ષષ્ઠિપૂર્તિથી અમૃત મહોત્સવ સુધી એક દિવ્ય જીવનયાત્રા

પ્રિય સ્નેહી વડીલો અને મિત્રો,

સફળતાએ કાર્યોનું પરિણામ છે અને તે વિકલાંગ સહીત સૌન પરિવારમાં જન્મેલા એક નાના અંધ ભાઇને મેળવ્યા બાદ અનેક પડકારો ઉઠાવી અંધત્વ છતાં અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી, અસંભવ કહી શકાય તેવી ‘ વ્હાઇટ કોલર જોબ ’ ની પ્રાપ્તિ અને દિવ્યાંગ સેવા ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું.

મારી ષષ્ઠિપૂર્તિ પછીના જીવનના કેટલાક યાદગાર પડાવોને અહીં રજૂ કરું છું આ કોઈ સિદ્ધિઓની યાદી નથી, પરંતુ મારા હૃદયના ધબકારા છે, જેણે મારા જીવનને વધુ સમૃદ્ધ અને સાર્થક બનાવ્યું છે. મારા જન્મથી લઈને ષષ્ઠિપૂર્તિ સુધીની વાતો તમે કદાચ વાંચી હશે, એટલે એ વાતોનું પુનરાવર્તન ટાળીને, ચાલો આપણે એક નવી સફર શરૂ કરીએ.

વર્ષ ૨૦૧૧ મારા જીવનનું એક અત્યંત યાદગાર વર્ષ બની રહ્યું. તે દિવસે, ૧૧.૧૧.૨૦૧૧ ના રોજ, અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મેં મારા મનની વાત રજૂ કરી. મારા વક્તવ્યથી ખુશ થઈને, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ડૉ. અબ્દુલ કલામજીએ મને જે આશીર્વાદ આપ્યા, તે તેમના રાષ્ટ્રપતિપદ કરતાં પણ મારા માટે વધુ મહત્ત્વના હતા. તે જ વર્ષે મને વસ્ત્રાપુર લાયન્સ ક્લબ, અમદાવાદના પ્રમુખપદની જવાબદારી મળી. આ પ્રમુખપદની જવાબદારી મારા માટે ગૌરવની વાત હતી, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. તે જ વર્ષે, મારા માતૃશ્રીનું દેહાવસાન થયું. જે માએ મને લાયન્સ ક્લબના પ્રમુખપદ સુધી પહોંચાડ્યો, તેની વિદાય મારા માટે ઊંડા આઘાત સમાન હતી.

પરંતુ જીવન ક્યારેય અટકતું નથી. વર્ષ ૨૦૧૨-૧૩માં લાયન ડિસ્ટ્રિક્ટ ૩૨ ૩B ની કેબિનેટમાં મારો સમાવેશ થયો, જે મારા માટે ગૌરવની ક્ષણ હતી. આ જ વર્ષે આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મને ' ધરતી રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો. આ સન્માનને હું મારા પરિવાર સાથે વૈષ્ણોદેવી દર્શનની કૃપા જ ગણું છું. ત્યારબાદ વર્ષ ૨૦૧૫-૧૬ અને તે પછી ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ, પ્રોફેસર ડૉ. ઓ.પી. કોહલી સાહેબ દ્વારા અમદાવાદ, ગોતા અને રાજભવન ગાંધીનગરમાં મારું વારંવાર થયેલું સન્માન, મારામાં રહેલા હિંમતનગર ટાઉનહોલના સંસ્કારોનું ગૌરવ વધારી ગયું. આ સન્માનો મને સતત પ્રવૃત્તિશીલ રહેવાની પ્રેરણા પૂરી પાડે છે.

નિવૃત્તિ બાદ મારું જીવન સંપૂર્ણપણે દિવ્યાંગજન પ્રવૃત્તિઓમાં સમર્પિત થઈ ગયું. દિવ્યાંગજનોની સેવા કરવી એ મારા જીવનનું પરમ લક્ષ્ય બની ગયું. મારા દિવ્યાંગ દોસ્તો સાથે શ્રીનગર, જમ્મુ અને કટરાનો પ્રવાસ મારા માટે જ નહીં, પરંતુ મારા સમગ્ર પરિવાર માટે પણ ચિરસ્મરણીય બની રહ્યો. ૨૦૧૫ થી ૨૦૧૮ દરમિયાન હું નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ (NAB) ઇન્ડિયાના પ્રથમ ગુજરાતી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો, જે મારા માટે એક નવા ઇતિહાસનું પ્રકરણ હતું. આ સમયગાળા દરમિયાન મને માઉન્ટ આબુ, અંબાલા, ગોવા, કર્ણાટક, હૈદરાબાદ અને હલદ્ધવાની જેવી અનેક દિવ્યાંગ સંસ્થાઓના કાર્યક્રમોમાં ભાગ લેવાનો અને મંચ શોભાવવાનો મોકો મળ્યો.

વર્ષ ૨૦૧૫-૧૬માં અમરાવતી ખાતે મને ' ગુરુજી ઠુમરે પુરસ્કાર'થી રાષ્ટ્રીય સન્માન મળ્યું. આ પુરસ્કાર સાથે મળેલા ૨.૫૦ લાખ રૂપિયામેં NAB ઇન્ડિયાને આર્થિકદાન તરીકે આપ્યા. આ દાન દ્વારા મને જે આંતરિક આનંદનો અનુભવ થયો, તે કોઈ કીમતી વસ્તુ ખરીદવાથી પણ ન થઈ શકત. આ સમય દરમિયાન પુણે, નાસિક અને લોનાવાલાની સંસ્થાઓની મુલાકાતોએ મારા અંધત્વ છતાં મારા જીવનના અનુભવોને વધુ સમૃદ્ધ બનાવ્યા.

૨૦૧૯ માં, હું NAB સાબરકાંઠા - અરવલ્લી જિલ્લા શાખાના મંત્રી તરીકે સતત ૧૩ મી વાર નિમણૂંક પામ્યો. આ જવાબદારી મારા માટે માત્ર એક પદ નહોતું, પરંતુ મારા હૃદયનો એક અવિભાજ્ય ભાગ હતો. પરંતુ, નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. મને આવેલી બ્રેનસ્ટ્રોકની બીમારીને કારણે અને સૌના આગ્રહ છતાં, જુલાઈ ૨૦૨૦ ના અંતમાં મારે આ જવાબદારીમાંથી મુક્ત થવા રાજીનામું આપવું પડ્યું. સંસ્થાએ ભારે હૈયે મારું રાજીનામું સ્વીકાર્યું, પરંતુ મારી અને મારી પત્ની પ્રવિણાની દીર્ઘકાલીન સેવાઓને ધ્યાનમાં રાખીને મને સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ તરીકે કાયમી નિમણૂંક આપી. આ ઉપરાંત, સંસ્થાના નવા બંધાયેલા રૂપિયા અઢી કરોડના મકાનને ' ભાસ્કર ભવન ' નામ આપીને સંસ્થાએ પ્રજ્ઞાચક્ષુ કાર્યકરની સેવાની કદર કરવાનો એક ઐતિહાસિક દાખલો બેસાડ્યો. આ સન્માન માત્ર મારું નહોતું, પરંતુ પ્રત્યેક દિવ્યાંગ વ્યક્તિના સન્માનનું પ્રતીક હતું.

આ સમયગાળામાં પથારીવશ હોવા છતાં મને પાંચ જેટલા પુરસ્કારો ઘરે બેઠા મળ્યા, જેમાં પંડિત સુખલાલજી એવોર્ડ, ગુરુ વંદના અને માતૃ સન્માન પુરસ્કાર અને શ્રેષ્ઠ પ્રાચીન છાત્ર પુરસ્કારનો સમાવેશ થાય છે. આ સન્માનોને હું પ્રભુ કૃપા ગણીને સંસ્થાને અર્પણ કરું છું. મારા રાજીનામા બાદ મારી ધર્મપત્ની પ્રવિણા મહેતાએ સહમંત્રી તરીકે અને શ્રીમતી સોનલબેન દોશીએ માનદ્ સામાન્ય મંત્રીતરીકે સંસ્થાની જવાબદારીઓ સંભાળી. આ માટે હું તેમનો જાહેરમાં આભાર માનું છું.

ર્ડા. પૂર્વેશ પંડ્યા, સંદીપ રામી જેવા મિત્રોના સહયોગથી સંસ્થાની બ્રેલ લાઈબ્રેરીનું ડિજિટલ લાઈબ્રેરીમાં રૂપાંતરણ અને સ્માર્ટ ક્લાસરૂમનું નિર્માણ થઈ રહ્યું છે, જે સંસ્થાને ચાર ચાંદ લગાડી જશે.

હિંમતનગર કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ આદરણીય દિલીપભાઈ ગાંધીએ સંસ્થાના પ્રમુખપદની જવાબદારી સ્વીકારી અને દિવ્યાંગ વ્યક્તિને પ્રમુખ બનાવવાની રજૂઆત કરી, જે તેમના દિવ્યાંગ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. આ સંસ્થાના વિકાસમાં સહયોગ આપનાર તમામ હોદેદારો, કર્મચારીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ, દાતાશ્રીઓ, સાંસદ દીપસિંહ ચૌહાણ અને વિદેશમાં રહેતા દાતાઓનો હું તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. આર્કિટેક્ટ કમલ ભાવસાર અને હરીશભાઈ આચાર્યનો પણ હું આભાર માનું છું, જેમણે સંસ્થાના મકાન નિર્માણમાં અમૂલ્યયોગદાન આપ્યું.

ભવિષ્યમાં આપણે સૌએ સાથે મળીને દિવ્યાંગ વૃદ્ધાશ્રમ, પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન અને વ્યવસાયલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું છે. મારો આશય છે કે આ જિલ્લાના તમામ વયજૂથના દિવ્યાંગજનોના પુનર્વસનનું કાર્ય હાથ ધરીને આપણે એ સિદ્ધાંતને ચરિતાર્થ કરીએ કે " દિવ્યાંગતા શરીરને હોય છે આત્મામાં નહીં ".

સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટના પ્રવાસી અધ્યાપકોના ચુકાદાનો અમલ કરવા બદલ હું ગુજરાત સરકારનો આભારી છું. આ કારણે સંસ્થાના ૬૬ અધ્યાપકોમાંથી ૨૬ ને પેન્શન, ગ્રેજ્યુઇટી અને અન્ય લાભ મળ્યા. આ એક સ્વપ્ન હતું જે ૧૯૮૫ થી ૨૦૧૩ સુધી મારું હતું અને તે સાકાર થયું. અમારા મિત્ર પ્રફુલભાઈ, નાથાલાલ વ્યાસ અને ધોરાજીની ષષ્ઠિપૂર્તિ અને NAB ગુજરાત રાજ્ય શાખાના એવોર્ડ વિતરણ સમારંભ ગાંધીનગરમાં રાજ્યપાલના સૌહાર્દથી યોજાયા, જેના માટે તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ. પી. કોહલી, ભાઈ શ્રી જોશીજી અને શ્રી જી. જે. વાછાણી સાહેબનો આભાર માનું છું. NAB રાજકોટ દ્વારા આપણી જિલ્લા શાખાને શ્રેષ્ઠ જિલ્લા શાખાનો એવોર્ડ મળ્યો. સૌરાષ્ટ્રની અંધજન પ્રવૃત્તિના ત્રણ આધારસ્તંભો - જી. જે. વાછાણી, અનિલભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ મહેતાના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ જ રીતે NAB ગુજરાત રાજ્ય શાખા દ્વારા અમદાવાદ ખાતે મારા સન્માનનો પ્રસંગ પણ મારા માટે નહીં, પરંતુ | સમગ્ર દિવ્યાંગ જગત માટે સન્માનની વાત છે. આ માટે હુંપ્રમુખ ર્ડા. નીતિનભાઈશાહનો આભાર માનું છું. મારા જીવનના આ પ્રેરક પ્રવાહમાં સંત શ્રી શ્યામસુંદર મહારાજ, શ્રી શાંતિ ગિરિજી મહારાજ અને સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ, પૂજ્ય આધ્યાત્માનંદજી મહારાજ જેવા સંતોના આશીર્વાદ હંમેશાં મારી સાથે રહ્યા છે.

આપ સૌનો સાચા દિલથી આભાર માની, હું આશા રાખું છું કે આ લેખ દ્વારા મારી પષ્ઠિપૂર્તિથી અમૃત મહોત્સવ સુધીની સફર તમને પ્રેરણા આપશે અને જીવનને એક નવી દિશા આપશે.

ભાસ્કર મહેતા