પ્રાધ્યાપક ભાસ્કર મહેતાના અમૃત - મહોત્સવ પ્રસંગે અભિવ્યક્તિ

આજે આપણે એક એવી પ્રતિભાસંપન્ન વ્યક્તિ વિશે વાત કરવા જઈરહ્યા છીએ જેમણે જન્મથી દૃષ્ટિબાધિત હોવા છતાં પોતાના જેવાં બંધુ - ભગિનીઓ માટે જે કામગીરી બજાવી છે તેનું કદાચ શબ્દોમાં આલેખન કરવું ઘણું જ અધરું છે. આ વ્યક્તિ તે બીજું કોઈ નહીં પરંતુ મૂળ ભાવનગર નિવાસી અને જેમણે અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી તે શ્રી યોગેન્દ્રરાય અને રંભાબેનનાં પુત્ર શ્રી ભાસ્કર મહેતા.

આમ તો તેમની સફળ અને પરોપકારી જીવનયાત્રાનો હીરક મહોત્સવ ઊજવાયો ત્યારે ઉજવણી સમિતિ દ્રારા પ્રકાશિત કરવામાં આવેલી સ્મરણિકા ' વ્યોમે વિહરે ભાસ્કર'માં તેમના જીવન અને કવન માટે ઘણું કહેવાયું છે. તેમ છતાં આજે આપણે સૌ તેમણે બજાવેલી સમાજોપયોગી સેવા પ્રવૃત્તિઓની પ્રશંસા રૂપે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કંઈક કહેવાનું, લખવાનું મન થઈ આવે તે સહજ અને સ્વાભાવિક છે. ભાસ્કરભાઈસાથેનો મારો ૫૭ વર્ષ જૂનો પરિચય અને તે પણ મારા નાનાભાઈ રાજેન્દ્રને કારણે. તેઓ બંન્ને એક પાટલી ઉપર બેસીને જામનગરની ડી. સી. સી. સ્કૂલમાં અભ્યાસ કરતા. અવાર નવાર મળવાનું થતાં પારિવારિક સંબંધો બંધાયા - વિકસ્યા અને પછી તો કહેવું જ શું ! અમે બન્ને મિત્રભાવે અવાર નવાર મળતાં, બોલતાં, બેસતાં અને દિવ્યાંગજનોનાં ઉત્કર્ષની પ્રવૃત્તિઓની ગુણવત્તા સુધારણા અંગેચર્ચા - વિચારણા કરતાં.

શ્રી ભાસ્કરભાઈ પ્રાથમિક અને માધ્યમિક શાળા, કૉલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવતા હતા ત્યારે શાળાકીય, રાજયસ્તરે કે પછી રાષ્ટ્રીય કક્ષાએ કોઈપણ સ્પર્ધા હોય, ભાસ્કરભાઈ હમેંશાં વિજેતાનોની યાદીમાં હોય જ. તેવું જ કંઈક મુંબઈ ખાતેનાં બ્લાઈન્ડ મેન્સ એસોસિએશન આયોજિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાની રાષ્ટ્રીય બ્રેલ વાંચન સ્પર્ધામાં પણ જોવા મળતું. બન્ને ભાઈઓ ભાસ્કર અને ગગનવિહારી સ્પર્ધકો હોય ત્યારે મેડલ તેમની ઝોળીમાં જ હોય. ભાસ્કરભાઈ ડો. રાજેન્દ્ર વ્યાસ, રહેમત ફઝલબોય અને ડો. જગદીશભાઈ પટેલને પોતાના આદર્શ તરીકે સ્વીકારી તે દિશામાં આગળ વધવા સતત પ્રયત્નશીલ રહેતા. નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ, ઓલ ઇન્ડિયા કોન્ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ અને નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ (આઈ) નીઘણી ખરી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં તેઓ અગ્રસ્થાને રહ્યા અને તેમાં પણ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ (આઈ) નાં પ્રમુખ પદે રહીને તે રાષ્ટ્રીય સંસ્થાની પ્રવૃત્તિઓને વિકસાવવા, વિસ્તારવા અને ગુણવત્તા સુધારવાની દિશામાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું.

નેત્રહિન શિક્ષકોનાં કલ્યાણની પ્રવૃત્તિઓને કેન્દ્રમાં રાખીને તેમણે સૌ મિત્રોના

સહયોગથી અખિલ ગુજરાત અંધ શિક્ષક સંઘની સ્થાપના કરી અને વર્ષોવર્ષ આ શિક્ષક સંધનાં

વાર્ષિક અધિવેશનમાં શિક્ષકોની અધ્યાપન ક્ષેત્રે પ્રગતિ થાય તેવાં તમામ પ્રયત્નોમાં તેઓ અગ્રેસર રહ્યા. એન.એ.બી. સાબરકાંઠા જિલ્લા શાખાની સ્થાપના અને સર્વ દેશીય વિકાસમાં તેમણે ભજવેલી ભૂમિકા સદાય સ્મરણીય રહેશે.

દિવ્યાંગજનોનાં અધિકારોનું રક્ષણ, તકની સમાનતા અને સંપૂર્ણ ભાગીદારી માટે ૧૯૯૫ નાં દિવ્યાંગજન અધિનિયમ અંતર્ગત ૨૦૦૬ નાં વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા તેમને દિવ્યાંગજનોનાં આયુકત તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન દિવ્યાંગજનોનાં શિક્ષણ, પ્રશિક્ષણ, રોજગારી અને પુનઃસ્થાપન માટે નોંઘનીય કામગીરી થવા પામી હોવાનું જણાવતાં ગર્વ થાય છે. દિવ્યાંગજનો માટે નિવાસી શાળા, સંમિલિત શિક્ષણ, વિશિષ્ટ શિક્ષકોની તાલીમ અને તે સબંધિત અન્ય મુદ્દાઓ સંકલિત સ્વરૂપમાં સરકારશ્રી સમક્ષ રજૂ કરી ન્યાય મેળવવા માટે તેઓ સદાય તત્પર રહ્યા.

દિવ્યાંગજનોનાં સર્વગ્રાહી વિકાસ માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ કાર્યશાળાઓ, પરિસંવાદો અને પરિષદોમાં તેઓશ્રીએ વિદ્વતાસભર શોધપત્રો રજૂ કરીને તેમનામાં રહેલી અનુકંપા અને સાચી સમજનો પરિચય કરાવ્યો છે. સેવાક્ષેત્રમાં તેઓશ્રીએ બજાવેલી કામગીરીની કદર રૂપે તેમને સરકારશ્રી અને અગ્રગણ્ય સ્વૈચ્છિક સંસ્થાઓએ સન્માનિત કરી પારિતોષિકો અર્પણ કર્યા છે. તેઓશ્રી સંસ્કૃત ભાષાનાં પ્રખર વિદ્વાન હોવાની સાથે અન્ય વિષયોને પણ એટલો જ ન્યાય આપવા સક્ષમ છે. સ્વભાવની સરળતા, રમૂજી પ્રકૃતિ અને કુંટુંબવત્સલતા એમનાં વ્યકિતત્વનાં મુખ્ય પાસાં છે. તેમની તમામ સિદ્ધિઓ અને | સફળતામાં તેમના ધર્મપત્નીનો ઘણો મોટો ફાળો હોવાની નોંધ લીધા વિના કેમ ચાલે ! પારિવારિક પ્રસંગો હોય કે પછી સંસ્થાકીય પ્રવૃત્તિઓ હોય, તેમાં પ્રવિણાબેન ભાસ્કરભાઈનાં પડછાયાની જેમ સાથે ને સાથે. પ્રસન્ન દામ્પત્ય જીવનનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ના દુરસ્ત તબિયતને કારણે છેલ્લા કેટલાંક સમયથી તેઓશ્રીની ગતિશીલતામાં મર્યાદા જરૂર આવી છે પરંતુ દિવ્યાંગજનો સાથે તેમનો સંપર્ક સતત ચાલુ રહ્યો છે, સૌને માર્ગદર્શન મળતું રહ્યું છે. આગામી વર્ષોમાં પણ તેઓશ્રી દિવ્યાંગજનોના પથપ્રદર્શક તરીકે સેવાઓ સમર્પિત કરતા રહે, જગતનિયંતા તેમને દીર્ઘ નિરામયી આયુષ્ય આપે એવી અમૃત મહોત્સવ ઉજવણી પ્રસંગે શુભકામનાઓ પાઠવું છું.

મેનેજિંગ ટ્રસ્ટી,

અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર

જામનગર

ડો. પ્રકાશ મંકોડી

(સેલ નંબર - ૯૪૨૭૯૪૩૧૦)

માનદ મંત્રી.

વી. ડી. પારેખ અંઘ મહિલા વિકાસ ગૃહ

રાજકોટ