આપણા શાસ્ત્રોમાં ભવ અર્થાત જન્મારો અને સંસારને સાગર અને રણની ઉપમા આપવામાં આવી છે. એટલે કે ભવ સાગર, ભવાટવિ તથા સંસાર સાગર અને સંસાર વન એ પ્રમાણે ઉપમા આપી છે. પ્રત્યેક મનુષ્ય આ સંસારમાંથી તેનો ભવ પસાર કરવાનો હોય છે. એટલે પ્રત્યેક માનવ સંસાર સાગરનો, સંસાર વનનો તથા ભવ સાગર અને ભવાટવિનો એક મુસાફર છે. આ મુસાફરી દરમિયાન તેના જીવનમાં અનેક વ્યક્તિઓ આવે છે અને પસાર થઈ જાય છે. તે જ પ્રમાણે અનેક પ્રસંગો બને છે અને વિસરાઈ જાય છે. સામાન્ય રીતે કોઈ પણ યાત્રિક જળમાં -સ્થળમાં પગપાળા કે વાહનમાં મુસાફરી કરતો હોય છે ત્યારે તેની બાજુમાં આવતાં વૃક્ષો, નદી-નાળા, પર્વતો, ઇમારતો, વગેરે આ તમામ વસ્તુઓ તેને મુસાફરીમાં થોડો સમય સાથ આપે છે
અને પસાર થઈ જાય છે. પરંતુ જો તે દિવસ દરમ્યાન મુસાફરી કરતો હોય તો સૂર્ય અને રાત્રિ દરમ્યાન મુસાફરી કરતો હોય તો ચંદ્ર અને તારાઓ સતત તેની સાથે આવે છે.
અમારી 57 વર્ષની જીવન સફરમાં સગા સંબંધીઓ, મિત્રો, અબાલવૃધ્ધ સ્ત્રી-પુરૂષો, પરિચિત-અપરિચિત એમ
અનેક પ્રકારની વ્યકિતઓ અમારા પરિચયમાં આવેલ છે અને તેમાંની મોટા ભાગની વ્યકિતઓનો સંગાથ કાળના પ્રવાહમાં અમુક સમય સુધી રહીને છૂટી ગયો છે. જ્યારે કેટલીક ગણી ગાંઠી વ્યકિતઓનો સાથ-સંગાથ જીવનમાં દીર્ઘકાલ સુધી રહેલ છે અને હજી પણ ચાલુ રહેલ છે. આવી વ્યકિતઓ પૈકી એક વ્યકિત તે અમારો પ્રિય સુહૃદ પ્રોફેસર ભાસ્કર મહેતા...
ભાસ્કર અને અમારો પરિચય સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં જૂન -1973 માં અમારી એમ.એ ના પ્રથમ વર્ષની પ્રથમ ટર્મની શરૂઆતમાં થયો હતો. ભાતરે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. સંસ્કૃત કરીને અને અમોએ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજમાંથી તથા ગુજરાત કોલેજમાંથી બી. એ. સંસ્કૃત કરી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાં એમ. એ. સંસ્કૃતમાં પ્રવેશ મેળવેલ. અમારા એમ. એ. ના રૂપમાં સંસ્કૃત વિષયોમાં લગભગ 18 થી 20 ભાઈ-બહેનો છાત્રો તરીકે હતા તેમાં ભાસ્કર મહેતા, અમો રજની પટેલ તથા શ્રી પી. એન. પટેલની સાથે કૃષ્ણકાંત મકવાળા, સ્વ. ઈશ્વર જાની, વસંત ભટ્ટ, ભારતી સાવન, પારૂલ માંકડ, જ્યોત્સના વ્યાસ. અમિતા વ્યાસ, રૂપકમલ વિગેરેનું અમારું મુખ્ય મિત્ર વર્તુળ હતું. એમ. એ. ના પિરિયડો અમો સાથે ભરતા, બે પિરિયડ વચ્ચેના અવકાશમાં બહાર લોબીમાં ઉભા રહીને અલક મલકની ચર્ચાઓ કરતા, રિસસેમાં ભાષા ભવનના ગાર્ડનમાં બેસીને ટોળ ટપ્પા મારતા
કે કેન્ટીનમાં ચા-નાસ્તો કરવા પણ જતા. કોઇક સમયે સારું પિકચર જોવા પણ સાથે જતા અને વિકાસ પામતા ગાંધીનગર શહેર અને સાબરમતીની પિકનિક ઉપર પણ જતા હતી.
ભાસ્કર મહેતાનો જન્મ મૂળ ભાવનગરના વતની નાગર કુટુંબમાં થયેલો. ચાર ભાઈઓ પૈકી તેમનો ત્રીજો નંબર તે અને તેમનાથી નાના ભાઈ ગગન મહેતા જન્મથી જ અંધત્વને પામેલ. તેમનું સંયુકત કુટુંબ એચ.એલ. કોમર્સ કોલેજની બાજુમાં ભાટિયા ભવનમાં એક રૂમ અને ભોયરાંના નાના મકાનમાં ખૂબ જ પ્રેમથી અને હળીમળીને રહેતું હતું. અમે બંને તથા કૃષ્ણકાંત મકવાણા ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા હતા. ભાસ્કરનો અને અમારો સંસ્કૃત એક જ વિષય હોઈ ભાસ્કરની મિત્ર તરીકેની વિનંતીને માન આપીને અમે અવાર નવાર તેના ભાટિયા ભવનના નિવાસસ્થાને સંસ્કૃતના પુસ્તકો કે નોટસ વાંચી સંભળાવવા રીડર તરીકે ઘણી વાર જતા હતા. આ કામગીરી કરવાની અમને બહુ ગમતી. તેમાં અમારો સ્વાર્થ અને પરમાર્થ બંને છુપાયેલાં હતાં. એક તો અમારા ત્રણેનો સંસ્કૃતનો એક જ વિષય હોવાથી ભાસ્કર સાથે વાંચવાની સાથે સાથે અમારો પણ તે વિષયનો અભ્યાસ થઈ જતો હતો અને બીજો સ્વાર્થ એ હતો કે અમે ઘરથી દૂર હોસ્ટેલમાં રહેતા હતા તેથી મનમાં થોડી ‘હોમ સીકનેસ’ની ભાવના પણ રહેતી હતી. ભાસ્કરના ઘરે જવાથી તેના પ્રેમાળ, સંપીલાં વિશાળ સંયુકત કુટુંબના સાંનિધ્યમાં અને ખાસ તો ભાસ્કરનાં માતુશ્રી પૂ. રંભામાનું વાત્સલ્ય મળવાથી ‘હોમ સીકનેસ’ની ભાવના તેટલા સમય પૂરતી મનમાંથી લુપ્ત થઈ જતી હતી અને કુટુંબ, પ્રેમ મળવાથી અમદાવાદમાં ટકી રહેવાનું બળ મળતું હતું.
ભાસ્કર સાથે 1973 થી 1975 ના બે વર્ષ દરમિયાન સતત સહવાસથી અમારી મિત્રતા ગાઢ બની તથા તેના
વ્યકિતત્વમાં ઝાંખવાનો પૂરતો અવકાશ મળવાથી અને 1975 થી આજ દિન સુધી અલગ અલગ વ્યવસાય-ભાસ્કરનો પ્રોફેસર તરીકનો પ્રાંતિજ અને ઈડર મુકામેનો વસવાટ અને અમોએ મામલતદાર, ડેપ્યુટી કલેકટર જેવી બદલીપાત્ર સરકારી નોકરીના કારણે ગુજરાતના વિવિધ શહેરોમાં પસાર કરવાની થતી યાયાવાર અથવા જિપ્સી જેવી જિંદગીના કારણે મોટે ભાગે અમારો સંપર્ક કપાઈ જવા પામેલ પરંતુ અમારી અમદાવાદ-ગાંધીનગર ખાતે બદલી થવાથી ફરી અમારા મૈત્રી સંબંધોનો તંતુ જોડાયો અને અવાર નવાર મળવાના પ્રસંગો ઉભા થયા. તેના કારણે ભાસ્કરના વ્યકિતત્વનો ખૂબ જ નિકટતાથી પરિચય થવા પામેલ. કવિ ગંગની કાવ્ય પંકિતઓ “તારા કે તેજ મૈં ચંદ્ર છૂપે નહિ, સૂરજ છૂપે નહિ બાદલ છાયો”, મુજબ ભાસ્કરના વ્યકિતત્વની બુધ્ધિપ્રતિભા તેની અંધત્વની વિકલાંગતામાં છૂપી રહેતી નહિ. તેના પ્રભાવી વ્યકિતત્વ, મેઘાવી બુધ્ધિ-પ્રતિભાનો પરિચય અમને આટલા વર્ષોના પરિચય-સહવાસના કારણે સારી પેઠે થયેલ છે. ભાસ્કરનું વ્યકિતત્વ એક પાસાદાર હીરા જેવું અથવા તો તેના નામ પ્રમાણે બધી બાજુએથી ચમકતા ભાસ્કર જેવું અમને જણાયેલ છે. તેના સાથેના સંસર્ગના પરિણામે અમારી મૈત્રીમાં બનતા અવનવા પ્રસંગોમાંથી તેના
વ્યકિતત્વના વિવિધ ગુણોનો અમને પરિચય થવા પામેલ છે જે નીચે મુજબ વર્ણવીએ છીએ:
ભાસ્કર જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કુદરતે તેને આ વિકલાંગતા આપી હોવા છતાં કદી પણ તેના વર્તનમાં કે તેની વાણીમાં કે બોલમાં કદી આ બાબતનો અફસોસ અમને જોવા કે સાંભળવા મળેલ નથી. આ તેની ઝિંદાદિલી તેના સ્વભાવનો મોટો ગુણ છે. કુદરતે આપેલી આ આપત્તિને તેણે નિસર્ગદત્ત ગુણોથી અને
પોતાના પુરૂષાર્થથી અવસરમાં પલટી
નાખી છે અને જે રીતે પોતાના વ્યકિતત્વનો વિરાટ વિકાસ કર્યો છે, જીવનનું ઘડતર કર્યું છે અને તે દ્વારા આજે તેઓ આ તબક્કે પહોંચેલ છે તે જોઈને તે વ્યકિતત્વને, પુરૂષાર્થને અને ગુણોને સો- સો સલામ મારવાનું મન થાય છે. કુદરતે એક વિકલાંગતા આપી પરંતુ તેના બદલામાં તેને અસાધારણ મેઘા સ્મરણ શક્તિ અને ગ્રહણ શક્તિના ગુણો પણ આપેલ છે. આ ગુણો થકી તેની અભ્યાસની કારકિર્દી અત્યંત તેજસ્વી રહી. આંખો નહીં હોવા છતાં માત્ર બીજા પાસે વંચાવી અને સાંભળીને યાદ રાખીને કે બ્રેઈલ લિપિથી વાંચીને અદભુત સ્મરણ શક્તિના અને ગ્રહણ શક્તિના જોરે તે અભ્યાસમાં અન્ય દ્રષ્ટિવાળા વિદ્યાર્થીઓ કરતાં પણ મૂઠી ઉંચેરો સાબિત થયેલ છે અને તે એમ. એ. માં સંસ્કૃત વિષયમાં ડિસ્ટીંકશન સાથે ઉત્તિર્ણ થયેલ છે. બી. એ. માં સંસ્કૃત વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ આવવાથી રજનીને ગોલ્ડ મેડલ મળેલ તથા પી. એન. ને બી. એ.માં ફર્સ્ટ કલાસ હોવાથી ત્યારે અમારા મનમાં થોડી ગૌરવની અને માનની ભાવના ઉદ્ભવેલી. પરંતુ એમ. એ. ના અભ્યાસકાળ દરમિયાન ભાસ્કરના પરિચયમાં આવ્યા પછી તેની બુધ્ધિ, પ્રતિભા, સંસ્કૃત વિષયનું તલસ્પર્શી જ્ઞાન અને સંસ્કૃતના કોઈ પણ શબ્દનું, વાક્યનું કે બાબતનું વિશ્લેષણ કરવાની અદ્ભુત શક્તિ જોઈને અમારા મનમાંથી આ માનની ભાવના ગળી ગયેલ અને અમારે નિખાલસપણે કબૂલ કરવું પડે કે ત્યારે અમોને લાગેલ કે બી. એ. માં ગોલ્ડ મેડલનો હક્કદાર તો ખરેખર ભાસ્કર જ છે. મને (રજની) ને આકસ્મિક રીતે નશીબજોગે મેડલ મળી ગયેલ છે. ભાસ્કરના વ્યક્તિત્વનો બીજો ગુણ એક એનો પ્રખર આત્મ વિશ્વાસ છે. અમારા એમ. એ. ના અભ્યાસકાળ દરમિયાન ભાસ્કરે વર્લ્ડ બ્લાઈન્ડ એસોસિએશન દ્વારા યોજાયેલી એક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ અને “The abilities of Blind Men of my Nation” એ વિષય ઉપર પોતાનું પેપર તૈયાર કરીને મોકલેલ. અને આખા ભારતમાંથી માત્ર બે જ જણાના પેપર બેસ્ટ પેપર તરીકે પસંદગી પામેલ અને વર્લ્ડ બ્લાઈન્ડ એસોસિએશન ભાસ્કરને જર્મની ખાતે એસોસિએશનની કોન્ફરન્સમાં ભાગ લેવા માટે એસોસિએશનના ખર્ચે આમંત્રણ આપેલ. અને ભાસ્કર પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં 1974 માં એકલો જ જર્મની જઈ એ કોન્ફરન્સમાં ભાગ લઈ સફળતાપૂર્વક સહી સલામત પરત આવેલ. જ્યારે આપણા જેવા દેખતા માણસોને પણ પ્રથમ વાર કોઈ
અજાણ્યા દેશમાં જવાનું હોય તો થોડો ઘણો ગભરાટ અવશ્ય થાય જ. પરંતુ ભાસ્કર જે રીતે એકલો જર્મની જઈ પરત આવ્યો એ તેનો પ્રખર આત્મવિશ્વાસ સૂચવે છે. અભ્યાસ કાળ દરમિયાન પણ ગમે તે પ્રોફેસર અધ્યયન કરાવતા હોય ત્યારે તેમનાથી પ્રવચનમાં કોઈ હકીકત દોષ થયો હોય કે તેમના મતથી વિભિન્ન મત ધરાવતા હોય તો મોટા ભાગના વિદ્યાર્થીઓ પૂજ્ય ભાવના કારણે ચૂપ રહેતા પરંતુ ભાસ્કર બેધડકપણે જે તે પ્રોફેસરના હકીકત દોષ પ્રત્યે ધ્યાન દોરતો અથવા પોતાનો વિભિન્ન મત પણ હિંમતપૂર્વક રજૂ કરતાં ખચકાતો નહીં અને તેમ કરતાં ઘણી વાર અમુક પ્રોફેસરોનો રોષ પણ તેણે વહોરી લીધેલ છે છતાં તે
તેની નિર્ભયતામાંથી સહેજ પણ ચલિત થયો નથી. એજ રીતે નિખાલસતા અને ઉદારતા પણ તેના વ્યકિતત્વના નોંધપાત્ર ગુણો જણાયેલ છે. અને મિત્રોમાં ઘણીવાર હસી મજાક થતી હોય ત્યારે અમે અમારા પટેલના આખા બોલા સ્વભાવ પ્રમાણે ઘણીવાર તેને મજાકમાં કહેતો “તું તો આંધળો ને આંધળો જ રહ્યો” છતાં તેણે આ વાતનું કદી ખોટું લગાડેલ નથી અને મન ઉપર લીધેલ નથી અને હસી કાઢેલ છે. આ તેની નિખાલસતા અને ઉદાર દિલ કોઈપણને સ્પર્શી જાય તેવો ગુણ છે. એમ. એ. કર્યા પછી બી. એડ્.માં પ્રવેશ માટે ભાસ્કરે કેટલીક કોલેજોમાં પ્રયત્નો કર્યા પરંતુ એમ, એ. માં તેને ડિસ્ટીંકશન માર્કસ હોવા છતાં કેટલીક જાણીતી કોલેજોના પ્રિન્સીપાલોએ તેને કોલેજમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરેલ કાણ કે ‘તમો દેખના નથી તેથી કલાસને કઈ રીતે કંટ્રોલ કરી શકો? અને તેથી બી. એડ્. થઈને શું કરશો?’ તેવું વાહિયાત બહાનું કાઢેલ. પરંતુ સદનશીબે એસ. ટી. ટી. કોલેજ વાસણામાં તેને બી.એડ્.માં એડમિશન મળી ગયેલું અને સફળતાપૂર્વક તેણે બી.એડ્. નો કોર્ષ પૂરો કર્યો અને અમે ભૂલતાં ન હોઈએ તો બી. એડ્.માં સમગ્ર યુનિવર્સિટીમાં ફર્સ્ટ કલાસ ફર્સ્ટ સ્થાન મેળવીને પ્રવેશ નહીં આપનાર જે તે કોલેજના પ્રિન્સીપાલોને પરોક્ષ રીતે સણસણતો જવાબ આપી દીધેલો. અને પછી પ્રાંતિજ જેવા તોફાની સેન્ટરની કોલેજમાં વિદ્યાર્થીઓને પોતાના જ્ઞાનના બળના પ્રતાપે, વાણી ચાતુર્ય તથા સતેજ શ્રવણેન્દ્રીયના કારણે અદભુત કલાસ કંટ્રોલ કરી બતાવ્યો અને સફળ પ્રોફેસર તરીકે બહાર આવ્યો. વળી છેલ્લા 30 વર્ષથી ઈડર જેવા સેન્ટરમાં વિદ્યાર્થીઓને કોલેજમાં
સંસ્કૃત જેવા વિષયનું અધ્યયન કરાવે છે તથા એમ. એ. માં પણ વર્ગો લે છે જે તેથી જવલંત બુધ્ધિ પ્રતિભા અને સંસ્કૃત વિષયના અગાધ જ્ઞાન સૂચવે છે.
ભાસ્કર એક કર્મઠ વ્યક્તિ છે તેથી માત્ર અધ્યાપક તરીકેની કારકીર્દી વિકસાવીને તેણે સંતોષ માન્યો નથી પરંતુ એક સંવેદનશીલ હૃદય ધરાવતી વ્યક્તિ હોવાથી પોતે વિકલાંગતાનો અવરોધ પાર કરીને સામાન્ય ખોડ ખાંપણ સિવાયની વ્યક્તિ કરતાં વધુ વિશેષ સફળતા મેળવી સમાજમાં ઉભરી આવ્યો. તેના આ જ્ઞાન અને અનુભવનો લાભ તેણે તેના જેવા વિકલાંગ ભાઈઓ/બહેનોના ઉત્કર્ષ માટે આપવા સાબરકાંઠા જિલ્લામાં અંધજન કલ્યાણની અને વિકલાંગોના કલ્યાણની પ્રવૃત્તિઓ શરૂ કરી. આ માટે તેણે ઠેર ઠેર ફરીને અમારા જેવા મિત્રો, સગા સંબંધીઓ, સરકારી સંસ્થાઓ પાસે ટહેલ નાખી ફંડ એકત્રિત કરી સાબરકાંઠા જિલ્લામાં વિકલાંગ અને ખાસ કરીને અંધજનો માટે શાળા, હોસ્ટેલ, લાયબ્રેરી, રમતગમતની અને અન્ય
સાધન સામગ્રી વિગેરે પૂરી પાડીને દિપનેત્ર વિકાસ કર્યો છે અને તેની આ પ્રવૃત્તિમાં તેના ધર્મપત્ની અ.સૌ. પ્રવિણાબેન પણ ખભેખભો મિલાવી માત્ર ગૃહિણી બનીને નહીં રહેતાં સાચા અર્થમાં ‘અર્ધાગની’ અને ‘સહધર્મચારિણી’ બનીને સાથે આપી રહ્યાં છે અને તે રીતે ભાસ્કર એક ખૂબ જ નસીબદાર પુરૂષ અને વ્યકિત ગણી શકાય કારણ કે તેને અ.સૌ. પ્રવિણાબેન જેવા ધર્મપત્ની ‘જીવનસાથી’ તરીકે પ્રાપ્ત થયેલ છે.
ભાસ્કરની આવી બુધ્ધિ પ્રતિભા, કાબેલિયત અને વિકલાંગતા માટેની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને ગુજરાત
સરકારશ્રીએ 2005 માં તેને વિકલાંગ માટેના કમિશ્નર તરીકે સેક્રેટરી સમકક્ષની જગ્યા ઉપર નિમણૂંક કરેલ. તેની વિકલાંગ કમિશ્નરની કચેરી અને અમારા પૈકી રજની પટેલની કચેરી ડૉ. જીવરાજ મહેતા ભવન સંકુલમાં નજીક નજીક હોવાથી તે નવરાશના સમયે અવાર નવાર તેની કચેરીમાં જઈને બેસતો અને વિકલાંગ કમિશ્નર તરીકે તેની કામગીરી પણ નિહાળતો. પોતાના પ્રશ્નો માટે ફરિયાદ કે રજૂઆત લઈને આવતા વિકલાંગ ભાઈ-બહેનોને ભાસ્કર સહાનુભૂતિપૂર્વક સાંભળતો, કાયદાકીય માર્ગદર્શન આપતો અને વિકલાંગો માટેના કમિશ્નર તરીકે વિકલાંગો માટેના અધિનિયમ અન્વયે તેને મળેલી ‘કલાસ જ્યુડિશીયલ’ સત્તાઓ અન્વયે ભલભલી કચેરીઓ, બોર્ડ નિગમો કે તેના સચિવો, ચેરમેનો, કમિશ્નરો, કુલપતિઓ જેવા ઉચ્ચ હોદ્દેદારોને નોટિસ આપી તેમનો કાન પકડી તેમની ભૂલ બતાવી, ભૂલસ્વીકારાવતો અને નિયમોનુસાર વિકલાંગોના હિતમાં સુનાવણી રાખી બંને પક્ષોને તટસ્થાપૂર્વક સાંભળી હુકમ પસાર કરતો અને તે હુકમનો અમલ પણ તે કરાવતો. આ બધી કાર્યવાહીમાં તેની બુધ્ધિ પ્રતિભા, ગ્રહણ શક્તિ, સ્મરણ શક્તિ ઉપરાંત કાયદાની કલમોનું સાચું અર્થઘટન કરવાની તર્કશક્તિ અને વિશેષ તો વિકલાંગ ભાઈ-બહેનો માટે કાંઈક કરી છૂટવાની તમન્ના સાથેનું સંવેદનશીલ હૃદય અમને જોવા મળેલ છે. સાથે સાથે કોઈ વિકલાંગ ભાઈ-બહેન અનુચિત માંગણી લઈને કે કાયદા બહાર જઈને તેના ઉપરીને કે તેની સંસ્થાને ધમકાવવા- ડરાવવા કે નોટિસ આપી બોલાવવા આગ્રહ કરે તો ભાસ્કરને તટસ્થ રીતે જે તે વિકલાંગ ભાઈ-બહેનને ખખડાવી નાખતો અને સ્પષ્ટ ના પાડતો પણ અમે જોયો છે અને કહેતાં પણ સાંભળ્યો છે કે “તમારા જેવા વિકલાંગો ના કારણે આપણે સમાજની સહાનુભૂતિ ગુમાવી બેસીએ છીએ.” અને કોઈપણ ગમે તેટલો નિકટનો મિત્ર કે અંગત માણસ હોય પણ તેની ખોટી માંગણી એક જ ધડાકે ફગાવી દેવાની હિંમત, સ્પષ્ટવક્તાપણું, તટસ્થતા અને ન્યાયપ્રિયતાના પણ અમને તેમનામાં દર્શન થયાં છે. 2008 માં વિકલાંગ માટેના કમિશ્નર તરીકેની મુદત પૂરી થતાં અને તેની કામગીરીથી ખુશ થયેલ 150 જેટલી રાજ્યની જુદી જુદી વિકલાંગ સંસ્થાઓએ સ્વયં આપમેળે ભાસ્કરને વિકલાંગ માટેના કમિશ્નર તરીકે ચાલુ રાખવા માટે એકસ્ટેન્શન અપાવવા માટે માન. મુખ્ય મંત્રીશ્રીને કાગળો લખેલા તથા તેની કામગીરીથી પ્રભાવિત-સંતુષ્ટ થઈને વિભાગના સચિવશ્રી અને બંને મંત્રીશ્રીઓએ ભાસ્કરને એક્સ્ટેન્શન આપવા હકારાત્મક અભિપ્રાય ફાઈલ ઉપર આપેલ હતો. પરંતુ કોઈપણ કારણસર તેની વિકલાંગ માટેના કમિશ્નરની જગ્યા ઉપર એકસ્ટેન્શન ન મળતાં કોઈપણ જાતના અફ્સોસ કે વિષાદની લાગણી વ્યકત કર્યા સિવાય સાપ જેમ કાંચળી ઉતારે તેવી સહજતાથી આ હોદ્દો છોડી
બીજા જ દિવસે ઈડર કોલેજમાં પ્રોફેસર તરીકે સરસ્વતીની આરાધના કરવા માટે હાજર થઈ ગયો. ત્યારે અમને લાગ્યું કે ખરેખર ભાસ્કરે ભગવત ગીતા માત્ર ભણી જ નથી પરંતુ બરાબર પચાવી છે અને તે સાચા અર્થમાં ‘સ્થિતપ્રજ્ઞ’ બની રહ્યો છે.
ભાસ્કર અમારો અંગત મિત્ર છે. મિત્રનો બીજો એક પર્યાય સુહૃદ છે. સુહૃદ એટલે સારું હૃદય ધરાવનાર અને ભાસ્કર આ સુહૃદ શબ્દને યથાર્થ ઠેરવે તેવું ખરેખર સારું હૃદય ધરાવનાર મિત્ર છે તેની અમને અંગત પ્રતીતિ વર્ષ 2008 માં થઈ. મને
રજની પટેલને વર્ષ 2008 માં કેન્સરનું નિદાન થયું અને આ વાત જ્યારે ભારકરે જાણી ત્યારે તેણે એક આઘાત અને ખૂબ જ દુઃખ અનુભવ્યું. પરંતુ આથે સાથે માનસીક રીતે પડી ન ભાંગુ અને કેન્સર સામે લડવા માટે તેનું મનોબળ ટકી રહે તે માટે મને ખૂબ જ સાંત્વન, આશ્વાસન આપ્યું અને કોઈપણ પ્રકારની મદદ માટે પડખે ઉભા રહેવાની તત્પરતા બતાવી. કેન્સરમાં શું કરવું? શું શું ન કરવું? તેના ક્યા ઓળખીતા સ્વજન કે મિત્રને કેન્સર હતું તેનો શું અનુભવ હતો? તે બધું મને વારંવાર કહી તથા તેના પરિચયમાં, ઓળખાણમાં કેન્સરના જે કોઈ નિષ્ણાંત ડોકટરો હતા તેમનો સંપર્ક કરવાની સાચી સલાહ આપીને જરૂર પડે તો તે ડોકટરને ફોન કરવાની તત્પરતા દાખવીને અને સાથે આવવાની પણ ઓફર કરીને એક સાચા હૃદયવાળા સુહૃદ તરીકે તેણે તેનો ધર્મ બજાવ્યો તેનો અમોને અનહદ આનંદ છે.
અમારો આ મિત્ર તેની વિવિધ ક્ષેત્રની કારર્કિદી સફળતાપૂર્વક ભજવીને 60 વર્ષની ઉંમરના પડાવે પહોંચેલ છે અને તેના સ્નેહી મિત્રો, ચાહકો, પ્રસંશકો, વડીલો, વિકલાંગ સંસ્થાઓ વિગેરેએ તેની ષષ્ઠિપૂર્તિની ઉજવણી માટે સંચાલન સમિતિ રચીને એક ઉમદા અભિયાન ઉપાડેલ છે અને એક સાચા, સારા, સફળ, અનેક લોકોને પ્રેરણારૂપ એવા વ્યકિતત્વનું બહુમાન કરવાનો શુભ સંકલ્પ કરેલ છે તેને અમો બંને બિરદાવીએ છીએ અને આ સમિતિ દ્વારા અમારા મિત્ર ભાસ્કર મહેતા સાથેની મૈત્રીના અનુભવો, સંસ્મરણો આલેખવા માટે અમને આગ્રહપૂર્વક આમંત્રણ આપ્યું અને તેનાથી પ્રેરાઈને અમો બંનેએ આ લેખ લખેલ છે. તેમના આમંત્રણમાં તેમણે અમને એક સૂચન એ પણ કરેલું કે ભાસ્કરના ગુણો, ખૂબીઓ, વિશેષતાઓની સાથે તમને તેની મર્યાદાઓ કે ખામીઓ જે કોઈ જણાયેલ હોય તે પણ જણાવશો. પરંતુ મહાકવી કાલિદાસે ‘કુમાર સંભવમ્’
મહાકાવ્યમાં લખ્યું છે કે...
“एको हि दोषो गुणसन्निपाते निम्मज्जतीन्दोः किरणेतववाड़कः।”
અર્થાત “ગુણોના સમૂહમાં એકાદ દોષ ઢંકાઈ જાય છે, જેમ કે ચંદ્રનું કલંક તેના અનેક ગુણમાં ઢંકાઈ જાય છે.” તે રીતે ભાસ્કર પણ એક માનવ છે-દેવ નથી તેથી અન્ય મનુષ્યની જેમ તેનામાં પણ ખૂબીઓ અને ખામીઓનું મિશ્રણ તો રહેવાનું. પરંતુ અમારા આટલા વર્ષોના પરિચય અને મિત્ર તરીકના સંસર્ગમાં અમને તેના એટલા બધા ગુણો અને ખૂબીઓ જોવા, અનુભવવા મળેલ છે કે તેના સમૂહમાં તેની માનવ જીવનની સફરમાં એકાદ બે મર્યાદાઓ કે નબળાઈ એવી ખોવાઈ ગઈ છે કે અમો પ્રયત્નપૂર્વક શોધી છીએ તો પણ અમોને મળતી નથી તેથી અમે તમને કઈ રીતે બતાવીએ?
છેલ્લે ભાસ્કર જેવા અમારા આ ઉમદા મિત્ર માટે તેની ષષ્ઠીપૂર્તિ ઉજવણીના શુભ પ્રસંગે અમો અમારી ખૂબ જ હાર્દિક શુભેચ્છાઓ વ્યકત કરીએ છીએ અને પરમ કૃપાળુ, સર્વશક્તિમાન ઈશ્વરને અમો આટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા પરમ મિત્ર ભાસ્કરની આજે ષષ્ઠીપૂર્તિ ઉજવાય છે તેમ તેની જન્મ શતાબ્દિ પણ ઉજવાય અને એ પ્રસંગે આવો લેખ લખવાનો અમોને પરમાત્મા શુભ મોકો આપે તેવી અભ્યર્થના...
“इति सिध्धम्”