સાહિત્ય વિદોએ કહ્યું છે કે ‘ગુરૂ કોણ?’ તેઓ જ જવાબમાં કહે છે કે ‘જે લઘુ નથી તે ગુરૂ છે’ આમ મારા જીવન ઘડવૈયા પૂજ્ય ભાસ્કરભાઈ મહેતા સાહેબ મારા ગુરૂ છે.
જુના સમયમાં આપણા દેશમાં આશ્રમશાળાઓ હતી. તેમાં ભણનાર શિષ્ય ગુરૂના નામે ઓળખાતા જેમ કે ભગવાન કૃષ્ણ સાંદિપનીના વિદ્યાર્થી.... અર્જુન ગુરૂદ્રોણના શિષ્ય. તેમ હું વકતું (વી.વી.ડાભી) પૂજ્ય ભાસ્કરભાઈનો વિદ્યાર્થી...
કૃષ્ણં વદે જગત ગુરૂમ્- એમ કહેવાય છે. પણ ભગવાન દરેક સ્થળે પહોંચી ન શકે. એટલે દરેક ઘરમાં પોતાન પ્રતિનિધિ રૂપે માતા ને મોકલી. મા પણ ચોવીસેય કલાક બાળક સાથે રહે નહિ તેથી માસ્તર (શિક્ષક) ને મુક્યા. આમ માનાસ્તરે રહે તે માસ્તર. મારા માટે તો મારા પ્રિય ગુરૂજી પૂ. ભાસ્કરભાઈ એટલે માતા, પિતા, મિત્ર અને ભગવાન. મારા હૃદયના કબાટમાંથી થોડાક પ્રસંગો લખુ છું. જે આ પ્રમાણે છે.
હું અંધ બાળક ગુજરાતના ઈડર તાલુકાના હરીપુર ગામમાં સામાન્ય કુટુંબમાં જન્મી ધો. 1 થી 4 નું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રતનપુર ગામમાં લઈ રહ્યો હતો. ભણવાનું ચાલુ હતું તે દરમ્યાન મારા પૂ. પિતાશ્રીનું કેન્સરની બિમારીમાં દુઃખદ અવસાન થયું અમારા ઉપર જાણે વિજળી પડી. તેથી મારી પરિસ્થિતિ કપરી બની. એક તરફ ગરીબી, બીજી તરફ અંધાપો અને ત્રીજી બાબત મારા પિતાની ગેરહાજરી..... પણ ભગવાને મને આ રીતે મદદ કરી જેથી મને પૂ. ભાસ્કરભાઈનો ભેટો થયો.
હું ધોરણ 12 નું શિક્ષણ લઈ રહ્યો હતો તે સમયમાં આ મહાન વિભૂતીનો મને લાભ મળ્યો. તેમનામાં નામ પ્રમાણે ગુણ હતા. તેમની આભા ભગવાન ભુવન ભાસ્કર (સૂર્ય) સમાન હતી. હું તેમના તરફ ખેંચાયો. તેમણે મને પોતાની પાંખમાં લીધો.
સ્વામી સચ્ચિદાનંદજી કહે છે ‘મેં ઈશ્વરને જોયેલ નથી પણ તેની કૃપાનો અનુભવ અનેક વખત કરેલ છે’ તેમ મને પ્રજ્ઞાચક્ષુને પૂજ્ય ભાસ્કરભાઈ મહેતા સાહેબ રૂપે ભગવાનની કૃપા મળી છે.
રામ શાંતિ આપનારા અને કૃષ્ણ ક્રાન્તિ આપનારા છે. તેમ પૂજ્ય ભાસ્કરભાઈ મને બધું જ આપનારા છે. પૂજ્ય રમેશભાઈ ઓઝા (ભાઈજી) એ કહ્યું છે કે ‘આપણને માનવ બનાવીને ઈશ્વરે આપણુ સન્માન કર્યુ છે મનુષ્યએ જીવનને સારી રીતે જીવી ઈશ્વરનું સન્માન કરવું જોઈએ.’ આમ હું મારા કાર્યથી ગુરૂ દક્ષિણા
ચૂકવું છું. સ્વ. ઈન્દિરા ગાંધીએ કહેવુ છે કે TEACHERS ARE HONOURABAL MEMBERS OF OUR SOCIETY. મારા પૂજ્ય ગુરૂજી ભાસ્કરભાઈ મારા હૃદય સમ્રાટ છે.
પૂ. ગુરૂજીએ મારા શિક્ષણ અને મારા વ્યવસાયની સંપૂર્ણ વ્યવસ્થા કરેલ હતી. મારી કૌટુંબિક સ્થિતિને કારણે
હું કાંઈ કરી શકું તેમ ન હતો. મારા જીવનનો વિકાસ આ વિદ્ધાન પ્રોફેસર પાસે થયો છે. સંસ્કૃત લેખકોના
જીવન-કવન અને સાહિત્યમાં આવતી સાહસ કથાઓના માધ્યમથી મારા આ ગુરૂજીએ મારામાં હિંમત
અને સાહસ ભરેલ છે. તેમને કારણે જ મારા હૈયામાં હામ જાગી અને હું પણ કઈક બની શકીશ તેવો આત્મવિશ્વાસ જાગ્યો છે. મારા આ ગુરૂજીના માર્ગદર્શન અને આશીર્વાદથી ઉત્તરોત્તર મારી પ્રગતિ થતી રહી છે આપે મને અંધશ્રધ્ધાથી દૂર રાખ્યો છે.
મને બોરસદ બી. એડ્. કોલેજમાં એડમીશન મળ્યું ત્યારે દાખલ કરવા માટે પૂજ્ય ભાસ્કરભાઈએ પોતાના મોટા ભાઈના પુત્રને મારી સાથે મોકલી, મારી સંપૂર્ણ ફી ભરી મને બી. એડ્. કરાવેલ અને હુંફ અને હિંમત આપી બળ પુરુ પાડવામાં તેઓએ ક્યારેચ કસર કરી નથી. બી. એડ્.ની ડીગ્રી મળ્યા પછી મારા ગુરૂજીએ અંધજનોનાં ઉદ્ધારક પૂજ્ય બાબુભાઈ બાબવાણી સાહેબને મને તેમની શાળામાં સમાવવા ભલામણ કરી. પરીણામે આજે હું પ્રજ્ઞાચક્ષુ માધ્યમિક શાળા અમરેલીમાં સંસ્કૃત વિષયના શિક્ષક તરીકે કાર્યરત રહી મારા ગુરૂજીના શિક્ષણનાં વારસાને શોભાવી રહ્યો છું. મારુ સુખી ગૃહસ્થ જીવન પણ મારા ગુરૂજીને આભારી છે. આપે મને સ્વાશ્રયી બનાવ્યો છે.
મને એમ કહેતા આનંદ થાય છે કે
“વકતુ નો વકત બદલાવવામાં ભાસ્કરભાઈનો સિંહફાળો છે.”
જેમ સૂર્યના તેજથી જગત જીવે છે. જેમ ચંદ્રની ચાંદની થી રજનિ રળિયામણી લાગે છે તેમ મારા જીવનની ભવ્યતા ભાસ્કરભાઈ થકી છે. આપે મને ભરપુર પ્રેમ આપ્યો છે.
“ગુરૂજીને ઐસા કિયા, જૈસા પુનમ કા ચંદ
તેજ કરે ઔર તપે નહીં, ઉપજાયા આનંદ.”
આપણા દેશમાં બળવાન કરતાં શીલવાન નો મહિમા વધુ છે. મારા ગુરૂજી શીલવાન છે. કદાચ મારા જીવનમાં તેમનો પ્રવેશ ન થયો હોત તો મારૂં છવન અંધકારમય હોત. અત્યારે મારૂં વૈભવયુક્ત જીવન મારા ગુરૂ પૂ. ભાસ્કરભાઈ મહેતા સાહેબને આભારી છે. હું સદાનો તેઓનો ઋણી છું. હું તેઓના ચરણકમળમાં મારુ મસ્તક નમાવુ છું. આપે મને નિષ્ઠાવાન બનાવ્યો છે.
આપ નામદાર શ્રીની ષષ્ઠીપૂર્તિ સમાજ દ્વારા ઉજવાઈ રહી છે ત્યારે જગતનિર્માતાને હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું.
ભાસ્કરભાઈ ને રિધ્ધિ સિધ્ધિ સમૃધ્ધિ મળતી રહે. તંદુરસ્ત દીર્ઘાયુષ્ય રહે.
THE VOICE OF PUBLICK IS A VOICE OF GOD.
शतं जीवं शरदः!