‘ અજોડ સિદ્ધિઓ ’

હું જયશ્રીબહેન મગનલાલ મિસ્ત્રી, મારો જન્મ ઇડર તાલુકાના પોશીના ગામે તા.૧૭ / ૧ / ૧૯૬૧ ના રોજ થયો હતો. મારા પિતા તે સમયે પ્રાથમિક શાળામાં આચાર્ય હોવાથી પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ સાબલી અને નેત્રામલી ગામમાંથી લીધેલું છે. તે વખતે હું અંશતઃ અંધ હતી અને થોડું વાંચી શકતી હોવાથી ધો. ૧૦ ની પરીક્ષા ૧૯૭૬ માં પાસ કરી હતી. ટીસીડબલ્યુસીજી નો સર્ટિફિકેટ કોર્સ ૧૯૮૧ માં પ્રથમ વર્ગમાં પાસ કર્યો અને ત્યાર પછી ઇડર તાલુકાના જલોદરામાંથી પ્રિ. પી.ટી.સી. સને ૧૯૮૪ ના વર્ષમાં પાસ કર્યું. ત્યારબાદ આંખની તકલીફ વધવાને કારણે ધીમે ધીમે સંપૂર્ણ અંધત્વ આવવાથી અભ્યાસ બંધ કરી દીધો. તે સમયે ઇડરમાં પ્રો. ભાસ્કરભાઈ મહેતા સાહેબને આ વાત ની જાણ થવાથી તેમણે રૂબરૂ આવી ખૂબજ સમજાવટથી આગળ અભ્યાસ માટે હિંમત અને પ્રેરણા આપી અને અભ્યાસ માટેની સંપૂર્ણ મદદની ખાતરી આપી. પ્રો. ભાસ્કરભાઈ મહેતા સાહેબએ તે સમયે આપેલ હિંમત અને પ્રેરણા વગર હું વધુ અભ્યાસ ન કરી શકી હોત. ત્યારબાદ એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઇનો એન્ટ્રન્સ ટેસ્ટ બીજા વર્ગમાં પાસ કર્યો અને એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે આ જ યુનિવર્સિટી માંથી બી. એ. પણ બીજા વર્ગમાં પાસ કર્યું. ત્યારપછી પ્રો. ભાસ્કરભાઈ સાહેબની સલાહથી ઇડર કોલેજમાંથી રેગ્યુલર વિદ્યાર્થી તરીકે એમ. એ. જોઇન કર્યું અને અભ્યાસક્રમનાં પુસ્તકોની ઓડીયો કેસેટ સાંભળીને તથા રાઇટરની મદદથી પરીક્ષા આપીને એમ.એ. પણ બીજા વર્ગમાં પાસ કર્યું. પછી ગુજરાત યુનિવર્સિટીની વાસણા, અમદાવાદમાં આવેલી એસ. યુ. જી. ઑફ એજ્યુકેશનમાંથી બી. એડ્. પણ બીજા વર્ગમાં સફળતાપૂર્વક પાસ કર્યું. તે સમયે ઇડરની પી.ટી.સી. કૉલેજના પ્રો. મુકુંદભાઈ પટેલ સાહેબ અને પ્રો. જીવાભાઇ વણકર સાહેબએ પુસ્તકો ની ઓડિયો કેસેટ બનાવી આપી મદદ કરી હતી.

ત્યારબાદ ઇડરમાં ચાલતી રાષ્ટ્રીય અંધજન મંડળની શાખામાં અંધ મહિલા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું, એ દરમિયાન માઉન્ટઆબુમાં ચાલતા અંધ પુનઃવસન કેન્દ્રમાં પણ તાલીમ લીધી. રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડરમાં પ્રવાસી અધ્યાપિકા તરીકે એક વર્ષ કામ કર્યું. જેમાં અંધ બાળકોને ભણાવવા જુદાજુદા ગામોમાં જવું પડતું અને ખૂબજ મુશ્કેલી પડતી.

તે દરમિયાન નોકરી માટેના પ્રયત્નો ચાલુ જ હતા તેમાં તા.૨ / ૭ / ૧૯૯૩ ના રોજ શ્રીમતી એન.આર.એ.વિદ્યાલય ભિલોડાના હાયર સેકન્ડરી વિભાગમાં શિક્ષિકા તરીકે નોકરી

મળી. સંપૂર્ણ અંધત્વ સાથે હાયર સેકન્ડરી વિભાગમાં સદૃષ્ટિ વિદ્યાર્થીઓને ભણાવવું ખૂબજ

પડકારજનક હતું પરંતુ શ્રીમતી એન.આર.એ.વિદ્યાલય ભિલોડાના ટ્રસ્ટી પૂજય ગણપતદાદા એ આપેલી શિક્ષણની અમૂલ્ય તક અને તે સમયના આચાર્ય શ્રી લાભુભાઇ પંડ્યા સાહેબ અને સ્ટાફ મિત્રોના સહકારથી શિક્ષણ કાર્ય સફળતાપૂર્વક ચાલતું રહ્યું. આ દરેક તબક્કે પ્રો. ભાસ્કરભાઈસાહેબનું માર્ગદર્શન સતત મળતું રહ્યું.

મને અનેક પુરસ્કારો પણ મળેલા છે જેમાં મુખ્યત્વે ૧૯૯૨-૯૩નો રાષ્ટ્રીય લેવલે એન.એ.બી. ઈન્ડિયાનો ‘ નિલમ ખુરશીદ કાંગા અંધ મહીલા પુરસ્કાર ’ દિલ્હીથી મળ્યો છે. તેમજ અંધજન પુનઃવસન ક્ષેત્રે પ્રદાન માટે ૧૯૯૩ માં વર્લ્ડ બ્લાઈન્ડ યુનિયન એશિયા ખંડની અંધ મહીલા નેતૃત્વ શિબિર કોલંબો (શ્રીલંકા) માં હાજરી આપી " ભારતીય ગ્રામીણ અંધ મહિલાઓની સમસ્યાઓ અને તેના ઉકેલો " વિષય પરનું પેપર કોન્ફરન્સમાં રજૂ કર્યું. જેમાં શ્રીમતી પ્રવિણાબેન ભાસ્કરભાઈ મહેતાએ સહાયક તરીકે સાથે રહીને પીઠબળ પૂરું પાડયું. તા. ૭ / ૦૨ / ૨૦૦૯ ના રોજ ગુજરાત રાજ્ય તરફથી ‘ શ્રેષ્ઠ વિકલાંગ કર્મચારી'નું પારિતોષિક તત્કાલીન માનનીય નાણાં મંત્રીશ્રી વજુભાઈવાળાના હસ્તે આપવામાં આવેલ છે.

જીવનના દરેક મુશ્કેલ તબક્કે મારી સાથે ને સાથે રહેનાર મારા પિતાજીનો આભાર માનું તેટલો ઓછો છે.

મારા માતૃશ્રીનું ૨૦૧૪ માં અવસાન થવાથી અને પિતાજીની પણ વયોવૃદ્ધતાને લીધે વર્ષ ૨૦૧૬ માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ હાલ અમદાવાદ ખાતે રહું છુ. રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડર શાખામાં સહમંત્રી, ગુજરાત રાજ્ય અંધ શિક્ષક સંઘના ઉપપ્રમુખ, રાષ્ટ્રીય અંધજન મંડળ ધોરાજીના કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપેલી છે. હાલ બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ, દાહોદ માં ટ્રસ્ટી તરીકે કાર્યરત છું.

પ્રો. ભાસ્કરભાઈ મહેતા સાહેબ અને શ્રીમતી પ્રવિણાબેન મહેતાનાં સાથ, પ્રેરણા અને માર્ગદર્શન ની ખૂબજ આભારી છું.

મારા જીવનમાં ‘ નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે ' આ કહેવત ચરિતાર્થ થઈછે.

સુ.શ્રી. જયશ્રીબહેન મગનલાલ મિસ્ત્રી

ફ્લેટ નં. AA / II4, સરદાર પટેલ નગર, શાસ્ત્રીનગર પેટ્રોલ પંપ પાસે, શાસ્ત્રીનગર,

નારણપુરા, અમદાવાદ -380013 મોબાઇલ નં. 9426727893