નેત્રહીનોનાં રામલક્ષ્મણ

હું જ્યારે વિચાર કરું છું ત્યારે વડિલભાઇ ભાસ્કર રામનો ગુણ ઘરાવે છે. તેમા કોઇ બે મત નથી. પરંતુ લક્ષ્મણ તરીકે મારી જાતને મૂકતા એવો ગુણાનુરાગી હું છુ કે નહી? તે તો જગત ન્યાય કરે તે ન્યાય કરવા માટે હું અસમર્થતા અનુભવુ છું. જેમ કહેવાય છે કે “ઘાયલ કી ગત ઘાયલ જાણે, દુસરો ન જાણે કોઇ” પરિવારમાં સવાબે વર્ષના અંતરે બંને દ્રષ્ટિહીનભાઇઓનો જન્મ થયો જેની ખબર બે-ત્રણ માસ પછી વડીલભાઇ ભાસ્કરના કિસ્સામાં કુટુંબનાં અન્ય સભ્યોની તુલના કરતા ખ્યાલ આવ્યો કે તેને જન્માંધતા વરી હતી. પરંતુ, વાત્સલ્ય પ્રેરક કુટુંબ અને ભાઇભાસ્કરની જિજ્ઞાસાને આધારે તેમજ માતા-પિતાની તત્પરતા ને

આધારે શૈક્ષણિક અભ્યાસ સુધી દોરી ગઇ જ્યારે મારા કિસ્સામાં નેત્રહીનતાનો ખ્યાલ ખૂબ મોડો આવ્યો પરંતુ ડોકટરોનાં અથાગ પ્રયત્ન હોવા છતા દ્રષ્ટિ પ્રાપ્ત ન થઇ શકી તેવે વખતે માતા બંને બાળકોને હાથ ઝાલી તબીબ સુધી લઇ જતાં પરંતુ તેમનો પુરૂથાર્ય નિઃસ્વાર્થ હોવા છતાં કુદરતની સામે વિજ્ઞાન વામણું સાબિત થતું, અમારાં બંનેના કિસ્સામાં જન્મથીજ જોવાની નસમાં લોહીનો પ્રવાહ વહેતો ન હતો એટલે કે નસો સૂકાઇ ગયેલી હતી. બ્રાહ્યકાળનાં અનુભવો દરમ્યાન આક્ષતિ હોવા છતાં બધાજ પ્રકારની રમતો સાથે અને અમારા જીવનને આગળ ધપાવ્યે રાખ્યું.

સમજણા થયા બાદ નેત્રમાં નૂર નહી આવે તે ખાત્રી થતા હૈયે હામધરી સમાજની સામે આવવાનો પ્રસંગ બને, અગાઉના વખતમાં જેમ કહેવાય છે કે “કાં તો આંધળો દળે કાં તો ગાય” પરંતુ અમારી બેમાં આમાંની કોઇ ક્ષમતા ન હોતી તેવા તબક્કે આશ્રમ રોડ નવરંગપુરા ખાતે આવેલ અંધશાળામાં પ્રથમ વડીલ ભાસ્કરભાઇએ પ્રવેશ મેળવ્યો. અને મને એકલતા સાલવા માંડી ત્યારે કુટુંબમાંથી પ્રાપ્ત સેવાના સંસ્કારને અંધારે ખાસ કિસ્સામાં અંધકન્યા પ્રકાશગૃહમાં મને પ્રવેશ મળ્યો. અને બાલ સહજ રીતે હું મારી શૈક્ષણિક પ્રક્રિયામાં જોડાયો. એકાદ વર્ષ આ સંસ્થામાં ગાળી તે વખતનાં પ્રવેશ નિયમોને આધારે હું પછી નવરંગપુરા

અંધશાળામાં જોડાયો ત્યારથી વડીલ ભાઇભાસકરભાઇ તો ખરાજ પરંતુ મિત્ર ફિલસૂફ અને માર્ગદર્શક તરીકે તેમણે મારી આંગળી ઝાલી ને આજીવન પર્યતભાઇ કરતાં મિત્ર તરીકે મને મારા અનેક પ્રસંગોમાં એક હકારાત્મક મિત્ર તરીકે મારા અને મારા સુખદુઃખના પ્રસંગોમાં માર્ગદર્શક અને હિતચિંતક રહયાં હોવાનો અહેસાસ આજે પણ અનુભવુ છું. અમે બંને સાત ધોરણ સુધી તો

આગળ પાછળ અભ્યાસ કરી ચૂકયાં અમારી રુચિ સમાન હતી. નેતર કે સંગીત તરફ દોરી જનાર એ વખતના અમારા ગુરૂજનો આજે સ્મરીએ છીએ, ત્યારે એકક્ષેત્રમાં વિકાસ ન કર્યો એનો અહેસાસ અમે બંને આજે પણ અનુભવીએ છીએ.

અમે બંને ધીમે ધીમે સદર અંધશાળામાં આગળનો અભ્યાસ ન હોવાના કારણે વર્નાક્યુલર ફાઇનલ સુધી નવરંગપુરા અંધશાળામાં અભ્યાસ કર્યો અને એમા નેતર સંગીત વિષયની ઉણપો અમને સાલી અને એના કારણે વિધાકીય અભ્યાસમાં આગળ ગમે તેટલા પડકારો આવે પણ તેની સાથે હકારાત્મક દ્રષ્ટિકોણથી અને કુટુંબના સહયોગીથી અને સામાન્ય દ્રષ્ટીવાન શાળાઓમાં અભ્યાસ શરૂ કર્યો અને એ તબક્કે પણ એવા ગુરૂજનો મળ્યા કે જેમણે ભલે દ્રષ્ટ્રીની મર્યાદા હતી પણ આંતર દ્રષ્ટીની મર્યાદા અને લાક્ષણિકતાઓ તેઓ જાણી શકયા અને હુંફ અને સ્નેહ સાથે તેઓએ તેક્ષમતાઓને કાળા પાટીયાની મદદથી ચોક વડે ગણીત ના દાખલા સરવાળા-બાદબાકી-ગુણાકાર અને ભાગાકાર મારી પાસે કરાવતાં અલબત બીજગણીત અને ભૂમિતિ એ મારા માટે માથાનો બોજ સમાન હતાં પરંતુ યોગ્ય લહિયાઓની મદદથી એ પહાડ ને પણ આંબી શકવાની પ્રેરણા પરમ કૃપાળુ પરમાત્માએ આપી.

એસ.એસ.સી. પરીક્ષામાં પ્રથમ અથવા દ્વિતીય કસોટી પૈકી કોઇ એક કસોટીમાં હું છ વિષયમાં અનુતીર્ણ રહયો. પરંતુ વડિલભાઇ ભાસ્કરને મે એવુ પણ જણાવ્યુ કે મારી સાથે અન્ય દ્રષ્ટીવાન વિદ્યાર્થીઓ સાત સાત વિષયમાં ફેઇલ છે. જ્યારે હું એકમાં તો પાસ છું. તે વખતે તેમણે કરેલી એક ટકોર મારા જીવનની દિશાને બદલી શકી તેનો આજે જાહેરમાં હું ઋણ સ્વીકાર કરૂ છું. અને મારી વિકાસ યાત્રામાં તે દિવસથી તે દ્વિગુણી રીતે મારી સાથે જોડાયેલ રહયા છે. જેનો મને હર્ષ, ગૌરવ અને આનંદ પણ છે. લિફ્ટ ઓપરેટરની એ જમાનામાં મને માંડ મહેનતે મળેલ નોકરી છોડાવવા પાછળ એમનું ધ્યેય જ હતુ કે હુ શૈક્ષણિક રીતે

આગળ વધુ અને મારી ક્ષમતાનો પરિચય કરાવવો.

અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એમના અનુગામી તરીકે મેં પ્રવેશ મેળવ્યો અને બી.એ. ની પરીક્ષા સમગ્ર યુનિ. પ્રથમ ઉચ્ચ ક્રમાંકે પ્રાપ્ત કરી. તે દિવસે જો હું લીફ્ટ ઓપરેટર રહયો હોય તો આ ન કરી શકયો હોત તેની અનુભુતી મેં મનોમન કરી. એમ.એ. બી.એડ. તેમજ પત્રકારત્વમાં પણ ઝંપલાવી ઉચ્ચ ક્રમાંક સાથે સફળતાથી ઉત્તીર્ણ થયો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો વ્યવસાય પ્રાપ્તીનો ઉચ્ચ પરિણામ હોવા છતાં નેત્રહીનતા કેટલાક તબક્કે અભિશાપરૂપ લાગવા લાગી. પરંતુ ધૈર્ય ગુમાવ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખ્યા અને તેવાં તબક્કે પણ એમની હૂંફ મને સદૈવ મળતી રહી છે. અને મે સૌ પ્રથમ નેત્રહીન ભાષા શિક્ષક

સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા વેરાવળમાં મારો વ્યવસાય પ્રારંભ કર્યો. તેવે સમયે મારા વયોવૃધ્ધ માતા-પિતા મારી સારસંભાળ માટે આનંદથી મારી સાથે રહેવા અને વડીલભાઇનો સહવાસ શનિ-રવિ દરમ્યાન મને મળતો રહયો.

વિવાહિત જીવનમાં પણ પ્રત્યેક તબક્કે એ મારી સાથે જ રહયા વર્ષ 1984-85 સુધી અમે સંયુક્ત કુટુંબમાં જ ઉછેર્યા અને જેના કારણે ક્યારેય મેં મારાં છવનમાં ખાલીયો અનુભવ્યો નથી. અને તેમની જ પ્રેરણાથી તેમજ કૌટુંબીક સંસ્કારોને કારણે સેવાકીય પ્રવૃતિઓમાં સમર્પિત થવાનું શ્રેય બાલ્ય કાળથી જ અનુભવુ છું. અને

આજુબાજુનાં વાતાવરણમાંથી શીખવાનો વિનમ્ર પ્રયાસ આજ સુધી કરતો આવ્યો છું અને કરીશ. વડીલભાઈ ભાસ્કર છેલ્લા ચાલીસ વર્ષથી આક્ષેત્રમાં એક સ્પષ્ટ વક્તા, નિખાલસ રજુઆત, હકારાત્મક અભિગમ વગેરેથી પ્રસિધ્ધ છે. જે સમગ્ર જગત જાણે છે. અને તેમણે અમૂલ્ય સેવાઓ સાથે પ્રતિનિયુકિત પર ગુજરાત સરકારનાં વિકલાંગ કમીશ્નર તરીકે ત્રણ વર્ષ સેવાઓ આપી. તે વખતે પણ તેમનો અભિગમ માનવીય રહયો છે. જે મને હૃદયસ્પર્શીય બન્યો છે. આજે જે કંઇ છુ તેને માટે હું સંપૂર્ણ શ્રેય પ્રથમ પરિવારજનો તેમજ વડીલભાઇ ભાસ્કરને આપુ છું. અને ભવિષ્યમાં આ લેખને આપેલા નામને અનુરૂપ થઇ એમણે કંડારેલી કેડીને મારી જેવા અનેકોને સાથે લઇ રાજમાર્ગ બનવા ઇચ્છુ છું. જે માટે પરમકૃપાળુ પરમાત્મા અમને શક્તિ આપે તે અભ્યર્થના સહ....

“ભાઇ હો તો ઐસા” ભાતૃભાવનું પવિત્ર ઝરણું અમરે સહા વહો....

ગગતા મહેતા