સાબરકાંઠા દિવ્યાંગોના ‘ ભાસ્કર ’ નો ઉદય

ઓમ ભાસ્કરાય નમઃ

નથી આ લેખ કે નથી આ જીવનચરિત્ર આ તો છે એક

અનુભૂતિ - હૃદયને સ્પર્શેલા વાસ્તવિક દૃશ્યોની,

બાળપણમાં શાળાએ જતા એક દેશ્ય નજરે પડતું, મારા વતનમાં સામેથી એક કાકા મણિભાઇ જોશી પોતડી પહેરી ઉપર પહેરણ, માથે ટોપી હાથમાં લાકડી પણ ટેકા માટે નહિ, ચાલતા ચાલતા આગળ ધરતા જાય જાણે લાકડી તેમનો પથદર્શન હોય. ગામના છેવાડે આવેલા તળાવકિનારે મહાદેવના દર્શન કરવા જાય. આ એમનો નિત્ય ક્રમ વિશિષ્તા એ કે આંખમાં કીકી નહિ ને છતાં ચાલ્યા જાય લોકો કહેતા કોઇ દિવ્ય શક્તિ તેમનામાં છે.

આવું જ એક દેશ્ય 1984-85 માં ઇડરના વલાસણા રોડ પર જોયું એક બહેન જમણા હાથમાં બાળક તેડેલુ હોયને બીજા હાથનો આધાર લઇ એક ભાઇ ચાલે. કોલેજના પગથિયા સુધી જાય. ભાઇ કૉલેજમાં ચાલ્યા જાય, માનવી લીધું એક દિવ્યાંગ પ્રોફેસર જ હશે ! અને બન્યું એવુ કે 1985 ના ફેબ્રુઆરીમાં એમના પાડોશી બનવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું અને તે હતા મારા પરમ સ્નેહી પ્રો. ભાસ્કર મહેતા.

આ વિશિષ્ટ વ્યકિત કર્મ અને ધર્મને સાથે લઇને ચાલનારો, વહેલી સવારે કૉલેજમાં વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે એ એમનું કર્મ અને પછી એમનો ધર્મ એમના હૃદયને ઢંઢોળતો હવે તારો ધર્મ બજાવ અહિના દિવ્યાંગ વ્યકિતઓનો હાથ પકડ અને એમનો આધાર બન ને એમને જાણે પ્રતિજ્ઞા લીધી મનોમન આ ભૂમિના દિવ્યાંગના આધારસ્તંભ નહિ બનું ત્યાં સુધી જપીશ નહિ.

રહેઠાણના મકાનમાં પરિવારની વચ્ચે ‘ રાષ્ટ્રીય અંધજન મંડળ ’ સાબરકાંઠા શાખાની કચેરીનો પ્રારંભ કર્યો. સહકાર્યકરો અને કર્મચારીઓની મદદ લઇ જિલ્લાના સમગ્ર વિસ્તારનું છેક છેવાડા સુધી સર્વેક્ષણ હાથ ધર્યું. સૌ પ્રથમ દિવ્યાંગ બાળકોના શિક્ષણનું કાર્ય હાથ ઉપર લીધું. પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરી ઉંડાણના ગામડાઓમાં બાળકોને શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી.કાર્યાલય સાંકડુ પડવા લાગ્યું, છેવટે ભાડે કાર્યાલય રાખી અને વિકાસનો દોર ચાલુ આજે તો આ સંસ્થામાં એમના માર્ગદર્શન નીચે સર્વપ્રકારના દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. ભાસ્કર ભાઇના ધર્મપત્ની પ્રવિણાબેને અંગત રસ લઇ બહેનોને હોસ્ટેલ

વ્યવસ્થા કરી, હોમ સાયન્સનું શિક્ષણ આપ્યું. આ સંસ્થાના વિકાસનું વર્ણન શબ્દોમાં કરવુ અશક્ય છે સંસ્થા તો આજે એક વટવૃક્ષ બની ગઇ છે. જોત જોતામાં સંસ્થા એના વિકાસના પગથિયા ચડતાં ચડતાં 40 વર્ષ પૂર્ણ કરે છે અને જુઓને કેવો શુભ સંયોગ સંસ્થાના સ્થાપક પ્રણેતા પ્રો. ભાસ્કર મહેતા 75 વર્ષ પૂર્ણ કરે છે અને એમની યાદોનું સ્મરણ કરવા જ એક સ્મૃતિઅંક પ્રગટ કરી રહ્યા છીએ.

આ સંસ્થાના વિકાસના પાયામાં ભાસ્કરભાઇની નિઃસ્વાર્થ સેવાભાવના ને એમના પરિવારનો સંપૂર્ણ સમર્પણભાવ રહેલો છે. સહ કાર્યકરોએ સંપૂર્ણ સહકાર આપ્યો છે. પણ ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે? એક બાજુ તો સંસ્થાના વિકાસનો દોર વણથંભ્યો ચાલુ અને બીજી બાજુ ભાસ્કરભાઇને અકસ્માત નડ્યો યાદશકિત ગુમાવી સંપૂર્ણ વિકલાંગ થઇ ગયા ત્યારે પ્રશ્ન થયો કે શવે શું? પણ એજ સમયે તેમના ધર્મપત્ની પ્રવિણાબેને હિંમત દાખવી અકે હાથે પતિની સેવા અને પત્નીધર્મ અને બીજી બાજું સહકાર્યકરો સાથ અને હિંમત આપી સંસ્થાના વિકાસનો દોર ચાલુ રાખ્યો. ખરેખર અર્ધાંગના શબ્દને નહિ સંબંધને સાર્થક કર્યો.

મણિકાકામાં જે ગામના લોકો દૈવીશકિત જોતાં તેમ અહિં દૈવીશકિતના અનુભવથી દિવ્યાંગોના વિકાસના સર્જનને અનુભવવા માટે યાદશકિત પાછી આવી. સફળ થયેલા પોતાના માનવધર્મને માણવાજ ઇશ્વરે કૃપા કરી. આવે સંપૂર્ણ રીતે ભૂતકાળને વર્તમાનને વાગાળે છે અને સ્વભાવ પ્રમાણે ભવિષ્યનો કંઇક તો વિચાર કરતાં જ હશે.

આ તો શૂન્યમાંથી સર્જન થયું છે અને ભાસ્કરભાઇના હૃદયમાં રહેલો માનવધર્મ સફળ થયો છે અને એટલેજ તો દિવ્યાંગોના વિકાસના પ્રતિક સમા ભવનનું સર્જન થયું. તેનું નામ સર્વાનુમતે એકજ અવાજે ‘ ભાસ્કર ભવન’આપી કાર્યકરોએ ઋણ અદા કર્યું.

હવે તો માત્ર દિવ્યાંગોના વિકાસના વૃક્ષનું સિંચનને જતન થાય એ આપણા સૌની ફરજ છે. દિવ્યાંગોના વિકાસ માટે સમાજને આધાર બનાવવોએ એમનો અધિકાર છે.

આવો આપણે સૌ સાથે મળી આ માનવધર્મની જ્યોતને સદાયે પ્રજવલીત રાખીએ.

ઓ.જી. વ્યાસ, ઈડર
આજીવન સભ્ય, રાષ્ટ્રીય અંધજન મંડળ, ઇડર