પ્રો. ભાસ્કર મહેતાનું અધ્યાપક મંડળમાં યોગદાન

સ્નેહીથી પ્રો. ભાસ્કર મહેતાના ષષ્ઠીપૂર્તિ ઊજવણી નિમીતે તેમના અધ્યાપક મંડળ સાથેના સંબંધો અને અધ્યાપક મંડલની લડતમાં તેમના યોગદાન વિષે મારા વિચારો રજુ કરતાં આનંદની લાગણી અનુભવુ છું.

હું પ્રો. જે. એ. પટેલ તથા ભાસ્કર મહેતા છેલ્લા 25 વર્ષથી એક બીજા નિકટ મિત્ર છીએ. આ સમય દરમ્યાન પ્રો. ભાસ્કર મહેતા વિશિષ્ટ વ્યકિતત્વનો અને તેના વિવિધ પાસાઓનો મને અનુભવ થયો છે. પ્રો. ભાસ્કર મહેતા વિશિષ્ટ શક્તિ અને ગુણો ધરાવતું વ્યક્તિત્વ ધરાવે છે તેનાથી આપણે સૌ પરિચીત છીએ. પરંતુ મારા માનસ પર તેમના વ્યકિતત્વનો જે પ્રભાવ પડેલો છે તે અધ્યાપક મંડળમાં તેમના યોગદાન વિષેનો છે.

હું છેલ્લા કેટલાક વર્ષોથી ઈડર કોલેજમાંથી અધ્યાપક મંડળના પ્રતિનીધી સાથે સંકળાયેલ છું. પ્રો. ભાસ્કર મહેતા એ પણ ઈડર કોલેજમાંથી અધ્યાપક મંડળના પ્રતિનીધી તરીકે લાંબી સેવા આપેલી છે. પ્રો. ભાસ્કર મહેતા અને પ્રો. જતીન જોષી ડભોઈની કોલેજમાં જોડાયા ત્યારબાદ અધ્યાપક મંડળના આદરણીય પ્રમુખ શ્રી કે. એસ. શાસ્ત્રીના પરિચયમાં આવ્યા અને એક સામાન્ય સભ્ય તરીકે અધ્યાપક મંડળમાં જોડાયા. ત્યારબાદ અધ્યાપક મંડળની ફીલોસોફી સાથે રંગાતા ગયા. વિષયની સામ્યતાને કારણે પ્રો. કે. એસ. શાસ્ત્રી સાથે તેમના સંબંધો વધુ ને વધુ મજબૂત બનતા ગયા.

1977ની આસપાસ ગુજરાતમાં Old S.SC. બંધ થયું. 10 + 2 ની શિક્ષણ પ્રથા દાખલ થઈ. આ સમય

અધ્યાપક મંડળ માટે સંક્રાંતિનો સમય હતો કારણ કે ઘણા બધા અધ્યાપકો આ પ્રથાને કારણે સંખ્યાધીક થવાના હતા. મારી યાદદાસ પ્રમાણે અધ્યાપક મંડળે આ સમયે જે ભૂમીકા ભજવી હતી તે ઈતિહાસમાં એક યાદગાર ભૂમીકા હતી. મોટા ભાગના અધ્યાપકોને નોકરીનું તથા પગારનું રક્ષણ મળ્યું હતું. ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં અધ્યાપકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અધ્યાપક મંડળે અધ્યાપકોના સાથ અને સહકારથી અધ્યાપક મંડળ સંચાલિત પ્રાંતિજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની સ્થાપના કરી. આ કોલેજની સ્થાપનામાં પ્રો. ભાસ્કર મહેતાની ભૂમીકા વિસરી શકાય તેમ નથી. તેટલું જ નહીં પણ અધ્યાપક મંડળ સંચાલિત પ્રાંતિજ કોલેજમાં તેમણે અધ્યાપક તરીકેની સેવા આપી બધા કોલેજની સ્થાપનામાં નાણાકીય તથા અન્ય સેવાઓ પૂરી પાડી હતી.

પચ્ચીસ વર્ષ સુધી ભાસ્કર મહેતાને અંધ પ્રોફેસર હોવા છતા અધ્યાપક મંડળની પ્રવૃત્તિમાં જે કામ કરતા જોયા છે તેને આધારે કહી શકાય કે અધ્યાપક મંડળે અધ્યાપકોના પ્રશ્નો માટે વિવિધ સમયે જે કાર્યક્રમો આપ્યા હતા તેમાં તેમની ભુમીકા એ મારા પર વિશેષ પ્રભાવ પાડયો છે.

ભાસ્કર મહેતા એક અંધ અધ્યાપક હોવા છતા વર્ક ટુ રુલ આંદોલન હોય અધ્યાપક મંડળના દેખાવો હોય દિલ્હીમાં સંસદ સમક્ષ કાર્યક્રમો હોય શિક્ષણ મંત્રી સાથે મંડળના નેતાઓની વાતચીત હોય ભાસ્કર મહેતા એ રચનાત્મક ભાગ લીધો છે. 60 વર્ષમાં પ્રવેશી ચુકેલા પ્રો. ભાસ્કર મહેતા આજે પણ એક યુવાન અધ્યાપકની

જેમ અધ્યાપક મંડળની પ્રવૃત્તિમાં કોઈની પણ સેહ શરમમાં આવ્યા સિવાય નીડર પણે અધ્યાપક મંડળના એક અદના સૈનિક તરીકે મહત્વની કામગીરી બજાવી રહ્યા છે. ચાલુ વર્ષે ફરી તેમની નિમણુંક ઇડર કોલેજમાં અધ્યાપક મંડળના પ્રતિનિધી તરીકે થયેલ છે જે અધ્યાપકમંડળ તેમની વિશિષ્ટ કામગીરીમાં અધ્યાપકોએ દાખવેલ વિશ્વાસ વ્યક્ત કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રો. ભાસ્કર મહેતા જન્મથી અંધ છે. તેમની આ કુદરતી પ્રતિકુળતા છતાં તે અધ્યાપક બન્યા. ત્યારબાદ તેમણે અધ્યાપક સમાજ માટે જુદા જુદા તબક્કે જે સેવાઓ આપી છે તે અવિસ્મરણીય છે.

છેલ્લા દાયકામાં રાજકીય વિચારસરણીમાં મતભેદ હોવાને કારણે અધ્યાપક મંડળમાં વૈચારીક મતભેદ ઊભા થયા તેમ છતાં પ્રો. ભાસ્કર મહેતા એ અધ્યાપકોના પ્રશ્નને વિશેષ મહત્વ આપ્યું હતું અને રાજકારણની છાપ તેમનાં વ્યકિતત્વ પર પડવા દીધી ન હતી.

પ્રો. કે. એસ. શાસ્ત્રીની વિચાર સરણીના તથા અધ્યાપક મંડળની કાર્ય પધ્ધતિના એક અદના સૈનિક તરીકેની કામગીરી બજાવી છે. યુનિ. ના સેનેટ સભ્ય તરીકે સેનેટમાં અધ્યાપકોના પ્રશ્નોની સચોટ રજુઆત કરી છે. અંધ શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા અંધ અધ્યાપકો માટે પણ સતત લડતા રહ્યાં છે અને તેમના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેતા રહ્યા છે. અંધજન મંડળ દ્વારા ઈડર કોલેજ તથા આસપાસના વિસ્તારોની શૈક્ષણિક તથા સામાજીક સેવામાં મહત્વનું પ્રદાન કરેલ છે.

અંતમાં હું કહી શકું કે ભાસ્કર મહેતા અધ્યાપક મંડળના સંનિષ્ટ સભ્ય, અધ્યાપક મંડળની કારોબારીના સભ્ય,

યુનિ.ના સેનેટ સભ્ય કોલેજમાંથી અધ્યાપક મંડળના પ્રતિનીધી પ્રા. કે. એસ. શાસ્ત્રીના સાચા મિત્ર તથા શિષ્ટ તરીકેની તેમની સેવાઓ અધ્યાપક મંડળના ઈતિહાસમાં ચીરસ્મરણીય બની રહેશે.

પ્રો. ભાસ્કર મહેતાની વિશિષ્ટ શૈલી અંધ હોવા છતાં પણ નીડર, સ્પષ્ટ વક્તા બુધ્ધી ચાર્તુથ, અડગ મનોબળ,

ભય અને ડર વિનાની રજુઆત, અંગ્રેજી-સંસ્કૃત પરનું તેમનું પ્રભુત્વ, અધ્યાપક મંડળ તથા અધ્યાપકોના પ્રશ્નોમાં વિશેષ તત્પરતા એમના આ બધા ગુણોને કારણે એમનું વ્યકિતત્વ આગવી છાપ ઊભી કરે છે.

-પ્રો. જે. એ. પટેલ
અર્થશાસ્ત્ર વિભાગ,
આર્ટ્સ કોમર્સ કોલેજ, ઈડર