ભાસ્કરભાઈ સાથેની યાદો

આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઈડરના સંસ્કૃત વિભાગમાં સંખ્યાધિક અધ્યાપક તરીકે 1986 ના જાન્યુઆરી માસમાં હું જોડાયો તો, કંઈક અનોખા અધ્યાપકને મારાજ વિષયમાં મળવાની તક મળી. અમારા ગામના પ્રજ્ઞાચક્ષુ વેપારી બચુભાઈ પટેલથી અને તેમની કુશળતાથી પરિચિત હોવાથી ભાસ્કરભાઈને મળતાં આશ્ચર્યના થયું પરંતુ તેમનો દેખાવ, હલન-ચલન, વાત કરવાની પદ્ધતિ-બ્રેઈલ ટેક્ષબુકનો ઉપયોગ, કુદરતી નેતૃત્ત્વનો ગુણ, મિલનસાર સ્વભાવ વગેરેના કારણે તેઓ અંધ હોવા છતાં અંધ હોય તેમ લાગ્યું જ નહીં.

વિભાગમાં રોજ-બરોજ મળવાનું થાય, પુસ્તકો શોધીવર્ગમાં તેમને પહોંચાડવાનું થાય, વર્ગ પૂરો થયે પાછા પણ જોડે આવીએ. અને આ બધામાં તેમના વ્યકિતત્વના જુદા જુદા પાસાનો પરિચય અચૂક થાય. વિભાગની વાત આનંદનગર સોસાયટીમાં મકાન લેતાં સહ નિવાસમાં પણ પરિણમી.

સંસ્કૃત વિષયમાં સંભાષણ, અન્ય વિષયો સાથે તેની તુલનાત્મક બાબતોનો અભ્યાસ, આધુનિકતાથી પરિચિત રહેતા. અમારા ભાસ્કરભાઈનું અધ્યાપન અને અધ્યયન સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ એટલું તેજસ્વી બન્યું કે ક્યારેક અમારે તેમને એમ પણ કહેવું પડે કે પૃથ્વી જોઈને વરસો. ભણાવવામાં સતત તલ્લીન રહેતા અને વિદ્યાર્થીઓને શક્ય તેટલું વધુ આપી દેવાની ઈચ્છાવાળા ભાસ્કરભાઈએ અમારી જેમ વિદ્યાર્થીઓને જીવનલક્ષી બનાવ્યા, પરીક્ષાકેન્દ્રી નહીં. બ્રેઈલબુક તૈયાર કરાવી, પેપરો બદલવાની બાબતમાં પણ મોટે ભાગે ભાસ્કરભાઈ તૈયાર હોય. વિભાગમાં સંસ્કૃત મુખ્ય, શાસ્ત્રોનો વિકલ્પ અને સંસ્કૃત એન્ટાયર લઈ આવવામાં યુનિ. સાથે ભાગ ભજવવામાં ભાસ્કરભાઈની ભૂમિકામાં તેમનું અંધત્વ ક્યારેય આડુ નથી આવ્યું. એટલું જ નહીં ક્યારેક અંધત્વને કારણે, અમે જે બોલી ના શકીએ તે પ્રા. મહેતા સ્પષ્ટ વક્તાની જેમ બોલી નાખે.

1986-87 માં સંસ્કૃત અધ્યાપક મંડળનું રાજ્યકક્ષાનું અધિવેશન ઈડરમાં ગોઠવાયું. ભાસ્કરભાઈએ ભંડોળ

એકત્રીકરણથી અધિવેશનની સ્મરણિકા પ્રકાશનમાં સાથે રહી ખંભે ખંભા મિલાવી યશસ્વી કામગિરિ બજાવી. નફો તેમનો એ હતો કે આવનાર સંસ્કૃતના સૌ મિત્રો તેમના ગાઢ પરિચયમાં હતા.

1997-98માં સ્વાતંત્ર્યોત્તર સંસ્કૃત સાહિત્ય પર ચાયેલ રાજ્યકક્ષાના પારસંવાદમાં વિભાગ અને કોલેજ સાથે ભાસ્કરભાઈએ ખંભેખંભા મિલાવી કામ કર્યું. કન્વીનરની ખુરશીનો સ્વેચ્છાએ અસ્વિકાર કર્યો. સંસ્કૃત ભાષાનો પ્રયોગ, સંસ્કૃતમાં સંપૂર્ણ કાર્યક્રમ તૈયાર કરવાનું અને રાષ્ટ્રકક્ષાએ લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાનોને એક સ્ટેજ પર લાવી તેમનું સન્માન કરવાનું કામ પ્રા. મહેતાની કમાલ હતી. સતત પડદા પાછળ દોડતા રહી સૌને કામે લગાડી, મન દુઃખને બાજુએ મૂકી સેમીનારને સફળ બનાવવામાં તેમનું અંધત્વ તેઓ વિસરી ગયા.

આજે પણ અમારી જેમ સૌ અધિકારી મિત્રો આ કાર્યક્રમને (સેમીનારને) વારંવાર સ્મરી અભિનંદન આપે છે. ત્યારે અમારી સાથે તેના યશભાગી ભાસ્કરભાઈ પણ બને.

વિભાગના પ્રવાસમાં ક્યારેક પ્રા. મહેતા જોડાય, તો ક્યારેક તેના આયોજન અન મંજૂરી માટે પ્રા. મહેતા દોડાદોડ કરે તેમને વિકલાંગોના પુનાર્વાસનનું કાર્ય વિવિધ કક્ષાએ વરેલું હોઈ તે માટે કયારેક કોલેજમાં અનુકૂલન કરવું પડે, પણ હું એક અધ્યક્ષ અને સાથી તરીકે એમ કહીશ કે ક્યારેય આવું અનુકૂલન કોઈના હિતના ભોગે નથી થયું.

પ્રા. મહેતા વર્ગમાં, વર્ગબહાર રમૂજી ખરા, પણ સિદ્ધાન્ત સાથે સમાધાન ન કરે, તેમને મૂંગા રાખવાનું કામ ઘણું કઠીન. તેઓ હઠાગ્રહી અને જિદ્દી પણ ખરા. પણ ઘટના જે સમયે થાય ત્યારે ત્યાં જ તેને પતાવી ભવિષ્યમાં તેની અસરોને ન આવવા દે. પોતાની રજા મૂકી વિકલાંગોનું કામ કરે. બહાર જઈ આવી સીધા વર્ગમાં ફરજ પર હાજર થાય. અધ્યાપક મંડળ હોય કે સ્ટાફ ઈન્ચાર્જ હોય, ક્રેડીટ સોસાયટી હોય કે કોલેજના કાર્યક્રમો હોય, અમારી સાથે સંસ્કૃતનો ઝંડો લઈને ભાસ્કરભાઈ આગળ રહે અને સતત કહે ‘અમે કેવળ સંસ્કૃત ભણાવતા નથી પરંતુ સંસ્કૃત જીવીએ છીએ.’

અનેક એવાર્ડ તેમને મળ્યા, તેઓ રાજ્યના કમિશ્નર પણ બન્યા. આ બધા વચ્ચે સફળતાના મૂળ કારણમાં તેઓ હંમેશા સંસ્કૃતના અધ્યયન-અધ્યાપનને ગણે છે. તેમના શિક્ષણના ગુરૂઓને પણ તેઓ સતત આદરથી સ્મરતા રહે છે. જુનિયર સાથી મિત્રોને સહકાર આપી, ક્યાંક માર્ગદર્શન આપી, ભૂલવા જેવું લાગે ત્યાં ભૂલી જઈ તેમને પોતાની સાથે રાખે. સંસ્કૃતમાં ત્રણ પ્રાધ્યાપકના વિભાગને વિક્રમી રીતે દસ પ્રાધ્યાપકનો વિભાગ બનાવવામાં પ્રા. મહેતાનું યોગદાન ન વિસરાય એવું છે. મને શ્રદ્ધા છે કે અધ્યક્ષ તરીકે પ્રા. હરિભાઈ દેસાઈ અને મારા પછી પણ જે સુદ્રઢ પરંપરાઓ છે તેને થનાર અધ્યક્ષ પ્રા. મહેતા પ્રબળ રીતે જાળવશે અને તે પણ સાઈઠ વર્ષ પૂરા કર્યા પછી જે પ્રસ્થાપિત કરશે ‘સાઠેનાઠી’ ખોટું છે.

ષષ્ઠીપૂર્તિ વખતે મારા વતી સમગ્ર કોલેજ પરિવાર વતી, સંસ્કૃત પ્રેમીઓ વતી, પ્રા. ભાસ્કર મહેતાને શુભકામના પાઠવી, બે ઘોડા પર વિકલાંગ છતાં સવાર થનાર શ્રી મહેતાની સામાજિક વિકલાંગ લક્ષી કામગિરીને બિરદાવનાર સૌને આભાર સાથે અભિનંદન પાઠવું છું.

‘શુભ સદા સૌનું થાઓ’

- પ્રા. ટી. એમ. પટેલ,
અધ્યક્ષ-સંસ્કૃત વિભાગ,
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ઇડર