શ્રી રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લા શાખા ઇડર જ્યારે 40 વર્ષનો સેવાયજ્ઞ પૂર્ણ કરી અને વૃક્ષમાંથી વટવૃક્ષ બની ચારે દિશાઓમાં સેવાસુર્ગંધ ફેલાવી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે – સેવાસેતુ સંસ્થાના આદ્ય - સ્થાપક શ્રી પૂજ્ય ભાસ્કરભાઈ - મહેતા સાહેબ - પણ - ખૂબ - ખૂબ - કઠિન પરિશ્રમથી હીરાની માફક ઘસાઈને ચારે દિશાઓમાં અજવાળા પાથરી રહ્યા છે. સંયોગથી પૂજ્ય સાહેબશ્રી આજ વર્ષે પોતાના જીવનપયનાં 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે સંસ્થા તેના આદ્યસ્થાપક શ્રી બંને વચ્ચેનું જે અતૂટ જોડાણ અને તેનો દીર્ઘ સમય પણ સૌના અંતર - મનમાં તરવરાટ કરતો દેખાય છે.
સંસ્થાના આદ્યસ્થાપક પૂજનીય પિતાતુલ્ય શ્રદ્ધેય શ્રી પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતા સાહેબ પણ આ સંસ્થાની શરૂઆતના દિવસોમાં 34,35 વર્ષના નવયુવાન હશે. તેમની યુવાનીના દિવસોમાં મોજ મસ્તી કરવા કરાવવાને બદલે દિવ્યાંગજનોના ઉત્કર્ષ માટે શિક્ષણ પુર્નવસનનો વિચાર આવે તે ઈશ્વરીય સંકેત હોઈ શકે.
પૂજ્યશ્રી એ સાબરકાંઠા જેવા અલ્પવિકસિત જિલ્લામાં તેમજ અરવલ્લીની ગિરિ માળાઓમાં અંબાજી પોશીના પટ્ટીથી છેક બાલાસિનોર સુધીના જિલ્લાના સરહદીય વિસ્તારોમાં વસતા હજારો અલ્પવિકસિત પરિવારોનાં દિવ્યાંગ બાળકોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો દૃઢ સંકલ્પ લીધો.
સાહેબશ્રીની જન્મભૂમિ ભલે ભાવનગર હતી પરંતુ તેમણે પોતાની કર્મભૂમિ ભારતની પ્રાચીન નગરી ઈડરને બનાવી સાથે સાથે મને બરાબર ખ્યાલ છે કે જ્યારે હું 1992 માં આ સંસ્થાના કર્મચારી તરીકે જોડાયો ત્યારે 7-8 વર્ષમાં જ આપણી સેવા રાષ્ટ્ર અને વિશ્વ ફલક પર ચમકતી થઈ ગઈ હતી. તેના મૂળમાં હતી પૂજ્યશ્રીની કર્મઠતા તેમના સંકલિત શિક્ષણ યોજના અને CBR સમુદાય આધારિત યોજનાના લાભાર્થીઓની કર્મઠતા ગાથા. બીજાં રાજ્યો અને વિદેશથી આવતા મહેમાનો સાબરકાંઠાના દુર્ગમ વિસ્તારોના ગામડે ગામડેલાભાર્થીઓના જીવન દર્શન માટે આવતા.
ખૂબ જ ઓછા સાધન સગવડ વચ્ચે સંસ્થામાં કર્મયોગી એવા પ્રવાસી શિક્ષકો, ફિલ્ડ વર્કર સાથીઓ ચાલતા ચાલતા, સાયકલ ચલાવતા ગામડે ગામડે દિવ્યાંગોની મોજણી જનજાગૃતિ શિક્ષણ અને પુર્નવસનની જ્યોત પ્રજવલિત કરી સંકલિત યોજનાની ગુંજ ચારેકોર ફેલાવી આગળ વધી રહ્યા હતા.
સંસ્થા દ્વારા સંકલિત શિક્ષણ યોજના CBR, બ્રેલ પુસ્તકાલય, CRE પ્રોગ્રામ, મોતિયાના ઓપરેશન કેમ્પ, નેત્ર નિદાન કેમ, સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સતત શિક્ષણ કેમ્પ ઉનાળુ દિવાળી વેકેશન દરમિયાન અંધજન ધ્વજ દિન ઉજવણી, મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ, વાલી માર્ગદર્શન શિબિર આ બધા આયોજનો સંસ્થાની કાર્ય શ્રેણીનો ભાગ બની ગયો હતો.
શરૂઆતના દિવસોમાં બે પાંચ કર્મયોગીશ્રીથી શરૂ થયેલું કર્મયોગી પ્રવાસી શિક્ષક ફિલ્ડ વર્કર જૂથ લગભગ એક સમયે 125/130 સુધી પહોંચી ગયું. જેના પાયામાં હતી પૂજ્યશ્રીની દીર્ઘદૃષ્ટિ પથ્થર માં દેવની જેમ માનવમાં શ્રેષ્ઠ નિહાળવાની, કળા, પ્રવાસી શિક્ષકે કે ફિલ્ડ વર્કર એવા કર્મયોગીઓમાં ચિંતન, સંસ્કાર, કર્મઠતા, પ્રામાણિકતાનું સિંચન કરી સૌમાં કાર્ય પ્રત્યેની ફરજપાલન સેવાભાવ જગાડ્યો. જેનાથી સૌ કર્મયોગીઓ સાબરકાંઠા અરવલ્લીના દુર્ગમ વિસ્તારોમાં ગામડે ગામડે ફરીને શાળાઓ, સરકારી, સહકારી સંસ્થાઓ, કચેરીઓમાં મુલાકાત લઈ જનજાગૃતિ દ્વારા દિવ્યાંગજનો પ્રત્યે સામાજિક જવાબદારીની ચેતના જગાડી અને ખૂબ જ પ્રામાણિકતાથી નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી જેનું પ્રતિબિંબ લાભાર્થીઓના જીવનવિકાસમાં દેખાતું હતું.
ગુજરાતની ધરતી પર આજે સાંપ્રત સમયમાં મહેસાણા વિસનગર સ્વર્ગસ્થશ્રી રમણીકભાઈ હાલારી સાહેબ જામનગર, પ્રકાશભાઈ મંકોડી સાહેબ, અમરેલીમાં શ્રી બાબવાણી સાહેબ, અંધજન મંડળ વસ્ત્રાપુર સ્વર્ગસ્થ ડોક્ટર જગદીશભાઈ પટેલ સાહેબ, દાહોદ યુસુફીકી કાપડિયા સાહેબ, ધોરાજી પ્રફુલભાઈવ્યાસ, રાજકોટ જી જે. વાછાણી સાહેબ, સુરેન્દ્રનગર મુક્તાબેન ડગલી, તારકભાઈ લુહાર, હર્ષદભાઈ જાની, સ્વર્ગસ્થ રામાભાઇ વલસાડ સાથે બનાસકાંઠા ભુજના પ્રજ્ઞાચક્ષુ સેવકો અને આ બધાની સાથે શ્રી મધુકર ચૌધરી સાહેબ મુંબઈ, શ્રદ્ધે સ્વર્ગસ્થ હર્ષદભાઈ જોશીસાહેબશ્રી, પુનાની સાહેબ, નંદિનીબેન રાવલ આ સૌ દીર્ઘદૃષ્ટાઓનું મેઘ ધનુષ્ય સમાન વૃંદ ગુજરાતના ગામડે ગામડે સંકલિત શિક્ષણ યોજના અને સીબીઆર CBR અભિયાનના અમલીકરણ માટે પ્રતિબધ્ધ બન્યા આ કાર્યક્રમ ખૂબ જ સફળતાના શિખરો સર કર્યા. પરંતુ આ મેઘધનુષમાં આપણા પૂજ્યશ્રી સાચેજ ભાસ્કર બની સૌથી વિશેષ બન્યા.
પૂજ્યશ્રીનું નિરીક્ષણ, વ્યક્તિત્વ ક્યારે સિદ્ધાંતની વિરુદ્ધનું કાર્ય ગમે જ નહીં અને થાય જ નહીં. દિવ્યાંગજનોનાં કાર્ય માટે દિલ્હી, મુંબઈ તેમજ દેશના ખૂણે ખૂણે ટ્રેનથી કે બસથી મુસાફરી કરતા ક્યારે મેં એમના ચહેરા ઉપર કે તન પર થાક જોયો નથી.
હંમેશાં આશાવાદી ખૂબ જ આત્મવિશ્વાસથી ઉભરાતું શ્રીફળ જેવું સિદ્ધાંતથી કઠોળ, કમળથી કોમળ, મધુર વ્યક્તિત્વ પોતાની કર્મયોગી સેના થકી પોતાના સપનાઓનું વાવેતર કરવા સતત ચિંતન મનન અથાગ પરિશ્રમ કરતાં મેં જોયા છે.
પૂજ્યશ્રી ને જેવો મંચ તેવો રંગ અને તેઓ જ અભિનય કરતાં મેં અનુભવ્યા છે.
આ ધરતી પર વ્યક્તિ નહીં પણ દેવ સમાન વિચારવાળી વર્તન શુદ્ધતા, નિર્મળતાના ખૂબ જ ઓછી વ્યક્તિઓમાં આ દર્શન થાય છે.
ત્રિવિધ પ્રતિભા ધરાવતું પૂજ્યશ્રીનું બહુમુખી વ્યક્તિત્વ પ્રથમ સાહિત્ય પ્રેમી સિદ્ધાંતમાં ધારાશાસ્ત્રી અને પ્રામાણિકતાના દર્શન કર્યા છે. ભગવાને આપ શ્રીમાં અખૂટ શક્તિનું સિંચન કર્યું છે. આપ સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી જેવી ભાષાઓમાં પારંગતતા સાથે રમત ગમત, નાટક, ચેસ, વકૃત્વ બધી જ પ્રવૃત્તિઓમાં રસ શોખના કારણે આપણા દિવ્યાંગ બાળકોમાં આ જ રસરુચિ વધે તેવા
હંમેશાં આયોજનબદ્ધ કાર્યક્રમ, તાલીમ, યોજના અને તેની ફલક પર લાવવાનું સફળ સ્વપ્ન, આપે જોયું અને એને પાર પાડ્યું.
દિવ્યાંગ બાળકો આજે સફળતાની સીડી સર કરી રાષ્ટ્ર અને વિશ્વ ફલક પર પોતાનું કૌવત બતાવી સંસ્થા અને પૂજ્યશ્રીનુંરાષ્ટ્રનું ગૌરવ વધારવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.
રમત ગમત ક્ષેત્રે ખેલ મહાકુંભમાં કૌશલ્ય બતાવી પોતાના પરિવારની આર્થિક જવાબદારી ઉઠાવી સહભાગી બની રહ્યા છે. હજારો રૂપિયા ઇનામમાં પણ પ્રાપ્ત કરી રહ્યા છે આમ દિવ્યાંગજનોના જીવનવિકાસની સફળતામાં આપ પથદર્શક રહ્યા છો.
આપ આપના વ્યક્તિગત વ્યવસાયમાં ઈડર આર્ટ્સ કોમર્સ કૉલેજમાં નિવૃત્તિ કાળ સુધી પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા છતાં આપે આપની વ્યવસાયિક જવાબદારીની સાથે સાથે સેવા - સંસ્થામાં સેવાકીય જવાબદારી નિભાવી પરિશ્રમપૂર્વક કાર્ય કર્યું.
મને આ તબક્કે ચોક્કસથી હૃદયસ્પર્શી અને આપની આ સૌ સેવાકીય ક્ષેત્રની સફળતામાં જેટલો યશ અને ગૌરવ આપના કર્મયોગી બન્યા, તેનાથી વિશેષ આપની સાથે પડદા પાછળનું ચરિત્ર આપના ધર્મપત્ની શ્રીમતી પ્રવિણાબેન મહેતા રહ્યાં.
જેઓ સંસ્થાના પ્રારંભથી આજ દિન સુધી સમય સામે જોયા વગર આ સેવાકીય સંસ્થામાં એક સાચા સ્વાધ્યાયી અને પોતાનું શ્રેષ્ઠ આપતા રહ્યા અને આપના બાળકોને પણ ઉચ્ચ સંસ્કાર, શિક્ષણ આપી ઉત્કૃષ્ટ બનાવ્યા.
21 મી સદી સમગ્ર વિશ્વમાં ખૂબ જ અકળ રીતે પોતાની છાપ છોડી રહી છે જ્યાં સૌ કોઈ સ્વાર્થ છલ કપટ પરિવારવાદ અને ઈર્ષાથી પોતાના જીવન વિકાસ સાધવામાં પડેલા છે ત્યાં પૂજ્યશ્રી એ પોતાની આ સંસ્થામાં ક્યારે દૂષણ ને પ્રવેશવા દીધા નથી. સંસ્થાના સૌ દિવ્યાંગ બાળકોના પરિવાર સાથે હંમેશાં આપે હૃદયપૂર્વકના સંબંધો રાખ્યા અને સૌના સારાનરસા પ્રસંગોએ આપની શારીરિક નબળાઈને ધ્યાનમાં લીધા વિના, સૌની સાથે પ્રસંગોચિત ઉપસ્થિત રહી મદદ રૂપ બન્યા. સુખદુ : ખના સહભાગી બન્યા અને આર્થિક મદદ કરી. સંસ્થાના 60-70 વિશષ્ટિ શિક્ષકો જયારે સરકારી નીતિના કારણે 10-11 સુધી પગારથી વંચિત બન્યા ત્યારે સંસ્થાએ એકપણ માસ પગાર વગર શિક્ષકોને રાખ્યા ન હોતાં અને સૌના પરિવારની ખુશી જાળવી રાખી હતી. આવી જ આપે દિવ્યાંગ બાળકો અને તેમના પરિવારો પ્રત્યે ભાવના રાખી સૌની સંભાળ રાખી છે. આમ આપે દિવ્યાંગ બાળક વાલી, શિક્ષકો, હોદેદારશ્રીઓ સૌને એક તાંતણે બાંધવાનું બેજોડ ઉદાહરણ ગુજરાતની NGO ને પૂરું પાડ્યું છે.
આપશ્રીને પ્રભુ ખૂબ જ સારું સ્વાસ્થ્ય બક્ષે સાથે આપના સપનાઓ પૂર્ણ થાય. આપના શતાયુ ઉજવણી પ્રસંગે સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે પૂજ્યશ્રી ને વંદન સહ આપણા આશીર્વાદના અભિલાષી.