22 મી ડિસેમ્બર, 1995 નો દિવસ એટલે વિકલાંગતા વિકાસની નિસરણીનું પહેલું પગથિયું. આપણા દેશની લોકસભા અને રાજ્યસભા દ્વારા ભારત દેશના ઈતિહાસનો એક ખરડો મંજૂર કરે છે અને તે છે “વિકલાંગતા વિધેયક”. તેજ દિવસે કેન્દ્રિય મંત્રીમંડળ રાજીનામું આપે છે. તે દિવસની લોકસભા/રાજ્યસભાને દેશને એક પરત ભેટ મળે છે તે છે “વિકલાંગતા વિધેયક, 1995.”
વિકલાંગતા વિધેયક નિસરણીનું બીજું પગથિયું-આ ખરડાને સ્વીકૃતિ. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી વિકલાંગતા વિકાસની મોહિમને ટેકો આપવા માટે વર્ષ 1996 ના સૂરજની પહેલી કિરણ સાથે દેશના કરોડો વિકલાંગ ભાઈ-બહેનોને નવા વર્ષની
શુભકામનાઓ પાઠવવા માટે વિકલાંગતા વિધેયકને સ્વીકૃતિ આપવાની પહેલ કરે છે.
આ વિકલાંગતા વિધેયક નિસરણીનું ત્રીજું પગથિયું-સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાણ્ય એક જાહેરનામુ બહાર પાડીને વિકલાંગતા વિધેયકને 7 મી ફેબ્રુઆરી, 1996 થી આપણા દેશ માટે અમલમાં મૂકી દે છે. આ વિધેયક અમલમાં આવતાની સાથે દેશના દરેક નાગરિકને બંધનકર્તા થાય છે. આ એક કેન્દ્રિય વિધેયક હોવાથી ગુજરાત રાજ્ય અને ગુજરાતના અધિકારીઓ અને નાગરિકોને સંપૂર્ણ પણે લાગુ પડે છે. આ વિધેયકની કલમ 60 અનુલક્ષીને દરેક રાજ્યમાં વિકલાંગ વ્યક્તિઓ માટેના આયુક્તની નિમણુંક કરવી ફરજિયાત બને છે.
પહેલાં પાંચ વર્ષ ગુજરાત સરકાર બીજા રાજયોની જેમ સરકારી અધિકારીઓને આ હોદ્દા ઉપર શોભાયમાન કરે છે. પછીથી સરકારશ્રીને પ્રતીતિ થાય છે કે, કલમ 60 (2) મુજબ ફકત એવી વ્યકિત કે જેઓ પુનઃવસન સંબંધિત બાબતોને લગતું વિશેષ જ્ઞાન અને વ્યવહારિક અનુભવ ધરાવે તેઓની આ હોદ્દા ઉપર નિમણૂંક થઈ શકશે. તે વખતના સચિવ શ્રી પી. કે. લહેરીની પહેલ અને માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સહયોગથી આ હોદ્દા માટે એક યોગ્ય વ્યકિતની શોધખેતની શરૂઆત થાય છે. આ હોદ્દા માટે લાયકાત અને અનુભવ ધરાવતા 10 યોગ્ય વ્યક્તિઓની લેખિતમાં સંશોધન સમિતિને ભલામણ કરવાની તક મને મળે છે. જ્યારે ગુજરાતભરમાં ડોકીયું કરીએ અને આવી એક યોગ્ય ઉમેદવાર માટે વિચારીએ તો હૈયામાં પહેલું જ નામ શ્રી ભાસ્કરભાઈનું આવ્યું. બધા મિત્રો સાથે ચર્ચા કરતાં આ નામને યાદીમાં સૌથી મોખરે મૂકીને 10 નામ સંશોધન સમિતિને મોકલવામાં આવ્યા.
પછી આવ્યો નિસરણીનું ચોથું પગથિયું- 13મી ડિસેમ્બર, 2004 ના દિવસે પહેલી વાર ગુજરાતના 10 આગેવાન વ્યક્તિઓના ઈન્ટરવ્યૂ માટે ગાંધીનગર બોલાવવામાં આવ્યા. ગુજરાત સરકારના મુખ્ય સચિવશ્રી, સચિવશ્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, સચિવશ્રી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સચિવશ્રી વહીવટી વિભાગની સંયુકત કમિટીએ આયુકતના હોદ્દા માટે યોગ્ય વ્યક્તિની નિમણૂંક માટે પુરા દિવસની જહેમત ઉઠાવી.
વિકલાંગતા વિકાસની નિસરણીનું પાંચમું અને અગત્યનું પગથિયું- 23મી સપ્ટેમ્બર, 2005 જ્યારે ગુજરાતમાં પ્રથમવાર એક નેત્રહીન વ્યકિતને સચિવના પગાર સમકક્ષ હોદ્દા માટે વરણી કરવામાં આવી, તે એક વીરલો આયુક્ત જેઓએ દેશમાં એક ઈતિહાસ રચ્યો તે હતા શ્રી ભાસ્કરભાઈ મહેતા.
ગુજરાત લગભગ 3જું રાજ્ય હતું કે જે વિકલાંગતા વિધેયકતા નિર્દેશ મુજબ એક વિકલાંગતા ક્ષેત્રના નિષ્ણાંત અને એક નેત્રહીન વ્યકિતને આ ભગિરથ કાર્ય કરવાનું સુકાન સોંપ્યું. શ્રી ભાસ્કરભાઈ વિકલાંગતા ક્ષેત્રમાં ફકત એક નિષ્ણાંત અને અનુભવ ધરાવતી વ્યક્તિની સાથે સાથે એક સંપૂર્ણ રીતે સમર્પિત, નિડર,
નિર્ભય, સ્પષ્ટ અને એક ઉત્તમ વક્તા હોવાથી તેઓએ એક નવા વિશ્વાસથી આ હોદ્દાની ફરજ બજાવવાની શુભ શરૂઆત કરી. સંસ્કૃત ભણાવવાનું કાર્ય તેમને માટે એક જીવિકો ઉર્પાજનનું માધ્યમ હતું, પણ તેઓનું હૃદય, આત્મા અને શક્તિઓ વિકલાંગતા વિકાસને સમર્પિત હોવાથી તઓએ આ હોદ્દાને એક પડકારરૂપ સ્વીકાર કર્યો. તેઓએ વિકલાંગ વ્યકિતઓના હમદર્દ, હમરાઝ અને બેલી બનીને આ હોદ્દાની ગરીમા સાચવવા માટે સતત સંઘર્ષ કર્યો. તેઓ પુનર્વસન ક્ષેત્રને તન, મનથી સમર્પિત હોવાથી ગુજરાતમાં નેત્રહીન-વિકલાંગ વ્યકિતઓના અધિકારના રક્ષણ માટે સતત પ્રયત્નશીલ રહેલ. જ્યારે કોઈ વિકલાંગ
વ્યકિત તેઓની કચેરીમાં દાદ માંગવા આવે, તો તેઓ સર્વપ્રથમ તેઓના હોદ્દાની રૂએ સંબંધિત અધિકારીને વિકલાંગતા વિધેયકની જાણકારી આપીને આવેલ વ્યકિતની સમસ્યાઓનું સમાધાન કરવા માટે પ્રય્તન કરે. તેઓની ચાણક્ય બુદ્ધિથી તે સમસ્યાનું સમાધાન ન આવે તો, તેઓની સત્તાનો સદ્ઉપયોગ કરીને વ્યવસ્થિત આદેશ-પબ્લીક નિર્દેશ કરેલ.
તેઓશ્રી દ્વારા આપવામાં આવેલ ઘણાં આદેશો નામદાર ઉચ્ચ અદાલતે પણ સ્વીકાર કરેલ અને તેઓના આદેશોને સ્વીકૃતિ આપેલ, તેઓશ્રીના અથાગ્ પ્રયત્નોથી ગુજરાતમાં એક નવી પ્રથાની શરૂઆત થઈ. જ્યારે
કોઈ વ્યકિત વિકલાંગતા
વિધેયકની કોઈ કલમ સંબંધિત અન્યાય બાબત ઉચ્ચ અદાલતમાં અરજી કરે ત્યારે ન્યાયાધિશોએ પહેલા વિકલાંગતા આયુક્તની કચેરીમાં જઈને વૈકલ્પિક વ્યવસ્થામાં ન્યાય મેળવવાની ફરજ પાડેલ.
દેશમાં જ્યારે વિકલાંગતા આયુક્તની નિમણૂંક બાબતકોઈ ચર્ચા થાય ત્યારે ગુજરાતને એક નમૂના રૂપ રાજ્ય અને પ્રો. ભાસ્કર મહેતાને એક આદર્શ અને નિષ્ઠાવાન અને મારા મંતવ્ય મુજબ એક વીરલા આયુકતના રૂપે પ્રદર્શિત કરવામાં આવતું. શ્રી ભાસ્કરભાઈના અથાગ પ્રયત્નોષી, સખત પરિશ્રમથી અને વિકલાંગ વ્યકિત ની વિટંબળાઓ સમજવાની પારખ દ્રષ્ટિથી તેઓએ સંપૂર્ણ દેશ અને ખાસ કરીને વિકલાંગ સમાજ માટે એક નવું કીર્તિમાન સ્થાપ્યું. અને જો અમોને તક મળશે તો અમો બીજાથી ચડિયાની કક્ષાએ છીએ અને વિકલાંગતા ક્ષેત્રના વિકાસના દીવાદાંડી છીએ અને વિકાસની યાત્રાના માર્ગદર્શક છીએ.
મનમાં એક જ રંજ રહી જાય છે કે, શ્રી ભાસ્કરભાઈની વિકલાંગો માટેના કમિશ્નરની પ્રથમ ટર્મ સફળતા પૂર્વક
અને વિકલાંગોના હિતરક્ષક તરીકે પૂરી કરી ત્યારે અમને એવી શ્રદ્ધા અને અપેક્ષા હતી કે, આ કુશળ અને કાબેલ પ્રતિભાની ફરી એકવાર પુનઃ નિયુક્તિ થાય. સરકારશ્રીએ આ દિશામાં વિચાર્યું હોત, તો તેઓએ આરંભેલા અધૂરા કર્યો પૂરા કરી શકાત અને ગુજરાતને એક સંવેદનશીલ કમિશ્નરની ખોટ ન પડી હોત....