જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવા શ્રી ભાસ્કરભાઈ મહેતા ક્યારેય પોતાના કાર્યો, સેવાઓ કે વિકલાંગોના હકો માટે પોતે શું શુંકર્યું છે તે કોને સંભળાવવા ગયા નથી. છતાં દુનિયા એ તેમના બોલતા કાર્યને સાંભળી લીધું છે. કોઈ દ્રષ્ટિવાન વ્યકિતની તુલના એ જુઓ તો ખરા! આ ભાસ્કર મહેતાની હિંમત, તેમના મન-મસ્તિષ્કમાંથી તીવ્ર વેગે ધસમસતો વિકલાંગો માટે કાંઈ કરી છૂટવાની તમન્નાનો પ્રવાહ. રસ્તામાં આવતી દરેક આફતરૂપી ચટ્ટાનના ચૂરેચૂરા કરી નાંખવાની તાકાત ધરાવે છે. એક અડગમનનો માનવી પોતાનું લક્ષ્ય નક્કી કરી શાન અને પુરુષાર્થની સરિતા થઈ આગળ વધે ત્યારે એવું કહેવાય કે...
ઈસ બંદે કી રાહ સે મુશ્કિલ કો મીટના પડા
તલવાર લેકર આયે ઉસે ફૂલ સે કટના પડા
ચાહે કિતનેભી હો લંબે ચાહે કિતનેભી હો કઠીન
ઈસ નદી કી રાહ સે ચટ્ટાન કો હટના પડા.
વિષય છે ‘ભાસ્કર બધિર નથી’ અરે! હું તો કહું છું કે ભાસ્કર અંધ પણ નથી. મહાભારતમાં કહ્યું છે કે શ્રવણ હોવા છતાં જે સત્ય સાંભળતો નથી તે બધિર અને ચક્ષુ હોવા છતાં જે સત્ય જોતો નથી તે અંધ. ભાસ્કર મહેતા એ તો વિકલાંગોના પ્રશ્નો, સમસ્યાઓ, પીડાઓ, ફરિયાદો માટે હંમેશા પોતાના કાન અને આંખ ખુલ્લા જ રાખ્યા છે. તો તે કેવી રીતે અંધ કે બધિર હોઈ શકે? બધિરો વધુ ને વધુ શિક્ષણ મેળવી શકે. અંધ વ્યકિતઓની જેમ ઉચ્ચ ડીગ્રીઓ પ્રાપ્ત કરી શકે તે માટે સખત પરિશ્રમના તેઓ હિમાયતી રહ્યાં છે. જે કાર્યો બધિરો પોતાની હૈયા સૂઝથી સરળતાથી કરી શકે તેવા વ્યવસાયો, ઉદ્યોગો તેમને શીખવી આજિવિકા મેળવતા થાય અને બધિરોનું પુનર્વસન થાય તેવા વિચારો હંમેશા વ્યક્ત કર્યા છે.
જેમ પ્રજ્ઞાચક્ષુ વ્યકિત બ્રેઈલ-લિપિ હસ્તગત કરી ઝડપથી વાંચનક્રિયા કરી શકે છે તેવી જ રીતે બધિરોને યોગ્ય ગુણવતા વાળા શ્રવણયંત્રો મળી રહે તે માટે વિવિધ શ્રવણયંત્રો બનાવતી કંપનીઓ સાથે વાટાઘાટો કરી. સેવાભાવી સંસ્થાઓના સંચાલકોને સાથે લઈ બધિરોને વિનામૂલ્યે શ્રવણયંત્રો આપવાના નિઃશુલ્ક કેમ્પોનું આયોજન કર્યું છે. અંધ વ્યકિતઓની બ્રેઈલ-લિપિની જેમ બધિરો માટે પણ સમાન ‘ઈન્ડીયન સાઇન લેંગ્વેજ’ ની પ્રસિધ્ધ થતી નવી-નવી આવૃત્તિઓ ગુજરાતની દરેક બધિર શાળામાં પ્રયોજાય એવા પ્રયત્નો તેમણે કર્યાં છે.
જે વ્યવસાયોમાં બધિર વ્યકિતને પોતાની શ્રવણમંદતા અવરોધરૂપ ન બનતી હોય તેવા તમામ વ્યવસાયો ઉદાહરણ રૂપે શિવણકામ, ચિત્રકામ, ફોટોગ્રાફી, વિડીયો શુટીંગ, કમ્પ્યુટર ગ્રાફીકસ જેવા વ્યવસાયોની તાલીમ બધિરો મેળવે અને વ્યવસાયોમાં જોડાઈ પગભર બને તેવી અપિલ હંમેશા તેઓ દરેક બધિર શાળા સંચાલકોને કરતા રહ્યાં છે. જે શાળાઓ મુદ્રક, કાષ્ટકામ, I. T. I. વગેરે જેવા વ્યવસાયલક્ષી એકમો ચલાવે છે તેવી સંસ્થાઓને સરળ, સમાન અને સચિત્ર ટેક્ષબુક ચલાવવા માટેના તેઓ આગ્રહી રહ્યા છે.
તેઓ જ્યારે કમિશ્નર હતા ત્યારે બધિરોને લગતા દરેક કાર્યક્રમોમાં અચૂક હાજર રહેતા દરેક સંસ્થાની મુલાકાત લઈ બધિર બાળકોને મળતી સગવડતા અને શિક્ષણની તેઓશ્રીએ જાત માહિતી મેળવી છે. વિકલાંગ ધારાની કલમોમાં રહેલ વિકલાંગો માટેના હકોની જાણકારી આપવા તેમણે હિંમતનગરની બહેરાં-મુંગા શાળામાં વારંવાર શિબિરો યોજી છે. રાજ્યના બધિર વ્યકિતઓએ અહિં ઉપસ્થિત રહી ભાસ્કરભાઈની વાણીને બધિરોને શિક્ષણ આપતા શિક્ષકોના હાથના ઈશારાઓથી સાંભળી છે.
જે બધિર બાળકો અને વ્યકિતઓ અંધ ભાસ્કરના સંવેદનાના સૂર સાંભળી શકતા હોય તો અંધ ભાસ્કર બધિરોની બાબતમાં બધિર કેવી રીતે હોઈ શકે? પરંતુ અંધ અને બધિરની વચ્ચે નડતી કોમ્યુનિકેશનની અડચણ માટે તો એમ જ કહી શકાય કે,
‘હોય ના કંઈ એના ખુલાસા
પ્રેમ તો છે બસ, એક મૌન ની ભાષા.’
બધિર બાળકોની શિક્ષણ પ્રણાલી, અભ્યાસક્રમ, સાંકેતિકભાષા, વિષયવસ્તુ, મૂલ્યાંકન જેવા સંવેદનશીલ મુદ્દાઓના અસરકારક અમલીકરણ માટે શું થઈ શકે? તે માટે અવનવા શૈક્ષણિક પ્રયોગોના તેઓ હિમાયતી રહ્યા છે. જ્યારે જ્યારે નેશનલ ટ્રસ્ટની મીટીંગમાં મળતા ત્યારે બધિરોની સમસ્યાઓને વાચા આપવા તેમના દ્વારા રજૂઆતો થતી બધિર બાળકોના વિશિષ્ટ શિક્ષક પ્રજ્ઞાવાન, ધૈર્યવાન, નિષ્ઠાવાન જેવા સંસ્કારો ધરાવતા હોય તેના ચુસ્ત આગ્રહી રહ્યા છે. સમયાંતરે બધિર શિક્ષકો માટેના રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાના સેમિનારોમાં ઉપસ્થિત રહી બધિરોના કલ્યાણ અને ઉત્કર્ષ માટેની યોજનાઓના સરળ રીતે અમલીકરણ માટે આયામો નક્કી કર્યા છે. સ્વયં દ્રષ્ટિહીન હોવા છતાં બધિરોના વ્યકિતત્વવિકાસ અને પુનઃસ્થાપનની દિશામાં ચિંતા અને ચિંતન અંગેની તેમની દ્રષ્ટિ અમારા માટે પ્રેરણાદાયી બની છે.
બહેરા-મૂંગા બાળકોના સર્વાંગી વિકાસના તેઓ એક શિલ્પી બન્યા છે. એમની કુનેહ, લોકશાહી અભિગમ, સૌમ્ય પ્રકૃતિ દ્વારા બધિરોત્કર્ષની પ્રવૃત્તિઓ બાબતમાં બાળકોના હૃદયમાં સ્થાન અંકિત કર્યું છે. અને અમારા Friend, Philosophar અને Guide બની રહ્યા છે. એમના હૃદયની સંવેદનશીલ લાગણીઓમાં પરિતૃપ્ત થઈને સૌ સહકાર્યકર્તાઓ વિહર્યાં છે. તેઓ સાચા કર્મયોગી રહ્યા છે. શૂન્યમાંથી સર્જન કરવાની તેમનામાં અનેરી તાકાત છે. પરિણામે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના અનેક પારિતોષિકો દ્વારા તેમના કાર્યોને પુરસ્કૃત કરવામાં આવ્યાં છે.
અંધ, બધિર, મંદબુધ્ધિ કે શારિરીક ખામી ધરાવતાં સમસ્ત વિકલાંગોના જીવનમાં સાચી રાહ ચીંધવા હંમેશા પ્રકાશ પાથરી ભાસ્કરભાઈ સાચા અર્થમાં ભાસ્કર બની રહ્યાં છે. અને તેમના નામને ચરિતાર્થ કર્યું છે. તેઓની ષષ્ઠીપૂર્તિ ઊજવણી પ્રસંગે અમારા સૌ વતી તેઓને કોટી કોટી અભિનંદન.