કહેવાય છે કે માણસ જન્મજાત મહાન નથી હોતો તેને પરિસ્થિતિઓ મહાન બનાવે છે. આ વાત ઘણા અંશે
સત્ય છે અને તે આપણા સૌના સાથી પ્રો. ભાસ્કરભાઇ મહેતાને પણ લાગું પડે છે.
આજે જ્યારે પ્રો. ભાસ્કરભાઇની ષષ્ઠીપૂર્તિની ઉજવણી થઇ રહી છે ત્યારે તેમના જીવનકાર્ય વિશે ઘણી બધી વાતો લખાશે તેની સાથે-સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ક્ષેત્રે પણ તેઓશ્રાની વિશિષ્ટ સૂઝ અને નિર્ણયો ખૂબજ પ્રભાવિત રહ્યા છે. તેની નોંધ પણ અવશ્ય લેવી ઘટે.
જ્યારે હું ઇડર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ભણતો હતો ત્યારે શ્રી ભાસ્કરભાઇની સાથે મારી પ્રથમમુલાકાત
એક ગુરૂ-શિષ્ય તરીકે થઇ હતી. એ વખતે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે શ્રી ભાસ્કરભાઇ અને હું એક સાથે એકજ ક્ષેત્રમાં ખાસ કરીને ક્રિકેટ તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અંધજનો માટે વિશિષ્ટ કાર્ય કરીશું. અંધજનોના ક્રિકેટની વાત કરું તો શ્રી ભાસ્કરભાઇને ક્રિકેટના ખેલાડી તરીકે મેં રમતા જોયા નથી. પરંતુ અનેક અંધજનોને ક્રિકેટના મેદાનમાં રમાડવાનું ભગીરથી કાર્ય કરતા ભાસ્કારભાઈને અનેકવાર અવશ્ય જોયા છે.
અધ્યાપકીય ક્ષેત્રે તેઓની સૂઝ-બૂઝથી આપણે પરિચિત અવશ્ય છીએ પણ ક્રિકેટના મેદાનમાં શરુના વર્ષોમા
બેટ અને બોલ સાથે રમતા ભાસ્કરભાઇ એક અલગ જ વ્યક્તિત્વ ધરાવે છે.
અંધજનની ક્રિકેટ વિશે ઘણું ચિંતન અને મનન અમારી વચ્ચે અવશ્ય થતું. છતાં 1997 માં જ્યારે તેઓ ક્રિકેટ
કન્ટ્રોલ બોર્ડ ફોર ધી બ્લાઇન્ડના ચેરમેન બન્યા ત્યારે અંધજનોના ક્રિકેટમાં પણ ખાસ્સું પરિવર્તન આવ્યું.
1996 માં ACBI (એસોસિયેન ફોર ધી ક્રિકેટ ફોર ધી બ્લાઇન્ડ ઇન ઇન્ડીયા) ની સ્થાપના થઇ ત્યારે શ્રી
ભાસ્કરભાઇ તથા બી. કે. પંચાલ ગુજરાત વતી તેની કમીટીમાં નિમાયા હતા.
1998 માં પ્રથમવલ્ડ કપ ફોર ધી બ્લાઇન્ડ-દિલ્હીમાં રમાવાનો હતો ત્યારે ACBI ની બેઠકોમાં તેમણે ભાગ લીધો. શ્રી બી.કે. પંચાલ એ સમયે ભારતીય ટીમના મેનેજર નિમાયા હતા. ત્યારે શ્રી ભાસ્કરભાઇ વલ્ડકપની આયોજન સમિતિમાં હતા. ત્યારે તેમના સૂચનો તથા માર્ગદર્શનથી હું પણ વિશેષ પ્રભાવિત થયો હતો.
1998 ના વર્લ્ડ કપમાં મેન ઓફ ધી સીરીઝ બનેલા ભલાજી ડામોર આપણા ભાસ્કરભાઇની જ સંસ્થાના હતા. અંધજનોના ક્રિકેટ ઇતિહાસમાં ભલાજી ડામોરની સિદ્ધિ ભારત માટે-ગુજરાત માટે તથા સાબરકાંઠા જીલ્લા શાખા માટે ગૌરવપૂર્ણ રહી હતી જેમાં શ્રી ભાસ્કરભાઇનું માર્ગદર્શન પાયામાં હતું.
અંધજનોના ક્રિકેટની સાથે સાથે શ્રી ભાસ્કારભાઇ અંધજનોની નાટય સ્પર્ધામાં પણ વિશેષ રસ રુચી ધરાવતા હતા.
એમની માન્યતા અને શ્રદ્ધા હતી કે નાટય સ્પર્ધાથી અંધજનોના આત્મવિશ્વાસમાં ખૂબજ વધારો થાય છે. નાટ્ય સ્પર્ધા દર વર્ષે ગુજરાતમાં થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા.
તેમની પાસે અદ્ભૂતવાણીની સાથે-સાથે કાર્ય પરત્વેની નિષ્ઠા મને અવશ્ય જોવા મળી. “બધાને સાથે લઇ ને ચાલો” આ એમનું સૂત્ર હતું. અને એને કારણે જ રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની અમારી કમીટીની મીટીંગમાં તેમનાં દરેક સૂચનની અવશ્ય નોંધ લેવાતી હતી.
રાજ્ય સરકારના વિકલાંગોના કમિશ્નર તરીકે જ્યારે તેઓ સેવા બજાવતા હતા ત્યારે રાજ્ય સરકાર
વિકલાંગોની રમત-ગમત પરત્વે વધુ અનુદાન આપે તથા તેને પ્રોત્સાહીત કરે તે માટેના પ્રયત્નો તેમને અચૂક કર્યાં
એક અદના સભ્યશ્રી ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ચેરમેન સુધીની તેમની યાત્રા વિવાદોથી પર હતી એટલે જ જ્યારે પણ રમત-ગમતના મેદાન પર ઉદ્ઘાટન કે સંપન્ન સમારોહ હોય ત્યારે તેઓ ખેલદીલી ઉપર અવશ્ય ભાર મૂકતા હતા.
અનેક વિવિધ પ્રવૃત્તિઓથી સતત ધમધમતી એન.એ.બી.ની રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કમીટીમાં
શ્રી ભાસ્કરભાઇ આજે પણ વિકલાંગોના હ્રદયમાં સ્થાન ધરાવે છે. તેનું મુખ્ય કારણ તેમનો સરળ, પ્રેમાળ સ્વભાવ અને કાર્યનિષ્ઠા છે.
કર્મ ને જ ધર્મ માની “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન" આ ગીતામંત્રને સાકાર કરનાર શ્રી
ભાસ્કરભાઇને તેમની ષષ્ઠીપૂર્તિ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.