કોઈક આ અર્વાચીન દુહામાં લાડુના ભારોભાર વખાા કરેલ છે અને એમાંથી આપણને સગપણમાં સાઢુ અને ભોજનમાં લાડુ એવી કહેવત મળી.
પ્રવિણાબહેન (મારા સાળી) ના સિવિલ મેરેજ નિમિત્તેના સત્કાર સમારંભમાં ભાસ્કર ભાઈને પહેલીવાર મળવાનું થયેલ અને એ સાઢુ હોવાને નાતે અને એથીયે વધુ એક અદકેરા મિત્રના દાવે વખતોવખત મળવાનું થયેલ છે અને તેમની સાથેનું પ્રત્યેક મિલન લાડુની જેમ મીસ્ટ રહેલ છે.
ભાસ્કરભાઈ વિષે કંઈકપણ લખવાની મારી યોગ્યતા વિષે હું ભારોભાર શંકિત છું. અને બીજું ભાસ્કરભાઈ
વિષે કંઈક કહેવું એ સુરજને દીવો બતાવવા જેવું છે. બાકી તો ભાસ્કરભાઈએ આદરેલા યજ્ઞ-રાષ્ટ્રીય અંધજન મંડળના પમરાટ થી મહેકતો ઈડર તાલુકો અને સાબરકાંઠા જિલ્લા એનું પ્રમાણ છે. “हाथ कंगन को आरसी क्या” મા-બાપના ચાર સંતાનો પૈકી ત્રીજા ભાઈની શૈક્ષણિક કારકિર્દી નેત્રદિપક રહી છે. નેત્રહીન હોવાનો અવરોધ ક્યારેય એમની શૈક્ષણિક ચમકને નડ્યો નથી. એટલું જ નહીં પણ દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓથી પણ વેંત ઊંચા રહ્યાં છે.
ભાસ્કરભાઈનું વ્યકિતત્વ બહુ આયામી રહ્યું છે. પ્રાધ્યાપક તરીકે છાત્રોને મંત્ર-મુગ્ધ કરી દેતા વક્તા તરીકે, રાષ્ટ્રીય અંધજનમંડળ-ઈડરના મંત્રી તરીકે એક કુશળ પ્રશાસનિક અને વિકલાંગ ખાતાના કમિશ્નર તરીકે સચિવાલયમાં એક સૂઝબૂઝ ધરાવતા વહીવટી અધિકારી તરીકેની તમામ કામગીરી સુપેરે નિભાવી છે.
1978 માં પ્રવિણાબહેન સાથેનું લગ્ન એમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ કહી શકું. સાબરકાંઠા ભાસ્કરભાઈને ફળ્યું છે. પત્નીના રૂપમાં પ્રવિણાબહેનને પામ્યા પછી ઈડર કોલેજમાં સંસ્કૃતના પૂર્ણકાલીન પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ. ઈડરમાં આવ્યા પછી અનેક આસપાસના અંતરિયાળ ગામોની મુલાકાત પછી એમને લાગ્યું કે નેત્રહીનો/વિકલાંગો માટે આપણે હજુ ઘણું કરવાનું છે અને આ મિશનને ચરિતાર્થ કરવા સાબરકાંઠાના ઈડર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળની સ્થાપના કરી અને આ રાષ્ટ્રીય અંધજનમંડળ ઈડર એક સંસ્થા જ નહીં પણ એક આંદોલન બની રહી.
વેદના સહી હોય એ જ વેદનાને સમજી શકે એ ભાસ્કરભાઈનો જીવનમંત્ર રહ્યો છે. સમાજમાં નેત્રહીનો/વિકલાંગોનો સ્વીકાર થાય, તેઓને તાલીમ આપવાથી માંડીને યોગ્ય રોજગારી મેળવી શકે અને સ્વનિર્ભર થઈ પોતાનું સ્થાન બનાવી શકે, તેવા ઉમદા હેતુ સાથેની રાષ્ટ્રીય અંધજનમંડળ ઈડર એક અનેરી સંસ્થા બની રહ્યું. જે ભાસ્કરભાઈની નિષ્ઠા, અથાગ પરિશ્રમ અને દુરદેશીપણાને આભારી છે. સાબરકાંઠા જેવા પછાત જિલ્લામાં અંધજનોના પુનર્વસન માટે ત્રીસેક વર્ષોથી ધુણી ધખાવીને કાર્ય કરતા ભાસ્કરભાઈની
નોંધ ગુજરાત સરકારે લીધી અને તેઓને ગુજરાત રાજ્ય વિકલાંગ ખાતાના કમિશ્નર તરીકે નિમણૂક આપી. જે પદભારપણ તેમણે બેખૂબી નિભાવ્યો. આ ભાસ્કરે કંઈક કેટલીયે જિંદગીઓમાં આશાનો ઉજાસ રેલાવીને
કેટલાયે કુટુંબોને નવપલ્લવિત કર્યાં છે.
એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી અચૂક હોય છે. ભાસ્કરભાઈની અનેકવિધ સફળતા પાછળ એક નહીં પણ બે-બે સ્ત્રીઓનો હાથ રહેલો છે. રંભામા (ભાસ્કરભાઈના મા) જેમણે ભાસ્કરભાઈમાં
સંસ્કારનું સીંચન કર્યું અને અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરવા સુધી સતત પ્રયત્નશીલ રહ્યાં. ત્યારબાદ લગ્ન પછી પ્રવિણાબહેનનો એમની જિંદગીમાં પ્રવેશ થયો અને એમણે સતત પડછાયાની જેમ સાથે રહીને સામાજિક/કૌટુંબિક જવાબદારીઓ નિભાવી તેમજ કાર્યષુમંત્રીની જેમ ભાસ્કરભાઈની અનેક વિવિધ પ્રવૃત્તિઓમાં ખંભેખંભા મેળવી Made for Each Other ને સાકાર કર્યું.
સાઇઠ વર્ષોની જિંદગીના લેખાજોખાં કરવા કેટલાયે પાના ઓછા પડે, ષષ્ઠિપૂર્તિનું આ ટાણું એ દુઆ-સલામનું પર્વ છે. સલામ ભાસ્કરભાઈને એમની કાર્યનિષ્ઠાથી અનેકવિધ સંસ્થાઓને ધબકતી રાખવા બદલ સલામ. કંઈ કેટલીયે જિંદગીને આશાનું કિરણ દેખાડનાર ભાસ્કરભાઈને અને ઈશ્વરને પ્રાર્થના (દુઆ) કે ભાસ્કરભાઈ
ખૂબ લાંબુ તંદુરસ્ત જીવન પામે અને તેમના થકી આવાં જ સત્કાર્યો થતાં રહે, જે કલાતિત રહે. ભાસ્કરભાઈનું સન્માન એ એમનું સન્માન જ નહીં પરંતુ આપણો એક
સમાજના અંગ તરીકેનો ઋણસ્વીકાર છે. ભાસ્કરભાઈની વિરાટયાત્રાને વધાવવાનો આ પ્રયત્ન એટલે, એમ કરી શકાય.
રસમ અહીંની જુદી નિયમ સાવ નોખા.
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.