આજે જ્યારે આદરણીય પ્રા.ભાસ્કરભાઈ વાઈ. મહેતા સાહેબશ્રી 75 વર્ષ પૂર્ણ કરી અમૃત
મહોત્સવ ઊજવી રહ્યા છે અને અંધજન મંડળ ઈડર શાખા પોતાના કાર્યકાળનાં 40 વર્ષ પૂર્ણ કરી ચતુર્થ
દશાબ્દી મહોત્સવ ઊજવી રહ્યા છે ત્યારે તેમના પ્રત્યેનો આભાર વ્યક્ત કરવો અને તેમની સાથેના
સ્મરણોને શબ્દદેહ આપવાની તક હું અને મારો પરિવાર ગુમાવીશું નહીં.
હું સ્વર્ગસ્થ પ્રોફેસર ડોક્ટર રાકેશકુમાર અમૃતલાલ રાણાનાં ધર્મપત્ની શ્રીમતી ઇલાબેન
રાકેશકુમાર રાણા. અમારા લગ્ન હોય, સીમંત પ્રસંગ હોય, મારા સસરાનું અવસાન હોય કે મારા
દિયરની નોકરીનો પ્રશ્ન હોય.. મહેતા સાહેબે સપરિવાર, હરહંમેશ, તમામ પ્રકારની મદદ કરી અમને
આભારી બનાવ્યા છે.
વસુધૈવ કુટુમ્બકમ અને અહર્નિશ સેવામહે ને પોતાનો આદર્શ માનનારા મા. સાહેબના
ધર્મપત્ની આદરણીય પ્રવિણાબેન કે જે મારા માતૃતુલ્ય છે. મારા માટે એક આદર્શ છે. બધાને સાથે
લઈને ચાલવું, ગૃહિણીપદ નિભાવવું અને એક કાર્યકારી મહિલા હોવાનો આદર્શ સુપેરે તેઓ પાસેથી
શીખવા મળે છે.મારી દાન કરેલી કિડની ફેલ ગઈ હોય, મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળવાનો હોય કે
મારા પતિના અવસાન સમયે... તમામ સારા - ખોટા પ્રસંગે તેમના ખોળામાં માથું મૂકી હું રડી શકું છું.
ઈશ્વરની આભારી છું કે તેમણે મને આવા સંબંધો આપ્યા છે. પિયરને છાજે તેવા તમામ વ્યવહાર-
તહેવાર એમણે મારા સાચવ્યા છે.
ખૂબ ખૂબ આભાર પ્રવિણા માસી.
તેમના પરિવારના દરેક સભ્યો ચિ.મનન - દિશા, ચિ.હર્ષ - દર્શના, લાડકી ઝરમર - કૌશલ
કુમાર ચિ. ફલક અને પરમ.... સર્વ ગમે ત્યારે મળીએ તો પણ તેમની સાથે પોતાના વાળાનો અહેસાસ
થાય છે.
કળિયુગની આંટી - ઘૂંટીમાં ફસાયેલા, ડોક્ટર અને શિક્ષણના વ્યવસાયમાં રહીને સેવાને
અમારો ધર્મ ગણનારા... હું અને મારો પરિવારજન આજે પણ આ મહેતા દંપતીનો સતયુગનો
સ્પર્શ... માણી લઈજીવનના સાચા લક્ષ તરફ આગળ વધીએ છીએ.
અમારા પરિવારના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહેનાર આદરણીય મેહતા સાહેબ
તથા સમગ્ર પરિવાર પર ઈશ્વરની કૃપા હંમેશાં વરસતી રહે એવી શુભેચ્છા.
મારા પતિ સ્વ. પ્રો. ડૉ. રાકેશકુમાર અમૃતલાલ રાણા કે જેઓ અંધજન મંડળ ઇડર શાખામાં
ભૂતપૂર્વ કારોબારી સભ્ય તરીકે વર્ષો સુધી કાર્યરત રહ્યા હતા. તેમના તરફથી મળેલ મહેતા સાહેબના
પરિવાર સાથેના સંબંધોનો અમૂલ્ય ખજાનો અમારે મન સવિશેષ છે.