મારી સાથે નવરંગપુરાની અંધશાળામાં પ્રાથમિક શિક્ષણથી જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યા હતા. તેઓએ આકાશવાણીમાં ' રંગ રંગ વાદળિયાં ' કાર્યક્રમમાં લાગ લેતા સૌની પ્રશંસા મેળવી હતી. તે સમયે દર વર્ષે મુંબઈ ખાતે યોજાતી બ્રેલ રીડિંગ સ્પર્ધામાં સંસ્થા વતી ભાગ લઈને હરહંમેશ પ્રથમ સ્થાને આવતા હતા.
તેઓએ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજ - ગુજરાત યુનિવર્સિટિમાંથી એમ.એ.ની પદવી સંસ્કૃત સાથે મેળવીને થોડો સમય માધ્યમિક શાળાના શિક્ષક તરીકેની પોતાની સેવા આપી. ત્યાર બાદ ઇડરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાઈને વિદ્યાર્થીઓને તેઓએ પ્રાપ્ત કરેલ અનુભવપ્રદ જ્ઞાન - કૌશલ્ય પીરસીને ઉત્તમ શૈક્ષણિક કામગીરી કરી ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કર્યું.
તેઓ કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે જોડાયા ત્યારથી જ એમના મનમાં સતત એવો વિચાર આવ્યા કરતો હતો કે બીજા દિવ્યાંગ વ્યક્તિઓ પણ મારાં જેવા બને તે માટે તેઓએ વર્ષ ૧૯૮૬ માં રાષ્ટ્રીય અંધજન મંડળ (સાબરકાંઠા જિલ્લા શાખા) ની સ્થાપના કરીને સમગ્ર જિલ્લા કક્ષાએ દિવ્યાંગ વ્યક્તિઓનો ડોર - ટુ - ડોર સર્વે કરાવ્યા બાદ તેઓની જરૂરિયાત મુજબની સેવાઓ શરૂ કરીને શિક્ષણની સૌને સમાન તક મળી રહે તે દિશામાં આજદિન સુધી અગ્રેસર રહ્યા છે. તેમના સઘન પ્રયાસો થકી જ શિક્ષણ, તાલીમ અને પુનર્વસનના લાભો છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓ સુધી પહોંચ્યા. તેમજ રાષ્ટ્રીય અંધજન મંડળ (સાબરકાંઠા જિલ્લા શાખા) દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને વિનામૂલ્યેસાધન સહાય મળી રહે તે માટે અગણિત કેમ્પોનું આયોજન કરીને તેમની જરૂરિયાત મુજબનાં સાધનો ઉપલ્બધ કરાવ્યાં તેનો હું સાક્ષી છું.
ભાસ્કરભાઈ નેશનલ અને ઇન્ટરનેશનલ મિટીંગ, સેમિનાર - કોન્ફરન્સમાં ભાગ લઈ પોતાના સ્પષ્ટ વક્તા તરીકે વિચારો રજૂ કરતાં જોવા મળ્યા છે. સરકારશ્રીએ ગુજરાત રાજ્યના વિકલાંગતા કમિશનર તરીકે ત્રણ વર્ષ નિમણૂંક કરી ત્યારે દિવ્યાંગ વ્યક્તિઓને ન્યાય મળે વિકાસ થાય તેવું હર હમેશાં વિચારતા રહ્યા.
ભાસ્કરભાઈને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ અસંખ્ય એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. ઘણીબધી સ્વૈછીક સંસ્થાઓમાં જોડાઈને તેઓએ પોતાની સેવાઓ અવિરત વિસ્તારી છે.ખાસ તો રાષ્ટ્રિય અંધજન મંડળ - ઈન્ડિયાના પ્રમુખ તરીકે સતત ચાર વર્ષ સુધી સેવા આપી.ભાસ્કરભાઈ સ્પષ્ટ વક્તા તરીકે પંકાયેલા છે. તેઓ મારા ખૂબ જ નજીકના મિત્ર, સ્નેહી અને સહૃદયી રહ્યા છે. તેમના ધર્મપત્ની પ્રવિણાબેને ખૂબ જ કાળજીપૂર્વકનો સહકાર આપીને પોતાની સેવાઓ પણ દિવ્યાંગ વ્યક્તિઓને પૂરી પાડી છે. હાલમાં ભાસ્કરભાઈની નાંદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ દિવ્યાંગોના વિકાસ માટેવિચારશીલ રહે છે.