1987 ના જાન્યુઆરીમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઇડરમાં મારે જોડાવાનું થયું, અજાણ્યો પ્રદેશ અને અજાણ્યા લોકો વચ્ચે રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવાની ચિંતા દૂર કરતો એક પત્ર ઇડરિયા ગઢની તળેટીમાં વસેલ સ્વામીનારાયણ મંદિર સુધી લઇ જાય છે. ત્યાં ઇડર કોલેજમાં અભ્યાસ કરતા એમ. કોમના વિદ્યાર્થી આશિષ જોષીનો પરિચય થયો. ને તે જે સંસ્થામાં સેવા આપતો ત્યાં આવવા અને ત્યાંની સેવાકીય પ્રવૃતિઓ જોવા આગ્રહ કરતાં, મળ્યા સંસ્થાના માનદ્ મંત્રીના સ્થાને પ્રા. ભાસ્કર મહેતા. પ્રવૃતિમાં વ્યસ્ત, ઇડર કોલેજના સ્ટાફરૂમમાં વાત કરવાનો કોઇ મોકો મળ્યો જ ન હતો.
1987 ના એ સમયે ઇડર કોલેજે પોતાના વિસ્તારના જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કૃત બે સાહિત્યકારો-શ્રી ઉમાંશકર જોશી અને શ્રી પન્નાલાલ પટેલને સન્માનવાનો કાર્યક્રમ રાખેલ. તે નિમિત્તે મહેમાનોની સરભરા માટે મીત્રો
સાથે રોકાવાનું થયેલ અને એ જ સાંજે મહેતા સાહેબ સાથે એમની ઓફીસ પર મળ્યાનું યાદ છે. ત્યારબાદ
અવારનવાર આશિષને કારણે સમય પસાર કરવા નિમિત્તે પણ જવાનું થતું રહ્યું ને હું NA.B. ની પ્રવૃતિઓથી પરિચિત અને પ્રભાવિત થતો રહયો. હું પ્રવૃત થાઉં તે પહેલાં જ મારે પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે બાલશિનોર જવાનુ થયું. પરંતુ ભાસ્કરભાઇની વાફછટા, વાક્શૈલી અને પ્રવૃત્તિની છાપ મારા મન પર યથાવત્ અંકાયેલી રહી.
ઓગષ્ટ ‘09 માં ફરીવાર ઇડર કોલેજમાં જોડાયો ત્યારે ભાસ્કરભાઇ અને N.A.B. સાથે પુનઃસંધાન થયું, જેના નિમિત્તબન્યા ડો. દિપક ભટ્ટ અને’ 91 માં ડો. હાસ્યદા. ભાસ્કરભાઇના અલૌકિક પ્રભાવ અને વિશ્વસનીય પીઠબળથી અમે દંપતી N.A.B. ની પ્રવૃત્તિમાં જોડાયાં. કોલેજની પ્રવૃતિ બાદ સાંજના સમયે કે રવિવારે તેમના વહીવટીય પત્ર વ્યવહારમાં મદદરૂપ થવાનું બનતું. NA.B. ની કારોબારી સમિતિમાં હાસ્યદાને પ્રવેશ આપ્યો પછી તો તેનો વડોદરાના અભ્યાસ દરમિયાનનો સામાજિક પ્રવૃત્તિ કરતો માંહ્યલો જાગ્રત થઇ સમર્પિત થઇ ગયો. નોકરી, નાના બાળક, મોટા પરિવારની જવાબદારી સાથે અમને બન્નેને ભાસ્કરભાઇના માર્ગદર્શનમાં કામ કરવાનો અનોખો આનંદ અનુભવાતો. અમારો ઉત્સાહ આત્મવિશ્વાસ અને હિંમતમાં પ્રાકૃતિક વધારો થયો.
આ પ્રવૃત્તિમાં અમે ક્યારે ઓત-પ્રોત થઇ ગયા એની ખબર જ ન પડી. તેમનું નાગરશૈલીમાં માનપૂર્વકનું વશીકરણ અને પ્રેમ જ અમને દોરી જતા N.A.B. પર બેઠા હોઇએ ત્યારે તેઓ ચર્ચા કરે વિવિધ પ્રોજેકટની, વિકલાંગોના સ્વનિર્ભર થવાની, પુનર્વસનની, નાના-મોટા વ્યવસાયની, તેમને આપવાની તાલીમ અને લોનની વ્યવસ્થા બાબતની. આ બધી બાબતોએ ચિંતિત રહી કોલેજ
પછીના સમયમાં N.A.B. ની ઓફીસ પર કાર્યરત રહેતા જોયા છે. ફ્લેગ ડે નિમિત્તે હોય કે કોઇ દાતાશ્રીને મળવાનું હોય ભાસ્કરભાઇ તૈયાર! ઈડર બહાર હોય તો ય ઓફીસમાં વહીવટીય સંપર્ક અવિરત હોય જ. કયારેક રાત્રે અંધારામાંય અગિયાર, બાર કે બે વાગ્યે એસ.ટી. સ્ટેન્ડ પર ઉતરી ઘેર જતા હોય. એકવાર મેં એકવાર મેં પૂછેલુંય ખરું કે “આવા અંધારામાં મોડા તકલીક ન પડે!” તો જવાબ તરત જ હાજર: “અમારે અંધોને દિવસ શું ને રાત શું?” ખરેખર ગજબની ઉર્જા છે આ માણસમાં! નેતૃત્વ એમના લોહીમાં વણાયેલુ છે. દરેક મુદ્દાને તથ્યાત્મક રીતે તપાસવો અને શ્રેષ્ઠ વ્યાવહારિક માર્ગ કાઢવો. સ્પષ્ટપણે પોતાની વાત
મૂકવી અને કાર્યના વિવિધ પાંસાઓની વિસ્તૃત છણાવટ કરવી.
તેમની સાથે બેસતાં, હરતાં-ફરતાં અમારુંય ઘડતર થયું, વહીવટી ક્ષેત્ર અને નેતૃત્વની જાણે-અજાણે તાલિમ મળતી ગઇ. રમતોત્સવ ચેસ ટુર્નામેન્ટ, નાટ્ય મહોત્સવ, સ્પર્ધાઓ, શિબિરો, વ્યાખ્યાનો, મિટિંગો, સમારંભો, સેમીનાર, કોન્ફરન્સમાં અમારી યોગ્યતાનો વિવેક રાખી જોડતા ગયા. કયારેક તો ધબકારા વધી જાય. સોંપેલું કાર્ય નિષ્ઠાથી કરવાનો સ્વભાવ અને કેમ થશે તેની ચિંતા છતાં જીભ ‘ના’ કહેવા ઉપડે જ નહીં. જો કે એટલું તો જરૂર કે “હિંમતે મરદા, તો મદદે ભાસ્કર” કેટલાક તો કટાક્ષમાં એમ પણ કહેતા કે-“આ બન્ને N.A.B. માં જ પડયા- પાથર્યા રહે છે તો ઘેર જાય છે કે નહીં!” અમે પણ અમારી ઓળખ જાહેરમાં આપી દીધી કે –‘ભાસ્કરભાઇનો હું ખભો છું ને હાસ્યદા જમણો હાય છે.’ હા, હાસ્યદાની તીવ્ર ઇચ્છા જે આજેય અધુરી રહી છે છતાં ખુલ્લું ફરમાન છે કે ભાસ્કરભાઇ જ્યારે પણ પીએચ.ડી. કરવા ઇચ્છે ત્યારે તેમની લેખિની (રાઇટર)
થવા તત્પર હોઇશ. પૂ. રંભા ‘મા’ પણ હાસ્યદાને કહેતાં કે-‘બેટા, તારુ એક કામ રહયું. મારા ભાસ્કરને પીએચ.ડી. કરાવવાનું.’ જો કે ભાસ્કરભાઇને તો વિકલાંગોની કામગીરીના સમયની ચોરી કરવી જ નહોતી. તેઓ કહેતા –‘પીએચ.ડી. થી મને એકલાને લાભ થશે, જ્યારે આ કામગીરી અનેકોને લાભ અપાવનારી છે.’ છતાં પૂર્વેશ પીએચ.ડી. થાય તો હરખાઇ ઉઠે....!
ભાસ્કરભાઇનો અમારી સાથે જ નહીં, અમારા બન્નેના પરિવાર સાથે નાતો જોડી બન્નેના ભાઇ-બહેનો અનાયાસ આ પ્રવૃત્તિમાં જોડાઇ આવે તેવો સ્વભાવ. અમારા ભાઇ, બહેન અને બાળકોમાં પણ વિકલાંગો પ્રત્યેના હકારાત્મક અભિગમનના સંસ્કાર સિંચિત થયા. આકસ્મિક રીડર-રાઇટરની જરૂરીયાત ઉભી થાય તો સેવા આપતા.
ભાસ્કરભાઇનાં સંબંધો એક પક્ષી અને સ્વાર્થી ન હોતા. અમારા પર નાની ઉંમરે આવી પડેલ પરિવારની મોટી જવાબદારીની નાની-મોટી અનેક સમસ્યાઓના તેઓ સાક્ષી છે. તેઓ અમારા પ્રશ્નોને અમારા સ્થાન પર બેસી સમજે, ઉકેલ લાવવા મદદ કરે; માનસિક, શારીરિક, બૌદ્ધિક જ નહીં જરૂર પડે ત્યાં આર્થિક સહાય પણ કરે. સાચા અર્થમાં તેઓ મારા વડીલ બંધુ લેખે ખભે ખભો મેળવી ચાલ્યા છે. તેમની હૂંફ અમને એવી હૈયાધારણા આપતીકે અમારી મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની તાકાત વધી જતી. જન્મ લગ્ન કે મૃત્યુ કોઇપણ પ્રસંગે ઉલટભેર હાજર હોય. તેમને જોઇને જ અમે હળવાશ અનુભવીએ તેમનું ઘડી બે ઘડી પાસે હોવું જાણે અવસર જેવું લાગ્યા કરે!
જગતની કોઇપણ જીવસૃષ્ટિ સાથે ભાવસભર જોડાણ ધરાવે. સામ, દામ, દંડ, ભેદના જાણકાર, વહીવટ કુશળ ભાસ્કરભાઇ ઇશ્વર પર પૂરી શ્રધ્ધા ધરાવે. ફળની આશા વગર કામ કરવાનો ભગવદ્ગીતાનો મર્મ પચાવ્યો છે. પ્રાપ્ય ફળથી પૂર્ણ સંતોપ છે.
એકવાર અમારે વડોદરાથી ઇડર પરત થતાં લગભગ બારેક વાગ્યા હતા. બસમાં એક અંધ મુસાફર હાથમાં સ્ટીક સાથે રીક્ષા સ્ટેન્ડ પૂછવા લાગ્યા. અમે રીક્ષા સુધી લઇ ગયા. મુસાફર ચુપચાપ કશું બોલ્યા-પૂછયા વગર રીક્ષામાં બેઠા. અમે રીક્ષા ચાલકને પૂછયું: ‘ભાઇ, તુ આ માણસને ક્યાં લઇ જઇશ?’ જવાબ મળ્યો: ‘આનંદ નગરમાં’ અમે કહયું ‘પણ એને ક્યાં જવુ છે તે તો પૂછ...!’ રીક્ષા ચાલક કહે: “આટલી રાતે એવું કયુ ઘર ખુલ્લુ હોય! એક જ... અમે તો કોઇપણ હોય... આ કોલેજમાં આંધળા સાહેબ છે ને... એમને ઘેર મુકી આવીએ...” આમ, અજાણ્યાનેય વિશ્વાસ મૂકવાનું મન થાય તેવો માણસ.
હું તો ભાસ્કરભાઇ સાથે ઘણું ફર્યો છું. તેમને આલ્પાઇવાલા એવોર્ડ મળ્યો ત્યારે તો જાણે અમારું મન મેળો થઇ ગયુ હતું.
અમદાવાદ, મુંબઈ, દિલ્હી...ગમે ત્યાં જાવ, બધી ભુગોળ અને નકશા તેમના કાન તથા પ્રજ્ઞાચક્ષુમાં તાદ્રશ. પરંતુ હસ્યદા પહેલીવાર વિશ્લેષા સાથે દિલ્હી જવાની હતી ત્યારે અમે બંને ચિંતા અને ઉચાટ અનુભવતાં હતાં. પરત આવી ત્યારે તેના ચહેરા પર આત્મવિશ્વાસ, હિંમત અને નેતૃત્વનું ગજબનું તેજ હતું. બીજીવાર સમગ્ર ગુજરાતની અંતરિયાળ ગ્રામવિસ્તારની બહેનોને લઇ દિલ્હી ખાતે મહિલા કોન્ફરન્સમાં જવા ઉત્સાહભેર તૈયાર થઇ ગઇ. તે દરમિયાન અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. અભૂતપૂર્વ, યાદકાર અને નોંધનીય પ્રવાસ હતો. સાંભળનાર કહેવા લાગ્યા કે-‘આવુ સાહસકદી ન કરાય!’
પરંતુ હાસ્યદાએ ફરિયાદના સૂર વગર એટલુ જ કહયું: ‘ભાસ્કરભાઇ સતત સંપર્કમાં હતા. મને તેમના પર વિશ્વાસ હતો એટલે ચિંતા ન હોતી ને બીજુ આ visit માં મને ઘણું બધું શીખવા મળ્યું.’
જ્યાં ઇશ્વર કૃપાએ નાગરમાં જન્મ, સુંદર રૂપ, સુશીલ પત્ની, માનવંતી નોકરીને સરસ મઝાનાં બાળકો મળ્યાં હોય ત્યાં કોઇ બીજાનો વિચાર શા માટે કરે? સુખના દરિયામાં રમમાણ જ રહેને! પણ ના, આ એક એવો સાબરકાંઠાનો ભેખધારી ઋષિ નીકળ્યો કે જેણે બેસી ન રહેતાં પોતાની બધી જ શક્તિ, મતિ, પ્રકૃતિનો સદુપયોગ કરી વિકલાંગોનો વિકાસ કર્યો. ભાવનગરનો ભોમીયો, અમદાવાદમાં જ્ઞાનગઠરી બાંધી, સાબરકાંઠામાં સગપણ સાંધી કર્મયજ્ઞ આરંભે છે. ‘પોતાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તે અન્યને ન કરવો પડે’ તેવી ઉર્ધ્વ ભાવના સાથે તે વિસ્તારના ગંદા-ગોબડા, જેવાં હતાં તેવાં વિકલાંગ બાળકોને
આત્મીયતાથી ખોળે લઇ હૂંફ આપે છે. તેમણે પોતાના ત્રણ બોળકોને જ નહીં સમગ્ર સાબરકાંઠાને કમિશ્નર થયા ત્યારે સમસ્ત ગુજરાતના વિકલાંગ બાળકોને વ્હાલ કરી પ્રેમનો વિસ્તાર કર્યો. ગામેગામ જઇ આગેવાનોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને જાગ્રત કર્યા. એમની એક અનોખી હઠ રહી કે વિકલાંગો સમાજનું અધિકૃત અવિભાજય અંગ છે તેથી તેમનો વિકાસ પણ સમાજ માટે, સમાજ દ્વારા, સમાજમાં રહીને જ થવો જોઇએ. તેમને સમાજથી ભિન્ન કોઇ સ્થાન અપેક્ષિત નથી.
અંધ બહેનોને લગ્ન કરાવી વળાવતાં પહેલાં સક્ષમ કરવા હોમસાયન્સ હોસ્ટેલ શરૂ કરી આ બહેનોને ઘરકામ, રસોઇ વગેરેમાં સજ્જતા કેળવવા લાગી. બહેનોને એમનો પોતાનો અવાજ મળ્યો. કોઇપણ કાર્ય પૂર્ણ થઇ ગયું એટલે ત્યાં ભાસ્કરભાઇ કદી પૂર્ણવિરામ ન મૂકે. તેમના સતત સંપર્કો અને નેટવર્ક તપાસકાર્ય તો કર્યા જ કરે. કરેલ કાર્ય પૂર્ણ સફળતા પામ્યું કે નહીં તેનોય ખ્યાલ રાખે. પૈસા ક્યાંથી આવશે તેની ચિંતા કર્યા વગર અવિરત, સતત અને સઘન સાહસભર્યા કાર્યો થતા જ રહે. સંસ્થાનું પોતાનું મકાન નથી છતાં કહે-‘ઇશ્વરની દયા છે, ચાલે છે.’
ત્રણેય ભાષાઓ પર સજ્જડ પ્રભુત્વ ધરાવનાર ભાસ્કરભાઇ કોઇપણ સદ્ગષ્ટિવાનને મૂલ્યવાન સમજી માનભેર આવકારે, સાથે રાખે ને પ્રેરણા તથા પ્રોત્સાહન પૂરા પાડી સમાજની આ જવાબદારીમાં સાંકળે. વિવિધ પ્રોજેકટો લાવી, સદ્રષ્ટિવાન મિત્રોનું સંકલન કરી સંચાલન કરે ને એ રીતે A.N.B. ને પ્રગતિના પંથે વિકસિત
કરી. વિવિધ ક્ષેત્રોના ઉચ્ચોચ્ચ તજ્જ્ઞોનો લાભ જિલ્લાના વિકલાંગોને અપાવ્યો છે. સંસ્થાને, પ્રવૃતિઓને, સમૂહને કે વ્યકિતગત રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના પુરસ્કારોથી યશસ્વી બનાવવામાં ભાસ્કરભાઇનો ઉમદા અને ચાવીરૂપ ફાળો છે. તેમણે પોતે તો પરિષદો ગજવી, દેશ-વિદેશોમાં વ્યાખ્યાનો આપી અનેક એવોર્ડથી અને પુરસ્કારોથી સન્માનિત થઇ સુશોભિત થયા છે. પણ અન્યનેય સજ્જતા કેળવી મોકલેને સન્માનિત કરે છે. વિકલાંગો માટેની શક્યતાભરી એક પણ તક ઝડપી લેવા તત્પર રહે છે. વિશ્લેષા, જયશ્રીબેન, પૂર્વેશ, વી.વી. ડાભી, રતિલાલ મકવાણા જેવા અનેકોને વિવિધક્ષેત્રે કારકીર્દિના નવનવીન દ્વારો ખોલી આપ્યા છે. સમગ્ર
સાબરકાઠાંના બસસ્ટેન્ડ પરની S.T.D. બૂથની ઝૂંબેશ હોય કે બી.એડ્. નું એડમીશન, ભાસ્કરભાઇનો અવાજ અગ્રસ્થાને હોય. સ્ત્રસ્થાના સદૃષ્ટા નિષ્ઠાવાન શિક્ષકને પણ શ્રેષ્ઠત્વનો એવોર્ડ મળે. કોઇનેય નુકશાન કે અન્યાય ન થાય તેનું પૂરતું ધ્યાન રખાય. તેઓ કમિશ્નર હતા તે દરમિયાન પણ જરાય ક્ષોભ, સંકોચ વગર સૌ કોઇ પોતાની સમસ્યાઓ લઇ આવતા અને કુનેહપૂર્વક તેનું કાર્ય અવિરત અને નિયમિત રીતે સંભાળતા હતા જ. કમિશ્નરના સ્થાન પર બેસી તેમણે ગુજરાતની સમગ્ર સંસ્થાઓ અને વિકલાંગોને સમાન
દ્રષ્ટિકોણથી જોવાનાં છે તે બાબતે સંપૂર્ણ સભાન હતા. તેથી તો ક્યારેય તેમણે પોતાની સંસ્થા તરફ્ કોઇ પક્ષપાત કર્યો નથી કે સિદ્ધાંત સાથે કોઇ સમાધાન કર્યું નથી. અલબત્ત, સંસ્થા સમૂહ માટે હોવાથી તેના હિતરક્ષણ માટે, વિકાસ હેતુ સરમુખત્યાશાહી વલણ દાખવું પડયું હશે તો તે તેની જરૂરી અનિવાર્યતા હશે. તેમણે સફળ નેતૃત્વ કરી અનેકને નેતૃત્વના પાઠ શીખવ્યા છે. આ રીતે સાબરકાંઠા જિલ્લામાં પાયાનું, સબળ અને અતિમહત્વનું કાર્ય તેઓએ કર્યું છે. જેની નોંધ સાબરકાંઠાના ઇતિહાસે પણ લેવી જ રહી.
ભાસ્કરભાઇનો સપ્તરંગી સ્વભાવ અમે માણ્યો અને નાહ્યો છે. તે હંમેશાં સૌને હસતા હસાવતા પણ આશિષનો
અકસ્માત, કાન્તિરાવળનું ઓપરેશન માતાની બિમારી દરમિયાન શાંત, ગંભીર અને ચિંતિત પણ જોયા છે. વિકલાંગોની સફળ સિધ્ધિઓમાં હર્ષના આંસુ છલકાયા છે તો માતા-પિતા, બાળપણની સ્મૃતિ કે ઝરમરની વિદાય લાગણીસભર રુદન સૌને પીગળાવી ગયું છે. બાળકો સાથે બાળ મસ્તી માણે છે તો પરિવારિક કે અન્ય યુવાનો ને ધીરગંભીર થઇ કડકાઇથી શીખામણ આપી, યોગ્ય નિર્ણય માટેનું માર્ગદર્શન, દ્રષ્ટાંતો સહિત આપતા હોવાનો લ્હાવો લીધો છે. તો વળી પ્રવીણાબેનને ‘પલ્લુ’ સંબોધન કરી રંગદર્શી મિજાજમાં ફિલ્મી ગીત ગાઇ તેમના સમાજ વ્યવસ્થાના બોજને હળવો કરી પ્રસન્ન કરતા પણ જોયા છે.
પ્રવિણાબેને પણ જ્યારે ઘરમાંથી જ સંસ્થાની શરૂઆત થઇ હતી ત્યારથી પારિવારિક, કૌટુંબિક, સામાજિક જવાબદારીની સાથે સાથે આ પ્રવૃતિમાં સહકાર આપતા જઇ સાચા અર્થમાં સહધર્મ ચારિણીની ભૂમિકા ભજવી છે. તેઓએ પણ પોતાના ત્રણ બાળકોની જવાબદારી પૂર્ણ કરી સમગ્ર સાબરકાંઠાના વિકલાંગોને પુત્રવત્ આવકારી ચેતોવિસ્તાર કર્યો છે. સમગ્ર સાબરકાંઠાના સંકુલ વિકલાંગ પરિવારને પોતાનું કુટુંબ સમજી “વસુધૈવ કુટુંબકમ્” ની ભાવના સાકાર કરી છે. હજુય તેમને તો....
“આખો અવતાર મારે ભમવા ડુંગરિયા, જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભજવી રે કંદરા, અંતરની આંખડી લ્હોવી જરી.”