“ભાસ્કર! મિત્ર કે ગુરૂ?”

પુરૂષોતમ અકબરી નામના તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ મારા દોસ્તને કારણે હું પ્રિ. યુનિ. આર્ટ્સ મા વિલોયન ગગન મહેતાના સંપર્કમાં આવ્યો. હું અંધ દોસ્તોનું કેવળ વાંચતો નહીં કિન્તુ તેમની સાથે આત્મીયતા કેળવી તેમને અપનાવી હરહંમેશ તેમની સાથે રહેતો. પરિણામે પુરૂષોતમ ગગનને ઘરે જવાનું થતું- સમય હતો 1972-74નો.

ગગન ના ઘરે જતાં તેના મોટાભાઈ પ્રજ્ઞાચક્ષુ ભાસ્કરનો પરિચય થયો. અમારી સાથે તે પણ કોલેજમાં જ આગળ ભણે. તેની તેજસ્વી કારકિર્દી, સંસ્કૃત મુખ્ય વિષય અને મિલનસાર સ્વભાવને કારણે અમે મિત્રતાના બંધનમાં જોડાયા. બધા મને, “બાબો” અથવા “જયલો” કહે.

અભ્યાસમાં એકાદ વર્ષ અન્ય કારણોને લીધે ડ્રોપ મુકવો પડયો. વર્ષ હતુ 1975-76. 1976-77 માં કોલેજમાં

જતાં મિત્ર ભાસ્કરને અમારા સંસ્કૃતના અધ્યાપક તરીકે જાણે માણવાની તક મળી. શરૂ ના તબક્કામાં આ નિમણુંક સ્વપ્ન જેવી લાગી. ક્યારેક ચાલુ વર્ગમાં મિત્રતા પણ અધ્યાપકને દબાવી ડોકિયુ કરી જાય. TY.B.A. ના અમારા સાડાત્રણ જેટલા પેપર પ્રા. મહેતા સાહેબ અમને ભણાવે. હું બ્રેલ લીપી થી અજાણ ન હતો. પણ બ્રેલ પુસ્તકો, પરિશ્રમથી જાતે તૈયાર કરવા પડે. તે વાત મને મહેતા સાહેબના બ્રેલ પુસ્તકો જોઈ સમજાયું. ચાલુ વર્ગમાં વિદ્યાર્થી પુસ્તક વાંચે અને ભાસ્કરભાઈ ભણાવે તેવું એમને પણ અનુકૂળ ન હતું- અમે ગણ્યા ગાંઠયા પાંચ વિદ્યાર્થીઓ અને તેમાંયે છોકરો તો હું એક. પરિણામે અમારો સંબંધ વધુ ગાઢ થયો. જેમ હું ભાસ્કરભાઈ ના પરિવારમાં જતો તેમ ભાસ્કરભાઈ મારા પરિવારમાં પણ આવતા. મારા જ ભાઈના સાળી સાથે મારા લગ્નને કારણે પરિવાર વિયોગ થયો ત્યારે ભાસ્કર-ગગન અને તેમનો પરિવાર મારી સાથે રહ્યો.

ભણાવવામાં ભાસ્કરભાઈની દોસ્તી ચાલે પણ પેપર આપવા કે ઉદારતાથી તપાસવામાં ભાસ્કર દોસ્ત કરતા સાચા દોસ્ત બનવા છતાં ધાર્યા કરતા ઓછા ગુણ આપે એટલે દુશ્મન લાગે. જો કે આવુ કેમ બન્યું? તેવુ દોષો દર્શાવી ભાસ્કરભાઈ સમજાવે ત્યારે તે મિત્ર ગુરૂ લાગે.

તેમના નાના ભાઈ ને વેરાવળ નોકરી મળી. ભાસ્કરભાઈ એ તેની સાથે મને વેરાવળ જવા જાણ કરી હું ગયો પણ ખરો અને મને સમજાયું કે અંધજનોની રોજબરોજની જિંદગીમાં શું તકલીફો છે?

NFB ની કાનપુર કોન્ફરન્સમાં અમે સવાસો ગુજરાતીઓ મહેતાની સરદારીમાં કાનપુર ગયા- તોફાને ચઢેલી

સામાન્ય સભાને સાત-સાત કલાકે સફળતાપૂર્વક સંચાલિત કરનાર શ્રી ભાસ્કરભાઈની આગવી આત્મસૂઝ અને નેતાગીરીની ઓળખ કરાવી. “ધાર્યું ધણીનું થાય.” તેમ બીજે દિવસે સભામાં બહુ મોટી ધાંધલ ધમાલ થઈ અને તે પણ અંધજનો વચ્ચે, પોલીસ પણ બોલાવવી પડી તેવે સમયે બહેનો બાળકો ને એક સલામત સ્થળે ખસેડાવી, અન્ય સભ્યોને વ્હેલામાં વ્હેલી ટ્રેનમાં રવાના કરી, કોન્ફરન્સ આયોજકો પાસેથી સૌને જવા-આવવાનું ખર્ચ વસુલ કરી. ભાસ્કરભાઈએ મને ધૈર્યનો પાઠ શીખવાડયો. ખૂનની ધમકી છતાં બીજા દિવસે કાનપુર બજારમાં બિન્દાસ ફરતાં મારા મિત્ર ભાસ્કરને જોઈ એમ માનવુ પડયું કે “સાંચ ને ન આવે આંચ.” આદર્શ ને બાજુ પર મૂક્યા વિના વાસ્તવિક પરિસ્થિતીમાં સૌના હિતમાં અને પ્રશ્નના ઉકેલની દિશામાં શ્રી મહેતા સાહેબે દાખવેલો અને અપનાવેલો અભિગમ અમને સૌને શીખવાડી જાય છે. “પ્રશ્નનો ઉકેલ સમાધાનમાં છે, નહીં કે સંઘર્ષમાં.”

તેમના લગ્ન પછી તેઓ મારા ઘરે આવ્યા અમે મળ્યા. મને એમ લાગ્યું કે, મારા ગુરૂ નહીં મારા મિત્ર મારા ઘરે આવ્યા. હું મામલતદાર હતો, D.Y.S.P હતો, જેલ સુપ્રિડેન્ટન્ટ હતો કે અત્યારે ભૂજ ખાતે મારી સેવાઓ બજાઉ છું. આ સૌ ગાળામાં અમારી મૈત્રી સતત ચાલુ રહી. અમારા મિત્રના સંતાનોના લગ્નમાં પણ સાથે જઈ અમે આનંદ લૂંટીયોં ત્યારે ભાસ્કરભાઈ ગુરૂ સાથે મિત્ર પણ લાગે.

એમની સંસ્થાના જુદા જુદા કાર્યક્રમોમાં મહેમાન તરીકે જાઉં ત્યારે મને મળતી પૂરેપૂરી આગતા-સ્વાગતા અને માન-સન્માન દર્શાવે છે, તે દર્શાવે છે કે તેમને જે ભૂમિકા અદા કરવાની હોય તે સંપૂર્ણપણે બધું ભૂલી

ભાસ્કરભાઈ અદા કરે.

ક્યારેક સાચુ પણ કડવુ સ્પષ્ટપણે બોલવાની તેમની ટેવ, મોટે થી બોલવાની તેમની ટેવ, આ બધુ ખૂંચે પણ તેમના પ્રેમાળ, હસમુખા, મિલનસાર સ્વભાવને કારણે આ બધુ ભૂલવું ન હોય તોય ભૂલવું પડે અને ખેંચતુ હોય તો પણ સહન કરવું ગમે તે તો તેમની મૈત્રીનું અનોખું રસાયણ છે.

ઘણીવાર એમ લાગે કે તેઓ પરાણે પુણ્ય કરાવવા જેમ અમને સમાજના કામમાં જોડે પણ જ્યારે આવા વર્ગને જોઈએ, આવાં કામ કરીએ ત્યારે એમ માનવુ પડે કે આરંભમાં પરાણે કરવાની ક્રિયા પાછળથી

ગમે તો તે ગુરૂ નો આદેશ છે.

આમ, મિત્રતા અને ગુરૂપણા વચ્ચે સપ્રમાણ ઝોલા ખાતા અમારા સંબંધોને ક્યારેય આંચ આવી નથી. ગુરૂ છે એટલે આશીવાદ ન અપાય. પણ મિત્ર છે એટલે એટલી શુભકામના પાઠવું કે જેમની ષષ્ઠીપૂર્તિ ઉજવીએ છીએ તે સૌના કામ કરતા કરતા સો વર્ષ પૂરાં કરે અને સૌનુ થાય તેટલું હિત કરે. અને અમારા જેવા પાસે કરાવે.

જયેશ બી. માંડલિયા
પોલીસ અધિક્ષક
મરીન સેટર કમાંડર, ભૂજ,