“અણધારી સફળતાઓ”

જે નેત્રોથી આ રળિયામણા જગતનાં દર્શન કર્યા ક્ષિતિજ પર ઊગતા સૂરજને જોયો, આથમતી સંધ્યાના રંગોને માણ્યા એ નેત્રોમાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષના આ ઊજાસ પછી આવેલ અંધકારનાં વાદળો-તેમાંથી ઊભી થયેલી નિરાશાજનક પરિસ્થિતિ વ્યકિતને કેવી પરિસ્થિતિમાં મૂકે છે તે તો જે આ સંજોગોમાં મુકાય તેને જ ખબર પડે. પણ આ પરિસ્થિતિમાં કોઈનો સહારો અથવા માર્ગદર્શન મળે તો વ્યકિત ક્યાંથી ક્યાં પહોંચે તેનું એક જીવંત દ્રષ્ટાંત એટલે જયશ્રી.

નાનપણથી જ લાડકોડમાં ઉછરેલી એકની એક દીકરી. પરંતુ વિધિની વક્રતાએ 10-15 વર્ષની ઉંમરમાં જ દ્રષ્ટિની ખામી આપી. શરૂઆતમાં તો ખ્યાલ ન આવ્યો પણ જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે તેનો કોઈ ઉપાય નહોતો. માતા-પિતા અને પરિવારની હૂંફ અને હેતથી ધીમે ધીમે છવન આગળ ધપવા માંડયુ. રમતાં-કૂદતાં-ખેલતાં મુશ્કેલીઓ વચ્ચે S.S.C. સુધી પહોંચી. ત્યારબાદ લગ્ન કરવામાં આવ્યું. પણ લગ્નજીવન સફળ ન થતાં છૂટાછેડામાં પરિણમ્યું. આંખોનો અંધકાર અને જીવતરનો અંધકાર-છૂટાછેડા એમ બેવડો આઘાત. છતાં પરિસ્થિતિ પ્રમાણે મનોબળ દ્રઢ કરી જીવન ધીમે ધીમે પુનર્વસન તરફ આગળ ધપાવ્યું.

પિતા પ્રાયમરીમાં પ્રિન્સિપાલ હોવાથી તેમની જ શાળામાં એક શિક્ષિકાબેનની મદદથી ફરી અભ્યાસ આગળ વધારવાની શરૂઆત કરી S.S.C. સુધી જ અભ્યાસ કરેલ હોવાથી આગળ અભ્યાસ કઈ રીતે કરવો એ એક

જટિલ સમસ્યા ઊભી થઈ પણ એક્ષટર્નલ બી. એ. કરવાનો નિર્ણય લેવાયો. S. N. D. T. વીમેન્સ યુનિવર્સિટી

બોમ્બેની શાખા અમદાવાદમાં ચાલતી હોઈ તેમાં એડમીશન મેળવ્યું, દ્રષ્ટિની ખામી હોવાથી રીડર અને રાઈટરની જરૂર પડવા માંડી. ઈડર પી. ટી.સી. કોલેજના પ્રિન્સીપાલશ્રીની ભલામણથી ત્યાંની દીકરીઓ અને બે પ્રાધ્યાપકોની મદદથી કામ આગળ ચાલ્યું. પરિવારમાં માતા-પિતા, ભાઇ-ભાભી એ પણ સંપૂર્ણ સહકાર આપ્યો.

પ્રતિકૂળ સંજોગો છતાં અભ્યાસની આ મઝલ દરમ્યાન ઈડર કોલેજના એક પ્રોફેસર શ્રી મગનભાઈ પ્રજાપતિની દીકરી મારા પિતાની સ્કૂલમાં હોવાથી તેમનો અમારી સાથે પરિચય થયો. મને દ્રષ્ટિની ખામી છે તે જાણ્યા પછી તેમણે તરત મા. ભાસ્કરભાઈ સાહેબનું ધ્યાન દોર્યું અને મા. ભાસ્કરભાઈ સાહેબે તાત્કાલીક મારો સંપર્ક કર્યો. અને સંસ્થામાં જોડાવા આગ્રહ કર્યો, પરંતુ પુરુષ પ્રત્યેના પૂર્વગ્રહ અને બેવડા આઘાતને કારણે મારું વલણ નકારાત્મક રહ્યું. પરંતુ મા. સાહેબે પીછેહઠ ન કરી. મા. સાહેબ જેમનું જીવન વિકલાંગ વ્યકિતઓના જીવનમાં આત્મસમ્માન પ્રેરનારું અને અનેક લોકોના જીવનની નાવને પાટા પર ચડાવવાના હંમેશાં પ્રયત્નશીલ રહ્યું છે તેવા મા. સાહેબના પ્રયત્નોથી એક દિવસ સંસ્થામાં જોડાઇ એમના પત્ની શ્રીમતિ

પ્રવિણાબેન મારી સાથે બ્રેઈલ લિપિ શીખશે એમ જણાવી મને બ્રેઇલ શીખવા તત્પર બનાવી. આમ. B. A. નો અભ્યાસ પૂર્ણ થયો. M. A. રેગ્યુલરમાં અભ્યાસ શરૂ કર્યો. રીડર, રાઈટર અને મા. સાહેબના સહકારથી એમ. એ. પૂર્ણ કર્યું.

પણ કસોટીનો કાળ હજુ પીછો છોડે તેમ નહોતું. બી. એડ્. ના એડમીશનમાં ખૂબ તકલીફ પડી. બી. એડ્. નો અભ્યાસ અધવચ્ચેથી છોડી પાછા આવવાની વાત સાંભળી મા. સાહેબ તેમના માતુશ્રી અને તેમના પરિવાર સાથે મારે ઘેર આવ્યા અને આગ્રહપૂર્વક બી. એડ્. ન છોડવા જણાવ્યું. અને બી. એડ્. પુરું કરવા પ્રોત્સાહન-પ્રેરણાબળ પૂરાં પાડયાં. જાણે મૂરઝાતા છોડને પ્રેરણાનાં નીર પિવડાવીને મારા મનને નવપલ્લવિત કર્યું. જેના બળે અભ્યાસકાર્ય પૂર્ણ થયું. આપના આ માર્ગદર્શને મને આત્મબળ અને આત્મવિશ્વાસ પૂરાં પાડયાં.

અભ્યાસપૂર્ણ થતાં સાહેબે અમારા અંધજન મંડળમાં પહેલી અંધપ્રવાસી અધ્યાપિકા તરીકે નોકરી માટે સમજાવી. મેં ખૂબ આનાકાનીને અંતે નોકરી સ્વીકારી. આ સંસ્થામાં જોડાયા બાદ તો સાહેબના પરિવાર અને મારા પરિવારનો સંબંધ ખૂબ ગાઢ બન્યો.

આ અરસામાં એન. આર. એ. વિદ્યાલય, ભિલોડામાં મદદનીશ શિક્ષિકાની નોકરીમાં જોડાઈ. જ્યારે કોલંબો વર્લ્ડ-કોન્ફરન્સમાં જવાનું થયું ત્યારે પ્રવિણાબેન મારા સહાયક તરીકે મારી સાથે જોડાયા. અને કોન્ફરન્સ પૂરી કરી. સંસ્થાની જુદી જુદી પ્રવૃત્તિમાં મને ગમે કે ન ગમે પરંતુ આગ્રહપૂર્વક ભાગ લેવા સદાય પ્રેરતા અને પડતી મુશ્કેલીઓને દૂર કરવા સાહેબશ્રીનો ખૂબ જ સપોર્ટ રહ્યો. જિંદગીમાં આવેલી કોઈપણ પ્રકારની મુશ્કેલી શિક્ષણની હોય, સહાયકની હોય, કે અન્ય કોઈપણ હોય, પણ સાહેબ હંમેશાં મારી પડખે રહ્યા તેમણે મને હસતી કરી. જીવનમાં આવેલી મુશ્કેલીઓ સામે ઝઝુમતી કરી, ક્યારેક ન ગમે તો મશ્કરી મને આનંદમાં રાખવાનો પ્રયાસ કરે. ખરેખર, આપશ્રીએ મારા જીવનના પથદર્શક બની મારા જીવનમાં ચેતનાનો સંચાર કરી જીવનના ઉપવનમાં અનેકાનેક ઉપલિબ્ધઓનાં ફૂલ ખીલવ્યાં નહીંતર મારું જીવન ઘોર અંધકારે અટવાયા કરત. અત્યારે હું સ્વાશ્રયી હોવાનું શ્રેય આપને ચરણે ધરું છું.

આમ એક કહેવત છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તેની જેમ જ મારા જીવનમાં પણ બન્યું. હું ક્યાંથી ક્યાં પહોંચી અને આટલી અણધારી સફળતાઓ મેળવી શકી તેના મૂળમાં મારા માતા-પિતા, પરિવાર અને આપશ્રી તથા આપનો પરિવાર હંમેશાં મારી સાથે રહ્યો છે.

આપની ષષ્ઠીપૂર્તિ પ્રસંગે અમને સહભાગી થવા મળ્યું તે માટે ખૂબ આનંદ છે. આપની ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ખૂબ સારી રીતે ઊજવાય એવી શુભ કામના છે આપનું આરોગ્ય નિરામય બને અને ઈશ્વર દીર્ઘાયુષ બન્ને એવી અંતઃકરણની પ્રભુને પ્રાર્થના....

– જયશ્રીબેન મિસ્ત્રી
સહમંત્રી, NAB ઇંડર.