આદર્શ મિત્ર ભાસ્કરભાઈ

ભાસ્કર યોગેન્દ્રરાય મહેતા સાથે સૌપ્રથમ વાર સને, 1991 માં એન.એ.બી. રાજ્ય શાખાની કારોબારીમાં અમદાવાદ ખાતે મારી મુલાકાત થયેલી. તેમના જ્ઞાન અને વાણી પ્રત્યેથી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો અને આ પ્રભાવ મારા દિલમાં ખૂબ જ ઊંડી રીતે અંકિત થઈ ગયેલો અને ત્યારે એવું થતું કે, ભાસ્કરભાઈને મળવું એક લહાવો છે. ત્યારપછી ત્રણેક વર્ષ વિતી ગયાં અને સને, 1994 માં ફરીવાર એક સેમીનારમાં ભેગા થયા અને નિરાતં ઘણી બધી વાતો કરી ત્યારે એવુ લાગ્યું કે પહેલી કે બીજીવાર મળ્યા હોય તેનો એહસાસ થયો નહિ પણ વર્ષોના મિત્રો હોય તેવો એહસાસ થવા માંડયો અને આ મુલાકાત ધીમે- ધીમે ગાઢ મૈત્રીમાં પરિવર્તિત થઈ. ભાસ્કરભાઈને મળ્યા ત્યારે ઘરના એક સ્વજનને મળતા હોય તેવી લાગણી થતી. હરહંમેશ તેમની પાસેથી સ્નેહ મળ્યો છે અને એ જ્યારે પણ કંઈ કહેતા અને માર્ગદર્શન આપતા ત્યારે એક આત્મીયતાનો ભાવ પ્રગટ થતો હતો. આ આત્મીયતા ખૂબ જ નિકટતાથી હું કેળવવા લાગ્યો. એ પછી એક વખત એવો આવ્યો કે અમારી મૈત્રીની ઈર્ષા લોકોને પણ થવા લાગી. લોકો ગમે તે કહે પણ અમારી મિત્રતા અખંડ રહી અને પછી લોકો અમારી આ મૈત્રીને (અમર-અકબર- એન્થની) અથવા (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ) તરીકે ઓળખવા લાગ્યા.

સને, 1991 થી 2010 સુધીની સફરને ખૂબ જ ઓછો સમય લાગ્યો હોય તેવો દિલમાં એહસાસ થાય છે. આ દરમિયાન સ્નેહી ભાસ્કરભાઈ પાસેથી હું ઘણું બધુ શીખ્યો છું અને આ દરમિયાન તેમણે આપેલ માર્ગદર્શન મારા જાહેર જીવનમાં ખૂબ જ ઉપયોગી બન્યું. તેમનો વિકલાંગો પ્રત્યેનો પ્રેમ અને તેમના માટે કંઈક કરી છૂટવાની ભાવનાને આજે દાદ દેવી પડે તેમ છે. ભાસ્કરભાઈ મંત્રી હોય કે વિકલાંગોના કમિશ્નર તરીકેની ફરજ બજાવતા હોય પણ મૈત્રીમાં કોઈ ઉણપ આવેલી જોવા મળી નથી. તે જ સાચી મિત્રતા.

ભાસ્કરભાઈ ખૂબ જ નજીક આવવાના કારણોમાં તેમની કાર્ય પધ્ધતિ તેમજ તેમનો સ્નેહાળ સ્વભાવ અને ત્વરિત નિર્ણયશક્તિ એ ખૂબ જ પ્રભાવિત કરે તેવી છે. મારી પ્રગતિમાં તેમના ત્રણ ગુણો હું મારા આદર્શરૂપ માનું છું. સરળતા, પ્રામાણિકતા, સત્યનિષ્ઠા. જો કે હું આનાથી હજુ ખૂબ દૂર છું તેમ છતાં મને વિશ્વાસ છે તેમના આ ત્રણ ગુણોને હું મારા આદર્શ ગણી હું મારી વધુ પ્રગતિ કરી શકીશ.

ભાસ્કરભાઈ દ્વારા અપાયેલ માર્ગદર્શનને કારણે આજે હું જે કંઈ છું તેનો શ્રેય એમને જેટલો આપું એટલો ઓછો છે. આ વિસ્તારના વિકલાંગોના વિકાસના જે કાર્યો કર્યા છે તેના પાયામાં સ્નેહી ભાસ્કરભાઈ જ છે અને હું એમ પણ કહીશ કે

આ વિસ્તારના વિકલાંગોનો વિકાસ એ ભાસ્કરભાઈના માર્ગદર્શન, આદેશ અને સૂચન જે કહો તે ગણી શકાય.

સ્નેહી ભાસ્કરભાઈ હરતા, ફરતા કે સૂતા કે ગમે ત્યારે તેઓ વિકલાંગોના વિકાસ માટેનું ચિંતન કરતા હોય અને તેમને આવેલ વિચારો મિત્રો પાસે રજુ કરે અને ભાગ્યે જ ક્યારેક એવું બન્યું છે કે તેમનો મુકાયેલો વિચાર મિત્રમંડળમાં પાછો ફર્યો હોય. તેઓ પોતાના વિચારોને મિત્રો પાસે અમલ કરાવે અને પોતે પણ તેનો અમલ કરે. સદાય તેમના વિચારોમાં વિકલાંગ વ્યકિતનું હિત અને પ્રગતિ રહેલી જોવા મળે છે.

ભાસ્કરભાઈ જ્યારે વિકલાંગોના ક્ષેત્રમાં કાર્ય કરતા હોય ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલ સૂચનો કે પછી અમારા માટે આદેશ એ સદાયને માટે અમારા અને વિકલાંગોમાં આદર અને પ્રેમ ઊભો કરે તેવા જ હોય. કારણ કે તેમના વિચારો જનહિતાય હોવાથી અને અમે સૌ આજે પણ તેમને આદર અને પ્રેમથી માનીએ છીએ.

સ્નેહી ભાસ્કરભાઈ નાના બાળકો સાથે બાળકો જેવા, મિત્રો સાથે મિત્રો જેવા અને વડીલો સાથે આદરપૂર્વક રહે છે. તે તેમની ઉત્તમ ભાવનાઓ, આદર્શચરિત્ર જ કદાચ અમારા માટે પ્રેરણારૂપ બની રહે છે. કદાચ આવા મિત્રો ભૂતકાળમાં મળ્યા નથી અને ભવિષ્યમાં મળવાના નથી એવો મને વિશ્વાસ છે. આવા આદરણીય સ્નેહી ભાસ્કરભાઈ માટે...

અમારા સત સત નત મસ્તક વંદન..

યુસુફી કાપડીયા માનદમંત્રી,
બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સીલ -દાહોદ.