અમે આભારી છીએ...

મારું નામ ભરતકુમાર. મારો જન્મ બીજી એપ્રિલ, ૧૯૮૩ ના રોજ શનિવારે થયો હતો. જન્મથી જ હું અંધ છું. મારી એક જમણી આંખ બંધ હતી, જે જોઈને મારા માતા - પિતા ખૂબ દુ : ખી થયાં હતાં. છતાં પણ, તેમણે હિંમત હાર્યા વગર મને પાલન - પોષણ આપ્યું. પોતે મજૂરી કરીને મને ભણાવ્યો. વર્ષ ૨૦૦૨ માં, મેં ધોરણ દસ પાસ કર્યું, તે મારા જીવનનો એક સીમાચિહ્નરૂપ પડાવ હતો.

તે સમયે, ગુજરાત અંધજન મંડળની શરૂઆત થઈ હતી અને ઈડર તાલુકામાં પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાએ એક ભાડાના મકાનમાં આ સંસ્થા ચાલુ કરી હતી. તેમના વિશે સાંભળીને મેં તેમની મુલાકાત લીધી

અને તેમની સાથે પરિચય થયો. ભાસ્કરભાઈ સાહેબે મને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મારી આંખોની તપાસ કરાવવામાં મદદ કરી. ત્યાં મને પ્રમાણપત્ર મળ્યું કે મારી એક આંખ નબળી છે અને બીજી આંખમાં મને ખૂબ ઓછુંદેખાય છે. આ સર્ટિફિકેટ મારા માટે એક ઓળખ બની ગયું.

વર્ષ ૨૦૦૪ માં, સર પ્રતાપ હાઈસ્કૂલ, ઈડર ખાતે ખેલ મહાકુંભ યોજાયો હતો. ભાસ્કરભાઈસાહેબ અને તેમના પત્ની પ્રવિણાબેન તેમાં મદદ કરતાં હતાં. મેં પણ તેમાં ભાગ લીધો હતો અને ગોળા ફેંક, બરછી ફેંક અને શતરંજમાં મારો પહેલો નંબર આવ્યો. ગુજરાત સરકાર તરફથી મને ૧૫,૦૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું. આઘટનાએ ભાસ્કરભાઈ સાથેના મારા સંબંધોને વધુ ગાઢ બનાવ્યા. તેઓ હંમેશાં કહેતા, " તારે કંઈ જરૂર હોય તોહું મદદ કરવા તૈયાર છું. "

મેં ધોરણ ૧૨ આર્ટ્સ પછી બી.એ., બી.એડ. અને ટેટ -૨ જેવી ડિગ્રીઓ મેળવી, છતાં મારી પાસે નોકરી નહોતી. મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી. મેં સાહેબને મારી મુશ્કેલી જણાવી. અને તેમણે મને પોતાની અંધજન મંડળ સંસ્થામાં નોકરી પર રાખ્યો. મારું કામ માનસિક બીમારીવાળા દર્દીઓના કેસની નોંધણી કરવાનું હતું. તે વખતે મારો પગાર ૫,૦૦૦ રૂપિયા હતો, જેનાથી મારા ઘરનું ગુજરાન ચાલતું. સાબરકાંઠા જિલ્લાના આઠેય તાલુકાનાં ગામોમાંથી માનસિક બીમારીવાળા દર્દીઓને દર મહિનાના ત્રીજા ગુરુવારે દવાઓ લેવા આવતા અને હું તેમને મદદ કરતો. રાષ્ટ્રીય અંધજન મંડળ, ઈડર ખાતેની ઓફિસમાં આ દર્દીઓને સરકાર તરફથી વિનામૂલ્યે દવાઓ મળતી હતી.

મારા કામથી ખુશ થઈને ભાસ્કરભાઈ સાહેબ મને કહેતા, " ભરત, તું ખૂબ મહેનતુ છોકરો છે. તું આજે નહીં તો કાલે ભવિષ્યમાં સરકારી કર્મચારી બનીશ. " તેમના શબ્દોએ મારામાં નવી આશા જગાડી. ભાસ્કરભાઈ સાહેબ માત્ર અંધજનો માટે જ નહીં, પણ બાળકો, યુવાનો અને વૃદ્ધો માટે પણ કામ કરતા. તેઓ બાળકોને શિક્ષણ, કપડાં, ચોપડા અને સંગીત જેવી દરેક જરૂરિયાત પૂરી પાડતા. તેઓ સેમિનાર ગોઠવીને | અંધજનોને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપતા.

તેઓ લોકોની આંખોની તપાસ કરાવતા અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવા અને ચશ્મા આપતા. તેમણે પોતાની કારકિર્દીનો ઉપયોગ લોકોની સેવામાં કર્યો છે. ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ લોકોની સેવા કરવા તત્પર રહે છે. નિઃસ્વાર્થ ભાવે સર્વ જીવોનું કલ્યાણ કરનાર ભાસ્કરભાઈ સાહેબ અંધજનો માટે ભગવાન સમાન છે. તેઓ અમારા સુખમાં પાછળ અને દુ : ખમાં હંમેશાં આગળ રહેતા. તેઓ એક સાચા મિત્રની જેમ અમારી સેવા કરતા તેથી જ તેમને ' દયાળુ મદદરૂપી સાહેબ ' કહેવામાં આવે છે. તેમનો આભાર માનું એટલો ઓછો છે, કારણ કે તેમના કારણે જ મારું જીવન આજે આટલું સુંદર બન્યું છે.

ભરતકુમાર ચેનવા