મને તારી યાદ હરખાવે.

અંધ શાળા, આશ્રમ રોડના એક સિનિયર વિદ્યાર્થી તરીકે આપણે જેની ષષ્ઠીપૂર્તિ ઉજવીએ છીએ તે પ્રા.

મહેતાને રાજ્ય, રાષ્ટ્ર લેવલે ગુજરાતી-હિન્દી, અંગ્રેજી, બ્રેલ વાંચનમાં ઝડપ, શુદ્ધોચાર, હાવભાવ સાથે ઉત્તમ દેખાવ કરતો, ઈનામ જીતતો જોયાની યાદ આવતાં આજે પણ હૈયુ આનંદ અનુભવે છે. સામાન્ય શાળામાં ગયેલો ભાસ્કર અને તેણે ત્યાં મેળવેલી સફળતાઓ અને તે પણ અમારા ક્ષેત્રના નેતાઓની ઈચ્છાને બાજુ પર રાખી સદ્રષ્ટિ મિત્રોને દોસ્ત બનાવતો, તમામ પ્રશ્નોના ઉત્તર પરીક્ષામાં આપતો. વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ ઈનામ જીતતો અને સૌની વાહ વાહ અને તાળીઓ મેળવતો ભાસ્કર અમને આજે પણ યાદ આવે છે અને આજે પણ મન આહલાદિક થઈ જાય છે.

હા, અમારી જેમ નેતર, સંગીતમાં નબળો રહી ગયેલો. આ માટે શિક્ષકોના અપશબ્દો અને માર ખાતો, અને

ક્યારેય ધો. 1 થી 7 માં ફુલ્લી પાસ ન થનાર ભાસ્કર ભલે ષષ્ઠીપૂર્તિ સુધી પહોંચે પણ અમને તેની આજસુધીની મર્યાદાઓ અને વિકાસની યાદ હૈયું હરખાવે છે.

એસ.એસ.સી. માં તમામ અંધવિદ્યાર્થીઓમાં પ્રથમ આવી, હાલના લાયન ડીસ્ટ્રીક 323 બી નો એવોર્ડ જીતી, જ્યારે ભાસ્કર અમારી વચ્ચે આવ્યો ત્યારે અમારી ખુશીનો પાર ન રહ્યો. તે જમાના ના તેણે મેળવેલ 70% ગુણ અમને આજે યાદ આવતા અમે આશ્ચર્યશક્તિ થઈ જઈએ છીએ.

પરંપરા તોડી બહુમતી ના વિરોધ સાથે સમજુ લઘુમતીની સાથે અને આત્મવિશ્વાસને બળે અંધજનો માટે આ ક્ષેત્રના પ્રવેશતા અંધકારને જાણતો હોવા છતા ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતો ભાસ્કર અમને આજેય યાદ છે. અમારા ક્ષેત્રના નેતાઓને તે ઉ. શિ. મેળવી તેમનું સ્થાન મેળવવાની મહત્વાકાંક્ષાને ચરિતાર્થ કરતો તેમજ તે કાળે હિન્દી-ગુજરાતી-સંસ્કૃતમાં રાજ્ય અને રાષ્ટ્રકક્ષા એ પારિતોષિક મેળવતો.

પુરૂષાર્થ પ્રેમી, ઉત્સાહિત ભાસ્કર કેમ ભૂલાય!

વિકસતા ભાસ્કરને B. A. માં ગંભીર માંદગી આવ્યાનું અને મક્કમ મને અનેક તકલીફો વચ્ચે સૌના સાથ થી કોઇ છૂટછાટ મેળવ્યા સિવાય સંસ્કૃત વિભાગમાં પ્રથમ આવતો પ્રજ્ઞાચક્ષુ ભાસ્કર અમારો આદર્શ બન્યો. અમારી દિવાદાંડી બનતો અમારો દોસ્ત અમને આગળ આવવા માર્ગ બતાવતો હતો. હવે તે કેવળ ગગન મહેતાનો નહીં પણ અમારાયે વસનનો માર્ગદર્શક બન્યો.

આં. રા. નિબંધ સ્પર્ધાધામાં ઈનામ જીતી, જર્મની જતાં જુવાન ભાસ્કરને અમે આજે એટલે યાદ કરીએ છીએ કે વિદેશ જતા વિજેતાની સાદગી અને તેણે રાખેલો તેની આર્થિક મર્યાદાનો ખ્યાલ, સફળતાના સમયે સ્થિર રહેતા માનવીની અમને યાદ આવે છે.

ગામડાની કોલેજમાં પ્રાધ્યાપકની નિમણૂંક સ્વીકારી, રોજ વ્હેલી પ્રભાતે અપ-ડાઉન કરતો બપોરે B. Ed. કરતો, સાંજે ભવિષ્યની તૈયારી કરતો, પ્રવૃતિશીલ ભાસ્કર અને તેની કર્મઠતા યાદ કરી અમે એટલા પ્રસન્ન થઈએ છીએ કે તેના થોડા પણ અનુસરણે અમને મોટો લાભ આપ્યો. પોતા માટે આવશ્યક સગવડ પોતે ઊભી કરવાની અને તે પણ કોઈ ને ફરિયાદ કર્યા વિના. આવી તેની ટેવ અમને “જાત મહેનત ઝિંદાબાદ” નો પાઠ શીખવાડે છે. અમે ભણતા ઢગલો પૈસો ખર્ચતા, સામાન્ય પરિણામ આવતું, જ્યારે તે ભણે ઓછો ખર્ચ કરે અને સામાન્ય વિદ્યાર્થીઓ સાથે રહી તેજસ્વી પરિણામ લાવે ત્યારે અમારી અંદરની આંખ ખુલે કે પૈસા થી વિદ્યા ખરીદી ન શકાય. અમને ગૌરવ હતું કે અમારો દોસ્ત સફળતાના શીખરો સર કરે છે. અમને ભૂલ્યા વિના, અમને સાથે રાખી, તેનું નિશ્ચિત લક્ષ નક્કી કરી, વિદેશમાં રહ્યા અમને આજે આવા મિત્રની યાદ હર્ષિત

કરી દે તે સ્વાભાવિક છે.

તેના અભ્યાસ અને નોકરીની જેમ તેનું વૈવાહિક પુર્નવસન પણ અમને યાદ છે. પ્રથમ તો તેણે ભણેલી, સદ્રષ્ટિ જીવન સંગીની તેની સ્વેચ્છા અને સંમતિથી મેળવી તે અદ્ભુત નહીં આનંદદાયક ઘટના તો ચોક્કસ ગણાય. તેનું લગ્ન એક નહીં, બે દિવસ માણ્યુ કારણ વહેલા દિવસે ખેલાડીનું વિમાન સમયસર ન ઉતર્યું ત્યારે હતાશ થઈ ગુસ્સે ભરાયેલ ભાસ્કર આજેય અમને યાદ આવતાં મિત્રો તરીકે પ્રસન્નતા લાગે. મહેતા દંપતિ અમારા પ્રજ્ઞાચક્ષુ જગતના આદર્શ દંપતિ ગણાયાનું મને આજેય યાદ છે. મારા લગ્ન માટે પણ બ્રેક અને એકસેલેટર બનતો મારો દોસ્ત ભાસ્કર લગ્ન બાદ પણ આજ સુધી અમારો સાચો રાહબર બન્યો. તેની યાદે અમારો પરિવાર પુલકિત થઈ ઉઠે છે.

ભાસ્કરને ત્યાં પુત્ર જન્મનો ઉત્સવ અમે મનાવતા હોઈએ, સંસ્થાના કામે પ્રવાસમાં અમે સાથે હોઈએ. અમે ભાસ્કરની મશ્કરી પણ કરીએ કદિક વધુ કિંમત ચુકવવા માટે ગુસ્સો પણ કરીએ તોય ભાસ્કર તો હોય તેવો સ્વસ્થ જ હોય અને સમય મળે અમને સાચું સમજાવી અમારો સુહૃદ બને આવા સહપદવી પ્રાપ્તિની ક્ષણો મોજદાયિ જ હોય.

સિધ્ધાંત-લાંચ રુશ્વત વિરોધ-અન્યાય સામે બીજા વતી તેની લડવાની વાત, જરૂર પડયે સમાધાન અને જરૂર પડયે આંદોલનમાં શસ્ત્ર ઉગામવાની વાત વગેરેમાં દેખીતી રીતે અંધ, અમારો પ્રિયમિત્ર ભાસ્કર સદા સફળ રહ્યો. 1976 માં અમે તેને આ ક્ષેત્રે લાવ્યા ત્યારબાદ સફળતાઓ તેની આવડત અને શ્રમની સંગીની બની, તેને સફળતા શિખરો સર કરાવતી ગઈ. જિંદગીમાં તેને ઘણુ મળ્યું. તેણે તે વિનમ્રતાથી સ્વીકાર્યું. અમને સતત યાદ રાખ્યા અને તે પણ જ્યારે ગંભીર રહેવાનું હોય ત્યારે ગંભીર રહીને અને હળવાફુલ બનવાનું હોય ત્યારે હળવાફુલ રહીને. અમારી સંપન્નતાનો એણે ક્યારેય સ્વાર્થે લાભ ન લીધો હોવાનું યાદ આવતાં આ દોસ્ત માટે સાનંદ માથું ઝુકી જાય છે. તે જેટલુ સારૂ બોલી શકે તેટલું જ જો જરૂર પડેતો કડવું-અપશબ્દયુક્ત અમૂક બોલી શકે. બોલવાથી કોઈ ફેર ન પડે તો તે ક્યારેક મારી પણ બેસે. અલબત સામેવાળાના હિત

પર હોય. તેનું હિત ભલે નુકશાન ન ભોગવતું હોય. આવુ લાખના હજાર કરતો (બીજા માટે) આવો અમારો દોસ્ત અમને આનંદ વિભોર કરી મૂકે તે સ્વાભાવિક છે.

સભાઓ, પરિષદોમાં ગાજવા માટે તે સતત ફર્યા કરે, અમને પણ ફેરવે. આ બધું છતાં નોકરીની બાબતમાં ચુસ્ત, સદા તાજો રહેતો, થોડું વાંચી, ઝાઝુ સાંભળી નવુ પીરસતો દોસ્ત ભાસ્કર આ ઉંમરે પણ હજી સાઈઠનો થયો હોય તેવું લાગતું નથી.

ઘણી ઈચ્છા હોવા છતાં, વિદેશમાં રહેતો હોવાને કારણે હું પ્રત્યક્ષ ષષ્ઠીપૂર્તિ માં હાજર રહી નહી શકું. કિન્તુ

સ્વ. ભાવસંગદાસ પરિવાર વતી અમારા આ સતત વિકસી, અમને વિકસાવતા સાથી મિત્રને દીર્ઘાયુષ્યની શુભકામના સાથે તેનું વ્યકિતત્વ અને નિવૃતી બાદ થતા કામો અમને આ સમારંભને યાદો વાગોળી આનંદ લૂંટવાની તકો આપે તેવી શુભકામના સહ....

- બળદેવભાઈ પટેલ