ભાસ્કર સાથે રહેતાં-રહેતાં

ભાસ્કર! વિધીની વક્રતા કહો કે અપવાદ જેનુ નામ જ ભાસ્કર, તે પોતે જ પ્રજ્ઞાચક્ષુ, જેણે ક્યારેય ભાસ્કરને જોયો નથી અને છતાં તેમના સર્વાંગી જીવનમાં ભાસ્કરનો ઉજાસ, ઉડીને આંખે વળગે તેવો છે. હું તેમને બી. વાય. ના ટુંકાક્ષરી નામથી સંબોધુ છું.

બી. વાય. મારા માટે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન છે. પ્ટેમ્બર, 84 માં હું ઈડર કોલેજમાં જોડાયો

ત્યારે તેના

થોડાક સમય પહેલાં જ બી. વાય. સરપ્લસ અધ્યાપક થવાને કારણે ઈડર કોલેજમાં જોડાયેલા. પ્રથમ ત્રણેક દિવસ તો મને ખબર જ ન પડી કે તેઓ પ્રજ્ઞા ચક્ષુ છે. કારણ એટલી સ્વતંત્રતાપૂર્વક કામ કરતા હતા. પછી તો અમે રહેઠાણમાં પણ પડોશી થયા, તેથી તેમને નજીકથી જાણવાના અને માણવાના અસંખ્ય પ્રસંગો મારા જીવનમાં બન્યા છે. પણ વિવેકપૂર્વક થોડીક વાત કરવાનું રોકી શકુ તેમ નથી.

જે સંચાલક મંડળ તેમને કોલેજમાં હાજર કરવામાં દ્વિધા અનુભવતું હતું તે આજે તેમના માટે ગૌરવપૂર્વક નામ લેતાં લેતાં, પ્રો. બી. વાય. ને હાજર કરવાનો નિર્ણય કેટલો સાચો હતો એનો અનહદ આનંદ અનુભવે છે. પ્રો. બી. વાય. કોલેજ માટે એક એસેટ સમાન છે, માત્ર વિષયના જ્ઞાનના સંદર્ભમાં જ નહિ પરંતુ શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં સંસ્કૃત વિભાગને જ નહિ, કોલેજને માટે પણ સંકટ સમયની સાંકળ સાબિત થયા છે-પછી તે કોઈ શિબિર હોય કે જ્ઞાન સત્ર હોય, વર્કશોપ હોય કે સંચાલનને લગતું કાર્ય હોય. તેમણે સુપેરે પાર પાડયાના અસંખ્ય પ્રસંગો છે.

કોલેજકાળ સિવાય તેઓ કોઈપણ પ્રકારની ડીસેબલ્ડ વ્યકિતઓ માટે અને ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ માટે મોબાઈલ એનસાઈકલોપિડિયા બનવાનું જાણે નકકી જ કરી રાખ્યું હોય તેમ લાગે છે. તેઓએ સપ્ટેમ્બર 1985 માં એન. એ. બી. સાબરકાંઠા બ્રાન્ચ, ઈડર પોતાના રહેઠાણના નાનકડા મકાનના એક રૂમમાંથી શરૂ કરી, આજે કોઈ અન્ય કાર્યાલયને પણ શરમાવે તેવા વિભાગો અને સગવડો સાથે મોટુ વટવૃક્ષ થયું છે, જેનાં ફળ અસંખ્ય વ્યકિતઓએ ચાખ્યા છે અને અવિરત પણે વધારે સગવડો સાથે આ પ્રવૃત્તિ ચાલતી રહેશે તેમાં મને કોઈ શંકા નથી. જ્યારે પણ તેમને સમાચાર મળે કે જે તે જગ્યા પર કોઈ અંધ વ્યકિત છે તેના થોડાક કલાકોમાં બી. વાય. તેને ઘેર અચૂક હોય જ. અને તેની ઉંમરને અનુરૂપ તેના પ્રશ્નનું નિરાકરણ લાવીને

જ જંપ્યા હોય. અરે! કેટલાક સંજોગોમાં તો સ્વખર્ચે કન્યાદાન અને કરિયાવર પણ કરેલા છે જેનો હું સાક્ષી છું. મારા મતે બી. વાય. ઈડર કોલેજમાં અને ખાસ કરીને આ પ્રવૃત્તિમાં જોડાયેલા ન હોત તો, સાબરકાંઠાના અંતરિયાળ ગામોના અસંખ્ય પ્રજ્ઞાચક્ષુઓના જીવન કેવા દયનીય હોત જેની કલ્પના માત્રથી ધ્રુજી જાઉં છું. તેમના માટે બી. વાય. ભગવાનનું સાક્ષાત સ્વરૂપ જ છે. બી. વાય. માત્ર ઈડર કોલેજ કે સાબરકાંઠા પુરતા મર્યાદિત નથી. પણ સ્ટેટ લેવલ, નેશનલ લેવલ કે ઈન્ટરનેશનલ લેવલે પરિસંવાદોમાં ભાગ લઈને અથવા આયોજન કરીને સારૂં એવું કાઠું કાઢયું છે. સંચાલનના પાઠ તો કોઈ બી. વાય. પાસેથી જ શીખે! તેમણે ખેડેલા ખેડાણની નોંધ ગુજરાત સરકારે પણ લીધી અને તેના ફળ સ્વરૂપે કમિશ્નર ફોર ડીસેબલ્ડ તરીકે ગાંધીનગર ખાતે. ત્રણ વર્ષ માટે નિયુકિત કરી જેથી રાજ્યના ડીસેબલ્ડ લોકોને તેમની Versatile Personality નો લાભ મળે. કદાચ ગુજરાત સરકારના ઈતિહાસમાં સર્વ પ્રથમ એક નોન આઈ. એ. એસ. ને સનદી અધિકારી તરીકેની સેવા લેવાનું થયું હશે!

બી. વાય. જન્મથી આજ પર્યંત ખૂબ જ સંઘર્ષમય જીવન જીવ્યા છે. અને મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાનું, મુશ્કેલીના દરેક પાસાને પગથિયું બનાવીને આગળ કેમ વધવુ તે એક તેમની વિશિષ્ઠ આવડત છે. અંધાપાનો અર્થ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ જ અને એટલે જ મુશ્કેલીઓને પારકરીને તેમનું વ્યકિતત્વ અનોખી રીતે તરી આવ્યું છે. મને, આપણ સૌને, તેમના પરિચયમાં આવેલા કોઈને પણ તેમના માટે ગૌરવ છે. તેમની આખીય યાત્રામાં આમ તો તેમના પરિવારના સૌ સભ્યોનો ફાળો અચૂક રહ્યો જ છે પણ એમાંય બે પાત્રો નો વિશેષ. એક “મા” અમારા સૌના મા. ખૂબ જ આર્થિક સંકળામણાં બે અંધપુત્રોની પરવરિશ કરવી, અસામાન્ય નહિ તો, સામાન્ય વાત તો નથી જ. એવા રંભામાને માટે પ્રયોજેલ કોઈ પણ શબ્દ

વામણો જ લાગશે. તેમને શત શત વંદન. બીજા મારા બહેન અને બી. વાય. ના સાચા અર્થમાં અર્ધાંગિની, પ્રવીણાબેન, જેમણે ‘મા’ ની સ્પષ્ટતા કે આ કોઈ રોગ નથી, કાયમી ખોડ છે, છતાં તેમને હૃદયપૂર્વક જીવનસાથી (પિયર પક્ષની સ્પટ અસંમતિ હોવા છતાં) સ્વીકારનાર માત્ર નહિ, પરંતુ ડગલે ને પગલે સાથ આપી, પોતે પણ જાણે પ્રજ્ઞાચક્ષુઓ માટે ભેખ લીધો હોય તેમ બી. વાય. ની પ્રગતિમાં એટલા જ હકદાર છે પ્રવિણાબેનને એક ગરીબ પ્રજ્ઞાચક્ષુ રાવળના દિકરા કાંતિને કીડની replacement વખતે અમદાવાદ ખાતે-civil-કિડની હોસ્પિટલમાં જે સેવા કરતા મેં જોયા છે, જે કદાચ એક સગી માતા પણ ન કરી શકે! આવા અનન્ય યુગલનો પરિવાર-મનન, લંડન સ્થિત દિકરી, ઝરમર અને હર્ષ તથા અ. સૌ. દિશા ચિ.ફલક

પણ અનન્ય જ હોય....

બી. વાય. ની પ્રગતિ, ગણિતની ભાષામાં હું તો ગુણોત્તર પ્રમાણમાં થતી રહી છે જે જવલેજ બનતી ઘટના કહી શકાય. તેમણે લોકોના જીવનમાં સદ્ગુણોનો સરવાળો કે ગુણકાર અને દુર્ગુણોની બાદબાકી કે ભાગાકાર કરવાનું મનોબળ સેવ્યું માત્ર નથી, તેને પુરૂ પાડવા બસો ટકા પ્રયત્નો પણ કર્યા છે. પ્રભુને પ્રાર્થના કે તેમને દીર્ઘાયુ બક્ષે. જેથી સેવાનો અવિરત પ્રવાહ ચાલ્યા જ કરે-ચાલ્યા જ કરે....

બી. વાય. (બીવાય) ખરા પણ ક્યારેય, કશા થી ન બીવાય તે.

“changing the face will not change anything, but facing the change will change everything.”

-પ્રો. કે. એચ. પ્રજાપતિ,
એચ.એ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ,