દોસ્ત અમિતની ડાયરીમાંથી

ફૈસલા હોને સે પહેલે મેં ભલા કયું હાર માનું,
જગ અભી જીતા નહિ ઓર મેં અભી હારા નહીં હું...

કેમ, કેમ છે દોસ્ત અમિત ! આવા અનેકવારના ટેલિફોનિક સંવાદ અને આ ક્ષેત્રની વિકાસની કામગીરી માટેની મુલાકાતના અનેક અનુભવો આપની સાથે વહેંચવા છે. અરે વહેંચવી શું વાત ભાસ્કરભાઈ મહેતાની વાત માંડવી છે. આત્મવિશ્વાસથી ભરપૂર ભાસ્કરભાઈ પોતાની ક્ષતિને અતિક્રમીને અક્ષમ લોકોના ટેકાનું કામ કરે છે. ઇડરથી શરૂ થતી આ યાત્રા ગુજરાતમાં દિવ્યાંગોનાં સેવાનાં ક્ષેત્રને ઉજાગર કરે છે. જીવન આમ અવનવા આશ્ચર્યથી ભરેલું છે સેવાની ધારે ધારે આગળ વધતા રહેવું એ ભાસ્કરભાઈની નેમ છે. આ સેવાયજ્ઞથી કેટલાય દિવ્યાંગોનાં જીવન બદલાઈ ગયાં છે

અને એમના જીવનમાં અણધાર્યા ચમત્કાર મેં જોયા છે. આપણે ત્યાં શિક્ષણ અને સેવાજ્ઞાન અને

ઘડતર નહીં પણ પ્રતિષ્ઠા અને ઉપાર્જનનું સાધન બની ગયા છે. ત્યારે આ યુગમાં સાચા અર્થમાં ગાંધી, રવિશંકર મહારાજની વિષમતાઓ દૂર કરવાના ભાવની જેમ જ ભાસ્કર મહેતા દિવ્યાંગ સમાજમાં અક્ષમ જનો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે. રાષ્ટ્રનિર્માણના સાચા તર્પણની સાથે આપણે ત્યાં શિક્ષણ અને સેવા વિશે કેટલુંય લખાયું અને બોલાયું છે પણ, ભાસ્કરભાઈ જેવા યુગપુરુષ માટે લખવા માટે મારું કદ ખૂબ નાનું ગણાય. છતાં કેટલુંક ના છૂટી જાય એવા પ્રયત્ન સાથે આ અનુભવ કથા વાચક મિત્રો માટે શિક્ષણના અભ્યાસક્રમમાં લઈ શકાય તેવી ડોક્યુમેન્ટ્રી બની રહેશે અને અહીં ભાસ્કરભાઈ દિવ્યાંગ બાળકોનાં શિક્ષણ માટે હેલન કેલરની જેમ જુદી તરાહ કંડારે છે... આમ તો, ખૂબ જ નમ્રતા સાથે કહું તો આ પુસ્તિક - પુસ્તકા નહીં પણ શબ્દોનો સમૂહ એક વ્યક્તિ વિશેષના વ્યક્તિત્વના સાચાં પાસાંને નિરૂપણ કરવાનું એક આધ્યાત્મિક કાર્ય છે. સંસ્થાઓતો કેટલુંય કાર્ય કરે છે પરંતુ આ પુણ્ય કર્મની દિવ્યાંગ વ્યક્તિ જ્યારે દિવ્યાંગોની અનુકંપાને સાચા અર્થમાં સાર્થક કરે ત્યારે આ ક્ષેત્ર સાથે જોડાયેલા શિક્ષકો અને સમુચિત સમાજ માટે એક મિશાલ બને છે. સાથે સાથે એક દિવ્યાંગ પોતાની શક્તિને ઓળંગીને અડચણને ઓળંગીને સામાન્ય વ્યક્તિ કરતાં પણ વિશેષ સેવાકાર્ય સાથે જોડાય અને તમામ ક્ષેત્રોમાં પોતાનું નેતૃત્વ અને પોતાના યોગદાનથી સમાજ માટે સમર્પિત થઈને એ વ્યક્તિ નહીં પણ સાચા અર્થમાં સંતપુરુષ બનીને રહી જાય છે

અમે ઈડરિયો ગઢ જીત્યા રે એવું લોકગીત લખાયેલું મેં વાંચ્યું છે આ લોકગીત માટે ભાસ્કરભાઈનું નામ જોડીને એનું ગૌરવ લેવાનું હું ચૂકીશ નહીં. ઈડરનું બીજું નામ એટલે ભાસ્કરભાઈ મહેતા. ઊંચા પર્વતની જેમ એક અડીખમ મજબૂત સેવાનો પર્વત સમગ્ર ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં પોતાનું નામ અંકિત કરે છે. હું જ્યારે DPEP યોજના થકી ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર તરીકે સાબરકાંઠાના અરવલ્લી એમ સંયુક્ત જિલ્લામાં ફરજ બજાવતો હતો ત્યારે દિવ્યાંગ વિદ્યાર્થીઓના જનજાગૃતિ માટેના વર્ગ શિક્ષણ માટેના અને દિવ્યાંગ જનો, આ સામાજિક અસ્તિત્વના જાગરણ માટે

શ્રીમાન ભાસ્કરભાઈના સહયોગી બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. આમ તો સામાન્ય સંસ્થાઓ કોર્પોરેટ રીતે સમૃદ્ધ બનતી હોય છે. કાચા સાધનોથી શરૂ થયેલ સંસ્થા એ યુગમાં જ્યારે દીવાલ વગરની સંસ્થા આજે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષકો કામ કરે છે. પ્રજ્ઞાચક્ષુ અને બીજી વિકલાંગતા માટે એક પ્રયોગશાળા બની છે મૂળભૂત રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સામાજિક પુનર્વસન થાય શૈક્ષણિક પુનઃવસન થાય અને આર્થિક પુનર્વસન થાય. તેવા વ્યક્તિગત પ્રયાસ એક વ્યક્તિએ કર્યા છે. અહીં આવા અશક્ત વ્યક્તિ વંચિતો અને કચડાયેલા દિવ્યાંગોનાં ઘર ઘર સુધી અને હૃદય હૃદય સુધી પહોંચીને, દિવ્યાંગ બાળકોને ટેકો આપવાનું સાધન સહાય આપીને શિક્ષણકાર્ય કરાવવાનું સાચા અર્થમાં પુણ્ય કામ કરીને આ ક્ષેત્રમાં ગાંધી જેવુંસમર્પણ દાખવ્યું છે...

અહીંયા એક વાત ટાંકવી ઘટે, મારે શું? અને મારું શું? ના યુગમાં નાનાં કાર્યો કરીને મોટી સિદ્ધિ મેળવનારા આજના આધુનિક યુગમાં સૌપ્રથમ દિવ્યાંગ બાળકોનાં હિતને અગ્રેસર બનાવ્યું... આમ તો વહીવટ, શિક્ષણ અને શાસ્ત્ર એમ ત્રિવેણી સંગમના જાણકાર હોય કેળવણીના સાચા કેળવણીકાર હોય, સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક તરીકે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હોય અને સંસ્કૃતને એક ઋષિની જેમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યું હોય એવા અનેક દાખલાઓ મને મળ્યા છે. જેની સાબિતી કેટલાય સફળ વિદ્યાર્થીઓ અને અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થાય છે.

શિક્ષકમાં શિક્ષકત્વ નીતરતું જોવા મળે એમ સેવાકર્મ સાથે જોડાયેલા ભાસ્કરભાઈ પોતે દિવ્યાંગ હોવાના નાતે અભાવ સાથે બીજાની પર પીડાને સારી રીતે સમજતા હતા. એમનામાં ધબકતા સતત શિક્ષકત્વના ભાવે કોઈપણ દિવ્યાંગ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે તેવા અનેક પ્રકલ્પો તેમને સ્થાપ્યા હતા અને તેના માટે પ્રયાસ કરી રહ્યા હતા જેનો હું સાક્ષી બન્યો છું. ઉદાહરણ તરીકે દિવ્યાંગજનોના અધિકારો શિક્ષણની વાત સાચા અર્થમાં તેમના કાયદાઓ અધિકારોને ટાંકીને વિશ્વના સંદર્ભો સાથે અને સાંપ્રત કાયદાઓ અને 1955 ના વિક્લાંગધારાઓ જેવા સક્ષમ ધારાઓનો ઉપયોગ કરીને વિકલાંગોને તેમના અધિકારો અને અન્યાય સામે મહાત્મા ગાંધીજીના માર્ગના આંદોલનો પણ કર્યા છે. મૂળ વાત ભૂલી ન જઈએ એટલે જણાવી દઉં કે આજે શિક્ષણની પાયાની જવાબદારી સંભાળતા સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના પાયાનાં આયોજનમાં પણ શ્રીમાન ભાસ્કરભાઈ મહેતાનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. અંધજન મંડળ વસ્ત્રાપુરના પૂર્વ આચાર્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. હર્ષદભાઈ જોશીના નિધન બાદ સાબરકાંઠા હિંમતનગર ખાતે ભાસ્કર મહેતાના સહયોગથી સ્વર્ગસ્થ હર્ષદ જોશીના સ્મરણાંજલિ કાર્યક્રમનું એક આયોજન અમે સાથે મળીને કર્યું હતું. જેમાં સફળ દિવ્યાંગોનું સન્માન અને દિવ્યાંગોનાં ક્ષેત્રમાં કાર્યકર્તા અનેક લોકોને જોડીને પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ વિદ્યાર્થીઓનાં શિક્ષણ માટે સુંદર માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જેનું મને ગૌરવ છે... દિવ્યાંગ બાળકોનાં સંકલિત શિક્ષણ દિવ્યાંગ શિક્ષકોનું શિક્ષણ વધુ કેવું લોકભોગ્ય બને તે વિશે અમારા સંયુક્ત પ્રયાસો યાદગાર રહ્યા છે. દિવ્યાંગ જનોની કરુણા સંવેદના અને સમસંવેદના સૌનો સાથ અને સૌ દિવ્યાંગોનો વિકાસ જેવા વિચારોને સમાજમાં અને શિક્ષણ વ્યવસ્થામાં પ્રવાહિત કર્યા છે. પ્રાધ્યાપક તરીકે એન.

એ. બી ઈડરના પ્રમુખ તરીકે સમગ્ર ગુજરાતના જિલ્લાઓના દિવ્યાંગોના ઉત્કર્ષ માટે પ્રવાસ ખેડીને દિવ્યાંગ વિદ્યાર્થીઓનાં જીવનમાં અજવાળું પાથરવાનું કાર્ય જેમણે કર્યું છે એવા ભાસ્કરભાઈની આજે વાત મૂકતા એમના વિશે કહેવું પડે કે, દિવ્યાંગજનોનો હાથ અને સાચો સાથ એટલે ભાસ્કર મહેતા. જીવનના મહત્તમ ચાક્ષુશ વૈભવ અને અનુભવમાંથી અનભિજ્ઞ અંધ બાળકોના સુખી જીવન જીવવાની અનિવાર્ય બાબતો પહોંચાડનાર મૂળભૂત માધ્યમ એટલે સામાન્ય શિક્ષક. સામાન્ય શિક્ષકોને આ શિક્ષણમાં દિવ્યાંગ વિદ્યાર્થીને કેવી રીતે શિક્ષણ પૂરું પાડી શકે એવા શિક્ષણના અનુભવજન્ય સાર્થક પ્રયાસો તેમના થકી છેલ્લાં કેટલાંય વર્ષોના પ્રયાસો થકી સમગ્ર શિક્ષાની પ્રાથમિક શાળાઓમાં તાલીમ | કેન્દ્રમાં કરવામાં આવ્યા. અહીં મારે ગૌરવ સાથે લખવું પડે સામાન્ય બાળકો સાથે દિવ્યાંગ બાળકોનું શિક્ષણ જ હોવું જોઈએ. એવા આગ્રહો દિવ્યાંગ હોવાના નાતે કર્યા અને એ માટે અનેક ગજગ્રાહો સહન પણ કર્યા. પ્રયાસોના આ ઉપક્રમો અને તેમના થકી નિર્મિત માધ્યમો દ્વારા દિવ્યાંગ બાળકો માટે આ પ્રયત્નો સંવાદી બની રહ્યા. અનેક જવાબદારીઓ સ્વીકારી, નિભાવી ન્યાય આપવાની કલા અને એ આવડત આઈ.એમ.આઈ.ના વિદ્યાર્થીઓએ પણ ભાસ્કરભાઈ પાસેથી શીખવી જોઈએ. દિવ્યાંગોના ભીષ્મપિતામહ તરીકે ઓળખ પ્રાપ્ત કરીને રાતદિવસ દેશ અને દુનિયામાં પ્રવાસો કર્યા. તેમની ક્ષતિ ક્ષતિ ન રહી ને શક્તિ તરીકે પ્રસ્થાપિત થઈ એટલે જીવનથી હારેલા અને થાકેલા લોકોએ ભાસ્કરભાઈને મળવું જોઈએ અને એમને વાંચવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે.

આ પુસ્તિકા સ્વરૂપે પેન્ટ શર્ટમાં એક સિદ્ધપુરુષ આપણી સાથે જોડાય છે. આપણા સૌ માટે આવનારા યુગ માટે અને આજના યુવાધન માટે આ માહિતી પથદર્શક બની રહેશે. હું દૃઢ પણે માનું છું કે આ પુસ્તક સામાજિક ક્રાંતિ માટેનું સોપાન બની રહેશે. આમ તો ભાસ્કરભાઈ મહેતા વિશે લખતા મારી પેન અટકતી નથી પણ આ પુસ્તક બીજી કોઈ રીતે બીજા કોઈ ભાસ્કરભાઈના નિર્માણ માટેની નવી શરૂઆત બનશે. આ કાર્ય ફક્ત ખ્યાતિ માટે નહીં, રાજનીતિમાં પ્રવેશ કરવા માટેની નહીં પરંતુ અંધારાઓને દૂર કરવા માટેના પ્રયાસો માટે ગૂગલ મેપ જેવું કામ કરશે. ભાસ્કરભાઈની આજની વાત અને આ પરિશ્રમની સુવાસ સમાજના વંચિતો સુધી ફેલાવીશું એવી આશા સાથે ભાસ્કરભાઈ મહેતા અને એમની સંસ્થાને સામાન્ય વ્યક્તિઓ કરતાં પણ વિશેષ કાર્યોની સફળતાઓને હું બિરદાઉ છું અને અભિનંદન પાઠવું છું.

અમિત કવિ