પ્રાધ્યાપક શ્રી ભાસ્કરભાઈ યોગેન્દ્રરાય મહેતા વિચક્ષણ પ્રજ્ઞાનાં ધારક છે. તેમની પ્રતિભા આભે ચઢીને ચમકતા તારલાની જેમ સતત ચમકતી રહી છે. 60 વર્ષનાં આ આયુકાળમાં એમ કહીએ કે ગાગર સમાન જીવનયાત્રામાં સાગર સરખી સિદ્ધિઓ તેમણે સર કરી છે.
અવારનવાર પરિષદોમાં પોતાની વિચારશક્તિ, બુદ્ધિશક્તિ અને વાક્શકિતનો તેમણે પરિચય કરાવ્યો છે. અરે! પરિચય કરાવ્યો છે એટલુંજ નહિ પોતાની મેઘાવી પ્રતિભા સિદ્ધ કરી છે. એમ કહો કે પરિષદોમાં ભાસ્કર સતત ગરજતો, વરસતો, ચમકતો રહ્યો છે. આ રહ્યાં તેનાં કેટલાક ઉદાહરણો...
ઈ. સ. 1977 માં નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ (ઈન્ડિયા) મુંબઈની રજતજયંતિ કોન્ફરન્સમાં યુવાન ભાસ્કરે તાજા લેકચરર તરીકે વિકલાંગોની બાબતમાં પ્રત્યેક સેશનમાં પોતાની રજૂઆત કરી અને આ રજૂઆતમાં તેના ઠોસ મુદ્દાઓને કારણે લોકોએ તેની વક્તા તરીકે પ્રશંસા કરી હા! અહીં એક વાત એ હતી કે તે મોટેથી નહોતો બોલતો પરંતુ વિનમ્રતાથી બોલતો હતો.
નેશનલ ફેડરેશન ઓફ બ્લાઈન્ડની જયપુર, દિલ્હી, કાનપુર, લખનૌ પરિષદોમાં હિન્દીભાષી પ્રમુખ હોઈ કે અહિન્દીભાષી પ્રમુખ હોઇ, સાથે રહી તેઓનાં અંગ્રેજી ભાષણ કે ચર્ચાનું ભાસ્કર ભાષાંતર કરતો. આ અંગ્રેજીનું ભાષાંતર કરતા ભાસ્કર પોતાના વિચારો ભેળવીને બોલતો. તે સમયે તે પંડિત હિન્દીમાં જે જુસ્સાથી
બોલતો જો તમે સાંભળ્યો હોય તો તમને એમ જ લાગે કે રાજકારણ માટેનો સાચો છવ આ પરિષદમાં છે.
AICB ની બ્રેઈલ કોન્ફરન્સ હોય, શિક્ષણ સુવર્ણ જયંતિ કોન્ફરન્સ હોય અરે! એ. આઈ. સી.બી. ની રજયજયંતિ હોય, ભાસ્કર ક્યાં તો ચેરમેન તરીકે, યા તો વક્તા તરીકે પ્રમાણમાં પરંપરાગત લાગતા છતાં વિકલાંગતાને ધ્યાનમાં રાખીને શાશ્વત વિચારો રજૂ કરતો. અને તે પોતાના આવા વિચારો સંસ્કૃતનાં પ્રોફેસર હોવાથી સંસ્કૃતમાં તો પ્રભુત્વ ધરાવે પરંતુ જ્યારે હિન્દી-અંગ્રેજીમાં સદ્રષ્ટાંત રજૂ કરે ત્યારે એમ લાગે કે ક્ષેત્રનો એક અનુભવી માણસ પોતાનાં અનુભવનાં નિચોડને વાચિકરૂપ આપે છે. સાચું કહું તો લેખનનો તે બાળપણથી ચોર છે એટલે તેની કોઈપણ કોન્ફરન્સની રજૂઆત લેખિત સ્વરૂપમાં લેવી એ કપરું કામ છે.
(NAB) નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડ (ઈન્ડિયા) ની ગોવા ખાતેની પરિષદ, બેંગ્લોર પરિષદ અને નાસિક
પરિષદ ઉપરાંત મુંબઈ તેમજ નવસારીની એન. એ. બી. જિલ્લા શાખા સંમેલન જે મહારાષ્ટ્ર સાથે સંયુકત રીતે આયોજીત હતું તેમાં તેણે સંકલિત શિક્ષણ અને સી. બી. આર. પર પોતાનાં અનુભવ આધારિત વિચારો રજૂ કર્યાં. અને જ્યારે આવા શોધપત્રો તે રજૂ કરે ત્યારે શ્રોતામિત્રો માટે પ્રશ્ન પૂછવાનું કામ આસાન ન રહેતું.
આઈ. સી. ઈ. વી. આઈ. (ICEVI) ની અમદાવાદ એશિયન કોન્ફરન્સ, દિલ્હી એશિયન કોન્ફરન્સ, ઢાકાની સી. બી. આર. નેટવર્ક પરિષદ, ડેફ-બ્લાઈન્ડ પરિષદ, આઈ. સી. ઈ. વી. આઈ. ની બેંગકોક કોન્ફરન્સ 1992 માં અને નેધરલેન્ડ ખાતેની કોન્ફરન્સ જુલાઈ 2002 માં, આ ઉપરાંક જુલાઈ 2006 ની કવાલાલંબપુર-મલેશિયા કોન્ફરન્સમાં તેણે વિવિધ પેપર રજૂ કર્યા અને તે પણ અંગ્રેજીમાં અને ચર્ચાઓમાં ભાગ લીધો તે પણ અંગ્રેજીમાં. તે જ્યારે અધ્યક્ષસ્થાને હોય ત્યારે કો-આર્ડિનેટરનું કામ કરતો. હંમેશા વિષય સાથે સાતત્ય જાળવી સૌ કોઈનાં ભાષાને અને સમયને સાચવી ખૂબ હળવાશથી લેતો અને આવી હળવાશથી લેતા ભાસ્કરને જોવો અને સાંભળવો એ લ્હાવો છે.
નેધરલેન્ડથી પરત આવતા અમો બંનેને ઈટાલીની એક દિવસની મુલાકાતનો મોકો મળ્યો. તે દરમ્યાન તેને સતત સાંભળવાનો અનુભવ તે બ્લાઈન્ડ હોવા છતાં જાણે સદ્રષ્ટિ હોય તેવો રોચક હતો. પરિષદોમાં તેને મૂંગો રાખવા અધ્યક્ષોની અવાર-નવારની કોશિશ તે એક યા બીજા ભોગે નાકામ બનાવતો. આવા ભાસ્કરનું ઓડીયન્સ પણ વધારે. તેની ગર્જનાનો પ્રભાવ કહો કે જાદુ કહો. તેની ભાષા પરનું પ્રભુત્વ અને વકતૃત્વ છટાને કારણે જ્યારે પણ, જે પણ વિષયો પર તેણે જે કોઈ વિચારો રજૂ કર્યા ત્યારે સમગ્ર સભાગારને સ્તબ્ધ કરી મંત્રમુગ્ધ કરવામાં તે ખૂબ જ માહિર છે. સભાનાં પ્રત્યેક સદસ્યોને અધ્યક્ષથી માંડી છેવાડા સુધીને પોતાનાં પ્રભાવમાં લેતા એ ભાસ્કરને જ્યારે સામા પક્ષને એવું લાગે કે એ અતિ બોલે છે ત્યારે પક્ષધરોને તે પોતાની વાત વજૂદથી રજૂ કરતો હોય તેમ લાગે.
જેમ ઉપર જણાવ્યું તેમ યુવાન વયે એન. એ. બી. ની પરિષદમાં શરૂ થયેલા સ્વરે શબ્દોનાં સથવારે સમયની સાથે સાથે અનુભવની એરણે ચઢી અસરકારકતાની પરિસીમાએ પહોંચી સિંહગર્જન સિધ્ધ થયા. તેમનાં વિચારો સાથે સંમત નહીં થનાર લોકો પણ ખુલીને વિરોધ કરી શકતા નથી. ક્યાંક વિકલાંગોની વિડંબણાથી વ્યથિત થયેલ ભાસ્કર આક્રોશ ઠાલવે છે તો ક્યાંક ચિંતનશીલ ભાસ્કર ચીવટથી પોતાનાં વિચારો અસરકારક રીતે મૂકી સૌને વિચારતા કરી મૂકે છે, અને કદાચ એ જ વાકપટુતા તેનું ભૂપણ છે. હા! હસતા હસતા મિત્રો ઘંટ વગાડવાની વાત કરે અને એટલી જ રમુજથી ભાસ્કર પોતે એ વાકયોનો ઉલ્લેખ કરી વકતવ્યમાં બોલે “ઘંટ વાગે તે પહેલાં મારું વકતવ્ય પૂરું કરીશ.” અને આ લેખમાં બહુપ્રતિભાવાન પ્રાધ્યાપક વિદ્વાન અને વાણીનાં અધિપતિ ભાસ્કરનાં અંધજનોની પરિષદમાં કરેલ પ્રદાન વિશે વાત કરવી હોય તો કદાચ આખુ પુસ્તક પણ નાનું પડે. પરંતુ અહીં તો આટલો જ ઉલ્લેખ કરી વિરમવું પડશે.