વિકલાંગ સેવાથી બન્યો વાચક

1973 નું વર્ષ. દિવાળીનું વેકેશન પુરું થયું હતું. 18-19 વર્ષનો એક છોકરો અમદાવાદમાં એચ. એલ. કોમર્સ કોલેજને અડીને આવેલા ‘ભાટિયા ભુવન’ નામના મકાનની સામે આવેલા ત્રણ મોટા લીમડાના એક થડ પર બેઠો બેઠો ચિંતાતુર નજરે કશુંક વિચારી રહ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ગામનો એ છોકરો આમ તો કોલેજમાં હતો. પણ પિતાની મરજી વિરૂધ્ધ અમદાવાદમાં ભણવા આવેલા એ છોકરાને અઢી વર્ષમાં જ સમજાઈ ગયું હતું કે કામ કરતાં કરતાં ભણવું કેટલું અઘરૂં છે! એ અઢી વર્ષમાં છાત્રાલયના વિદ્યાર્થીઓના વાસણ સાફ કરીને, ચંડોળા તળાવની આસપાસના ગંદા કાદવના ખાડામાં જંતુનાશક દવા છાંટીને, રસોડામાં ભઠ્ઠા કરીને, રોટલીઓ વણીને, ગાંધીનગરમાં સચિવાલયમાં ચા-નાસ્તાની ચીઠ્ઠીઓ ફાડીને અને છેલ્લે સેકટર -16 માં કાપડના વેપારી કિર્તીભાઈ શેઠના વાણોતર કમ નામા કારકુન કમ ઉઘરાણી કારકુન કમ ઘર-નોકર તરીકે સાયકલ ખેંચી ખેંચીને પગ દુખી ગયા હતા. જો કે શેઠને હવે એમનો સાળો આવી ગયો હોવાથી એ નોકરી પણ નહોતી રહી અને છાત્રાલયમાં ભરવાની ફી નહીં હોવાથી હવે ઉપર આભ અને નીચે ધરતી જ રહ્યાં હતાં. એક જોડી લેંઘો-ઝભ્ભો થેલીમાં અને એક જોડી પહેરેલાં. એક જૂનો ઘસાઈ ગયેલો ટુવાલ અને બ્રશ તથા ઉલિયું એ એની સંપત્તિ. પિતાએ આપેલા 10-15 રૂપિયા ત્રણ દિવસમાં ખુટી ગયા હતા એટલે દોઢ દિવસથી પેટમાં પાણી સિવાય બીજું કાંઈ નહોતું ગયું.

પરંતુ પિતાને વચન આપેલું કે “તમે મારા ખર્ચની ચિંતા ના કરો, હું મારું ફોડી લઇશ,” એટલે ગમે તે થાય અભ્યાસ અધુરો છોડીને ઘેર પાછા તો નથી જ જવું એ નિર્ધાર હજી અડગ હતો. ખિસ્સામાં છેલ્લા 10 પૈસા પડયા હતા. 100 ગ્રામ ગાંઠિયા પણ 20 પૈસાના આવતા હતા એટલે ભૂખ્યા રહેવા વાય બીજો કોઈ ઉપાય નહોતો. આવી અસહાય સ્થિતિ અને ભવિષ્યની ચિંતામાં છોકરાની આંખો અનાયાસ ભરાઈ આવી.

એ વખતે અચાનક જાણે ચમત્કાર થયો. ઉપર બુશશર્ટના ત્રણ બટન ખુલ્લાં, નીચે પેન્ટના પાંચા વાળીને ઈંઢોણી જેવા બનાવી ગોઠણથી ઉપર ચડાવેલા, હાથમાં એક ડઝન કેળાંની લૂમ, બે-ચાર દિવસની દાઢી ચડેલી અને ખુલ્લા પગે એક યુવાન આવીને ઉભો રહ્યો.

“એલા કેમ રડું છું?” યુવકે ચરોતરી સ્ટાઈલમાં પૂછયું.

“નોકરી નથી. કોલેજમાં ભણું છું. પણ ફી ભરવાના પૈસા નથી” છોકરાએ જવાબ આપ્યો.

“નોકરી તો છે, પણ કોલેજ કરૂં છું એવું કહીશ તો નહીં મળે. હું આ સામે આવેલી એલ. ડી. આર્ટસ કોલેજની

હોસ્ટેલના રસોડામાં જ નોકરી કરું છું. મારા શેઠને રસોડામાં શાક કાપનારા અને પીરસનારા નોકરની જરૂર છે. પણ એવું ના કહેતો કે કોલેજમાં ભણું છું.”

“સારું, પણ પગાર શું આપશે?”

“પગાર તો મહિને વીસેક રૂપિયા જ મળશે, પણ બે ટંક ખાવાનું અને હોસ્ટેલની મેસમાં રહેવાનું મળી જશે.”

છોકરાને થયું, “આવડા મોટા શહેરમાં રોટલો અને ઓટલો બન્ને મળવાના હોય તો ભણવાની વ્યવસ્થા તો થઈ રહેશે.”

“ભૂખ્યો લાગુ છું. લે, બે કેળાં ખાઈ લે. એ તો હું પેલા ઈશ્વરને કહી દઈશ કે આજ કેળાં મોંઘા હતા.”

“આ ઈશ્વર કોણ છે? અને તમે ખોટું શું કામ બોલશો?”

“મૂકને એ બધી પંચાત. ઈશ્વર હોસ્ટેલમાં જ હીને ભણે છે. સુખી મા-બાપનો છોકરો છે. હું એને તારી વાત કરીશ તો એનાં બે-ચાર જોડી જૂના લુઘડાંય તને આપશે. હેંડ હું આગળ જઉં છું. હું પછારથી આઇને બાબુભૈ શેઠને મલજે. પણ કોલેજ કરું છું એવું કહીશ ના...”

“સારૂં” કહી છોકરાએ કેળું ખાતાં ખાતાં એ ભલો માણસ ક્યા રસ્તે જાય છે એનું બરાબર ધ્યાન રાખ્યું.

બે કેળાના ભોજન અને પેલા યુવાનના શબ્દોથી શરીરમાં તાકાત આવી ગઈ. હાથમાં થેલી લઈ

છોકરો એ જ રસ્તે ચાલતો થયો. આગળ જઈ “બાબુભૈ શેઢ ક્યાં મળશે” પૂછતાં વિદ્યાર્થી જેવા

લાગતા છોકરાએ હોસ્ટેલના મેસ તરફ આંગળી ચીંધી. છોકરો હજી તો મેસનાં પગથિયાં જ ચડતો હતો ત્યાં ઘાંટો સંભળાયો. “એલા સલીમ, આ નવ વાગી ગયા. જમવાનું તૈયાર છે ને? સાડા નવે તો બપોરની કોલેજવાળા જમવા આવશે.”

“શેઠ બધી રસોઈ તૈયાર છે. પણ પીરસનારા એક-બે ઘટે છે” જવાબ આપનાર એ ભલામાણસનું નામ સલીમ હતું તેની ખબર પડી. છોકરાને થયું, “બાબુભૈ તો મુસલમાનોમાં પણ હુલામણું નામ હોય છે. મારે, બ્રાહ્મણના છોકરાને થઇને મુસલમાનના રસોડામાં કામ કરવાનું?”

“એલા એય છોકરા, કુનું કોમ છે? ચ્યમ ઓયે રખડ છ?” અવાજ સાંભળી છોકરાની વિચારતંદ્રા તૂટી. એણે હાથ જોડી કહ્યું “નોકરી ગોતું છું. બાબુભૈ શેઠ કોણ?”

“હું જ બાબુલાલ.... બાબુલાલ ત્રિવેદી”

અટક સાંભળી છોકરાના મનમાં ધરપત થઈ.

“શાક કાપતાં, ભઠ્ઠા ભરતાં, પીરસતાં આવડે છે?”

“રોટલી હોત વણતાં આવડે છે શેઠ!”

“પગાર શું લઈશ?”

“તમે જે આપો તે”

“ખાવું-પીવું, રહેવું અને મઈને દસ રૂપિયા”

છોકરાને થયું કે સલીમ તો 20 રૂપિયાનું કહતો ‘તો. શેઠ કેમ અર્ધો જ પગાર મળે છે?’ પણ દલીલ કરવામાં ક્યાંક નોકરીની તક ગુમાવવી પડે, એટલે એણે તરત હા કહી નોકરી સ્વીકારી લીધી.

‘જા હવે ઉભો ના રે’. થેલી કોઠારમાં મૂક અને સલીમ આપે ઈ શાક પીરસવા માંડ. “શેઠનો આદેશ થયો. કોઠારમાં થેલી મૂકી છોકરો સલીમની સામે ઉભો રહ્યો.”

“આ લેંથો કાઢીને ચડ્ડી પહેરીલે. શાક પીરસવામાં બગડશે”

સલીમે સલાહ આપી.

“પણ ચડ્ડી તો નથી.” છોકરાએ ઓશિયાળા થતાં કહ્યું.

“કાંઈ વાંધો નહીં, મારી જેમ લેંઘો વાળીને ગોઠણ પર ચડાઈ દે.”

અને સલીમની સલાહ મુજબ લેંઘો ચડાવી છોકરાએ શાક પીરસવાનું શરૂ કર્યું. બપોરે બધા વિદ્યાર્થી જમી રહ્યા પછી ધરાઈને દાળ-ભાત, શાક-રોટલી અને ડુંગળીનું કચુંબર જમવા મળ્યું. શેઠ આવતીકાલ માટે શાકભાજી લેવા માર્કેટ ગયા અને જરા શાંતિ થઈ એટલે સલીમે મુખ્ય રસોઈયા ખેંગાર ભૈ આગળ વાત શરૂ કરી. “તમને ખબર છે ખેંગાર ભૈ, આ છોકરો કોલેજમાં ભણે છે?”

ખેંગારના હાથમાંથી ધાર કાઢવા માટે લીધેલું ચપ્પુ નીચે પડી ગયું. “શું વાત કરછ?” “લ્યા તારું નોમ શું”

“ભરત” છોકરાએ ટુંકો જવાબ આપ્યો.

“પણ તું કોલેજ તો જતો નહીં, પાસ શી રીતે થઈશ?”

“જવું છે, પણ ફીના અને બસ ભાડાના પૈસા નથી.”

“કશો વાંધો નઈ. શેઠ મારા ગોમના છઅ....ફીના તો નંઈ આલ્અ. પણ બસ ભાડાના એડવાન્સ અલાઈ દઈશ.” ખેંગારે ખંભો થાબડતાં ધરપત આપી.

“અરે હા, યાદ આયું... ખેંગાર ભૈ, હામે પેલું ભાટિયા ભુવન છે ને? એમો બે સુરદાસ છોકરા રે’ છે. કે’ છે કોલેજોમોં ભણે છે. એમનું વોંચવા છોકરા જતા હોય છે. એક કલાક વોંચવાના 50 પૈસા આલે છે. આવડા આ ભરતને જો એ કોમ મલી જાય તો એની ફીનીયે વ્યવસ્થા થઈ જાય.” સલીમ નવો પ્રસ્તાવ મૂક્યો.

“હંઅ... એ સવડ થઈ જાય તો તો ભરતિયાને લે’ર પડી જોય.”

“તું ચંત્યા ના કર. હું કાલ હવારે તને એ માજી પોંહે લઈ જઈશ” સલીમે ફરી છોકરાના ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું.

ભરતની આંખો ચુવા લાગી. પિતાજીએ કેટલા બધા સગા ઉપર ચીઠ્ઠી લખી આપી હતી!! પરંતુ “નિર્ધન બાપનો દીકરો ઘરમાં રહેશે તો એને ખવડાવવાનો ખરચોય માથે પડશે. વહુઓને એની રસોઇની, કપડાં ધોવાની વેઠ કરવી પડશે.” એવું વિચારી ભરબપોરે બહાર નહોતું જવું તોય હાથમાં તાળું લઈ સગાનાં પત્નીએ કહેલું “તારે ભલામામાને ત્યાં જવું હોય તો જઇ આવ. અમારે બહારજવું છે.” જો કે કાકા, મામા કે ભઈ, કોઈ સંબંધ કામ નથી આવતો. જે તમારું ખિસ્સું ખાલી હોય.

ભરતે આંખો લુછી નાખી. મનમાં એક દ્રઢ નિર્ણય કર્યો “કોઈપણ ભોગે, ગમ્મે તેટલી મહેનત કરીનેય પૈસા પેદા કરવા છે.” પૈસા કમાયા પછી શું શું કરીશ એ સુખદ વિચારમાં સાંજ પણ પડી ગઈ અને રાત પણ વિતી ગઈ.

સવારમાં સલીમ ભરતને ભાટિયા ભુવનમાં લઈ ગયો. દૂરથી ઘર બતાવી જતો રહ્યો. ભરત પળવાર બારણે ઉભો રહ્યો. એક નાનકડો રૂમ હતો. એક બાજુ પેઢી પલંગ પર એક છોકરો સુતો સુતો ટેપરેકોર્ડરમાંથી કશુંક સાંભળતો હતો. બીજો છોકરો સંભવતઃ રૂમની બહાર આવેલા બાથરૂમમાં ન્હાતો હતો. રૂમની નીચે ભોંયરામાંથી કોઈક સ્તુતિનો પાઠ થતો હોય એવો મહિલાનો અવાજ આવતો હતો. પલંગ પર સુતેલા છોકરાએ જાણે પગરવ સાંભળી લીધો હતો. અને પૂછ્યું “કોણ? કોનું કામ છે?”

“હું... હું ભરત... વાંચવાના કામ માટે આઈવો છું.”

“મા... જુઓ તો... આ કોઈક આવ્યું છે.”

સ્તુતિ પાઠ અધવચ્ચે અટકી ગયાં... દુબળાં-પાતળાં, પાતળી કાઠીના માઁ દાદરા ચડતાં ઉપર આવતાં બોલ્યા, “જે એને બેસાડ. હું આવું છું.”

ભરતનું ધ્યાન મા સામે હતું, ત્યાં પાછળથી અવાજ આવ્યો

“એલા” આઈવો ના કહેવાય, ‘આવ્યો છું’ એમ કહેવાય. કાઠિયાવાડમાં ક્યા ગામથી આવ્યો છું.”

“ભાસ્કર, બિચારાને બેસવા તો દે. ત્યાં તો ગુજરાતીમાં એમ. એ. સુધી ભણ્યા હોય તોય આવું જ બોલે”..

માએ કહ્યું એટલે ખબર પડી કે એ ભાઈ ભાસ્કર છે. ભરત સ્હેજ બાજુમાં ખસ્યો એટલે કોઈ તદ્ન સાજી આંખોવાળી વ્યકિત જાય એ રીતે ભાસ્કર ગંજી પહેરતો પહેરતો રૂમમાં પલંગની બાજુમાં રાખેલી તીજોરીના અરીસા સામે ઉભો રહી, અદાથી પડદો ખસેડી, કાંસકો લઈ વાળ ઓળવા લાગ્યો.

ભરતના મનમાં અચરજ અને વિચારોનું જાણે ઘોડાપૂર આવ્યું. એ વિચારવા લાગ્યો, “આ ભાઈની આંખો દેખાય છે તો સ્વસ્થ, તો પછી અંધ કેવી રીતે હોઈ શકે? અને અંધ હોય એ આટલુ બધું ભણે ખરા?” મારા ગામમાં તો એક લંગોટિયો મિત્ર ‘વીરજી’ લગભગ આઠેક વરસની ઉમરે શીતળાના કારણે અંધ બન્યા પછી શાળામાંથી ઉઠી ગયો હતો. પછી એને તો ખેતીકામ માટેય દોરીને લઈ જવો પડતો હતો. અને જેમાં આંખોથી જોવાની જરૂર ન પડે એવાં જુવાર કે રજકો વાઢવાનું, કે શાકભાજીના વેલા પરથી શાકભાજી

ઉતારવાનાં, કે પછી હળેલા ખેતરામાં ઢેફાં ભાંગવાના જ કામો કરી શકતો હતો. તો પછી આ બન્ને આટલું ભણી કઈ રીતે શક્યા હશે?”

“ભરત, આ મારો ત્રીજા નંબરનો દીકરો છે, ભાસ્કર”

ઉપરના ફોટા પર પૂજા આટોપતાં મા બોલ્યા એટલે ભરતની તંદ્રા તૂટી. એમણે ઈન્ટરવ્યૂ શરૂ કર્યો.

“તું શું ભણ છે?”

‘એસ. વાય. બી. કોમમાં’ ભરતે જવાબ આપવાનું શરૂ કર્યું..

“ક્યા? એચ. એલમાં? એટલે એની હોસ્ટેલમાં રહેતો હઈશ?”

“ના, હજી બીજા સત્રની કોલેજ નક્કી નથી. ફીના પૈસા નથી એટલે એની સગવડ થાય પછી એકાદી કોલેજમાં એડમિશન લઈ લઈશ.”

“તો પછી હોસ્ટેલમાં કેવી રીતે એડમિશન મળ્યું.”

“હું હોસ્ટેલમાં નથી રહેતો. એના રસોડામાં નોકરી કરું છું અને ત્યાં જ રહું છું. એમાં પગાર ઓછો છે એટલે વધારાના સમયમાં વાંચવાનું કરું તો જ વધુ પૈસા કમાઈ શકાયને?”

“પણ બેટા, હું તો એક કલાકના 50 પૈસા આપું છું.”

“અને એ પણ કલાકના ઓછામાં ઓછા 40 પાનાં શુધ્ધ ઉચ્ચારથી વાંચવાના.”ભરતના થનારા ઈમીજીએટ બોસ ભાસ્કરે વચ્ચે સ્પષ્ટતા કરી.

“કંઈ વાંધો નહીં. રસોડામાં તો મને દિવસના 33 પૈસા જ મળે છે. ખાવું-પીવું રહેવું અને મહિને દસ રૂપિયા.”

“તો પછી અમારો વાંચવાનો સમય કેવી રીતે કાઢશો?” પલંગ પર બેઠેલા પેલા નાના છોકરાએ સવાલ કર્યો.

“ગગન તું એ બધી પડપૂછ શું કામ કરછ જેટલો સમય મળશે એટલું વાંચશે.” માએ ભરત તરફ ફરી વાત આગળ ચલાવી. “ભરત આ ગગન છે. એસ.વાય.બી.એ. માં ભણે છે. ચા પીશ?” ભરતે ડોકું હલાવી હા પાડી.

“ભરત તું એકલું ગુજરાતી જ વાંચીશ કે હિન્દી, ઈંગ્લીશ અને સંસ્કૃત વાંચી શકીશ” ભાસ્કરે સવાલ કર્યો.

“ભાસ્કરભાઈ, હજી સુધી ટ્રાય કરી નથી, પણ તમે કહેશો તો એય કરીશ.” ભરતે જવાબ આપ્યો.

મા નીચેથી ચા બનાવીને લઈ આવ્યાં. સાથે ડીશમાં નાસ્તોય હતો. ભરતના ચહેરા પર દેખાતી ભૂખ કદાચ માએ વાંચી લીધી હતી.

અને બીજા જ દિવસથી વાંચવાનું શરૂ થયું. ભાષા, ભાષાનો વિકાસ, બોલીઓ, વ્યાકરણના વિવિધ સિધ્ધાંતો,

વિદ્વાનોના નિબંધ લેખો, ગુજરાતી ભાષાના મહાન લેખકોનાં સર્જનો. જ્યારે હિન્દી કે સંસ્કૃતનાં પુસ્તકો વાંચવા ક્યારેક કોઈ વાચક ન આવ્યાં હોય તો એ વાંચવાનો મોકો પણ મળી જતો. અને આમ “એક કલાક વધુ ભાસ્કરના વાચન પાછળ જ વીતી જતા. વધારામાં સાંજનું ભોજન ‘બોનસ’માં મળતું.

એ દરમ્યાન જાણવા મળ્યું કે ભાસ્કરભાઈના પિતા યોગેન્દ્રરાય, જેને લાડમાં બધાં ‘ભીમભાઈ’ કહેતા હતા તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ-એ એમ.ટી.એસ. માં ટિકિટ ચેકર તરીકે સેવા આપતા હતા. મોટાભાઈ મસ્તરામ કોઈક છાપામાં હતા, બીજા નંબરના ભાઈ વિરાટભાઈ એરફોર્સમાં હતા અને દૂર ક્યાંક આસામમાં નોકરી કરતા હતા. મા એક અંધ કન્યાશાળામાં પણ સેવા આપવા જતાં હતાં. અને ઘરમાં પતિ તથા ત્રણ દીકરાઓનું કામ એકલા હાથે જ સંભાળતાં હતા. છાત્રાલયના રસોડામાં નોકરોની ફિલ્મી ચોપડીઓના બદલે ભરતને શુધ્ધ સાહિત્યિક વાંચન, વખતોવખતનું ભોજન અનેસૌથી વિશેષ તો માત્ર ચાર વર્ષની વયે ‘મા’ થી વિખુટા પડ્યા પછી નહીં જોવા મળેલી ‘મા’ અહીં ગગન-ભાસ્કરની માના સ્વરૂપે જોવા મળી હતી. આજે 50-55 ની ઉંમરે પહોંચી ગયેલી પ્રૌઢાને કોઈ માસી કે આન્ટી કહે તો પણ ઝાટકો લાગે છે.

ત્યારે આ મુઠ્ઠી હાડકાંની મહિલા પોતાના ચાર દીકરાઓની સાથે સાથે ભરત જેવા કેટલાય વાચકોની મા બનીને બધાને છુટ્ટા હાથે પ્રેમ વહેંચતી હતી. એમાં ક્યારેય ન્હોતી ફરિયાદ કે ન્હોતો અણગમો. કદાચ ભરત જેવા અનેક વાચકોને ભાસ્કર અને ગગનનું હોંશે હોંશે વાંચવાનો ઉત્સાહ માઁ ના આ પ્રેમના કારણે જ આવતો હતો.

ભાટિયા ભુવનના એ નાનકડા ઘરમાં ગજબની હૂંફ અનુભવાતી હતી. અને એટલે જ કેટલીકવાર શરીર થાકેલું હોય તોય વાંચવા જવાનું મન થતું. અને પછી વાંચતા વાંચતા જ આંખો બંધ થઈ જાય તો ભાસ્કરભાઈનો ઠપકો સંભળાતો, “એલા ભરત ઊંઘી ગયો?”

“હા ભાસ્કરભાઈ ગઈ રાત્રે ગુલાબજાંબુ વાળવામાં ઊંઘ પૂરી નહોતી થઈ.”

“એમ કર થોડીવાર અહીં જ ઊંઘી જા” માનો સધિયારો આપતો મીઠો અવાજ સંભળાતો. પછી ધીરેથી જાણે

ભાસ્કરને જ કહેતાં હોય એમ બોલતાં “ભાસ્કર, કોઈનીચે મદદ વિના ભણવું સહેલું નથી.”

એ અરસામાં જ નવનિર્માણ આંદોલન શરૂ થયું. હવે ભાસ્કર-ગગન ઉપરાંત પ્રફુલ્લ વ્યાસ, પુરુષોત્તમ અકબરી, બળદેવ પટેલ, વગેરે અંધ ‘શેડિયાઓ’ પણ ભરતને કામ આપવા લાગ્યા હતા. એટલે ત્રણ દરવાજા બહાર આવેલી બચુભાઇની દુકાનેથી 4 રૂપિયાનો બુશર્ટ ખરીદવો હોય કે છ રૂપિયાનું પેન્ટ ખરીદવું હોય તો ભરત માટે શનિ રવિની રજામાં આઠ દસ કલાક વાંચીને કમાણી કરી લેવાની સુવિધા થઈ ગઈ હતી.

પરંતુ, વિદ્યાર્થી આંદોલન અને તોફાનો વધતાં ગયાં. કોલેજ, હોસ્ટેલો બંધ થઈ ગયાં. કરફ્યુ મૂકાયો. ગામડે જવાનો કોઈ અર્થ નહોતો. એટલે ભરત રસોડામાં જ રોકાઈ ગયો. સાગર રાયકા જેવા વિદ્યાર્થી આગેવાનો એલ.ડી. આર્ટ્સ કોલેજની

હોસ્ટેલમાં જ રહેતા હતા. એટલે એમની સાથે એમના નોકર તરીકે એની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ. જો કે મોટા ભાગનો સમય ભાસ્કર-ગગનની સાથે જ વિદ્યાર્થી આંદોલનમાં, દેખાવોમાં અને સરઘસોમાં કે ભૂખ હડતાલમાં જોડાવામાં જ વિતી જતો હતો. રાત્રે ઊંઘવા પૂરતો જ હોસ્ટેલનો ઉપયોગ રહેતો હતો.

એક દિવસની વાત... સવારમાં હોસ્ટેલમાંથી ભાટિયા ભુવન જવા રસ્તો પાર કરવા જતાં કરફ્યુનુ કરડ પાલન કરાવી રહેલા લશ્કરના જવાનોએ ભરતને પકડ્યો. પરંતુ ડંડો બરડામાં પડે એ પહેલાં સામે ઉભેલા મા એ જોઈ ગયાં. મુઠ્ઠી હાડકાના માળાએ બધી તાકાત એકઠી કરી દોટ મૂકી. “એ ભૈલા, ઈ મારો દીકરો છે.”

“ફિર યહાઁ હોસ્ટેલ સે ક્યું આ રહા હૈ?” જવાને કરડાકીથી પૂછ્યું. “ભાઈ મારે ઘર નાનું છે, એટલે રાત્રે ત્યાં સવા ગયો તો” “આપ કહેતી હો તો છોડ દેના હું મગર કરફ્યુંમેં બાહર મત નીકલને દેના.” લશ્કરી જવાનને “મા સાવ સાચું કહે છે” એવો ભરોસો બેસી ગયો અને ભરતને એમની સાથે જવા દીધો.

આમને આમ વર્ષો વીતતા ગયાં. ભાસ્કર-ગગન એમ.એ.બી.એડ્. કરી નોકરીએ લાગી ગયા. ભરતને પણ છાત્રાલયના ગૃહપતિ તરીકે નોકરી મળી ગઈ. પરંતુ અંધમિત્રો માટે વાંચવા જવાની કે પરીક્ષાઓમાં લહિયા-રાઈટર તરીકે જવાની- ‘ઉપરની વધારાની કમાણી’ કરવાની ટેવ ન છૂટી તે ન જ છૂટી. જયંતિ પટેલ, મગન પટેલ, હરિભાઈ પટેલ જેવા વંચાવનારા ‘શેઠિયા’ઓ મળતા જ રહ્યા. તેના કારણે ભરતને પણ નોકરી કરતાં કરતાં એમ.કોમ. અને બી. એડ્. કરવાની પ્રેરણા મળતી રહી. છાત્રાલયના ગૃહપતિની ખાનગી નોકરીમાંથી વિકલાંગો માટેની જ એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકની નોકરી મળી. મહિનાનો પગાર સાડા ત્રણસોમાંથી સીધો 2300 થઈ ગયો. ભરત માટે જાણે સોનાનો સૂરજ ઉગ્યો!!

એ શાળામાં પણ પ્રાર્થનાસભામાં સમાચારપત્રમાંથી અગત્યના સમાચાર વાંચવાની અને ભીંતપાટિયા પર લખવાની જવાબદારી શિક્ષકોની જ હતી. જે શિક્ષકનો વારો હોય એ શિક્ષક ન આવ્યા હોય, એમનું ગળું કે આંખ દુખતા હોય તો વિદ્યાર્થીઓને સમાચાર વિના રહેવું પડતુ હતું. ભરતે સામે ચાલીને દરરોજ સમાચાર વાંચી સંભળાવવાની અને ગ્રંથાલય તથા ઓડિયો-વિઝયુઅલ સેન્ટરની જવાબદારી સંભાળી. અહીં પ્રત્યક્ષરૂપે ઉપરની કમાણી ન થઈ. પણ શાળાના પાંચ છાપાં વહેલી સવારે ઘરે આવવા લાગ્યાં એટલે એમાંથી વિદ્યાર્થીઓના સમાચાર તારવવા કરવા પડતા વાંચનથી જ્ઞાનનો ભંડાર ભરાવા લાગ્યો. વળી દરરોજ સવારે વિદ્યાર્થીઓ સમક્ષ સમાચારો વાંચવા ક્યો ક્રમ રાખવો તે શીખવા આકાશવાણીથી લઈ બીબીસી સુધીના સમાચાર સાંભળવાની ટેવ પડી. ભીંત પાટિયા પર સમાચારો લખવાથી અક્ષરો સુધર્યાં. એટલે વિદ્યાર્થીઓ સાથે રાજ્યકક્ષાની સુલેખન સ્પર્ધામાં ‘સુલેખન રત્ન’નું પ્રમાણપત્ર મળ્યું.

વિકલાંગો, ખાસ કરીને નેત્રહીનો માટે વાંચવાનો આ ક્રમ લગભગ 14 વરસ ચાલ્યો.

1986 માં આકાશવાણીમાં સમાચાર વાચક-અનુવાદકની 4 જગ્યાઓ માટે જાહેરખબર બહાર પાડી. ભાસ્કરભાઈ-ગગગનભાઈ અને શાળામાં પણ નેત્રહીન શિક્ષક કૈલાસદાન ગઢવીએ પ્રોત્સાહન આપ્યું. ભરતે સમાચારવાચક બનવા અરજી કરી. પરીક્ષા લેવાઈ... રૂબરૂ ઇન્ટરવ્યુ થયો અને વાંચવાના બદલામાં કલાકના 50 પૈસાના હિસાબે કામ કરનારને કુલ 4 ક્લાકના વાંચવાના પૂરા રૂા. 2900 /-મળવા લાગ્યા.

બે વર્ષમાં જગ્યા કાયમી થતાં દિલ્હી જવાનું આવ્યું. ભરતને થયું કે “અહીં ઘર વસાવેલું છે. પત્ની અને પુત્રના ખર્ચની સાથે મારો ખર્ચ શી રીતે કાઢીશ?” પરંતુ ભવિષ્યમાં માત્ર અવાજના જોરે સમૃધ્ધ થનારી જિંદગીની કલ્પના એનો ક્યાંથી હોય!!! મન મક્કમ કરી પત્ની અને પૂત્રને મૂકી એ દિલ્હી ગયો. આકાશવાણીમાં કાયમી સમાચારવાચક- અનુવાદક જેડાયાને પંદરેક દિવસ થયા હતા. એક દિવસ આકાશવાણીમાં જ એક ભાઈ ગુજરાતી સમાચારવાચક ‘ભરજ રાજગોર’ ને શોધતા આવ્યા.

નીચું મોં રાખી લખી રહેલો ભરત ઉભો થઇ ગયો. એ ભાઈ ટીવીના ખુબ જાણીતા હિન્દી ભાષાના એન્કર-સમાચાર

વાચક શમ્મી નારંગ હતા. એમને તત્કાળ બે પાનાની જાહેરખબરનો ગુજરાતીમાં અનુવાદ કરવો હતો. વર્ષોથી ‘ઉપરની વધારાની કમાણી’ કરવાની આદત પંદર દિવસથી બિલાડીની જેમ ટાંપીને જ બેઠી હતી. એ સડક કરતી ઊભી થઈ અને તક ઝડપી લીધી. માત્ર પાંચસો શબ્દોનો અનુવાદ પૂરા રૂ. 2000/-અને વધારામાં કાંડા ઘડિયાળની ભેટ આપીને ગયો. અનુવાદ કૌશલ્યની સાથે અવાજથી પણ ખુશ થયેલા શમ્મીભાઈએ બીજા દિવસે ખાનગી સ્ટુડિયોમાં માત્ર 30 સેકન્ડની એક જાહેર ખબર માટે પણ ભરતને બોલાવ્યો. 15 જ મિનિટમાં જાહેરખબર રેકોર્ડ કર્યા પછી ભરતના હાથમાં મૂક્યા પૂરા 500/-એક

મિનિટનો પૂરો એક પૈસો પણ નહિ કમાઈ શકનારા ભરતની કમાણી 14 વર્ષમાં એક હજાર ગણી વધી ગઈ!!

લખવામાં અને બોલવામાં કુશળ ભરત રાજગોરનું નામ દિલ્હીના 40 ખાનગી સ્ટુડિયોમાં પહોંચી ગયું!!! મહિને પગાર તો ત્રણ કે સાડા ત્રણ હજાર. પણ ભાસ્કર-ગગનથી શરૂ કરેલી ઉપરની કમાણી મહિને પાંચ-સાત હજારને પણ વટાવી જવા લાગી. વ્યસન કામ સિવાય બીજા કશાનું નહોતું, એટલે ભરતે એ કમાણી શેરોમાં રોકવાનું કરૂ કર્યું અને પાંચ જ વર્ષમાં ભરતે અમદાવાદ આવી પૂરા 7 લાખ રૂપિયાનો ફ્લેટ શહેરાના વૈભવી વિસ્તારમાં બૂક કરાવ્યો.

‘સારા વાચક’ તરીકે છબી અહીં પણ પ્રસરવા લાગી. અમદાવાદના સ્ટુડિયો, જાહેરખબર આપતી એજન્સીઓ

પણ બોલાવવા લાગી. એમાં વળી કેન્દ્ર સરકારના પાંચમુ અને છઠ્ઠું પગાર પંચ જાહેર થયાં. મહિને દસ રૂપિયાનો પગાર અને 50-60 રૂપિયાની ‘ઉપરની કમાણી’ કરનારા ભરતનો પગાર નક્કી થયો પૂરા 50 હજાર રૂપિયા...

હવે ‘ઉપરની કમાણી’ની જરૂર નહોતી રહી. પૈસો અને પ્રતિષ્ઠા બન્ને મળી ગયાં હતાં. પણ જેમના થકી મળ્યું છે એ મિત્રોને કેમ ભુલાય? એમના જેવા બીજા નેત્રહીન યુવાનો માટે કંઈક ‘વધારાનું’, અલબત્ત વધારાની કમાણી વિના, કરવું જેઈએ એવી લાગણી પ્રવૃત્તિમાં પલટાવા ઉછાળા મારી રહી હતી.

સદ્ભાગ્યે વિજ્ઞાન આધારિત જ્ઞાન સામયિક ‘સફારી’ ના સંપાદક શ્રી નગેન્દ્ર વિજયનું તેડું આવ્યું. તેમણે અને તેમના પુત્ર શ્રી હર્ષલ પુષ્કરણાએ નેત્રહીનો માટે “ઓડિયો સફારી” બનાવવાની વાત કરી. નેત્રહીનોને એ સામાયિક વિના મૂલ્યે મોકલવાનું હતું. ભરતે એ તક ઝડપી લીધી. અન્ય વાયકોને ભલે જે મહેનતાણું અપાતું હોય તે પરંતુ હવે નેત્રહીનોના આશીર્વાદ અને પ્રેમની ‘ઉપરની કમાણી’ એકઠી કરવા ભરત સફારીનો શબ્દ તંત્રી-સંપાદકનો લેખ અને બીજા મહત્વના લેખો વાંચનારો વાચક બન્યો. સાથે ખેડૂત કુટુંબમાંથી, ગામડામાંથી આવેલો, એટલે ખેતીના પ્રશ્નો જાણવાનો ઉકેલવાનો શોખ પણ હજી અખંડ હતો.

કોઈપણ ખેડૂત કે શ્રોતા ચાહે ‘ભરત રોજગાર’ તરીકે વાચકને ફોન કરે કે ‘શંકરલાલ’ ને એમને અર્ધી રાત્રેય હસતા મોંએ જવાબ અને ખેતી કે હવામાનની સાચી સલાહ મળી રહે એ નક્કી છે.

37 વર્ષની જીવનયાત્રામાં ગામડા ગામના અદના ખેડૂતથી લઈને ભગવતીકુમાર શર્મા જેવા લેખક, સુરેશ દલાલ જેવા સાહિત્ય સર્જક, શ્રી રમેશભાઈ ઓઝા જેવા કથાકાર, શ્રી હરીભાઈ પંચાલ અને શ્રી નીરૂબેન રાવળ જેવા વિકલાંગ સેવક ઉપરાંત આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ-એ કે આર. એસ. પી. સેવા, ઉન્નતિ, મંથન, ડી. એસ. સી. વગેરે જેવી સંસ્થાઓએ આશીર્વાદની સાથે ‘ગુર્જર રત્ન’, ‘સેવાચંદ્રક’કે ‘પ્રશસ્તિપત્રો’ થી ભરતને ‘ઉપરની કમાણી’ ઘણી કરાવી આપી હોય, પરંતુ સંતોષ હોય તો એ જ છે કે આમાં અણહકનું કાંઈ જ નથી. રાત્રે ઊંઘન આવે કે આવકવેરા અથવા સી. બી. આઈ. પાછળ પડે એવી કમાણી તો નથી જ નથી.!!

આ દેશના કોઈપણ યુવાનને કરવાની ગમે એવી આ કમાણી છે એમ નથી લાગતું? તમે જ પળવાર ન્યાયાધીશ બની જાવ અને ચુકાદો આપો. ભરત તો એટલું જ ઇચ્છે છે કે જન્મોજન્મ એને કુદરત ભલે દુઃખ આપે પણ ગગન-ભાસ્કર જેવા મિત્રો અને રંભાબેન જેવી મા જરૂર આપે.

-ભરત રાજગોર
આકાશવાણી, અમદાવાદ.