સાલા અંદર તો ઘરમેં સિકંદર

મારો અને વડીલ ભાસ્કરભાઈનો કૌટુંબિક ધરોબો-સંબંધ 1967-68 થી થયો હોવાનું મારા માનસપટલ ઉપર

આવે છે. બંનેને નેત્રહિનતાની ક્ષતિ સમાન હોવાને કારણે સંબંધ દિન-પ્રતિદિન વધતો ચાલ્યો. મારા શૈક્ષણિક વિકાસમાં વડીલ ભાસ્કરભાઈનું અનેરૂં માર્ગદર્શન, હુંકુ અને સાંત્વન મને ફીઝીયોથેરાપીસ્ટના વ્યવસાય સુધી પહોંચાડવામાં અને સફળતાપૂર્વક પાર પાડવામાં આજે પણ ચાવીરૂપ પૂરવાર થયું છે.

કૌટુંબિક સંબંધ ખૂબ જૂનો પુરાણો હોઈ અનેક વખતે સાબરકાંઠાના મદાપુર કંપામાં મારી જેવા નેત્રહીન મિત્રો સાથે વડીલ ભાસ્કરભાઈ અવાર-નવાર આવતા. તેમનો હાસ્યભર સ્વભાવ, નિખાલસતા, સ્પષ્ટ વક્તાપણું અને વાક્ચાતુર્યે મને તેમની તરફ વધુ આકર્ષ્યા. ભાઈ ભાસ્કરને બેનનો અભાવ તેથી મારા દામ્પત્ય જીવનના પ્રારંભે મને પ્રાપ્ત થયેલ સુશીલ સંસ્કારી પત્નીને તેમણે બેન તરીકે સ્વીકારી. આથી પેલી કહેવત “બહેન અંદર તો સાલા સિકંદર” શતપ્રતિશત પૂરવાર સાબિત થતી જોવા મળી.

કેટલીક બાબતોમાં સંસ્થાકીય સંબંધોને સર્વોપરિ રાખી, ક્યારેક ખટમીઠા અનુભવો અનુભવ્યા છે. પરંતુ તેમની કાર્યકુશળતા અને કાર્યદક્ષતા આજે પણ સરાહનીય છે. તેઓશ્રીનો કોમળ-ઋજુા હૃદય કોઈપણ પ્રકારના વિકલાંગ માટે હંમેશાં સાચા અર્થમાં મદદરૂપ થવા તત્પર હોવાનો અહેસાસ આજે પણ હું અનુભવું છું.

અગાઉ અમદાવાદ જેવા સુશિક્ષિત શહેરી વિસ્તારમાં શૈક્ષણિક કારકીર્દિનો પ્રારંભ કર્યા બાદ સુપરન્યુમરી- સપરપ્લસ બનવાને કારણે તેમને અમદાવાદ છોડવાનું બન્યું અને સાબરકાંઠાના પછાત અંતરિયાળ વિસ્તારમાં સંસ્કૃત વિષયના પ્રાધ્યાપક તરીકે 1983 માં તેઓ ઇંડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં

રોજીરોટી અર્થે આવ્યા અને જોડાયા. આ વિસ્તારના વિકલાંગોની પરિસ્થિતિ જોઈ તેઓનું હૃદય વલોપાત અનુભવતું અને કંઇક કરી છૂટવા તેમજ આ વિકલાંગોને શિક્ષણ તાલીમ, પુનઃવસન અને રોજગાર માટે તેઓનું હૃદય દ્રવી ઉઠતું. હું એ જ જીલ્લાનો હોઈ સાથે મળી રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જીલ્લાની શાખાની સ્થાપના કરી. અને તેનું મુખ્ય મથક ભાસ્કરભાઈના ઘરમાં જ ઈડર મુકામે શરૂ કર્યું.

તેમનો નિ:સ્વાર્થ સેવાભાવી સ્વભાવ, નિષ્કામ કર્મના મીઠાં ફળ આજે પણ લાભાર્થીઓ ભોગવી રહ્યા છે. અને તેઓની કાર્યપ્રણાલિથી પ્રભાવિત સમગ્ર જીલ્લાના વિકલાંગોનો પર્યાયવાચી શબ્દ એટલે ભાસ્કરભાઈ-શબ્દ સાંભળી મારું હૃદય આનંદ-વિભોર બને છે. આજસુધીમાં આશરે સાડાત્રણથી ચાર હજાર વિકલાંગોએ શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક સેવાઓનો લાભ મેળવેલ છે જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું.

વડીલ ભાસ્કરભાઈમાં મોટપ છે પણ મોટાઈ નથી એ બાળક સાથે બાળક જેવા, વૃધ્ધ સાથે યુધ્ધ જેવા ને એમને દરેકને ઠપકાની દ્રષ્ટિએ નહીં ટોકતા અને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ અને તેમના વાક્યમાં મર્મ છુપાયેલ હોય તેવું હું હંમેશ અનુભવતો આવ્યો છું.

તેઓ પ્રતિનિયુકિત પર ત્રણ વર્ષ માટે વિકલાંગ કમિશ્નરનો સર્વોચ્ચ હોદ્દો મેળવી ચૂક્યા છતાં પણ અદના ઈન્સાનને તેમણે કેન્દ્રમાં રાખ્યો છે.

તેઓશ્રીને હું વિવિધ તબક્કે મળ્યો છું અને પ્રત્યેક તબક્કે વિકલાંગો માટેના કોઈ નૂતન વિચાર તેમના પ્રગતિશીલ માનસમાંથી મને સાંપડયા જ છે. જેનો હું આજીવન ઋણી રહીશ.

કોઈપણ પડકારને પડકારરૂપ ઝીલી હકારાત્મક અભિગમથી વિવેકપૂર્ણ રીતે સૌમ્ય ભાષામાં અને નહીંતર રૌદ્ર ભાષામાં પણ પડકારવાનું તેઓમાંથી શીખવા મળે છે. ફરજ અને અધિકાર, નિષ્ઠા અને પ્રમાણિકતા, સેવા અને સમર્પણ, શિસ્ત અને ત્યાગ, તટસ્થતા અને સચ્ચાઈ, અધિકાર માટે સતર્કતા એ એમના જીવનના જીવનમંત્રો જો આજની વિકલાંગ પેઢી પોતાના જીવનમાં ઉતારે અને ચરિતાર્થ કરે તો અનેક ભાસ્કરભાઈઓ આ પૃથ્વી પર અવતરે એવું હું નક્કર અને દ્રઢપણે માનુ છું. ભાઈ બળદેવ, ભાઈ ગગન, એ કંડારેલ કેડી પર મારી સાથે વડીલ ભાસ્કરભાઈના અનુયાયીઓ છે. અને પરમકૃપાળુ પરમાત્મા આવનાર વિકલાંગોનો માર્ગ ઉન્નત અને સાફ સુથરો બનાવી વિકલાંગોનો સર્વાંગીણ વિકાસ થાય તેવી અદમ્ય શક્તિ અર્પે એવી અભ્યર્થના.

જયંતિભાઈ ભીમજીભાઈ પટેલ્
ફીજીયોથેરાપીસ્ટ
જનરલ હોસ્પિટલ, ગાંધીનગર અને
ચંદ્રકાન્ત કે. સોલંકી
માનદ્ સામાન્ય મંત્રીશ્રી, નડિયાદ શાખા