ઉગી મુજ જીવને ઉષા

ભાસ્કર સર કોઇ અલગ કામનથી કરતા. પરંતુ તેઓ દરેક કામઅલગ રીતે કરે છે. અંધકારમય જીવનમાં

છવાયેલા પ્રકાશના અનુભવને સંસ્મરણોરુપી શબ્દોમાં છલકાવતાં આજે મને ખૂબ આનંદ થાય છે આજે પહેલી 2010 અને મૈત્રી દિવસ છે. જે દિવસે લોકો માત્ર મિત્રોને જ યાદ કરે છે. પણ હું એક એવી વ્યક્તિને યાદ કરી રહી છું કે જે મારા જીવનમાં સર્વત્ર ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ બની ગઇ છે. તેમને ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ શ્લોકના શબ્દે શબ્દોની ઉપમાથી નવાજુ તો પણ ઓછી નહિ ઉતરું.

હું યાદ કરું છું મારા બાળપણને જ્યારે લોકો મને માત્ર એવી વિશ્લેષા તીરકે ઓળખતા હતા કે જેને માત્ર

આંખમાં ખામી છે, તે ઓછું જુએ છે, ત્રાંસુ જુએ છે, રાત્રે જોવામાં તકલીફ પડે છે. આવા જ ખ્યાલો સાથે 1975 થી 1987 સુધી હું, મારો પરિવાર અને સમાજ જીવતાં રહ્યા. જ્યારે હું ધોરણ સાતમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારી શ્રી આર.એચ.જાની હિંગવાલા હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓનો નેત્ર ચકાસણીનો કેમ્પ યોજયો હતો. જેમાં ડૉ. ભરત શાહ (હાલ હિંમતનગર યશવી હોસ્પિટલમાં આઇ સ્પેશિયાલીસ્ટ સર્જન તરીકે સેવા બજાવે છે.) મારી આંખો તપાસીને મને હિંમતનગર સિવિલ હોસ્પીટલની મુલાકાત લેવાનું જણાવ્યું. એ જ સમય દરમ્યાન ડૉ. સાહેબે શ્રી ભાસ્કરભાઇ મહેતાને મારા કેસ વિશેની જાણ કરી કે બડોલી ગામમાં હિંગવાલા હાઇસ્કૂલમાં ધોરણ-7 માં ભણતી વિશ્લેષા વાસુદેવ જાની અંધત્વ ધરાવે છે. મેં મારા માતા-પિતા સાથે હિંમતનગર હોસ્પિટલમાં પણ પુનઃ ચકાસણી કરાવી. અંતે ડૉ. ભરત શાહે મને રેટિનાઇટીસ પિગ્મેન્ટોઝા થી પીડાતી અંધ હોવાન નિદાન કર્યું. પ્રો. ભાસ્કરભાઇ મહેતા એમના સહ અધ્યાપક શાસ્રી સાહેબ સાથે મારા ઘરે આવ્યા અને મને, મારા માતા-પિતાને મારી તકલીફ વિશે સમજાવી અને મને અંધત્વનો સ્વીકાર કરી ધીમે-ધીમે પ્રગતિ કરવાનો રસ્તો બતાવ્યો.

પ્રો. ભાસ્કરભાઇ મહેતા જ્યારે મારા ઘરે આવ્યા ત્યારે મારા પરિવારને એ પણ જાણ થઇ કે મારી મોટી બહેનો મૃણાલીની અને નૈમિષા તેમના જ હાથ નીચે સંસ્કૃત વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા. અમારી મુલાકાત પહેલાં પણ મારી બંને બહેનો એમના વખાણ કરતાં થાકતી ન હતી. તેઓ કહેતી કે

સાહેબ સંપૂર્ણ અંધ હોવા છતાં સમગ્ર વર્ગને જ્ઞાનનો પ્રકાશ આપીને કાબૂમાં રાખી શકે છે. તેમના વર્ગમાં વિદ્યાર્થીઓ બિલકુલ તોફાન મસ્તી કે અવાજ કરતા નથી. જો ભૂલેચૂકે કોઇ અવાજ કરે તો સાહેબ બેન્ચ નંબર અને વિદ્યાર્થીના નંબર સાથે ઉભો કરી દેવાની તીવ્ર શ્રવણશક્તિ ધરાવતા હતા. આથી જ સમગ્ર વર્ગ ચૂપકીદી સાથે તેમના જ્ઞાનનો લહાવો લેવામાં આનંદ અનુભવતા હતા. સાહેબ હંમેશા ગમ્મત સાથે જ્ઞાન આપીને પોતાના વિષયમાં અમને એવા નિષ્ણાત બનાવતા કે તેમના લેકચર સાંભળ્યા

પછી બીજી વાર વાંચવાની કે યાદ રાખવાની જરુર રહેતી નહોતી. એ જ સમયે એ જ્ઞાન ચિરંજીવ બની વાર્ષિક પરીક્ષાની સફળતા સુધી પહોંચી જતું. સાહેબ મને મળ્યા પછી જાણે કે બહેનોના શબ્દો સાકાર થઇને સામે આવ્યા. એમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. તેમણે મારા પરિવારને સમજાવ્યું કે “મારી માતાના અને ચાર પુત્રો છીએ જેમાંના હું અનેમારો નાનો ભાઇ ગગન અંધ છીએ.” અમારા વખતે તો કોઇ પ્રકારની સગવડો પણ ન હતી તો મારા માતા-પિતાને અમને ઉછેરવામાં કેટલી તકલીફ વેઠવી પડી હશે? પરંતુ તેમનો સહકાર અને આત્મવિશ્વાસ જ અમને સફળતાના શિખરો સુધી પહોંચાડી શક્યો છે. તમારે તો માત્ર એક દિકરી જ અંધ છે વળી, હવે તો બ્રેઇલ શિક્ષણ પણ ઉપલબ્ધ બન્યું છે. એને આગળ વધવામાં હવે જરાય તકલીફ નહીં પડે. ઉદાહરણ સાથેના આવા શબ્દો સાંભળી મારા માતા-પિતાની રડતી આંખો હસતી થઇ ગઇ અને તેમને મને નવા જીવન તરફ આગળ વધારવાનો ઉત્સાહ જાગ્યો.

ઘણી સમજાવટ પછી મેં અને મારા માતા-પિતા એ અંધત્વનો જ્યારે સ્વીકાર કર્યો ત્યારે મારા જીવનનું પહેલું પગથિયું હતુ. અંધ બાળકોના શિક્ષણ માટેના ઇડર ખાતે યોજાયેલ પંદર દિવસનો કેમ્પ. ક્યારેય માતા-પિતાથી વિખૂટી ન પડેલી હું આ કેમ્પમાં સતત પંદર દિવસ રહેવાનું સાંભળી ધમપછાડા કરવા લાગી. મારા જેવા બીજા અનેકને જોઇ જાણે કે મને વિચિત્ર ભાવ અનુભવાયો. કારણ કે મેં કે મારા પરિવારે અંધોની આ દુનિયા જોઇ જ નહોતી. સાહેબે મને ખૂબ સમજવી પણ હું એકની બે ન થઇ. સાહેબે મને એવી છૂટ પણ આપેલી કે તારે આ બાળકો સાથે ન રહેવું હોય તો મારા ઘરે. મારા પરિવાર સાથે રહેજે. પણ આ કેમ્પમાં તું સારું શિક્ષણ મેળવી આગળ વધે. તેય ન સ્વીકારતી હું અપડાઉન કરીને કેમ્પમાં હાજરી આપી. છેવટે આ કેમ્પ મારા જીવનને નવી દિશા આપી ગયો. આ પંદર દિવસ દરમ્યાન હું ભાસ્કરભાઇના ખૂબ નજીકના સંપર્કમાં આવી મને તેમનો આત્મવિશ્વાસ નિખાલસતા અને રમૂજીપણું, સ્નેહાળ સ્વાભાવ ખૂબ જ સ્પર્શી ગયો. તો એમને પણ મારી હોંશિયારી અને કુશાગ્રતાના અનુભવથી મને આગળ વધારવાની રાહ મળી. ખેવના જાગી. જેનો મેં ભરપૂર લાભ ઉઠાવ્યો છે. હરપળ મારા દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે તેઓ તત્પર રહેતા અને મને નવી દિશા બતાવતા રહેતા.

વિવિધ કેમ્પ દરમ્યાન તેમણે મારી તીવ્ર ગ્રહણશક્તિ અને સંગતીનું પ્રાવિણ્ય કેળવતા અનેક પ્રસંગો તેમણે ઉભા કર્યા. બ્રેઇલ વાંચન-લેખન, ગાયન-નાટક, વકતૃત્વ જેવી અનેક કળાઓમાં મને યોગ્ય પ્રેરણા અને તક આપી સફળતાનો માર્ગ ખુલ્લો કર્યો. સંકલિત શિક્ષણ દરમ્યાન સાહેબે મારા માટે ઉચ્ચ પ્રવાસી શિક્ષકોની વ્યવસ્થા કરીને મારી શક્તિને વેગ આપ્યો. ધોરણ-11 ની ઉચ્ચ સફળતા પછી સાહેબે મને પી.ટી.સી. કરવા માટે પ્રેરણા આપી. શિક્ષક બનવાની આકાંક્ષાવાળી હું તે પ્રત્યે આકર્ષાઇ, પરંતુ ધોળકા પી.ટી.સી. કોલેજમાં મારા અંધત્વનો અસ્વીકાર થયો, એ સમયે કાયદાનો પણ સહારો ન હતો. આથી હું નિરાશ થઇ ને મારું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ ગયું. પરંતુ સાહેબે મને સાંત્વના આપી. અડગ મનવાળાને હિમાલય પણ નડતો નથી. તું આટલેથી ન અટક. ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધ. તેમના આ શબ્દોને સાંભળી હું ઉચ્ચશિક્ષણ તરફ વળી. તેમના સાથ સહકારથી હું બી.એ., એમ. એ. અને બી. એડ્. સુધી પહોંચી ગઇ અને મારું શિક્ષક બનવાનું સ્વપ્ન સાકાર પણ થવા લાગ્યું.

બી.એડ્. પ્રવેશ મારા માટે અધરો હતો. અહીં પણ અંધત્વનો અસ્વીકાર નડયો. મારી અને મારા પરિવારની સમજાવટ જ્યારે નિષ્ફળ જવા લાગી ત્યારે સાહેબે મને મદદ કરી પીઠબળ આપ્યું. બી.એડ્. કોલેજ અને તેના પ્રિન્સીપાલ (દરામલી) બી.એડ્. સેલ (પાટણ) અને તેના અધ્યક્ષ બી.સી. પટેલ, શિક્ષણ કમિશ્નર ભટ્ટ આ સૌની સાથે તેમણે સંઘર્ષ કરીને મારા પરિવાર સાથે પાટણ અને ગાંધીનગરના શિક્ષણક્ષેત્રને હચમચાવી મૂક્યું. પાટણ

યુનિવર્સિટી અને ગાંધીનગર સચિવાલય મને અને સાહેબોના નામથી ઓળખવા લાગ્યું. આખરે તેમની મહેનત ફળી અને મને વધારાની સીટ સાથે દરામલી બી.એડ્. કોલેજમાં પ્રવેશ મળ્યો. અહીં પણ સમગ્ર વર્ષ દરમ્યાન મને કરતી કનડગતનો તેમણે જડબેસલાક સામનો કરવાની પ્રેરણા વારંવાર આપતા હતા. અને મારી હિંમત વધારતા જેનું ફળ મને મારા બી.એડ્.ના પરિણામમાં મળ્યું.

અંધત્વના અસ્વીકારનો પ્રશ્ન મને નોકરી સમયે પણ નડયો. મારી ઇચ્છા તો પ્રાધ્યાપક બનવાની હતી. પણ

વિદ્યાસહાયકની જાહેરાત પડતા તેમણે મને વાગ્યું તો તીર નહીતર તુક્કો કહી પ્રાથમિક શિક્ષક બનવા સમજવી. વિદ્યા સહાયકની ભરતી અને ઇન્ટરવ્યું સમયે પણ સતત મારી સાથે રહ્યા અને તેમણે મને અને મારા જેવા બીજ અંધ લોકોને આ સમયે મદદ કરી. લાલપુર, બડોલી પ્રાથમિક શાળા-1 અને બડોલી પ્રા.શાળા નં-2 માં ક્રમશઃ મેં પ્રાથમિક શિક્ષક તરીકેની ફરજ બજાવવા આગળ વધી ત્યારે તેમણે મારા આચાર્યો અને સહઅધ્યાપકો, વિદ્યાર્થીઓ, વાલીઓને માર અંધત્વનો સ્વીકાર, મારી કુશળતાની પિછાણ કરાવી મને ફરજ બજાવવા સક્ષમબનાવી. આજે તેમની જ પ્રેરણાથીહું સૌને પ્રિય એવી સફળ શિક્ષક બની. રાજ્યકક્ષાના પારિતોષકને પામી શકી છું.

સાહેબે મારા જીવનમાં ઉન્નતિના શિખરે ચલાવતાં મને એક આંખે હસાવી છે અને એક આંખે રડાવી છે. જે

માલ આપે તે માર આપે તે નીતિ સાથે તેમણે મને જરૂર પડયે સ્નેહ તો આપ્યો જ છે પણ જરુર જણાય ત્યાં ખખડાવીને પણ મને હંમેશા સાચો રાહ દેખાડયો છે. શરુઆતમાં મને એમનો ગુસ્સો ન ગમતો પણ પાછળથી મારી ભૂલ સમજાય ત્યારે ખૂબ જ પસ્તાવો થતો. પણ એક સાચા માર્ગદર્શક ગુરૂની જેમમને તેમણે બધી જ બાબતોમાં સર્વગુણ સંપન્ન બનાવી છે.

ભાસ્કરભાઇ સાહેબ મારા માટે માત્ર માર્ગદર્શક ગુરૂ જ નહિ પણ એક હિતેચ્છુ પિતાની જેમસતત મારી ચિંતા

કરતા રહ્યા છે. તેમણે પિતૃસહજ વાત્સલ્ય અને જરુર પડે કડકાઇથી મને કેળવી મને અંધ મહિલાઓના રાષ્ટ્રકક્ષાએ નેતૃત્વ સુધી પહોંચાડી, માત્ર સાહેબ જ નહિ તેમનો આખો પરિવાર મારા વિકાસમાં ઓતપ્રોત થઇ જતો. પ્રવિણાબેન ભારતીય કક્ષાના બધા જ કાર્યક્રમમાં મારી સાથે આવતા. ડગલેને પગલે મને નવી-નવી વાતો શીખવાડી મને પ્રોત્તસાહિત કરતા. મનન અને હર્ષ કયારેક મારા મિત્ર બની મને સ્નેહ અને સહયોગ આપતા તો ક્યારેક મારા નાનાભાઇ બની મારી વાતને સમજવાની કોશિશ પણ કરતા. આજે આ આખો પરિવાર મારી સાથે જ છે. સાહેબની દિકરી ઝરમર નાની હતી ત્યારથી જાણે કે મારી મિત્ર બની ગઇ હતી. નેશનલ કોન્ફરન્સ વખતે તે દિલ્હી મારી સાથે આવેલી ત્યારે અમે એક બીજા સાથે કેટલીય અંગત વાતો કરતા કે જાણે અમારી દુનિયા જ અલગ હોય, તે કેવી રીતે ભૂલાય.

સાહેબ મારા માટે ઉત્તમકેળવણીકાર પણ બન્યા છે. તેમણે શિક્ષણ, કલા, રમત, સાહિત્ય અને સંગીત જેવી અનેક બાબતોમાં નિપુણ બનવા માટેની તાલીમઅને તક આપી, મારી ઉત્તમકેળવણી કરી છે. તેમણે મને વ્યક્તિથી સમષ્ટિ સુધી જીવવાનો સુંદર સહયોગ આપ્યો.

સાહેબ પાસેથી હું એ શીખી કે જયોત સે જયોત જલે. આપણે કેળવાવું અને બીજાને કેળવવા. પહેલાં આપણે સમાજમાં રહી આગળ વધવું. અને પછી આપણા કાર્યો દ્વારા સમાજનું ઋણ અદા કરવું. ગઇકાલે સાહેબે મને કેળવી અને આજે હું તેમની અને સમગ્ર સમાજની સામે પ્રતિકૃતિ ઉદાહરણ બની છઉં. મારી જીવન યાત્રામાં પળેપળ તેમનો સાથ રહ્યો છે અને હંમેશા રહેશે તેવી અભિલાષા. જીવનમાં ડગલે ને પગલે આગળ વધવામાં સાથ સહકાર અને

પ્રોત્સાહન આપનાર, શિસ્તમય અને હૂંફાળુ વાતાવરણ આપી સ્નેહની હેલી વરસાવનારા, ક્ષમા અને કલ્યાણકારી વિચારોથી અંધસમાજમાં ઉજાશ ફેલાવનાર સાચા ભાસ્કર છે. આ મહાન વિભૂતિ માટે લખવા બેસું તો શબ્દો ઓછા પડે છે. કોઇ તત્વજ્ઞાનીએ ગુરપદને ઇશ્વરપદ સાથે સરખાવ્યું છે.

“ગુરૂ ગોવિંદ દોનોં ખોં, કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય.”

અંધારા ખૂણાને અજવાળી, કરુણાના જળે નવડાવી લાચાર જીવનને ઉન્નત મસ્તક-મસ્તકે ચાલતા કરી આપનારનું ઋણ શબ્દોથી અદા કરી શકાય તેમનથી પંજાબી ભાષામાં એક સુંદર ગીત છે. જે પ્રેરણાદાયી છે.

સદાના બાગીં બુલબુલ બોલે

સદાના બાગ બહારાં

સદાના રાજ ખુશી દેં હોંદે

સદાના મજલિસ યારોં

અર્થાત દરરોજ બાગમાં બુલ બુલ બોલતુ નથી સદાયે બાગમાં બહાર હોતી નથી. સદાય રાજમાં ઉજાણી હોતી નથી. સદાય મિત્રોની મહેફિલો હોતી નથી. છતાં પ્રતિકૂળ પરિસ્થિતમાં અનુકૂલન સાધી શકે ટકી શકે તે મહાન બની શકે. ખંત, સક્રિયતા, મકકમમનોબળ અને સદાય પ્રફુલ્લિત એવા ભાસ્કર સર ને મારા શત્ શત્ પ્રણામ.

અસ્તુ....

-વિશ્લેષા વી. જાની
વિરાટ ગગનમાં ભાસ્કર સદૈવ મસ્તરામબની મલકે,
ઊંગી મુજ જીવને ઉષા, આનંદથી આંખો છલકે,
સ્પર્શ કરાવી સ્નેહનો કરી સર્વ પ્રવિણા
મનનના માર્ગે મુક્ત વિહરવા હર્ષની ઝરમર ઝલકે.
ખુદ કે લિયે જીએ, તો ક્યા ખાખ જીએ
જીના ઉસીકા નામલૈ જો દૂસરો કે લિયે જીએ.