મારા જીવનને ઉજાગર કરનાર

મારું નામ મનોજબા ભવાનસિંહ સિસોદિયા, પણ આજે હું મનોજબા દશરથસિંહ ચૌહાણ તરીકે ઓળખાઉં છું. મારું જીવન એક એવી યાત્રા છે જે અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધી. આ યાત્રાની શરૂઆત ગાંધીનગરના લીંબોદરા ગામમાં થઈ, જ્યાં ચોથા ધોરણમાં ભણતી વખતે મને અને મારા પરિવારને જાણ થઈ કે મને ઓછું દેખાય છે. તે સમયે કદાચ કોઈને ખ્યાલ નહોતો કે આ જ મારા જીવનનો સૌથી મોટો પડકાર અને પ્રેરણા બનશે.

સને 1988 ની વાત છે. હું ફીચોડ માધ્યમિક શાળામાં આઠમા ધોરણમાં ભણતી હતી. તે જ અરસામાં સાબરકાંઠા જિલ્લામાં સી.બી.આર. પ્રોજેક્ટ શરૂ થયો હતો. આ પ્રોજેક્ટના ફિલ્ડ વર્કર શ્રી મમાજી ઠાકોર એક સર્વે કરી રહ્યા હતા અને એ સર્વેમાં મારો પણ સમાવેશ થયો. આ ઘટના મારા જીવનની સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની શરૂઆત હતી. આ સર્વેએ મને હિંમતનગર સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડી, જ્યાં મને અંધત્વનું સર્ટિફિકેટ મળ્યું. મારા જીવનમાં શિક્ષણનો નવો અધ્યાય શરૂ થયો. ધોરણ નવમાં પ્રવેશ મળતાની સાથે જ મને સંકલિત શિક્ષણ યોજનાનો લાભ મળ્યો. મારા પ્રથમ ગુરુ શ્રી રામજીભાઈ સી. પટેલ ગોરલે મને પહેલી વાર બ્રેલ લિપિની કલમ પકડાવી અને વાંચતા - લખતા શીખવાડ્યું. તેમની મહેનત અને મારા પ્રયત્નોથી હું ધોરણ 10 માં 57 ટકા સાથે પાસ થઈ.

ધોરણ 11 અને 12 માં ઇડરની કે.એમ. પટેલ હાઇસ્કૂલમાં ભણવાનું શરૂ કર્યું, ત્યારે મને એક નવો પડકાર મળ્યો. મારો પરિવાર એવું માનતો હતો કે ક્ષત્રિય પરિવારની અંધ છોકરી ભણી ન શકે. ત્યારે મારા જીવનના તારણહાર બનીને આવ્યા એન.એ.બી. સાબરકાંઠા જિલ્લા શાખાના માનદ્ મંત્રી શ્રી ભાસ્કરભાઈ અને તેમની ટીમ. તેમણે મારા પરિવારને પ્રેમપૂર્વક સમજાવ્યો અને મને ભણવાની મંજૂરી મળી. આ સંસ્થાએ મને માત્ર શિક્ષણ જ નહીં, પણ જીવન જીવવાની કળા પણ શીખવી. રસોઈ બનાવતા, કપડાંને ઇસ્ત્રી કરતા અને રમતગમત જેવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવતી. આ બધું મારા આત્મવિશ્વાસને મજબૂત કરતું ગયું. હું મહિલા એથ્લેટિક્સમાં દરેક વિભાગમાં પ્રથમ નંબરે આવતી, અને નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પત્રકારનો એવોર્ડ પણ જીત્યો. ગ્રેજ્યુએશન પછી જ્યારે મને સ્પેશિયલ બી.એડ.નો અભ્યાસ કરવો હતો, ત્યારે પણ ભાસ્કરભાઈએ આર્થિક મદદ કરી અને મારા શિક્ષિકા બનવાના સ્વપ્નને સાકાર કર્યું.

માણસના જીવનમાં જીવનસાથીની જેમ જ પિતાતુલ્ય વ્યક્તિની ભૂમિકા પણ અતિ મહત્ત્વની હોય છે. મારા લગ્ન સમયે, ભાસ્કરભાઈ અને તેમના પરિવારે ધામધૂમથી કન્યાદાન કર્યું,

જાણે કે તેઓ મારા પોતાના પિતા હોય. લગ્ન પછી પણ, મારા માતા - પિતા કરતાં પણ વધારે ભાસ્કરભાઈ અને પ્રવિણાબેને મારા દરેક પ્રસંગોમાં હાજરી આપી અને મને મારા સાસુ - સસરાની અને પરિવારની સેવા કરવાની શીખ આપી.

મારા જીવનમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક દરેક ક્ષેત્રમાં ભાસ્કરભાઈ અને પ્રવિણાબેનનો ફાળો અમૂલ્ય છે. જો આ સંસ્થા અને આ લોકો મારા જીવનમાં ન આવ્યા હોત, તો મારું જીવન આજે પણ અંધકારમય અને નિષ્ક્રિય રહ્યું હોત. પરંતુ તેમના સહકારથી હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં સફળતાપૂર્વક કાર્ય કરી રહી છું. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને, મારા સ્નેહીજનો અને સંબંધીઓએ પણ મને એક અંધ વ્યક્તિ તરીકે નહીં, પણ એક શિક્ષિત અને જાગૃત સન્નારી તરીકે સ્વીકારી છે.

આ બધી જ પ્રગતિ અને પ્રેરણા એન.એ.બી. સાબરકાંઠાના મ.સા. મંત્રી શ્રી ભાસ્કરભાઈ, પ્રવિણાબેન અને તેમના પરિવારને આભારી છે. તેઓ મારા જીવનનો દીપક બનીને મને હંમેશાં જ્યોત, પ્રકાશ અને પ્રેરણા આપતાં રહ્યાં છે. આવા પિતાતુલ્ય ભાસ્કરભાઈને હું મારા કોટિ કોટિ વંદન કરું છું અને તેમના આ ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થઈ શકું.

મનોજબા દશરથસિંહ ચૌહાણ વિશિષ્ટ શિક્ષિકા, સાણંદ