નાનકડી કડીમાંથી સુંગધિત પુષ્પ બનતાં મેં ભાસ્કર ને જોયો છે. એક નાના ઝરણામાંથી વિશાળ સરિતા બની વહેતાં મેં ભાસ્કરને જોયો છે. નાનકડાં એક છોડમાંથી ઘટાદાર વડલો બનીને અનેકને છાંયડો અને આશરો આપતાં મેં ભાસ્કર, તને જોયો છે.
માતા રંભાબેનની આંગળી પકડીને અંધશાળામાં અભ્યાસ કરવા આવતાં બાળક ભાસ્કર, તારાં તોફાનો આજે
પણ સ્મૃતિપટ પર તાદ્રશ્ય અંક્તિ થાય છે. એક તેજસ્વી મેઘાવી વિદ્યાર્થી તરીકે, મહત્વકાંક્ષી અને ધમાલિયા યુવાન તરીકે, મારી સંસ્થા દ્વારા આયોજિત ગુજરાતી બ્રેઇલ ટુંકાણ પદ્ધિતિનાં શિબિરમાં ઉત્સુક અને ઉત્કંઠ શિબિરાર્થી તરીકે તું આજે પણ મારા સ્મૃતિપટ ઉપર રમી રહ્યો છે.
પ્રધ્યાપકના યશસ્વી અને પ્રેમણાદાયી કાર્ય કરતો તથા સૌને પ્રેરણા આપતો સમાજે તો તને જોયો જ છે. પણ તેથી વિશેષ એક ઉમદા આદર્શ અને પરગજુ સેવાભાવી સામાજિક કાર્યકર હું તો તને હંમેશા બિરદાવતો રહ્યો છું.
આ બધાંથી અતિવિશેષ, નિઃશક્તજનોનાં 1995નાં કાયદાનાં ગુજરાત સરકાનાં એક અમલદાર તરીકે
લોકોપયોગી કાર્ય કરતાં મેં તો તને અનેકવાર પ્રત્યક્ષ જોયો છે. તારી નમ્રતા, સરળતા, નિખાલસતા અને કામકરવાની રીતથી મેં તને ગૌરવભરી નજરે હંમેશા નિહાળ્યો છે. ત્રણ વર્ષનાં નાનકડાં ગાળામાં તે ઘણાં કામકર્યા છે અને નેત્રહીનો તથા વિશિષ્ટાંગ વ્યક્તિઓને ન્યાય અપાવ્યો છે. સૌનું એ કમનસીબ હતું કે તારી મુદ્દતમાં વધારો સરકારે ન કર્યો. નહીં તો આજે વિકટ બનેલી અનેક સમસ્યાઓનો ઉકેલ તું લાવી શક્યો હોત.
એક નાના ભાઇની ષષ્ઠીપૂર્તિ જ્યારે ઉજવાઇ રહી હોય ત્યારે લાગણીવશ થઇ જવાય તે સ્વાભાવિક છે. તેથી
ગાગરમાં સાગર સમાન ટૂંકમાં આલેખાયેલી મારી લાગણીઓને હવે હું વિરામ આપું છું. તંદુરસ્ત અને યશસ્વી દીર્ધાયુ માટે ખુબ-ખૂબ શુભેચ્છાઓ અને પ્રભુને પ્રાર્થના.