તા. 1, ફેબ્રુઆરી, 2005 નો દિવસ હું મારી જિંદગીમાં ક્યારેય નહી ભુલું. મને સામાન્ય આંખની તકલીફ છે તેવા ભ્રમ સાથે હું ઈડર અંધજન મંડળમાં ગઈ. ત્યાં સંસ્થાનું સંચાલન એક અંધ વ્યકિત કરે છે તે જોઈને, જાણીને હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ. મને જાણીને નવાઈ લાગી કે એક અંધ વ્યકિત પ્રોફેસરની જગ્યાએ પહોંચી શકે? અને કોલેજના સામાન્ય વિદ્યાર્થીઓને ભણાવી શકે? તે મારા માન્યામાંજ આવતું ન હતું. સંસ્થા જોયા પછી પણ એક કુતુહલ હતું કે એક અંધ વ્યક્તિ કોલેજના વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવતા હશે? અને તે કુતુહલને સંતોષવા તેમની જાણ બહાર તેમનાં વર્ગમાં બેસીને તેમનું અધ્યયન કાર્ય જોયું.
અનાયાસ તે દિવસ ગુરૂપૂર્ણિમાનો દિવસ હતો. તેમની વિચક્ષણ બુધ્ધિક્ષમતા, સારી સ્મરણ શક્તિ, સારું ડ્રાફટીંગ, એક સારા વક્તા અને માનવતાવાદી અભિગમ આવા કેટલાય ગુણોને કારણે તેમણે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. એક જ વ્યક્તિમાં આટલા બધા ગુણોનો સમન્વય જોઈ હું દિગ્મઢ બની ગઈ.
આ બધાની સાથે સાથે જે દિવસે મારા હાથમાં મારુ 100% અંધત્વનું સર્ટિફિકેટ આવ્યું ત્યારે ઉમળકાભેર તેમણે કહ્યું “આવ ભાઈ હરખા, આપણે બેય સરખા.” અંધ અને અપંગોની દુનિયામાં તમારું સ્વાગત છે. તે દિવસે તેમના આ શબ્દો મને “કારમા ઘા” જેવા લાગ્યા હતા. પરંતું સમય પસાર થતાં ધીમ ધીમે મારી ઓળખાણ જુદી જુદી પરિસ્થિતિમાં વસેલા અને જીવનની અધવચ્ચે મારી જેમ દ્રષ્ટિ ગુમાવી બેઠેલા ભાઈઓ અને બહેનો સાથે કરાવી. આમ કરતાં મારો તૂટતો જતો આત્મવિશ્વાસ પ્રબળ કરવામાં મને ખૂબ મદદ કરી. આમ આ રીતે મારા માટે એક અજાણી અને અનોખી દુનિયાનાં દ્વાર ખુલ્લા મૂકી દીધાં. હું જો એમને મળી ન હોત, તો સમાજના આ એક સહૃદય અભિન્ન અંગથી હું અછૂતી રહી જાત.
શ્રી ભાસ્કરભાઈ મહેતાએ તેમના જીવનમાં સ્વ. કવિશ્રી સુન્દરમ્ની પેલી પંકિત “જો હું માનવી માનવ થાઉં તો ઘણું” ને ચરિતાર્થ કરી છે. તેમણે તેમના જીવન દરમ્યાન તેમના સંપર્કમાં આવેલા કેટલાય માનવીઓ કે જેઓ અંધ હોય, કે વિકલાંગ હોય, કે સામાન્ય માનવી હોય, પછી તે ચાહે ગરીબ હોય, મધ્યમવર્ગીય હોય કે પછી ધનવાન હોય, અને તે તેમનો મિત્ર હોય કે ન હોય, ઓળખીતો હોય કે ન હોય છતાં એક માનવીનું ભલું થતું હોય તો તેઓ હંમેશા તેને મદદ કરવા તત્પર રહે છે કોઈપણ માનવીનું ભલું થતું હોય તો તેઓ ટાઢ, તડકો હોય, વરસાદ હોય, કે પછી પોતાને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ હોય છતાં તે જોવા વગર બીજાને મદદ કરવા, તેમના કામ કરવા હંમેશા તત્પર રહે છે.
સેવા ક્ષેત્રે એમણે સફળતા પૂર્વક કર્તવ્ય બજાવ્યું છે. કોઈને મદદ કરવામાં અને સેવાના કાર્યમાં ઇશ્વરે તેમની પસંદગી કરી છે. તેમ તેઓ માને છે. તેઓ પોતાની કરાયેલી આ ઈશ્વરીય પસંદગીને સંપૂર્ણ ન્યાય આપવામાં પોતાનું સમજે છે. “આવા સેવાના કાર્યમાં ક્યારેક તેમને છેતરાવું પણ પડયું છે, પરંતુ તેનો તેમને ક્યારેય અફ્સોસ નથી.” આ ઉદાર સેવાભાવી માણસ કર્તવ્ય કરવામાં માને છે, પરંતુ તેઓ ફળની આશા રાખતા નથી. આ ગુણ તેમને તેમના માતુશ્રી રંભાબા તરફથી ગળથૂથીમાંથી જ મળેલો છે.
તેઓ ઇંડર કોલેજમાં પ્રોફેસર થયા. એમનો સંસાર પણ સુંદર આકાર લેતો હતો, જીવન સફળતાની કેડીએ ઉર્ધ્વગતિ કરતું જતું હતું. ત્યારે ભાસ્કરભાઈને વિચાર આવ્યો કે, “મેં તો અંધત્વ પાર કર્યું પણ બીજાઓનું શું?” અને એમણે ઈડરમાં અંધજનોની સંસ્થાની સ્થાપના કરી. કોઈ પણ સંસ્થાની સ્થાપના અને સંચાલન માટે આવશ્યક ઉત્સાહ, મુત્સદ્દીગીરી એમનામાં ભરપૂર છે. સ્વભાવે સાહસિક, નીડર, નિખાલસ અને આશાવાદી ભાસ્કરભાઈએ ઉત્સાહી અને કર્તવ્યનિષ્ઠ સહ કાર્યકરોની ટીમના કારણે સફળતાના શિખરો સર કરતા જાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં એમના પત્ની પ્રવિણાબહેન તેમના દરેક કાર્યમાં સહયોગ આપવા એમની સાથે જ હતાં.
સૌના આદરણીય ભાસ્કરભાઈની ષષ્ઠીમૂર્તિ અભિનંદનની ઉજજવળ ઘડીએ ભાસ્કરભાઈની સાથે એના બ્રેકગ્રાઉન્ડમાં એમના વાત્સલ્યતા ભરપૂર માઁ, પ્રેમાળ પરિવાજનો, સહૃદય મિત્રો, અને ઈડર સંસ્થાનો ફરજનિષ્ઠ સ્ટાફ દ્રષ્ટિગોચર થાય છે. અને સાબરકાંઠાના અંધ બાળકોનો કલરવ સંભળાય છે.
હું મારી અંગત વાત લખુ તો સંસારના આંરભે જ મને આંખની તકલીઉ થઈ. જોકે મારા સ્નેહાળ પરિવારજનોના પ્રેમભર્યા સહયોગના કારણે સંસાર તો વ્યવસ્થિત ચાલતો હતો, પણ ભાસ્કરભાઈ ચિત્રમાં આવ્યા અને મને પણ કંઈક બનવાનો ઉત્સાહ જાગ્યો છે. આવી રીતે ભાસ્કરભાઈએ ઘણાંય દ્રષ્ટિહીનોના એક દ્રષ્ટિહિન વ્યકિત પોતાના દ્રઢ સંકલ્પથી સમાજને કેટલું બધું આપી શકે છે, એ જોઈને દરેકે દરેક વ્યક્તિને યથા-શક્તિ સમાજને કંઈક આપવાની પ્રેરણા જાગે, અને આમ જ સુંદર સમાજની રચના થાય. આમ હું એક સફળ ગૃહિણીતો બની જ શકી છું, પરંતુ તે સિવાય પણ મારું એક આગવું વ્યક્તિત્વ મારી એક આગવી ઓળખ ઊભી કરવામાં પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાન રહ્યું છે.
“યથા રાજા તથા પ્રજા” ના કુદરતી ન્યાયે ભાસ્કરભાઈની કાર્યનિષ્ઠા, વિકલાંગો માટે કંઈક કરી છૂટવાની તમન્ના, સહૃદયતા, તેમના કાર્યકરોમાં પણ જેવા મળે છે. એ એમની જ પ્રતીભાનો પ્રભાવ કહી શકાય. “It's a team work.”
એમની નોંધપાત્ર અને મને સ્પર્શી ગયેલી લાક્ષણીકતા એ છે કે તેમણે સામે ચાલીને વિકલાંગ વ્યકિતઓનો સંપર્ક કરી તેમના છવનને અજવાળ્યું છે. એમના સંપર્કમાં આવેલ દરેક વ્યકિતને એવી જ અનુભૂતિ થાય કે તેઓ એમના અંગત મિત્ર છે.
શ્રી મહેતા ભાસ્કરભાઈ એવા અનોખા માણસ છે કે પ્રામાણિકતા સિદ્ધાંત પાલન, પોતાના જોખમના ભોગે પણ અન્યનું કામ કરવાની તેમની પ્રબળ ઈચ્છા વગેરેની માત્ર વાતો ન કરતાં તેને અમલમાં મૂકે અને મૂકાવે. તેમની હસવા અને હસાવવાની ટેવ ભલભલા માનવીને હળવાફૂલ બનાવી તેમના દોસ્ત બનાવે. તેઓ
જિદ્દી પણ જબરદસ્ત કહોને “પકડ્યું મૂકે નહીં,” પરંતુ તેમની જીદ્દ સત્ય અને બીજાને કંઈક સારું શીખવવા માટે હોય છે. તેઓ સમાધાન પ્રિય ખરા પરંતુ સૌના તિને નુકશાન કરે તેવું સમાધાન સ્વાર્થ કદી ન કરે. “બીજાનો વિચાર પહેલાં અને પોતાનો વિચાર પછી,” આ શ્રી ભાસ્કરભાઈના જીવનનો પ્રધાન મંત્ર છે.
9-ઓપરેશન, 14-એકસીડન્ટ, 2- લાંબી બિમારી અને જીવનના અનેક પ્રશ્નો આ બધા વચ્ચે સતત ચિંતન કરતા, હસતા રહેતા અને “પડશે તેવા દેખાશે” માં માનનારા માણસને એક “અનોખો માણસ” કે “અલગારી માણસ” શું કહેવાય? તે આ ષષ્ઠિપૂર્તિ પ્રસંગે આપ સૌ નક્કી કરશો તેવી મને શ્રદ્ધા છે.