ઉજાસનાં સાંનિધ્યમાં એક સ્મૃતિ સફર

કેટલીક વાર જીવનમાં એવા વળાંકો આવે છે, જે આપણી આખી દિશા બદલી નાખે છે. મારા જીવનમાં પણ આવો જ એક વળાંક આવ્યો હતો. 1987 માં મેં રાષ્ટ્રીય અંધજન મંડળ, ઈડર શાખામાં ઈન્ટરવ્યુ આપ્યો અને મારું સિલેક્શન પણ થઈ ગયું. પરંતુ, એક અગમ્ય કારણોસર મેં નોકરીની ના પાડી

દીધી. ત્યારે મને ક્યાં ખબર હતી કે આતો મારા જીવનની એક નવી યાત્રાનો પ્રસ્તાવ હતો.

એક વર્ષ બાદ, 1988 માં ફરી એકવાર ઈન્ટરવ્યુ ગોઠવાયો. મારા મોટાભાઈ, પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા, જેમને હું હંમેશાં ગુરુ અને માર્ગદર્શક તરીકે જોઉં છું, તેઓ અમદાવાદથી મારા ઘરે આવ્યા. તેમણે મને ખૂબ સમજાવ્યું કે આ વખતે હું નોકરી અચૂક સ્વીકારું. હું ઘરની બહાર, આટલે દૂર ક્યારેય ગઈ નહોતી. મારાં માતા - પિતા, ભાઈઓને અને મને ખૂબ હિંમત આપી. તેમણે કહ્યું, ' બહેનની બિલકુલ ચિંતા કરશો નહીં. ' તેમના આ શબ્દોએ મને એક નવી તાકાત આપી.

1988 માં ઈન્ટરવ્યુ થયો અને મારું સિલેક્શન પણ થયું. પરંતુ, મેનેજમેન્ટના પ્રમુખશ્રી અને અન્ય સભ્યો પહેલા ના પાડી રહ્યા હતા, કારણ કે મેં ગત વર્ષે ના પાડી હતી. આદરણીય પ્રમુખશ્રી જે. જે. શાહ સાહેબ અને રમેશભાઈ સાહેબે મને પાંચ વર્ષના બોન્ડ લખી આપવા કહ્યું અને મેં સ્વીકાર્યું. આ શરત હતી, પણ એણે મારા મનમાં એક જવાબદારીની ભાવના જગાડી.

બસ, અહીંથી મારી યાત્રાની શરૂઆત થઈ. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ પડી. મેં કદી ગામડાં જોયાં નહોતાં. સંસ્થાના કામ અર્થે જ્યાં પણ જવાનું હોય ત્યાં રામજીભાઈ મારી સાથે આવતા. ધીમે ધીમે હું આ નવા પથ પર આગળ વધતી ગઈ. સૌથી મોટો પડકાર હતો નેત્રહીન બાળકોની ભાષા સમજવાનો. શરૂઆતમાં હું તેમની વાત સમજી શકતી નહોતી અને તેઓ મારી. પણ ધીમે ધીમે અમે એકબીજાની ભાષા સમજી ગયા. આ એક અદ્ભુત અનુભવ હતો.

સંસ્થામાં ઘણી અગવડ હતી, પણ મને ક્યારેય એવો અહેસાસ થયો નથી કે હું અહીં માત્ર નોકરી કરું છું. અહીં આવીને હું એક પરિવારનો હિસ્સો બની ગઈ. પોતીકાપણાની લાગણીએ મને ક્યારેય કામનો ભાર લાગવા દીધો નથી. મને યાદ છે, જ્યારે અમે ફ્લેગ - ડે માટે અને રાત્રે પત્રિકા વિતરણ માટે એક નાના રૂમમાં ભેગા થતા, ત્યારે સાહેબ અને તેમના ધર્મપત્ની પ્રવિણાબેન હંમેશાં અમારી સાથે જોડાતાં. તેઓ અમને ચા - નાસ્તો પણ કરાવતાં. તેમનો સહકાર અને પોષક વાતાવરણ ખરેખર પ્રેરણાદાયક હતું.

મારા મોટાભાઈ પ્રોફેસર ભાસ્કરભાઈ દર વર્ષે બાળકો માટે કેમ્પનું આયોજન કરતા. અમે પ્રવાસી શિક્ષકો ત્યાં હાજર રહીને નેત્રહીન બાળકોને બ્રેલ લખતાં - વાંચતા શીખવાડતા. આ સિવાય, તેમને અન્ય પ્રવૃત્તિઓમાં પણ જોડીને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રયાસ કરતા. કેમ્પમાં બધી બહેનો સાથે મળીને નવી નવી વાનગીઓ બનાવીને બાળકોને પ્રેમથી જમાડતી. શરૂઆતમાં બાળકો માટે પૂરતાં સાધનો નહોતા, પરંતુ ભાસ્કરભાઈ સાહેબ ડોનેશન લાવીને તે ઉણપ પૂરી કરતા. અમે શિક્ષકો પણ બાળકો માટે જુદા જુદા પ્રોજેક્ટ બનાવતા અને બાળકો સાથે ખૂબ મજા કરતાં. આ સંસ્થામાંથી મને

જે શીખવા મળ્યું, તેનો યશ મારા મોટાભાઈભાસ્કરભાઈને જાય છે.

1988 થી 1993 સુધી મેં આ સંસ્થામાં કામ કર્યું. આ પાંચ વર્ષ મારા જીવનના સૌથી સુંદર અને પ્રેરણાદાયક વર્ષો રહ્યાં. મને ક્યારેય એવું લાગ્યું નથી કે હું નોકરી કરું છું, હંમેશાં પોતીકાપણું જ અનુભવ્યું. પ્રોફેસર ભાસ્કરભાઈનું વ્યક્તિત્વ ખરેખર અડીખમ હતું. તેઓ ખૂબ જ દયાળુ અને દરેકને મદદ કરનાર વ્યક્તિ હતા. ક્યારેય કોઈ શિક્ષકને તકલીફ હોય, તો તેઓ તેમની પડખે ઊભા રહેતા.

સંસ્થાની શરૂઆત ઈડરમાં પંચાલભાઈનું મકાન ભાડે રાખીને થઈ. ત્યારબાદ સત્યમ ચાર રસ્તા પાસે બીજું મકાન ભાડે લીધું. ત્યાં વિશાળ લાયબ્રેરી હતી, જેનું સંચાલન હર્ષાબેન પંડ્યા કરતાં હતાં. બે માળના મકાનમાં ઉપરના માળે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ હતી. ત્યાંથી તેઓ સ્કૂલમાં જતા. હું ધોરણ 11-12ના વિદ્યાર્થીઓને મનોવિજ્ઞાન વિષય ભણાવતી. ભાસ્કરભાઈનાં ધર્મપત્ની પ્રવિણાબેન પણ અઠવાડિયામાં બે - ત્રણ વાર હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખતાં. પ્રવિણાબેને પોતે પણ બ્રેલ લિપિ શીખી હતી અને બાળકોને ખૂબ રસપૂર્વક શીખવાડતા. તેઓ માનતા કે આધુનિક યુગમાં ભલે બોલતા કમ્પ્યૂટર અને મોબાઇલ હોય, પણ વિદ્યાર્થીઓને બ્રેલ લખતા - વાંચતા આવડવું જ જોઈએ, જેથી ભવિષ્યમાં તેમને કોઈતકલીફ ન પડે.

આજે આ સંસ્થા એક વટવૃક્ષ બની ગઈ છે. તેની પાસે પોતાનું મકાન છે. ડોનેશન દ્વારા બાળકો માટે નીત નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. હવે તો એચ.આઈ.વી.આઈ. અને બહુ- વિકલાંગતા ધરાવતા બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે છે. ખરેખર, આ સંસ્થાએ ચારે બાજુ સુવાસ ફેલાવી છે અને તેનું નામ ગુજરાતભરમાં ગુંજેછે.

1994 માં મારી ખેડબ્રહ્મા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મનોવિજ્ઞાનની અધ્યાપિકા તરીકે નિમણૂંક થઈ. ત્યાં હાજર થયા બાદ મેં આ સંસ્થા છોડી, પરંતુ તેને ક્યારેય ભૂલી શકી નથી. 1997 થી હું ઈડર આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં પી.જી.માં વિઝિટિંગ લેક્ચર લેતી થઈ. દર શુક્રવારે લેક્ચર પૂરા કરીને હું સંસ્થાની મુલાકાત લેતી અને બાળકો સાથે વાતચીત કરતી.

એક સમય આવ્યો જ્યારે ભાસ્કરભાઈ સાહેબ કમિશનર બન્યા અને મને સંસ્થાના મંત્રી પદની જવાબદારી સોંપી. કૉલેજમાં નોકરી કરતી હોવા છતાં હું અઠવાડિયામાં બે - ત્રણ દિવસ સંસ્થામાં સમય

આપતી. હું સંસ્થામાં કારોબારી સભ્ય પણ રહી ચૂકી છું. સંસ્થાની આ સુવાસ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફેલાઈ છે અને હું તો કહીશ કે સમગ્ર ગુજરાતમાં પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાનું નામ તેમના ભગીરથ કાર્યોને કારણે ગુંજે છે.

મારા કાર્યકાળ દરમિયાન પ્રમુખ જે. જે. શાહ સાહેબ, રમેશભાઈ અને કારોબારી સભ્યો તરફથી મને ખૂબ પ્રેરણા અને સહકાર મળ્યો. હું આ સંસ્થા, મારા ગુરુ સમાન મંત્રી શ્રી પ્રોફેસર ભાસ્કરભાઈ સાહેબ અને તેમના ધર્મપત્ની પ્રવિણાબેનની હંમેશાં ઋણી રહીશ, કારણ કે તેમણે મને સતત પ્રોત્સાહિત કરી અને આજે તેમના આશીર્વાદથી જ હું આટલે સુધી પહોંચી છું.

પ્રોફેસર ભાસ્કરભાઈ સાહેબ અને પ્રવિણાબહેનને મારા સત સત વંદન.

અસ્તુ.

નિશાબેન તાજપુરિયા