ભૂગોળ ભાસ્કરમાં ગાયબ

એક સમયના માટે મારી પણ આવીજ દશા થઇ હતી. બાવીસ વર્ષની નાની ઉંમરે એમ.એ. નો અભ્યાસ પૂર્ણ

થયા બાદ જ્યાં પ્રભુતામાં પગલાં પાડયાની ઘડી આવતાની સાથે જ ત્રીજા દિવસે મારે અકસ્માતમાં ડાબી આંખ ગુમાવીને પછી મારી બીજી આંખને ચેપ લાગતા હું મારી જીવનની અમૂલ્ય જમણી આંખની જ્યોતિ પણ ગુમાવી બેઠી. મારા પરિવારની મદદથી અમદાવાદ અને મદ્રાસની સુપ્રસિદ્ધ હોસ્પિટલમાં છ માસ સુધી અગિયાર શસ્ત્રક્રિયાઓના પુરૂષાર્થમાંથી પસાર થવા છતાં મારી બંને આંખે અંધત્વનો અંધકાર ફરી વળ્યો. સ્વાભાવિક રીતે જ ભરયુવાનીમાં આંખોનું તેજ ગુમાવ્યા પછી જિંદગીનું નૂર પણ હણાઇ ગયું. એ જ સમય પુત્રજન્મસ્વરુપે આશ્વાસન પ્રાપ્ત થયું.

આજના આધુનિક યુગમાં, ઉચ્ચ અભ્યાસ કરેલ અને તબીબીશાખાના પતિ દ્વારા માત્રને માત્રઅંધત્વને કારણે

છૂટાછેડાનો ભોગ બની. દ્રષ્ટિહીનતા અને છૂટાછેડા મળ્યાની વેદના અસહ્ય હતી. માતા-પિતા અને પરિવાર જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડતાં રહ્યાં. પાટણના એ પડતીના દિવસો ભૂલાતા નથી. પરંતુ પુત્રને કારણે પણ જીવન સહ્ય બનાવવું પડયું. પુત્રને પણ આઘાત લાગ્યો હતો. બચપણથી જ પુત્ર રાજની પણ આશા-નિરાશામાં ગમગીન જિંદગી પસાર થતી હતી.

એ જ દરમિયાન મારી નાની બહેન કેતકી સંસ્કૃત મુખ્ય વિષય સાથે ઇડર કોલેજમાં અભ્યાસ માટે જતી હતી. મોટાભાઇ સુમંતભાઇને ત્યાં રહેવાની વ્યવસ્થા હતી જ ઇડર આર્ટસ કોલેજના સંસ્કૃત વિષયના વ્યાખ્યાતા પ્રો. ભાસ્કરભાઇ મહેતા પણ અંધ જગતની અગ્રગણ્ય હસ્તિ હતાં. બેન કેતકી દ્વારા મારી વિતકકથા પ્રો. મહેતા સાહેબ પાસે પહોંચી હું મહેતા સાહેબને રુબરુ મળી રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ તેઓશ્રી સાબરકાંઠા જિલ્લામાં અંધજનોના શિક્ષણ રોજગાર અને પુનર્વસનના કાર્યમાં ગળાડૂબ હતા. વિકલાંગોના તેઓ સાચા રાહબર છે. તેમની મુલાકાતોથી મારામાં જિંદગી જીવવાનો ઉત્સાહ જાગ્યો. હતાશા દૂર થઇ. પહેલા તો તેમણે મને સાંભળી પછી આવી ક્ષતિ છતા પણ ખુમારીથી જિંદગી કઇ રીતે જીવી શકાય. તેની પ્રેરક વાતોથી મારામાં આશાનો સંચાર કર્યો.

તેમની સલાહ તો એવી હતી કે પુનઃ મારે પ્રથમપતિ સાથે જ સમાધાન સાધવું. પરંતુ પ્રથમપતિના વાક્ય:અંધ થઇ એટલે હવે તું શું કરી શકીશ. આવા વાક્યો સાંભળી મારામા કંઇક કરી બતાવવાની ધગશ કામકરતી થઇ હતી. હું તે વિધાનને પડકાર માની ઉજજવળ ભવિષ્ય ઘડવા કટિબદ્ધ થઇ. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી. નોકરી પણ હું મેળવીશ એવો વિશ્વાસ જાગ્યો. પુત્ર રાજનું ભવિષ્ય સમુદ્ધ બનાવવાની તમન્ના જાગી.

શ્વાસનું આવન-જાવન ભલે

ઈશ્વરના હાથમાં હોય

પણ વિશાવસની દોરી તો સ્ત્રીના હાથમાં જ

રહેતી હોય છે.

મારા રાહબરે મને બીજી સલાહ એ આપી કે તમે મહેસાણા જિલ્લાની એન.એ.બીનો સંપર્ક કરી અંધજનોના

શિક્ષક માટેના બી.એડ્. અભ્યાસક્રમમાટે સ્પોન્સરશીપ મેળવવાની વ્યવસ્થા કરવી. મે તે મુજબ કર્યું પરંતુ સંપૂર્ણ અંધત્વને કારણે સ્પોન્સરશીપ મેળવવામાં સફળ ન થઇ.

‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.’

પુનઃ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા જિલ્લાના માનદમંત્રીશ્રીને હું મળી તેમણે મારા માતા-પિતા અને

પરિવાર સાથે મસલત કરી. અંધપુત્રીને કેમન્યાય આપી શકાય. તેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન આપ્યું. એટલું જ નહી. પરંતુ એન.એ.બી. ઇડર દ્વારા તેમણે સ્પે. બી.એડ્. એટલે કે એસ.ટી.ટી.ડી.બી. ના અભ્યાસક્રમમાટે મને સ્પોન્સર કરી અને મારા જીવનને નવી દિશા આપી.

આમઅવાર-નવાર મહેતા સાહેબની મુલાકાતોથી ખરાબે ચઢેલી જીવનનીનાવ સાચી દિશામાં વહેવા લાગી.

મહેતાસાહેબના ધર્મપત્નિ પ્રવિણાબેનનો પણ આ દરમિયાન પરિચય થયો. તેઓ પણ વિકલાંગ સેવાને વરેલા હોઇ મારી પ્રત્યે લાગણી અને પ્રેમબતાવ્યા. તે પોતે દ્રષ્ટિવાન હોવા છતાં અંધ વ્યક્તિ સાથે સ્નેહલગ્ન કરી એક ઉત્તમઉદાહરણ પૂરું પાડેલ હોઇ હું તેમનાથી પ્રભાવિત થઇ.

સ્પેશ્યલ બી.એડ્. ના અભ્યાસ માટે છાત્રાલયમાં રહેવાનું મને અનુકુળ ન રહ્યું. પાટણથી છેક અમદાવાદ સુધી અપડાઉન કરવાની મે તૈયારી બતાવી એટલે મહેતાસાહેબે બી.એડ્. કોલેજના કો. ઓર્ડિનેટર શ્રી એચ.યુ. જોષી સાહેબ આગળ ભલામણ કરી. અપડાઉન માટેની છૂટ મળી. હવે સમસ્યા હતી, દરરોજ અપડાઉન કઇ રીતે થઇ શકે? પછી તો પિતાશ્રી રમેશચંદ્ર ખત્રીએ મારી સાથે અપડાઉન કર્યું. સહાયક તરીકે બહેન કેતકીએ પણ અભ્યાસક્રમની કેસેટસ તૈયાર કરી આપી. મદદરુપ થતી એ કેસેટસનું શ્રવણ બસમાં થયા કરતું. ઘેર માતા મંજુલાબેન મારું ને પિતાજીનું ટીફીન તૈયાર કરતાં અને મારા પુત્ર રાજની સારસંભાળ લેતાં પરિવારના તમામસભ્યોની મદદથી બી.એડ્.માં કઠીન તપશ્ચર્યાનું સારું ફળ મળ્યું. બી.એડ્.માં હું એ વર્ષે રાજ્યમાં પ્રથમનંબરે પાસ થઇ અને શ્રી કનુભાઇ ઠાકર એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. તત્કાલીન વિધાનસભાના અધ્યક્ષશ્રી મંગળદાસ પટેલના હસ્તે.

અભ્યાસ અને એવોર્ડ પ્રાપ્તિનું શ્રેય વંદનીય શ્રી ભાસ્કરભાઇ મહેતા સાહેબને આપવામાં ધન્યતા અનુભવું છું.

આદરણીય મહેતાસાહેબે મને મારા પરિવારને જે માર્ગદર્શન આપ્યું તે થકી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી.

અંધજનના શિક્ષકની લાયકાત મેળવી પરંતુ હવે નોકરી? એ મારા માટે પણ!... પાછી મેં મહેતા સાહેબ

આગળ રજૂઆત કરી. તેમણે પહેલા મને લીવ વેકેન્સી પર ને ત્યાર પછી પ્રવાસી શિક્ષકની જગ્યાએ કાયમી નિમંણૂક આપી. નોકરીનું સ્થળ પ્રાંતિજ હતું. હવે અપડાઉન માટે પિતાજીની મદદ લેતી હતી. તે વાત મહેતાસાહેબને કાને પહોંચી એક દિવસ તેમણે મને ઓફિસે બોલાવી ધમકાવી-ક્યાં સુધી નિવૃત પિતાને તકલીફ આપ્યા કરીશ! કહી આ પ્રશ્નનો નીવેડો લાવવા એક સૂચન કર્યું. સંસ્થાના જ પ્રવાસી શિક્ષક શ્રી આશિષજોષી સાથે પ્રાંતિજ જવા-આવવા માટે સહાયક તરીકે ગોઠવણ કરી આપી. જોકે નોકરી માટે ગોઠવેલ સહાયકશ્રી પાછળથી જિંદગીના સાથી પણ બની ગયા.

જિંદગીમાં સતત શીખતી જ રહું અને સામાન્ય શિક્ષકની જેમજ જિંદગી જીવી શકુ અને મારામાં પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તે માટે મહેતાસાહેબે મને સતત પ્રવૃત્તિશીલ બનાવી. શ્રીમતી પ્રવિણાબેનની રાહબર નીચે અમદાવાદ, સુરત, દિલ્હી અને દેવલાલી મુકામે અંધ મહિલા લીડરશીપ તાલીમમાં મોકલવામાં આવી. આવી તાલીમદ્વારા મારી દુનિયા, વિશાળ થઇ. ઉપયોગી મુલાકાતો ઓળખાણો અને વાતાવરણ મમતાં વ્યક્તિ વિકાસમાં ગતિ આવી. અંધત્વને કારણે થયેલી હતાશા દૂર થઇ અને અનેરો આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો. ખાસ તો પ્રવિણાબેને મારામાં વિશેષ રસ લઇ મોબિલીટી અને ઓરીએન્ટેશનની તાલીમઆપી-અપાવી અને તેથી સ્વમાનભેર જિંદગી જીવવાનું ભાથું પ્રાપ્ત થયું. પ્રવાસ વેળાએ પોતાનું લગેજ પોતે જ ઉપાડવું અને રસોઈ કળા શીખી લેવાના બહુમૂલ્ય સૂચનો અને માર્ગદર્શનને કારણે મારી તો જિંદગી જ બદાલઇ ગઇ. પરિણામસ્વરુપ જૂનાગઢ ખાતે અંધ મહિલાઓ માટે યોજાતી સાડી-પરિધાન સ્પર્ધામાં પ્રથમઅને દ્વિતીય ઇનામો પણ પ્રાપ્ત થયાં.

અંધત્વને કારણે પોતાના પતિએ તરછોડી હોઇ પુરુષો માટે મારા મનમાં ધૃણા-પૂર્વગ્રહને નફરતની લાગણી

તીવ્ર બની હતી. ત્યારે મહેતા સાહેબે જ Positive વિચારવા અને આશિષ સાથે અપ-ડાઉન કરવા તૈયાર કરી હતી. કોઇકવાર જાહેરમાં પ્રા. મહેતાસાહેબ મજાક પણ કરતા. કે માધવી પહેલા આશિષનો હાથ પકડવા પણ તૈયાર ન્હોતી અને હવે સાથ છોડવા તૈયાર નથી.

સતત વિકલાંગોના કલ્યાણ વિષે જ વિચારતા નિરાભિમાની શ્રી મહેતાસાહેબ અને તેમના ધર્મપત્નીના

પ્રયત્નો ને આર્શીવાદથી મેં તા.22-04-2004ના રોજ શ્રી આશિષ જોષી સાથે પુનઃ લગ્ન કર્યાને પ્રભુતામાં પગલા પાડયાં. પરિવાર અને સમાજના વિરોધ વચ્ચે શ્રી આશિષ જોષીએ મને પુત્ર સહિત અપનાવી અને મારા જીવનનો એક નવો અધ્યાય શરુ થયો. દામ્પત્યજીવનને સુપેરે ચલાવી શકાય તેવા શુભ હેતુથી પછીથી શ્રી મહેતાસાહેબે અમને બંનેને પતિ-પત્નિને એકજ તાલુકામાં નોકરી ગોઠવી એક સુચારું સંચાલનની ભૂમિકા અદા કરી.

મહેતા સાહેબની હું ઘણી જ ઋણી છું. તેઓશ્રી સરળસ્વભાવના, સ્પષ્ટવક્તા અને સતત વિકલાંગોની

ઉન્નતિના વિચારો અને કાર્યોમાં લીન રહેનારા છે. જ્યારે કહો ત્યારે અંધ-વિકલાંગના કામમાટે તેઓશ્રી તત્પર જ હોય. આળશ અને વિલંબની તો બાત જ નહી. વિકલાંગ કલ્યાણની તીવ્ર ભાવનાને કારણે જ તેઓ શ્રીની વિકલાંગ કલ્યાણ કમિશ્નર તરીકે રાજ્ય સરકારે નિમંણૂક કરી હતી. તેઓશ્રી કમિશ્નર રહ્યા ત્યાં સુધી વિકલાંગો માટે સમય સીમાના બંધન વગર સતત સક્રિય રહ્યા. હજીપણ તેઓ શ્રી અધ્યાપન કાર્યની સાથે-સાથે વિકલાંગ કલ્યાણ માટે સતત

દોડ-દોડ કરે છે. તેમની સેવા પ્રવૃત્તિની સુવાસથી કોણ અજાણ છે. વિદેશમાં પણ તેમણે વિકલાંગ જગતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ભાસ્કર એ સૂર્યનું જ એક નામછે. પ્રા. ભાસ્કરભાઈ એ સમગ્રજીવન તથા તેમના સહધર્મચારિણી પ્રવિણાબેન

પણ વિકલાંગોની સેવામાં સતત સૂર્યની જેમજ ચમકી રહ્યા છે.

આજના આ આધુકિયુગમાં ભૌગોલિક સીમાઓ બાંધ્યા વગર પ્રો. મહેતા સાહેબે વિકલાંગોને મદદ કરી જ છે.

તેનું જીવંત ઉદાહરણ હું છું. મારું વતન મહેસાણા જિલ્લામાં છે. જ્યારે શિક્ષણ અપાવી, રોજગારી પણ આપી અને મારું સર્વાંગી પુનર્વસન કરી સન્માનસહિત જીવન જીવવાનું પ્રેરકબળ શ્રી ભાસ્કરભાઇએ જ પુરુ પાડેલ છે.

વર્તમાનયુગમાં સમાજવાદ અને ભૌગોલિકવાદને નજર સમક્ષ રાખ્યા સિવાય પ્રો. ભાસ્કરભાઇ મહેતા માટે હું

તો એટલું જ કહીશ કે-ભૂગોળ ભાસ્કરમાં ગાયબ છે તે માટે મારું ઉદાહરણ જ કાફી છે.

વિકલાંગ સજજન-સન્નારીઓને મારે એટલું કહેવું છે કે કોઇ વાદ માં ન પડતા રાજ્યના કોઇપણ ભાગના

વિકલાંગજનોને મદદ કરવા વિનંતી.

મહેતાસાહેબ આપ પણ વાદ થી દુર રહી રાજ્યના કોઇપણ જિલ્લા-તાલુકા કે ગામના વિકલાંગને મદદ કરી

છે. તેની વિકલાંગતાને સમજી ન્યાય આપ્યો છે.

મહેતાસાહેબના મળતાવડા સ્વભાવને કારણે પોતે અંધ હોવા છતાં સદ્રષ્ટિ વ્યક્તિઓ સાથેનું સંકલન સદાય

ઉષ્માસભર રહ્યું છે. તેમજ મને પણ પ્રાંતિજ, ઇડર, હિંમતનગર અને તલોદ તાલુકાની શાળાઓમાં મારી ફરજ

દરમિયાન શિક્ષકો-કર્મચારીગણનો સારો સહયોગ મળ્યો છેને યથાસંભવ તમામમદદ કરી છે એ બધી મહાનતા શ્રી ભાસ્કરભાઇ મહેતા સાહેબના માર્ગદર્શનને આભારી છે.

ષષ્ઠીપૂર્તિના મંગલ પ્રસંગે હું પ્રાધ્યાપક વિદ્વાન, કાર્યતત્પર, સરળહ્રદય, સ્પષ્ટવક્તા અને સતત કાર્યશીલ એવા આદરણીય પ્રાતઃ વંદનીય શ્રી ભાસ્કરભાઇ મહેતા સાહેબને હું શુભેચ્છા પાઠવું છું. મારા જેવા અનેક વિકલાંગોનું તેજ બની સમાજમાં અમને માન-સન્માન અને સુખી જીવન આપવાના નિમિતે મહેતાસાહેબશ્રીના દિર્ધાયુશીને સ્વાસ્થતાની પ્રાર્થના કરું છું. આક્ષણે તેમના ગૃહિણી પ્રવિણાબેન ને પણ કેમભૂલું શતશત વંદન. ષષ્ઠીપૂર્તિ પછી શતાબ્દી પણ ઉજવાય તેવી કામના સહિત હું માધવી.

રાહબર બંને સેવાહસ્તીઓને અંતઃપૂર્વક અભિનંદન પાઠવું છું.

મહેતા સાહબેની નમ્રતા માટે આટલું જ કાફી છે.

બુલંદીઓ પે પહુંચના કોઇ કમાલ નહીં,

બુલંદીઓ પે ઠહરના કમાલ હોતા હૈ.

-માધવી એ. જોષી
‘જીવન કી ગમગીન ઘડીયોં મે
કૌન કિસકા હોતા હૈ?
અરે! પડછાઇ ભી સાથ નહી દેતી
જબ અંધકાર હોતા હૈ.’