ્કરભાઈની વકૃત્વકલા કેવળ ભાષા સમૃદ્ધિ નહીં પણ વિચારસમૃદ્ધિથી તરબતર હોય.સંસ્કૃતહોય કે હિંદી, અંગ્રેજી હોય કે ગુજરાતી, કોઈ પણ ભાષામાં વ્યાખ્યાન હોય, ભાસ્કરભાઈ તેમની નિખાલસતા, નીડરતા, નિપુણતા અને પ્રવાહી ભાષાથી સહુ કોઈને મુગ્ધ કરી દે. તેઓ શાળાના વિદ્યાર્થીઓને સંબોધતા હોય કે વૈશ્વિક કક્ષાની કોન્ફરન્સમાં સંબોધન હોય, તેમનું વક્તવ્ય આકર્ષક હોય જ. ભાસ્કરભાઈની વકૃત્વકલા અને રજૂઆતકલા મારા જેવા અનેકો માટે દિશાસૂચક રહી છે.

ભાસ્કરભાઈની વિકલાંગો માટેની સંવેદનશીલતા અનુકરણીય રહી છે. કોઈ વિકલાંગ વ્યક્તિની સમસ્યાને દૂર કરવાનો પડકાર હોય તો બધી પ્રતિકૂળતાઓને ભૂલી કામે લાગી જાય. ગમે તેટલી મુસાફરી કરવી પડે કે ગમે તેટલો ખર્ચ કરવો પડે, કશાયની દરકાર નહીં જ કરવાની. અરે પોતાના સ્વાસ્થ્યને પણ અવગણી દૃષ્ટિહીન વ્યક્તિનું કામ પાર પાડવાનું એટલે પાર પાડવાનું જ. કોઈની નોકરીનોપ્રશ્ન હોય કે સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય કે અંધત્વને કારણે ઊભી થયેલી કોઈ પણ સમસ્યા હોય, ભાસ્કરભાઈને ખબર પડવી જોઈએ. સામેનો વ્યક્તિ તેમનો સંપર્ક કરે તે પહેલા તેઓ તેની પડખે જઈ ઊભા રહી જાય. અંધ વ્યક્તિનાપ્રશ્ન, પુર્નવસન અને તેનો સર્વાંગી વિકાસ એ તેમનો જીવનધર્મ છે એ હકીકત મારી જેમ સહુ મિત્રોએ નોંધી હશે. સાથે સાથે તેઓ એટલા સરળ વ્યક્તિ છે કે કોઈ પણ વિકલાંગ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વિના ભાસ્કરભાઈને જ્યાં મળે ત્યાં પોતાની વાત કહી શકે, પોતાની આપવિતી કહી શકે અને ભાસ્કરભાઈનો ત્વરિત અને તટસ્થ પ્રતિસાદ તેને મળે જ. તેઓ જ્યારે ગુજરાત રાજ્યના વિક્લાંગો માટેના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અનેક વખત આપણામાંથી ઘણા મિત્રોએ તેમની આ સરળતાને જોઈ હશે. તેમની સરળતાનું એક પાસું એ

પણ છે કે તેમની આસપાસ રહેલા નાનામાં નાની વ્યક્તીની તેઓ નોંધ લે, તેની સાથે કમ્યુનિકેટ કરે અને " ભાસ્કરભાઈમારા જછે એવો અહેસાસ કરાવે. મારા મતે આ ક્ષેત્રમાં કામ કરતા પ્રત્યેક ભેખધારીએ આ કક્ષાની સરળતા અને સંવેદનશીલતા કેળવવી જોઈએ.

ભાસ્કરભાઈ ગમે તેટલા વ્યસ્ત હોય પણ, તેમની ફરજોનું નિર્વહન કરવામાં ક્યારેય ચૂક

થાય એ શક્ય નથી. તેમની એન. એ. બી.ની જવાબદારીઓ છતાં તેમના પ્રાધ્યાપક તરીકેનો કાર્યભાર હંમેશાં તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવતા રહ્યા. એટલે જ તો તેઓ એક સફળ સંનિષ્ઠ અને શ્રેષ્ઠ અધ્યાપક બની શક્યા. સાથે સાથે જિલ્લામાં વિકલાંગોના સર્વાંગી વીકાસનીપ્રવૃત્તિને સતત વેગવંતી રાખવા પણ તેમણે પ્રબળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. મારા મતે જે લોકો " હું ખૂબ વ્યસ્ત છું. પછીમળજો " જેવા વિધાનો ઉચ્ચારે છે તેમને માટે ભાસ્કરભાઈનું જીવન એક જડબાતોડ જવાબ છે.

ભાસ્કરભાઈની એક ઓળખ તે તેમનો રમૂજી સ્વભાવ છે. કોઈને હર્ટ ના કરે તેવું તંદુરસ્ત હાસ્ય તેમની સાથે કામ કરનાર સહુએ જોયું છે. અલબત્ત આ હાસ્ય તેમના કામની ગંભીરતાને લેશમાત્ર ઓછી ના કરે તેનું તેમણે સદા ધ્યાન રાખ્યું છે.

મારા માટે ભાસ્કરભાઈ એક પરિવારના વડીલ, એક પથદર્શક અને એક સાચા સ્વજન છે. ઈડરની કૉલેજમાં મારી અધ્યાપક તરીકે વરણી થાય તે માટે તેમણે કરેલી કોશીશ, પ્રવાસમાં સાથે હોઈએ ત્યારે ખાસ તેમણે લીધેલી મારા સ્વાસ્થ્યની કાળજી, અમારા પરિવારને મળેલો ભાસ્કરભાઈનો અને પ્રવિણાભાભીનો સ્નેહ અને હૂંફ માટે લખવા બેસું તો શબ્દો પણ ખૂટે અને સમય પણ, તેથી એટલું જ કહ્યું, અમે હંમેશાં તેમના ઋણી રહીશું.

અને હા ભાસ્કરભાઈને ગંભીર બીમારીમાંથી સાજા કરવા પ્રવિણાભાભીએ અને

તેમના પરિવારજનોએ જે જહેમત ઉઠાવી છે તે જોઈને ખુદ ઇશ્વરે કહેવું પડશે, ' દીર્ઘાયુ ભવ ". આ શુભ અવસર પર ભાસ્કરભાઈ ઝડપથી સ્વસ્થ થઈ ફરી સહુને માર્ગદર્શન આપતા રહે, સહુનું ઉત્સાહવર્ધન કરતા રહે અને તંદુરસ્ત, દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત કરે તેવી ઇશ્વરને કરબદ્ધ પ્રાર્થના.

રણછોડભાઈ સોની