મિનાક્ષીબેનના અનુભવ (અંધકારમાં ઉજાશ)

અમારા સાહેબ એટલે શબ્દોનો અખૂટ ખજાનો, મિલનસાર સ્વભાવ, નિયમપાલનમાં ચુસ્ત, આટલું પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવા છતાંય ક્યાંય અભિમાન તો નહીં જ.

અંધકારમાં ઉજાશ એટલે..... પ્રો. ભાસ્કરભાઈ મેહતા સાહેબ

તેમને ન ઓળખે એટલા ન્યાત બહાર. હું મારો અભ્યાસ પૂર્ણ કરી મેમનગર અંધ દીકરીઓને વાંચન કરી આપવા અને રેકોર્ડિંગ કરવા માટે જતી. ત્યાં મારો પરિચય પ્રિન્સિપાલ દમયંતીબેન સાથે થયો. તેમણે મને વાતચીત કરતાં સાહેબશ્રી વિશે જાણકારી આપી કે ભાસ્કરભાઈ સાહેબ ઇડર ખાતે સંસ્થા ચલાવે છે. તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે પ્રોફેસર છે. તેમની સંસ્થામાં કદાચ શિક્ષકોની જરૂર હોય તો સાહેબ સાથે વાત કરી રાખો તો કામ લાગે તેમ કહી બેને સંપર્ક નંબર સાથે સાહેબનો પરિચય પણ આપી દીધો.

તેમના કહ્યા પ્રમાણે મેં સાહેબ સાથે વાત કરતાં સામેથી બેટા તારો અભ્યાસ કેટલો? તારા પરિવારમાં કોણ કોણ છે? શું કામ કરે છે? તેવા શબ્દો સાંભળતા જ મારા સ્વજન સાથે વાત કરતી હોઉ તેવી ખુશી પ્રસરી ગઈ. થોડાક જ દિવસોમાં ઈડર સંસ્થા ખાતે ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું ત્યાં હું ડૉક્યુમેન્ટ સાથે હાજર રહી અને મારી વિશિષ્ટ શિક્ષક તરીકે વર્ષ 1999 માં નિમણૂંક થઈ. સાહેબના હાથ નીચે કામ કરતાં કરતાં ઘણું શીખવા મળ્યું. સાચા અર્થમાં કહું તો ઘડાવાયું. ક્યાંક ભૂલ થાય તો સાહેબ બરાબર ધમકાવી નાખે પછી થોડા સમય પછી તેમની મૃદુ ભાષામાં વાત કરી વાતાવરણ હળવું પણ કરી નાંખે અને સ્ટાફને પોતાનો પરિવાર ગણી દરેકના સારા - ખરાબ પ્રસંગમાં હાજરી આપવાનું ચૂક્યાં નથી. સાહેબ ખાવાના પણ ખૂબ શોખીન ખરા, ઘણી વખત સ્ટાફ અને બાળકો સાથે તેમની સાથે કાર્યક્રમોમાં જવાનું થયું છે તો સારામાં સારી જગ્યાએ ભાવતું જમણ આપ્યું છે. અંધ બાળકો ઘરની બહાર નીકળે અને કંઇક શીખે તેવો હંમેશાં તેમનો આશય રહ્યો છે.

હું મારો અનુભવ કહું તો સાહેબ જિદ્દી પણ ખરા એકવાર સાહેબે મને ચાર સંપૂર્ણ અંધ બાળકોને લઈને કટરા (વૈષ્ણવદેવી) જવાનું જણાવ્યું. હું કયારે બહાર ગઈ ન હતી, ટ્રેનનો કોઈ અનુભવ નહોતો. મનમાં ખૂબ ડર હતો. સાહેબને ખૂબ વિનંતી કરી કે સાહેબ મારી સાથે સ્ટાફની બીજી કોઈ વ્યક્તિ આપો કે જેથી મને જવા આવવામાં સહાયરૂપ થાય પણ સાહેબ તેમના નિર્ણય ઉપર અડગ જ રહ્યા અને બાળકોને લઈને મારે એકલા જ જવાનું થયું. કયાંય પણ જઈએ તો ભાસ્કરભાઈની સંસ્થામાંથી છીએ એટલે આગળ બીજો કોઈપરિચય આપવાનો હોય જ નહીં.

સાહેબ માત્ર બોસ તરીકે નથી રહ્યા પણ તકલીફના સમયે મદદરૂપ પણ થયા છે. મારી જિંદગીમાં ઘણા ચઢાવઉતાર આવ્યા તેમા સાહેબે પ્રોત્સાહન આપી આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી કે બેટા ચિંતા ના કરીશ, અમે તારી સાથે છીએ. આ વાત મારી હિંમતનું કારણ બની. પ્રભુને હું પ્રાર્થના કરું છું કે આ પિતાતુલ્ય સાહેબનું આરોગ્ય તંદુરસ્ત રહે અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરે.

આભાર

મિનાક્ષીબેન કે. દવે વિશિષ્ઠ શિક્ષક