શ્રી ભાસ્કરભાઈ મહેતાના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે
શુભેચ્છા સંદેશ
આદરણીય શ્રી,
ભાસ્કરભાઈ મહેતાના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે પ્રકાશિત થનાર આ સ્મૃતિપુસ્તિકા માટે શુભેચ્છા સંદેશ લખવાનો અવસર મળવો એ મારા માટે અત્યંત ગૌરવ અને આનંદની લાગણી છે. ભાસ્કરભાઈ સાથે મારો સંબંધ માત્ર પારિવારિક જ નથી, પરંતુ દિવ્યાંગતાના ક્ષેત્રમાં એક માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત તરીકે તેમને હું હંમેશાં આદરપૂર્વક યાદ કરું છું.
શ્રી ભાસ્કરભાઈ મહેતાનું સમગ્ર જીવન અમારા જેવા અનેક દૃષ્ટિબાધિત લોકો માટે દીવાદાંડી સમાન રહ્યું છે. એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી તરીકે નવરંગપુરા અંધશાળામાંથી તેઓએ પોતાનું શૈક્ષણિક જીવન શરૂ કર્યું અને જીવનના અનેક પડકારોને પાર કરી નવી કેડીઓ કંડાર્યા. ગુજરાતના પ્રથમ દૃષ્ટિબાધિત પ્રાધ્યાપક તરીકેનો તેમનો કાર્યકાળ ખૂબજ ઉદાહરણીય રહ્યો છે. ઉપરાંત, ઈડર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળની સાબરકાંઠા જિલ્લા શાખાની સ્થાપના કરી અનેક દૃષ્ટિબાધિત લોકોને નવી દિશા આપી.
ગુજરાત રાજ્યના પ્રથમ દિવ્યાંગતા કમિશનર તરીકે તેમનું કાર્ય પ્રેરણાદાયક અને દિશાદાયક રહ્યું છે. તેઓએ દિવ્યાંગજનો માટે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ રમતગમત, સંસ્કૃતિ અને સામાજિક સહભાગિતાના અનેક દ્વાર ખોલ્યાં છે. ખાસ કરીને સંકલિત અને સમાવેશી શિક્ષણનાં ક્ષેત્રે તેમનો દૃષ્ટિકોણ ખૂબ વ્યાપક અને માનવકેન્દ્રિત રહ્યો છે.
મને ખાસ યાદ આવે છે કે વર્ષ ૨૦૦૪ માં જ્યારે હું રાષ્ટ્રીય અંધજન મંડળ, ઈડર શાખાના રિસોર્સ રૂમની મુલાકાતે ગયો ત્યારે તેમના વ્યવસ્થાપન, દસ્તાવેજીકરણ અને શિસ્તપૂર્ણ કામગીરી જોઈને હું અત્યંત પ્રભાવિત થયો હતો.
રાષ્ટ્રીય અંધજન મંડળ, સાબરકાંઠા જિલ્લા શાખાએ છેલ્લાં ૪૦ વર્ષ દરમિયાન અસંખ્ય વિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરી છે. શાખા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત પ્રવૃત્તિઓ અને વ્યવસાયલક્ષી તાલીમ કાર્યક્રમોનું યથાયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. " આ શાખા એ બ્રેલ પુસ્તકાલય " ની અસરકારક પ્રવૃત્તિઓએ વર્ષોથી અનેક પ્રજ્ઞાચક્ષુઓને જ્ઞાનપ્રદાન કર્યું છે. નવા યુગની ટેક્નોલોજી સાથે સંસ્થાએ સંતુલિત રીતે પ્રવૃત્તિઓ સંચાલિત
કરી છે અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિશેષ તાલીમ અને સશક્તીકરણ કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે, જે ભાસ્કરભાઈની દૃષ્ટિ અને દિશાને સાકાર કરતી પ્રવૃત્તિઓ છે.
શ્રી ભાસ્કરભાઈના દુરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય અંધજન મંડળ -- સાબરકાંઠા જિલ્લા શાખા, ગુજરાત રાજ્ય શાખા, NAB ઇન્ડિયા અને અન્ય અનેક સંસ્થાઓએ પણ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. તેમણે જે સંસ્થાઓનો પાયો નાંખ્યો, તે આજે ગૌરવપૂર્ણ ૪૦ વર્ષ પૂરાં કરી રહી છે. આ સફળતા તેમની દૃઢ નિષ્ઠા, અવિરત શ્રમ અને દિવ્યાંગજનો પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.
આયાત્રા અનેક દૃષ્ટિબાધિત વ્યક્તિઓનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારી રહી છે.
તેમના ૭૫ મા જન્મદિવસ નિમિત્તે હું શ્રી ભાસ્કરભાઈ મહેતાને હૃદયપૂર્વક શુભેચ્છાઓપાઠવું છું. પ્રભુ તેમને નિરામય સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને અખંડ ઉત્સાહ આપે તેવી પ્રાર્થના કરુંછું. તેમની પ્રેરણા અને માર્ગદર્શન હંમેશાં અમારા સૌ માટે માર્ગદર્શક દીવો બની રહે – - એવીહૃદયપૂર્વકની અભ્યર્થના સાથે, તેમને આ વિશેષ અવસરે વંદન કરું છું.
હિમાંશુ સોમપુરા