ઘનઘોર નિરાશામાં આશાનું કિરણ

ષષ્ઠીપૂર્તિ પ્રસંગે શ્રી પ્રો. ભાસ્કરભાઇ મહેતા વિશેના સંભારણા ગાવાનો મને મોકો મળ્યો છે. ત્યારે મને માર

જીવન વિશેની વાત રજુ કરવાનું તેમજ જીવનના ચડાવ-ઉતારના પ્રસંગોને વ્યક્ત કરવા આ મારો જીવનલેખ લખી રહ્યો છું.

દરેક વ્યક્તિના જીવનમાં ચડાવ-ઉતાર આવતા જ હોય છે. પરંતુ ક્યારેક જીવનમાં એવા તો પ્રસંગો ઉભા થાય છે કે એવી સમસ્યાઓ ઘટતી હોય છે જેથી વ્યક્તિ જીવનથી હાથ ધોઇ બેસે છે. મિત્રો, અહીં મારી જિંદગીના પાસોઓ વ્યક્ત કરતા સૌથી પહેલા મને મારો પરિચય આપવો ગમશે.

હું ફિઝિયોથેરાપીસ્ટ અશોક પુરશોત્તમભાઇ પરમાર હાલ ઇડર શહેરમાં પોતાના ક્લિનિક સાથે સ્વરોજગારી

પ્રાપ્ત કરી રહ્યો છું. મિત્રો જીવનમાં દરેક વર્ષો કોઇક સોનેરી સ્વપ્નો લઇને આવતા હોય છે. મારા જીવનના શરૂઆતના વર્ષો સામાન્ય પણે પસાર થયા. પરંતુ 1993 નું વર્ષ મારા જીવનમાં વિકટ સમસ્યા લઇને આવ્યું. અને જીવનને “અંધત્વનું” લેબલ આપતું ગયું. તે પહેલાની વાત કરું તો મારું બાળપણ સામાન્ય રીતે વતનમાં જ વિત્યું તેમજ પ્રા.શિક્ષણ પણ વતનમાંજ પુરું કર્યું. ત્યારબાદ માધ્યમિક તેમજ ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ માટે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવ્યો અને ધોરણ -12 વિજ્ઞાનપ્રવાહનો અભ્યાસ પૂર્ણ કર્યો. વિદ્યાર્થીજીવનમાં પહેલેથી પ્રથમકક્ષાએ ઉત્તીર્ણ થતો. પરંતુ ધોરણ-12 નું પરિણામઅપેક્ષાથી ઘણું નીચું રહેતા મારે ડિપ્લોમા ઇલેકટ્રીકલ એન્જિનીયરીંગમાં પ્રવેશ લેવો પડયો અને 1990 માં ડિપ્લોમા એન્જિનીયરીંગ પૂરું કર્યું.

ત્યારબાદ થોડાક મહિનાઓમાં જ સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળામાં વ્યવસાયલક્ષી શિક્ષક તરીકે

નિમણૂક થઇ. ત્યારે મારા જીવનમાં એક આનંદનું મોજું છલકાવા લાગ્યું. અને સોનામાં સુગંધ ભળે તેમતેજ

સમયગાળામાં જીવનમાં સાથ આપવા મનપસંદ છોકરી સાથે સગપણ થયું. આખુ કુટુંબ આનંદવિભોર થઇ ગયું. જાણે કુદરતે મહેર કરી હોય તેમજીવન રંગીન બનતું ગયું. પણ કોને ખબર કે આ બધું કુદરતે ટુંક સમય માટે જ આપ્યું હતું? ત્યાંતો અગાઉ ઉલ્લેખ કર્યો તેમ 1993 ની સાલ આવી પહોંચી મારા આનંદિત જીવનમાં આંખોમાંથી રોશનીનું ધીરે- ધીરે કમજોર થવાનું ચાલુ થયું અને તાત્કાલિક મેડીકલ સારવાર

ચાલુ કરી, છતાં ધીરેધીરે હું અંધત્વ તરફ ધકેલાતો ગયો. આખરે, મેડીકલમાં પણ આનો કોઇ ઇલાજ ન રહ્યો અને મારી મગજની દ્રષ્ટિચેતા સુકાઇ ગઇ. જીવનમાં ઘોર નિરાશા વ્યાપી ગઇ. કુદરતે જે કંઇ આપ્યું હતુ તે તુરંત છીનવી લીધું. કુટુંબ આખું નિરાશાથી ઘેરાઇ ગયું. અને હવે શું કરવું? તેની કોઇને કાંઇ ખબર પડી નહીં. તે સમય દરમ્યાન મારા વડીલ બંધુને કોઇકે પ્રો. ભાસ્કરભાઇ મહેતા પાસે મને લઇ જવાની સલાહ આપી અને કહ્યું ભાસ્કરભાઇ મહેતા પોતે ઇડર કોલેજમાં પ્રોફેસર છે અને ખુદ તેઓ પણ અંધ છે. તેમજ અંધજનોના વિકાસ માટે “રાષ્ટ્રીય અંધજન મંડળ” સંસ્થા પણ ચલાવે છે. ત્યારે અમે પ્રથમવાર 1994માં પ્રો. ભાસ્કરભાઇ મહેતાના સંપર્કમાં આવ્યા. ભાસ્કરભાઇ મારા વિચારોને પારખી ગયા અને પ્રથમતો મારી હતાશાને ખંખેરવાનું કામકર્યું. તેઓ ખુદ કહેતા “હું પોતે અંધ છું અને પ્રોફેસર છું.” તેથી, વધારે આગળતો

એવું કહ્યું કે હું તો જન્મથી અંધ છું. જ્યારે, તેતો જિંદગીનો આનંદ લૂંટયો છે. તો શા માટે દુઃખી છે? વળી, હું

અંધ હોવા છતાં પણ દ્રષ્ટિવાન પત્ની અને બાળકો સાથે મધુર જીવન જીવું છું તે ઉપરાંત, તેઓએ મારી શૈક્ષણિક લાયકાત જાણ્યા પછી મને આગળ વધવા ખૂબ પ્રોત્સાહિત કર્યો. અને “દરેક વ્યક્તિ જીવનમાં

ઇચ્છે તે કરી શકે છે.” ફક્ત જરુર છે.

“મક્કમમનોબળની” એવું કહી મને હિંમત આપી.

તેઓએ મને અમદાવાદમાં આવેલ અંધજન મંડળનો ખ્યાલ આપ્યો. ત્યાં અનેક ઉચ્ચકક્ષાના સારા અભ્યાસક્રમ ચાલતા હોઇ ત્યાં જઇ આગળ વધવાની સલાહ આપી. પ્રથમવારની ભાસ્કરભાઇ સાથેની

મુલાકાત મારા હતાશા જીવનમાં એક આશાનું કિરણ લાવી. મેં અંધકારમય જિંદગીમાં પ્રકાશ પાથરવાનો નિર્ણય કર્યો અને સંગીત શીખી જીવનને મધુર બનાવવા વસ્ત્રાપુર જવાનું નક્કી કર્યું. પણ ત્યાં મારા શૈક્ષણિક અભ્યાસક્રમને જોતા ન કલ્પી શકાય તેવા ઉજ્જવળ કારકિર્દીવાળા ફિઝિયોથેરાપી કોર્ષમાં એડમીશન આપ્યું.

અને 1998 માં ફિઝિયોથેરાપી અભ્યાસ પૂર્ણ કર્યો. ફરીથી હું હિંમતનગર પાછો ફર્યો અને ત્યાંજ ખાનગી

ફિઝીયોથેરાપી સેન્ટરમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે નોકરી શરુ કરી. જીવનમાં લોકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. ત્યારબાદ ઇડરની સાર્વજનિક હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકેની નોકરી ચાલું કરી અને તે વખતે ભાસ્કરભાઈ સાહેબે પોતાની સંસ્થામાં જન્મજાત વિકલાંગ બાળકો કે જેઓ બેસી કે ચાલી શકતા ના હોય તેવા બાળકો માટે વિના મૂલ્યે સારવાર આપવા માટે ફિઝિયોથેરાપી વિભાગની “ડે-કેર સેન્ટરમાં રચના કરી તે વિભાગને ચલાવવાની જવાબદારી ફરીથી મને સોંપી. અને મારા આર્થિક પાસાંને વધારે મજબૂત કર્યું.” પાંચ વર્ષ સુધી ડે-કેર સેન્ટર નોકરી કરી અને ભાસ્કરભાઇ સાહેબ સાથે ખૂબ નજીકમાં રેહવાનો લ્હાવો મળ્યો. અહિં મને કહેવું ગમશે કે ભાસ્કરભાઈ સાહેબનું જીવન ખૂબ જ પારદર્શક રહ્યું છે. અને તેઓ અનેક અંધ વ્યક્તિના જીવનમાં હિમાલયની જેમ મદદે ઊભા રહેલા છે. તેઓની સાથે વાત કરતાં ક્યારેય સાહેબગીરી જોવા મળી નથી. અને સદાય અંધજનોના વિકાસને જ ધ્યેય બનાવી જિંદગી જીવતા ભાસ્કારભાઇ ફરી મારા વૈવાહિક પ્રસંગે મદદરુપ થવા દોડી આવ્યા.

અંધકાર જીવનમાં રોશની પાથરવા નીતા જેવી સ્ત્રીએ મકકમનિર્ધાર કર્યો ત્યારે નીતાના કુટુંબીજનો તે વાત

મંજુર રાખવા તૈયાર ન હતા. ભાસ્કરભાઇ સાથે વિષયે ચર્ચા થતા મહેતા દંપત્તિ અને પરિવાર “પોતાનું કામ” સમજી નીતાને ઘેર પહોંચી ગયા અને તેમના કુટુંબીજનોને પોતાનું ઉદાહરણ તેમજ બીજાં અનેક ઉદાહરણો તેમજ મારી પોતાની પ્રગતિ અને આવડતની વાતો કરી યેનકેન પ્રકારે આ સબંધને થવા દેવા સમજવી દીધો અને મારા સાંસારિક જીવનને સફળ બનાવ્યું.

ભાસ્કરભાઇનો સહવાસ અંધ જિંદગીમાં રોશની લાવ્યો અને મેં મારા જીવન પંથને સામાન્ય વ્યક્તિની

જેમ આગળ ધપાવતા સ્વરોજગારની દિશામાં પ્રવેશ કર્યો. અને પોતાનું કિલનીક પ્રસ્થાપિત કર્યું. કિલનીકના ઉદ્ઘાટક તરીકે કોને બોલાવવા તેવું મારા કુટુંબીજનો વિચારતા ત્યારે મને તુરંત ભાસ્કરભાઈ સાહેબનોજ વિચાર આવ્યો. તે સમયે ભાસ્કરભાઇ ગુજરાત રાજ્યના વિકલાંગ કમિશ્નરનો હોદો શોભાવી રહ્યા હતા. મેં સાહેબશ્રીને ઉદ્ઘાટક તરીકે આવવાનો પ્રસ્તાવ મુક્યો અને તુરંત સાહેબે આવવાની હા ભણી.

તારીખ 21-10-2007માં મેં ભાસ્કરભાઇ મહેતાના વરદહસ્તે હરસિદ્ધ ફિઝિયોથેરાપી કિલનીકનું ઉદ્ઘાટન કરાવ્યું તે સમયે આવનાર જનમેદનીને સંબોધતા ભાસ્કારભાઇએ વિકલાંગ વ્યક્તિને સ્વરોજગારમાં આગળ

વધવા આમજનતાએ પણ સહકાર આપવો જોઇએ અને વિકલાંગ વ્યક્તિ અંગથી વિકલાંગ હોય છે. નહિકે જ્ઞાન-બુદ્ધિથી. આપણે વિકલાંગ વ્યક્તિની આવડતને જાણી તેની “ક્ષમતાનો લાભ લેવા” આવેલ મેદનીને અનુરોધ કર્યો.

છેલ્લે હું જરુરથી એટલું કહીશ કે શ્રી ભાસ્કરભાઇ સાહેબ મારા જીવનના મહત્વના વળાંક પર સહાયરુપ બન્યા છે.

અશોક પી. પરમાર
હરસિદ્ધ ફિઝિયોથેરાપી કલીનીક
ડૉકટર હાઉસ પાસે-ઇડર