શિક્ષણ અને સેવાનો સમન્વય ભાસ્કર મહેતા

અમારું ભાગ્ય છે ભાગ્યને જાતે ઘડી લઈશું ;
વિધિ જો અંતરાયો નાંખશે તો બાખડી લઈશું.

કવિ જમિયત પંડ્યાના આ શબ્દોને સાર્થક કર્યા છે પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરભાઈ મહેતા મૂળ

ભાવનગરના અને અમદાવાદમાં સ્થાયી થયેલા પ્રતિષ્ઠિત નાગર પરિવારમાં ભાસ્કરભાઈનો જન્મ થયો. બાળક જન્મથી જ અંધ તેથી માતા - પિતાને બાળકનાં ભવિષ્યની ચિંતા થાય તે સ્વાભાવિક છે. પણ માતા - પિતાને ક્યાં ખબર હતી કે આ બાળક પરિવારનું નામ રોશન કરવા જન્મ્યું છે.

ભાસ્કરભાઈને અમદાવાદ ખાતે નવરંગપુરામાં આવેલી અંધશાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યા. અહીં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી સનેત્ર વિદ્યાર્થીઓ સાથે એમ. એ. બી. એડ્. અને એલ. એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં ખૂબજ તેજસ્વી એવા ભાસ્કરભાઈ એ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી અનેક ઈનામો મેળવ્યાં.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. એટલું જ નહીં પણ પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રાધ્યાપકની નોકરીના દ્વાર ખોલી નાખ્યા. એક વર્ષ સુધી અહીં અધ્યાપન કાર્ય કર્યું ત્યારબાદ અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી. અહીં એક વર્ષ પછી સરપ્લસ થતાં મણિનગરની સરસ્વતી વિદ્યામંદિર હાઈસ્કૂલમાં નિમણૂંક પામ્યા. ત્યાં પણ તેઓ ઉત્તમ શિક્ષક તરીકે સૌના માનીતા બની રહ્યા.

ઈ. સ. ૧૯૮૩ માં સાબરકાંઠા જિલ્લાના ઇડર ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા તરીકે જોડાયા. અધ્યાપનની ઉત્કૃષ્ટ શૈલી, ઉમદા રીતભાત, છટાદાર વક્તવ્ય, હકારાત્મક વલણ અને વિદ્યાર્થીઓને સતત પ્રેરણા મળે તેવી પર્સનાલિટી. આ બધા ગુણો ભાસ્કરભાઈને મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે મૂકી આપે છે. થોડા જ સમયમાં આ ભાસ્કર ઈડર કૉલેજમાં ઝળહળવા લાગ્યો.

ભાસ્કરભાઈએ ઉત્તમ શિક્ષણકાર્ય કરીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આગવી ઓળખ ઊભી કરી. તેમણે સામાજિક ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઈ. સ. ૧૯૮૩ માં કેટલાંક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મિત્રો સાથે મળીને અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘની સ્થાપના કરી. તેઓ આ સંઘના પ્રમુખ તરીકે નિમાયા. પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની સમસ્યા અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલરહ્યા.

ઈ. સ. ૧૯૭૮ માં તેઓ પ્રવિણાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. તેમની પ્રગતિમાં પ્રવિણાબેનનો ફાળો ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે. સંસાર સારી રીતે ચાલતો હતો. ઈશ્વર કૃપાથી બે પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો. જીવન સફળતાની કેડીએ ઊર્ધ્વગતિ કરતું હતું. ત્યારે તેમને વિચાર આવ્યો કે, ' મેં તો અંધત્વ પાર કર્યું પણ આ વિસ્તારમાં રહેતા તેમજ અન્ય અંધજનોનું શું? ' આથી ભાસ્કરભાઈએ ઈ. સ. ૧૯૮૫ માં રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખાની ઈડર ખાતે સ્થાપના કરી. તેઓ આ જિલ્લા શાખાના માનદ મંત્રી બન્યા. જિલ્લામાં ફરીને અંધજનોનો સર્વે કર્યો. તેમના શૈક્ષણિક, વ્યાવસાયિક અને પુનર્વસન માટે સખત મહેનત કરી. અંધજનો સિવાયનાં અન્ય વિકલાંગ બાળકોનાં શિક્ષણ માટે સતત સક્રિય રહ્યા.

કુશાગ્ર બુદ્ધિ અને કુશળ વહીવટકર્તા હોવાને કારણે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૦૫ માં ભાસ્કરભાઈને ગુજરાત રાજ્યના વિકલાંગ કમિશનર તરીકે પસંદ કરવામાં આવ્યા. સચિવ દરજ્જાનો હોદોસંભાળ્યો અને દેશમાં ઐતિહાસિક ઘટના બની.

તેજસ્વી વિદ્યાર્થી, ઉત્તમ અધ્યાપક, સામાજિક કાર્યકર અને કુશળ વહીવટકર્તા ભાસ્કરભાઈનું વ્યક્તિત્વ ઊડીને આંખે વળગે તેવું છે. વાચાળ, માયાળુ, રમૂજી અને નિખાલસ એવા ભાસ્કરભાઈસૌના પ્રિય બની રહ્યા છે.

પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ દરમિયાન તેમને અનેક ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિ માટે કેટલાય પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થયા છે. આ યાદી ખૂબ લાંબી છે.

ઈ. સ. ૨૦૧૦ માં ભાસ્કરભાઈ ૬૦ વર્ષના થયા ત્યારે ગુજરાતની વિકલાંગો માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા ગાંધીનગર ખાતે ષષ્ઠિપૂર્તિ ઊજવવામાં આવી હતી. તેઓ ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા દ્વારા અમૃત મહોત્સવ ઊજવાય છે ત્યારે તેઓ દીર્ઘાયુ અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ.

લેખક મુકેશ ધારૈયા