અમૃત મહોત્સવ પ્રસંગે સંવેદના

વ્યોમે વિહરતા ' ભાસ્કર ' વિશે હમણાં જ તો (પુષ્ટિ પૂર્તિ સમયે) લખ્યું'તું ને એટલામાં વળી અમૃત વેળા (૭૫ વર્ષ) આવી ગઈ. જોકે " ભાસ્કર " તો મધ્યાહ્ન સમયે દિસતો હતો એવો જ દિસે છે. " હાથ કંગન કો આરસી ક્યા? " ની જેમ ભાસ્કરભાઈવિશે કંઈપણ લખવું એ સૂરજને (એટલે કે સ્વ નામધન્ય ભાસ્કરભાઈ) દીવો બતાવવા જેવું છે તેમ છતાં " ભોજનમાં લાડુ " સમ મારા સાઢુભાઈવિશે લખ્યા વિના રહી શકતો નથી ‘ ભાસ્કર ’ નામ પાડતી વખતે વડીલોએ ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે એમનું નેત્રહીન સંતાન કંઈ કેટલાય પરિવારોમાં એવો પ્રકાશ રેલાવશે જેનાથી એ પરિવારજનોની જિંદગી બદલાઈ જશે. આજથી ચાલીસ વર્ષ પૂર્વે જેની શરૂઆત કરવામાં આવી હતી એ સંસ્થા વિશાળ વટવૃક્ષમાં ફેરવાઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના પછાત, આદિવાસી કહી શકાય એવા સાબરકાંઠા જિલ્લામાં કોઈ પણ પ્રકારની સરકારી સહાય વિના ગાંઠના ગોપીચંદનની મદદથી સેવાકીય સંસ્થા ચલાવવી એ સામા પૂરે તરવા જેવી સ્થિતિ હતી. કૉલેજમાં પ્રાધ્યાપક તરીકેની નોકરી, સામાજિક જવાબદારીઓ સાથે અંતરિયાળ વિસ્તારમાં વસતા સંપૂર્ણ કે અંશત દ્રષ્ટિહીન બાળકોને શિક્ષણ આપવાની આહલેક સાથે ટાંચા સાધનોથી અને એમના જેવા કેટલાક આર્થિક લાભ કરતાં સેવાને જ પ્રાધાન્ય આપતા મૂઠીભર સહાયકોની મદદથી શરૂ કરેલ પાતળી સરવાણી આજે ભાગીરથીનું સ્વરૂપ લઈ ચૂકી છે ભાસ્કરભાઈની વિકાસ યાત્રાનો ઉલ્લેખ અન્યત્ર થઇ ચૂકેલ હોવાથી એ અંગે લખવાનું ટાળું છું.

દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ અચૂક રહેલો હોય છે. તદનુસાર ભાસ્કરભાઈની નેત્રદીપક સફળતા પાછળ તેઓના પડછાયા સમા પત્ની પ્રવિણાબેનની સૂઝબૂઝ, કાળજી, નિષ્ઠા અને અથાગ પરિશ્રમ રહેલો છે. જાણીને નવાઈ લાગશે કે પ્રવીણાબેનનું ભાસ્કરભાઈ સાથેનું આપ્રેમલગ્ન (civilmarriage) છે. આજથી પિસ્તાલીસ વર્ષ પૂર્વે એક સ્નાતક થયેલ, દેખાવડી યુવતી નેત્રહીન પ્રાધ્યાપક સાથે સ્નેહલગ્નથી જોડાય એ કેટલું ક્રાન્તિકારી અને હિંમતભર્યું પગલું હશે તેની તો કલ્પના જ કરવી રહી. શ્વસુર પક્ષે સાસુ, સસરા, અને ચાર ભાઇઓ સાથેનું બહોળું કુટુંબ. સરકારી નોકરી મળી શકતી હોવા છતાં એ

જતી કરીને ભાસ્કરભાઈ સાથે ખભેખભો મિલાવીને અથાગ પરિશ્રમથી તેઓના સ્વપ્નને

સાકાર કર્યું. ત્રણ સંતાનો પૈકી દીકરી વિદેશમાં સ્થિત છે, એક પુત્ર અને પુત્રવધૂ એમની સાથે છે,

અને નાનો પુત્ર અને પુત્રવધૂ બંને મુંબઈ ખાતે ફાર્મા કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર છે. બીજી એક

બાબતનો ઉલ્લેખ અહીં કર્યા વગર રહી શકતો નથી તે એ કે ભાસ્કરભાઈ તેઓના સામાજિક સેવાના પ્રદાન માટે અને એમનો પુત્ર હર્ષ નિરમા યુનિવર્સિટીમાં ઈજનેરી કક્ષાએ પ્રથમ આવવા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ મહામહિમ એ. પી. જે. અબ્દુલકલામ દ્વારા પુરસ્કૃત થઇ ચૂકેલા છે. પિતા, પુત્ર બેઉ પોતાના ક્ષેત્રે એક જ રાષ્ટ્રપતિ દ્વારા પોંખાયા હોય એવી વિરલ ઘટના છે.

સ્મરણો તો કૈં કેટલાંય છે ઇડરમાં મારી નોકરી દરમિયાન બે - અઢી વર્ષ ભાસ્કરભાઈના કુટુંબ સાથે રહેવાનું થયું અને એમના મિશનની કામગીરીતે નજીકથી નિહાળવાની તક મળી રોજ રાત્રે તેમના નિવાસસ્થાને તેમના સહપ્રાધ્યાપક મિત્રો મુરબ્બી કે. એચ. પ્રજાપતિ, પ્રો. રાણા, દુધાત સાહેબ સાથે મિત્ર મંડળી જામતી, અલકમલકની વાતો થતી. ત્રીસેક વર્ષ પહેલાંના એ સમયની યાદ આજે પણ મનને ભરી દે છે.

પંચોતેર વર્ષની મજલ પછી ભાસ્કરભાઈ શારીરિક રીતે નબળા પડ્યા છે પણ માનસિકપણે

તો એટલા જ ચુસ્ત છે. આ પ્રસંગે તેમના કુટુંબીજનો સાથે તેઓના નિરામય દીર્ઘાયુની કામના

સહ...

રાજેન્દ્ર રાવલ