પ્રો. ભાસ્કર મહેતા: એક વિરલ વ્યક્તિત્વ

હું જ્યારે 1988 માં ઈડર કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારે સ્ટાફરૂમમાં એક અંધ અધ્યાપક ને જોઈ આશ્ચર્ય ઉપજ્યું. સાથે એક સવાલ પણ મનમાં ઉભો થયો કે આ સાહેબ વર્ગખંડમાં કેવી રીતે ભણાવતા હશે? વિદ્યાર્થીઓ તોફાન કે દેકારો કરતા હશે ત્યારે સાહેબની સ્થિતિ શું થતી હશે?- પણ એકવાર નજીકના

વર્ગખંડમાં એમના બુલંદ અવાજે ગવાતા સંસ્કૃત શ્લોકો સાંભળી મારા પ્રશ્નનું સમાધાન થઈ ગયું- આ સાહેબ એટલે ભાસ્કરભાઇ મહેતા.

ભાસ્કરભાઈ વિશે કોલેજમાં જોડાતા પહેલાં મારા એક અંગ્રેજી વિષયના અધ્યાપો આણંદમાં મને

અભિનંદન આપતા જણાવ્યું કે ‘મિત્ર! ઇડરમાં નોકરી મળી છે અભિનંદન!! હું ત્યાંના મિત્રોને ઓળખતો નથી પણ હા ત્યાં સંસ્કૃતના પ્રા. ભાસ્કર મહેતા છે જે અંધજન મંડળ નામની સંસ્થા ચલાવે છે.

મહેતા સાહેબ એટલે ઉદાર, નિખાલસ અને પ્રામાણિક વ્યકિતત્વ. સદાય ખુશ- મિજાજ, તમે ત્યારે એમને પૂછો કે ભાસ્કરભાઈ કેવું છે? તો પ્રસન્ન ચિત્તે હંમેશા એક જ જવાબ હોય “ખાવું... પીવુ. ખુશ રહેવું.” -સદાય મુખ

પર પ્રસન્નતા...

ઈશ્વરે કદાચ એમને આંખ ન આપીને બહુ મોટી ભૂલ કરી એવું મને ઘણીવાર લાગતું પણ જ્યારે જ્યારે હું તેમના પરિચયમાં આવ્યો. અંધજન મંડળના કાર્યો વિશે જાણ્યું. અનુભવ્યુ ત્યારે લાગ્યું કે અરે! આંખ વગર પણ આ માણસ કેટલું બધું કામ કરી શકે છે.!!

અંધજનોની સેવાનો ભેખ લઈને તેમણે હવે નવો યજ્ઞ શરૂ કર્યો છે તે છે વિકલાંગ બાળકો અને એમાં એવાય બાળકો હોય જે બોલી ચાલી કે સાંભળી પણ ના શકતા હોય તેવા બાળકો ને શિક્ષણ આપવાનો. અંધ વિદ્યાર્થી માટે સહાય માટે સદાય તત્પર ક્યારેય કંટાળો કે થાક અનુભવ્યાં નથી.

મને એક પ્રસંગ યાદ આવે છે કે, એકવાર તેમના પરમ મિત્ર પ્રો. દિનેશ પંચાલે કહેલો, બન્ને મિત્રો અમદાવાદ થી રાત્રે 12.00 વાગ્યે ઈડર આવતી બસમાં આવતા હતા ત્યાં જ ખબર પડી કે એક વિકલાંગ બાળક બીજા માળથી પગથિયે પડી ગયું છે. તેમણે સહેજેય ઘરની કે થાકની ચિન્તા છોડી પેલા બાળકને પૂરેપૂરી સારવાર મળી ત્યારે જ ઘરે પહોંચ્યા.

અંધ શિક્ષકોના અધિકારો માટે પણ સદાય તત્પર- જ્યાં ગયા વર્ષે 16 મહિના સુધી તેમનો પગાર ગુજરાત સરકારે રોક્યો ત્યારે તેમણે આ માટે અહિંસક લડત આપવાની અને આ માટે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનું પણ જણાવ્યું હતું. તેઓ અંધોના બેલી ગણાય. અંધાપો એમને માટે ક્યારેય લાચાર બન્યો નથી તથા તેમણે પોતાના વિદ્યાર્થીઓ કે શિક્ષકોને લાચાર બનવા દીધા નથી. ‘અંધતા જુદી વસ્તુ છે પણ તમારે શાળામાં સારૂં ભણાવવા માટે ની તૈયારી તો ભાઈ કરવી જ પડે.’

હંમેશા અધ્યાપકોના હિતેષી, અધ્યાપક મંડળમાં ઘણા વર્ષો સુધી સક્રિય રહ્યા. સેનેટ સભ્ય પણ બન્યા. અધ્યાપકોના હિતમાં કે તેમના અધિકારોની સાચી વાતમાં સરકારમાં રજૂઆત કરવાની હોય કે હડતાલ પર ઉતરવાનું હોય તેમણે હંમેશા મંડળની પ્રતિબધ્ધતા દાખવી છે. સ્ટારૂમમાં પણ ગમે તેવી સારી વાત નિર્ભીક પણે કહેવાવાળા ભાસ્કરભાઈ કોઈની સાંઠ ગાંઠ કે મિત્રતા ક્યારેય ના ચલાવી લે.

ભાસ્કરભાઈ એટલે પરિવાર પ્રેમી માણસ આ પ્રેમ થર પૂરતો જ મર્યાદિત નહીં, અધ્યાપક મિત્રોના પરિવારના સભ્યો જો એકાદ વાર તેમને મળી ગયા હોય અને તેમની કાયમી છાપ તેમના હૃદયમાં વસાવી હોય તેવા વ્યકિતત્વના સ્વામી.

આવા ઉદાર હૃદય, યાયાવર, સદાય પ્રસન્ન અને સ્પષ્ટવક્તા ભાસ્કરભાઈની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે પરમ કૃપાળુ

પરમાત્માને પ્રાર્થના કરું કે તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન આપી વિકલાંગો અને અંધજનોની સેવામાં સદાય તત્પર રહે.

સતં જીવમ્ શરદમ્

- ડૉ. ભાનુભાઈ કે. રોહિત
અધ્યક્ષ, હિન્દી વિભાગ, ઈડર કૉલેજ, ઈડર.