હું દેસાઇ જાગૃતિ પાવનભાઇ કલોલની વતની છું અને વિશ્વભારતી હાયર સેકન્ડરી હાઇસ્કૂલ ઉચ્ચત્તર
માધ્યમિકમાં મદદનીશ શિક્ષિકા તરીકે ફરજ બજાઉ છું. મનોવિજ્ઞાન વિષય સાથે સ્નાતક કક્ષાએ યુનિવર્સીટી કક્ષાએ પ્રથમસ્થાન તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અભિનય ક્ષેત્રે રાજ્ય કક્ષાએ પ્રથમસ્થાન પ્રાપ્ત કરેલ છે. આ સાથે નાટય ક્ષેત્રે તેમજ દુરદર્શનની કાર્યક્રમોમાં સફળ રીતે કાર્ય કરવાનું શરુ કર્યું. ચોતરફ અનેરી સફળતા સાથે ઉત્સાહપૂર્વક હું જીવન વ્યતીત કરતી હતી.
ત્યારે અચાનક મારી બંને આંખોમાંથી રોશની ચાલી ગઇ. અનેક નિષ્ણાંત તબીબોની સારવાર છતાં મારી
આંખોમાં રોશની પાછી ના આવી. પુરી લગન, મહેનત અને ઉત્સાહના પૂરજોશથી ચાલી રહેલું મારું જીવન જાણે થંભી ગયું. આંખોનાં અંધારાંની સાથે મારું જીવન પણ ચિંતા, હતાશા અને અંધકારથી ઘેરાઇ ગયું. જીવન જીવવાનું પણ નિરસ થઇ ગયું. દરેક વાહનને હું રમતમાં દોડાવતી હું અંધત્વ પછી એક ડગલું ભરવા પણ તૈયાર ન હતી. અનેક પ્રયત્નો પછી મળેલી સરકારી નોકરી પણ ગુમાવવાની પરિસ્થિતિ ઉદ્ભવી હતી. શાળામાં રાજીનામું મુકવા વિચારી રહી હતી. ત્યારે કલોલના વતની અને અગ્રણી સામાજિક કાર્યકર એવા માનનીય શ્રી ભરતભાઇ રાવે મને વિકલાંગ કમિશ્નર શ્રી ભાસ્કરભાઇ સાથે મારી મુલાકાત કરાવી.
હું વસ્ત્રાપુર અંધજન મંડળમાં શ્રી ભાસ્કરભાઇ મહેતાને મળવા ગઇ હતી. શ્રી ભાસ્કરભાઇએ સાંત્વના આપતાં
કહ્યું હતું કે તમે નોકરી બાબતે નિશ્ચિત થઇ જાઓ. તમારી નોકરી ચાલુ રહેશે. તેમનાં માર્ગદર્શન હેઠળ માન્ય સરકારી હોસ્પિટલમાંથી વિકલાંગતાનું સર્ટીફીકેટ મેળવી શાળામાં રજૂ કર્યું. તેમછતાં કોઇ અગમ્ય કારણસર મારા અંધત્વના કારણે મને શાળામાં હાજર કરી ન હતી. ત્યારે શ્રી ભાસ્કરભાઈના માર્ગદર્શન અને અથાગ પ્રયત્નો દ્વારા મેં કાનુન લડાઇ જીતી સ્વમાનભેર નોકરી શરુ કરી.
નોકરી અપાવ્યા બાદ પણ મારામાં શિક્ષણ કાર્ય અંગેનો આત્મવિશ્વાસ જગાવ્યો અને તે માટેની જરુરી સામગ્રી પૂરી પાડી.
અંધત્વના કારણે હું ચાલવામાં અને બહાર જવામાં જે શરમઅને સંકોચ અનુભવતી રહી તેને તે દૂર કરવામાં
સફળ રહ્યા.
માત્ર શૈક્ષણિક કાર્યમાં જ નહીં પણ શ્રી ભાસ્કરભાઇએ મારા કુટુંબમાં પણ મને જરુરી માર્ગદર્શન અને સુચન
કરી વિધાયક વાતાવરણ ઊભું કરી આપ્યું. જીવનમાં મધ્યાહન આવેલા અંધાપાને કારણે વ્યથીત બનેલી હું શ્રી ભાસ્કરભાઇના સાથ વડે મારા અંધકારમય જીવનને ફરી એકવાર ઉત્સાહથી અને સફળ રીતે વિતાવી રહી છું.
અત્યારે જીવનના કોઇપણ તબક્કામાં મારું અંધત્વ મને ડગાવી શક્યું નથી.
ભાસ્કરભાઇ તેમજ પ્રવિણા બહેને અકાળે અંધત્વ પ્રાપ્ત કરેલી બહેનોનો મને પરિચય કરાવ્યો. જેઓ અંધત્વ
છતાં પોતાનું જીવન સફળ રીતે વિતાવી રહેલ છે. આવી બહેનોનો પરિચય કરાવી. મારું આત્મબળ વધારી મને જીવન જીવવાની પ્રેરણા આપી.
ટૂંકમાં હું એટલું જ કહીશ કે ભાસ્કરભાઇએ મારાં જેવાં અનેક વિકલાંગોને સરકારી નોકરી તથા આત્મવિશ્વાસ
પાછો અપાવી. જિંદગી સ્વમાનભેર જીવતાં કર્યા છે.
અંધત્વને અડચણરુપ ન માનનારા આ લોખંડી પુરુષે ભરયુવાનીમાંથી જ તેમનું જીવન તેમણે વિકલાંગ વ્યક્તિઓના પ્રશ્નોને વાચા આપવામાં, તેમની મુશ્કેલીમાંથી માર્ગ કાઢવામાં સમર્પિત કરી. સમાજમાં
ઉમદા કાર્ય કરી રહ્યા છે.
વિકલાંગ વ્યક્તિઓના પ્રશ્નો તેમણે તેમની સમસ્યા ઉકેલવાની શક્તિ, વ્યવહારિક કુશળતા, વાકછટા, અદ્ભુત લેખન કળા, સંવેદનશીલતા, પ્રામાણિકતા, સાહસીકતા તથા કર્તવ્યનિષ્ઠા દ્વારા સરળતાથી ઉકેલી. તેમણે તેમને સમાજમાં માન અને મોભા ભેર જીવતાં શીખવ્યું છે.
આજે જ્યારે તેઓશ્રી જીવનનાં 60 વર્ષ પૂરા કરવા જઇ રહ્યા છે. ત્યારે પરમાત્માને એટલી પ્રાર્થના કરું કે ઇશ્વર આપને દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય અર્પે, જેથી અનેક વિકલાંગ વ્યક્તિઓનું વિકલાંગપણું હરહંમેશ દૂર કરવાં આપ વધુ સબળ અને સફળ બનો. ઇશ્વર આપશ્રીને સમાજમાં સામાજિકરણ અને સશક્તિકરણનું ભગીરથ કાર્ય કરવાની શક્તિ અર્પે.