અંધારી અમાસનો તેજસ્વી તારલો ‘ ભાસ્કર ’

નામ જેવા ગુણ ધરાવતા લોકો જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ ભાસ્કરભાઈએ તો પોતે કુદરતે પ્રજ્ઞાચક્ષુ તરીકે પૃથ્વી પર મોકલ્યા છતાં એક ઝળહળતા સૂર્ય જેવો પ્રકાશ ફેલાવી અનેક પ્રજ્ઞાચક્ષુઓના જીવનને ઝબકતું કર્યું છે. હું મારી જાતને નસીબદાર માનું છું કે મને આવી વ્યક્તિનો પ્રભુએ સંપર્ક કરાવ્યો જેનાથી મને પણ એક જીવંત સંવેદનશીલ માણસ બનવાની તક પ્રાપ્ત થઈ.

1981 માં ઇડર કૉલેજમાં સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા તરીકે નિમણૂંક પામ્યા ત્યારથી ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર મુકામે આનંદનગરમાં તેમના ઘરની ઓસરીમાં એક ટેબલ મૂકી પોતાની કર્મભૂમિ બનાવી. પ્રજ્ઞાચક્ષુઓની સમસ્યાઓને સમજીને ઉકેલવા માટે મદદરૂપ થઈ તેમને પગભર કરવા શરૂ કરેલ ઓફિસ 2021 માં ઇડરના દલજીતનગર વિસ્તારમાં ‘ ભાસ્કર ભવન ’ તરીકે નિર્માણ પામી છે. જે આજે વટવૃક્ષ બની ઊભી છે.

ભાસ્કરભાઈની 2006-07માં ગુજરાત રાજ્યના પ્રથમ પ્રજ્ઞાચક્ષુ વિકલાંગ કમિશનર તરીકે 3 વર્ષ માટેનિમણૂંક થઈ જે તેમના કાર્યનું સરકારશ્રી દ્વારા થયેલ સન્માન જ ગણી શકાય. આ કામગીરીની સફળતાને ધ્યાનમાં લઈ 2012-13માં નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડના છઠ્ઠા પ્રજ્ઞાચક્ષુ પ્રમુખ તરીકે નિમણૂંકપામ્યા.

તેઓના માર્ગદર્શન હેઠળ સાચા હીરાની પરખ કરનારા ઝવેરી તરીકે તેમણે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામના અંધ ક્રિકેટર શ્રી ભલાજી ડામોરે 1999 માં અંધજન ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન

ઓફ ધ સિરીઝનો એવોર્ડ પ્રાપ્ત કર્યો આ સમયે ભારતની બ્લાઈન્ડ વર્લ્ડ કપ ક્રિકેટ ટીમમાં ભાસ્કરભાઈની સંસ્થાના જ 4 ખેલાડીઓ પસંદગી પામ્યા હતા.

શિક્ષક હોવાને નાતે શિક્ષણ ક્ષેત્રે તેમણે રાષ્ટ્રીય અંધજન મંડળની સાબરકાંઠા જિલ્લાની શાખા ઇડરમાં 66 વિશિષ્ટ શિક્ષકોની નિમણૂંક કરાવી અને તેમાંના એક શિક્ષક શ્રી વી કે. સ્વામીને રાષ્ટ્રપતિના વરદ્હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો તે મહાન સિદ્ધિ છે.

હું 1981 થી 2005 સુધી ભાસ્કરભાઈ સાથે સતત સંપર્કમાં રહ્યો જેનાથી તેમની પ્રવૃત્તિઓની માહિતી મારા માટે ખૂબ માર્ગદર્શક બની જેને ધ્યાનમાં લઈ હું પણ નિવૃત્તિ પછી અમદાવાદમાં જસુભાઈ કવિ દ્વારા સંચાલિત રાહ ફાઉન્ડેશનમાં દિવ્યાંગ દીકરીઓનાં સર્વાંગી વિકાસ માટેની કળા- સંસ્કૃતિ અને સંસ્કારની વિકાસ પ્રવૃત્તિમાં જોડાયો છું.

ભાસ્કરભાઈના જીવનના વિવિધ પ્રસંગોમાંથી જોવા મળ્યું છે કે ભાસ્કરભાઈ હંમેશાં ભૂલ કેવી રીતે થઈ છે તે સમજવામાં સમય બરબાદ કરવા કરતાં તેમનાથી ઓછા સમયમાં ભૂલ સુધારી લેવામાં સક્રિય રહેતા હતા. ભાસ્કરભાઈ તેમના જીવનમાં સતત ભૂલોમાંથી શીખતા રહ્યા અને સતત પ્રગતિ કરતા ગયા. ભૂલ એ હૃદયમાં ભોંકાયેલી શૂળ છે, આંખમાં અંજાયેલી ધૂળ છે પણ પ્રાયશ્ચિત્ત દ્વારા ભૂલને ફલ પણ બનાવી શકાય છે.

ભાસ્કરભાઈ વિચારશીલ વ્યક્તિ છે તેમના વિચારો માત્ર વિચાર નથી રહેતા પરંતુ તે વિચારોને સતત કાર્યાન્વિત કરે છે માટે ઉત્તમ સર્જનાત્મક પરિણામ લાવે છે. તેમના વિચારો સ્વલક્ષી કે | સ્વકેન્દ્રી નહીં પણ સમાજલક્ષી સેવાકેન્દ્રી જ રહ્યા છે. માટે તેમના વૈચારિક કાર્યોની પ્રગતિ ઇડર કૉલેજ પૂરતી મર્યાદિત રહેવાને બદલે સમગ્ર ભારતમાં પ્રસરી છે. તેમના મનમાં ઉગેલા વિચારો સુંદર વિકસિત ફૂલ બનીને સમાજને મહેકાવે છે. એમના વિચારોએ તેમના જીવનને કલ્પવૃક્ષ બનાવી દીધું છે. તેમના વિચારો શક્તિ છે, ભક્તિ છે, આગ પણ છે અને બાગ પણ છે.

તેમની નીતિ અને રીતિ એવી જ રહી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય પરંતુ ‘ જો હાજર સો હથિયાર ' માનીને જિંદગીની બાજી જીતી છે. તેમણે જીવનમાં આવેલી વિવિધ કૌટુંબિક, સામાજિક, આર્થિક કે માનસિક સમસ્યાઓ સામે લડવા માટે જે હાજર છે તેને જ હથિયાર બનાવીને મેદાનમાં ઊતરી પડ્યા છે અને પોતાની બુદ્ધિ, વિચારશક્તિ અને ત્વરિત નિર્ણયશક્તિને આધારે હારેલી બાજીને પણ જીતમાં પલટાવી દીધેલ છે. મહાત્મા ગાંધી કહેતા કે જીવનમાં વાચનનું ખૂબ મહત્ત્વ છે માટે સારા પુસ્તકોનું વાંચન કરતાં રહેવું. પુસ્તકો રત્ન કરતાં પણ કીમતી છે. આ વાતને તેમણે જીવનમાં ઉતારી, અપનાવી, સ્વીકારી અને પ્રસરાવી છે. વાંચન એ સંસ્કારની ગંગોત્રી છે. તેના વિના સમાજમાં વિકૃતિ પ્રસરે છે. વાંચન વિના જીવન અમાસનું અંધારું છે. વાંચન એટલે જીવનમાં પથરાતું સૂરજનું અજવાળું છે. તેઓએ માણસોને ખૂબ નજીકથી વાંચ્યા છે. તેમના વિચારો એ જ તેમની વાંચનની ભૂખ પૂર્ણ કરી છે.

ભાસ્કરભાઈ હંમેશાં વર્તમાનમાં જ જીવ્યા છે તે હંમેશાં કહેતા કે " હું આવતીકાલની ચિંતા કે ભયથી ડરતો નથી કારણ કે, મેં ગઈકાલ જોઈ છે અને મને ' આજ ' ખૂબ વહાલી લાગે છે. લોકો સપના પૂરા કરવા દોડ્યા કરે છે વીતેલી કાલથી પીછો છોડાવવા દોડે છે જેને કારણે ' આજ'નો આનંદ માણી શકતા નથી. તેમણે હંમેશાં વર્તમાનને સ્વીકાર્યો છે અને માણ્યો છે. આવતીકાલ સુધારવા આજને હંમેશાં વધાવી છે. તેમના જીવનમાં હંમેશાં ' આજની ઘડી રળિયામણી ' એ રીતે જીવ્યા છે. તેમની આજ એ જ તેમનો શ્વાસ રહ્યો છે. તેમની આજ એજ તેમની સફળતાની ચાવી અને જાદુઈ છડી બની છે. તેમના માટે આજ એ ઉગેલું ફ્લ છે, સુંદરવન છે. તેમની આજે તેમનું પોતાનું અને અનેક લોકોનું જીવન બદલી નાંખ્યું છે. તેમની આજ અને ગઈકાલને મજબૂત ઈટો બનાવી આવતીકાલના જીવનનું ચણતર કરી સમાજ માટે

પ્રેરક ઇમારત ઊભી કરી છે.

તેમની પાસેથી હું ' વિવેક ' શીખ્યો છું. વિવેક શબ્દ બોલવામાં સહેલો પણ નિભાવવામાં ખૂબ કઠિન છે. વિવેક દાખવવા માટે ખૂબ સંયમ જોઈએ, સંસ્કાર જોઈએ અને સ્નેહાળ હૃદય જોઈએ. તેમનો વ્યવહાર હંમેશાં ખૂબ વિવેકપૂર્ણ રહ્યો છે. સમાજના ગમે તે સ્તરના લોકો હોય દરેક સાથે સમાનતાના સહજ ભાવથી સહને વિવેકપૂર્ણ વ્યવહારથી સ્વીકાર્યા, આવકાર્યા અને પોતાના કરી લીધા છે, તેમનો વિવેક તેમના મધમધતા સંવાદમાં ભાવવીના અત્તરની જેમ મહેકતો જોવા મળ્યો છે. તેમના વિવેકથી

અસુંદરને પણ સુંદરતા બક્ષી છે. તેમનો વિવેક એ જ તેમનો આનંદ, નિજાનંદ, સાચું ધન અને તેમની ફકીરી છે. તેમના વિવેકમાં હંમેશાં શાંતિ, પ્રશાંતિ અને માનવ સંબંધોમાં ફૂલો ઉગાડનારી ક્રાંતિ જોવા મળીછે.

તેમના જીવનમાં ઘણીવાર મેં જોયું છે કે તે હંમેશાં સારી અને સાચી સલાહને માનવા સ્વીકારવા અને અનુસરવા તત્પર રહેતા અને કોઈને બિનજરૂરી સલાહ ન આપી તેમની યોગ્યતા પુરવાર કરતા. તેમની સલાહે હંમેશાં અનેકના જીવનને સાચો રાહ બતાવ્યો છે. લોકોના અટકેલા જીવનને પાર પાડ્યા છે. તેમની સલાહ ખાઈમાં પડેલા માણસને ટકી રહેવા માટે મળી ગયેલી ડાળી જેવી બની રહી છે. તેમની સલાહ, માર્ગદર્શન અનેક ડૂબતા લોકોનું તરણું અને તરસ્યાનું ઝરણું બની રહી છે. કોઈપણ વ્યક્તિને સલાહ આપતી વખતે તેમણે સતત કાળજી રાખી છે કે કોઈનું અહિત થાય તેવી અને અંગત સ્વાર્થને ધ્યાનમાં રાખીને ક્યારેય સલાહ આપી નથી. મોટેભાગે સલાહ આપનાર તે મુજબ વર્તતા નથી પણ ભાસ્કરભાઈ જેમ વર્તે છે તેવી જ સલાહ આપે છે એટલે તેમના વિચારવાણી અને વ્યવહારમાં સુસંગતતા અને એકરૂપતા જોવા મળે છે.

ભાસ્કરભાઈએ જલાવેલી ઉમદા સેવાકીય પ્રવૃત્તિના યજ્ઞની જ્યોત આજે પણ તેમના ધર્મપત્ની પ્રવિણાબેન, વિદેશમાં રહેતી દીકરી ઝરમર તથા જમાઈ અને બાળકો મુંબઈમાં સ્થિત તેમનો ચિ. સુપુત્ર હર્ષ અને તેની ધર્મપત્ની અને તેમની સાથે સતત તેમની સેવામાં તત્પર ચિ. મનન તથા તેની ધર્મપત્ની અને બાળકોએ આ સેવાયજ્ઞમાં સતત આહુતિ આપતાં રહીને આ જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યાં છે.

તેમના આત્મવિશ્વાસ અને પ્રભુએ પૃથ્વી પર જે સોંપેલ કાર્યો પૂર્ણ કરવાની તેમની જીજીવિષાને કારણે હાલમાં ગંભીર માંદગીમાંથી ધીમે ધીમે મુક્ત થઇ રહ્યા છે અને તેમના જુસ્સાને બરકરાર રાખી નિવૃત્તિમાં પણ મૂળભૂત સેવાપ્રવૃત્તિને વધુ પ્રજ્વલિત કરવા તેમની શક્તિને કામે લગાડી રહ્યા છે.

પ્રભુ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારણા કરી દીર્ઘાયુ અર્ધે જેથી તેમના બાકીનાં તમામ સદ્કાર્યો પૂર્ણ કર્યાનો સંતોષ પ્રાપ્ત કરાવે તે માટે હાર્દિક શુભકામના.

પ્રો. ડૉ. દિનેશ પંચાલ
ડીન, લકુલીશ યોગ યુનિવર્સિટી,
અમદાવાદ.