મંદબુદ્ધિ વ્યક્તિઓના પ્રખર હિમાયતી

પ્રો. ભાસ્કરભાઇ એક દાયકા કરતાં વધુ સમયથી અમારા સંપર્કમાં છે. જ્યારે-જ્યારે તેમના સંપર્કમાં આવ્યા

ત્યારે ત્યારે દરેક મુલાકાતમાં એમનું અનેરું વ્યક્તિત્વ છલકાતું અને અમે ખૂબ પ્રભાવિત થતા ગયા. તેઓ સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક, એક કુશળ વહીવટકર્તા, સંગીતને જાણનાર, એક સારા વક્તા અને વિકલાંગોના, ખાસ કરીતે મંદબુદ્ધિ વ્યક્તિઓ તથા તેમના પરિવારજનો માટે કટ્ટર હિમાયતી છે. સમય અને સંજોગો અનુસાર વિકલાંગોના પ્રશ્નોને વાચા આપી છે. તેમના વિકલાંગતાના કમિશ્નર, ગુજરાત રાજ્યના કાર્યકાળ દરમ્યાન વિકલાંગતાના અભિયાનને તેમણે નેતૃત્વ પ્રદાન કર્યું છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આ કાર્યક્રમોને યોગ્ય દિશા અને ગતિ આપી છે.

મંદબુદ્ધિ ક્ષેત્રે સંકલિત શિક્ષણ યોજનાના અમલીકરણમાં એમનું આગવું પ્રદાન હતું. ગુજરાતમાં આ યોજના

હેઠળ મંદબુદ્ધિવાળા બાળકોને સેવાઓ ઉપલબ્ધ કરવાની પહેલ કરવાનો યશ ભાસ્કરભાઇને જાય છે. તેમના નેતૃત્વ હેઠળ સમગ્ર સાબરાકાંઠા જિલ્લામાં તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ સર્વે કરાવવાનું ભગીરથ કામથયું જેમાં અમે મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી તેમના આ યશસ્વી કાર્યમાં સહભાગી થયા અને એ જ સમયથી ભાસ્કરભાઇ મંદબુદ્ધિવાળા બાળકો તથા તેમના કુટુંબીજનોના પ્રશ્નોના ઉકેલ માટે પ્રખર હિમાયતી બન્યા. અમારી દરેક મુલાકાત અને સંપર્ક દરમ્યાન તેઓ તેમની લાગણીને વાચા આપતાં કહેતા કે, “મંદબુદ્ધિવાળા બાળકો/વ્યક્તિઓની સમસ્યાઓ ઘણી વિકટ અને જટિલ છે. આપણે સૌએ સાથે મળીને આ ક્ષેત્રમાં નક્કર પ્રયાસો કરવા પડશે.”

ભાસ્કરભાઇની કાર્યશૈલીની વાત કરીએ તો તેમનો અભિગમવિકલાંગ વ્યક્તિઓ તથા તેમની જરુરિયાતોને

પ્રાધાન્ય આપવાનો રહ્યો છે. જેના ઘણા બધા દ્રષ્ટાંતોના અમે સાક્ષી છીએ. તેમની હિમાયત કરવાની પદ્ધતિમાં વિકલાંગો માટે લડત આપવાની તૈયારી અને હકારાત્મક પગલાઓ લેવાનો સમાવેશ થાય છે. ભાસ્કરભાઇ કુશાગ્ર બુદ્ધિ અને અદ્ભુત યાદશક્તિ ધરાવતી વ્યક્તિ છે કે જેમણે ગુજરાતની નાનામાં નાની જગ્યાથી માંડીને ભારતભરમાં તેમજ વિદેશમાં ફરી આ ક્ષેત્રની અઢળક જાણકારી મેળવી છે. તેમણે આ ક્ષેત્રને સમૃદ્ધ કરવા માટેની એક પણ તક ગુમાવી નથી અને આ પ્રયાસો થકી તેમણે સ્થાનિક, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક સેમીનાર અને કોન્ફરન્સોમાં સક્રિય ભાગ લઇ એક આગવી છાપ ઉભી કરી છે.

વિકલાંગતાના કમિશ્નરના કાર્યકાળ દરમ્યાન ભાસ્કરભાઇએ અસરકારક રીતે અમૂક મુદ્દાઓ પર કામગીરી કરી જેમકે હિમાયત કરવી, જાગૃતિ લાવવી, સંવેદનશીલતા કેળવવી અને સક્રિય સેવાઓ ઉપલબ્ધ કરવામાં નવતર કાર્યક્રમો, મંદબુદ્ધિ ક્ષેત્રે બે નવા કાર્યક્રમો કે કેન્દ્રો વધુ ઉંમર ધરાવતી મંદબુદ્ધિ વ્યક્તિઓ અને મંદબુદ્ધિ ધરાવતી બહેનો-શરુ થાય એવી એમની પ્રબળ ઇચ્છા હતી એવું અમને વારંવાર જણાવતા હતા. એટલું જ નહિ પણ એની હંમેશા હિમાયત પણ કરતા હતા.

જેટલી વાર ભાસ્કરભાઇના સંપર્કમાં આવતા એટલી વાર એક અસાધારણ વ્યક્તિત્વનો પરિચય થતો. આમ ભાસ્કરભાઇ એક બહુમુખી વ્યક્તિત્વ ધરાવતી પ્રતિભાશાળી વ્યક્તિ છે. વિકલાંગતાના ક્ષેત્રે પ્રવર્તતી માન્યતા “Nothing about as without us” ના જીવંત ઉદાહરણ પોતે છે.

એસ. કે. વર્મા
સઇદા વલીઉલ્લા
407, સહજનંદ ટ્રેડ સેન્ટર,
કોઠાવાલા ફલેટનીસામે,
પ્રીતમનગર, અમદાવાદ