“ભાસ્કરભાઈની સાથે હરતા ફરતાં”

ભાસ્કરભાઈ વિષે પરિચય આપવો અથવા એમના વિષે લખવું એ સૂર્યની સામે દર્પણ બતાવવા સમાન છે. ભાસ્કરભાઈનું નામ જ ભાસ્કર છે. જેનો અર્થ થાય છે સૂર્ય જે સ્વંય પ્રકાશવાન હોય અને બીજાને પ્રકાશ આપે.

1983 માં ઈડર કોલેજમાં ભાકરભાઈ પસંદગી પામીને આવ્યા ત્યારે તેઓના કાકા પ્રો. ધર્માંશુંભાઈ વસાવડાએ મને જણાવ્યું કે શાસ્ત્રી સાહેબ તમારા સંસ્કૃત વિષયમાં એક અંધ અધ્યાપક લેવામાં આવ્યા છે. વસાવડા સાહેબ પાસે કશુ જ બોલ્યો નહિં પણ મનમાં જ થયું કે આ અંધ અધ્યાપક સંસ્કૃત વિષયમાં કેવી રીતે લેવાયા? આમ તો અમારી કોલેજના પ્રિ. હરિહરભાઈ શુકલ સાહેબ સો ગરણે ગાળીને પાણી પીએ તેવા હતા પૂરેપૂરી ખાત્રી કર્યા સિવાય કોઈને પસંદ કરે જ નહિ છતાં લેવાયા એટલે એમ થયું કે આ માણસમાં કંઈક કૌવત હતો જ માટે જ લેવાયા છે.

ધીમે ધીમે બે-ચાર દિવસોમાં ભાસ્કરભાઈ પરિચયમાં આવ્યા ત્યારે ખરેખર એમ લાગ્યું કે આ માણસ તો ધારવા કરતા અતિ બ્રિલીયન્ટ છે.

એકાદ વર્ષમાં ભાસ્કરભાઈએ પોતાની શિક્ષણ પ્રવૃત્તિની સાથે સાથે અંધલોકો માટે અંધજન મંડળની ઈડરમાં સ્થાપના કરી અમારા જેવા અધ્યાપકો અને ઈડરનગરના પ્રતિષિષ્ઠિત વ્યકિતઓને પણ સભ્યો બનાવ્યા અમો સ્વેચ્છાએ તેમની સાથે અંધજન મંડળમાં જોડાયા બેક વર્ષમાં જ અંધજન મંડળનો વ્યાપ આખા સાબરકાંઠા જિલ્લામાં ફેલાઈ ગયો અને એજ વ્યાપ સમગ્ર ગુજરાતમાં પણ ફેલાતા વાર ન લાગી આ બધું ભાસ્કરભાઈની હોશિંયારી અને કોઠાસુઝનું પરિણામ હતું તેઓના ધર્મપત્નિ શ્રીમતિ પ્રવિણાબહેન પણ ભાસ્કરભાઈના કાર્યમાં કદમ સાથે કદમ મિલાવીને પ્રવૃત્તિ કરતા રહ્યા જેથી આ કાર્યને વધુ ને વધુ વેગ મળતો રહ્યો.

અંધજન મંડળના કાર્યો કરવા છતાં ભાસ્કરભાઈ એ શિક્ષણ કાર્યને અસર પડવા દીધી નહોતી. તે એમનું જમા પાસું કોલેજમાં સમયસર આવવું પિરીયડો નિયમિત લેવા અને સમયસર જવું આ રીતે શૈક્ષણિક કાર્યમાં પણ ક્યાંય કચાસ રાખતા નહિં ઘરેથી કોલેજમાં આવવા માટે તેઓની પડોસમાં રહેતા પ્રો. દુધાત સાહેબ, પ્રો. પંચાલ સાહેબ તથા પ્રો. પ્રજાપતિ સાહેબ વગેરે સારો સહકાર આપતા અને સ્ટાફરૂમમાંથી વર્ગખંડમાં જતી વખતે પ્રો. શાસ્ત્રી સા. પ્રો. ટી. એમ. પટેલ સા., પ્રો. હરિભાઈ દેસાઈ સા. વગેરે પણ તેમને પૂરેપૂરો સહકાર આપતા ત્યારબાદ પિરિયડ પૂરો થતો ત્યારે વિદ્યાર્થીઓ પણ પ્રેમથી તેમને સ્ટાફ રૂમ સુધી લઈ જતા આમ તેઓનું શૈક્ષણિક કાર્ય તથા અંધજન મંડળ કાર્યં સહેલાઈથી ચાલતુ રહેતું.

એક બીજી મહત્વની વાત યાદ આવે છે કે, ભાસ્કરભાઈ જ્યારે ઈડર કોલેજમાં જોડાયા ત્યારે સંસ્કૃત ગૌણ વિષય તરીકે અપાતો હતો પરંતુ ભાસ્કરભાઈનો સાથ અને પ્રો. હરિભાઈ દેસાઈનો સાથ લઇને પ્રિ. શુકલ સા. ને વારંવાર રજુઆત કરી પરિણામે કોલેજમાં સંસ્કૃત વિષય મુખ્ય વિષય તરીકે અપાવા લાગ્યો જે એમ. એ. સુધી પહોંચાડી શક્યા અને એ જ કારણે સંસ્કૃતમાં ત્રણ અધ્યાપકો હતા તેના બદલે તેર અધ્યાપકો થયા.

ભાસ્કરભાઈ વિચક્ષણ વ્યકિત છે તેઓ શતાવધાની છે. તેઓ એકસાથે અનેક કાર્ય કરવાની શક્તિ ધરાવે છે જેનો હું તથા સ્ટાફના સર્વે અધ્યાપકો સાક્ષી છીએ ઘણીવાર અંધજન મંડળના કામ અથવા મિટિંગમાં તેમને અમદાવાદ અથવા ગાંધીનગર પણ જવાનું થતું ત્યારે મારા જેવા કેટલાક મિત્રો સ્વેચ્છાએ તેઓની સાથે જતા જ્યારે રિક્ષામાં બેસીને મિટિંગના સ્થળે જવાનું થાય અને રિક્ષાવાળો ખોટી જગ્યાએ વાળે તો તરત જ રિક્ષાવાળાને ટકોર કરતા અને સાચો રસ્તો બતાવતા ત્યારે અમારા જેવા આંખો વાળાપણ દંગ રહી જતા. વળી ઘણીવખત તેઓ પરિચિત મિત્રોને લાંબા સમયે મળે તો હાથ મિલાવી હાથના સ્પર્શથી જ તરત ઓળખી જતા.

આ રીતે ભાસ્કરભાઈ એક રત્ન સમાન છે. ભાસ્કરભાઈની કેરિયર ખૂબ જ તેજસ્વી રહી છે તેઓ બી. એ. ફર્સ્ટ કલાસ, એમ.એ. ફર્સ્ટ કલાસ, બી. એડ્. યુનિવર્સિટી ફર્સ્ટ આ સિવાય તેઓએ LL.B. પણ કરેલ છે. આ રીતે સામાજીક પ્રવૃત્તિ અને શૈક્ષણિક પ્રવૃત્તિ જોતા એમ લાગે કે Ph. D. કરેલા પણ વામણા લાગે ભાસ્કરભાઈનો મુખ્ય વિષય સંસ્કૃત છે છતાં તેની સાથે સાથે અંગ્રેજી ઉપર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે જેથી કોઈની પણ સામે પાછા પડે તેમ નથી. તેઓ સ્પષ્ટ વક્તા છે તેઓ પોતાની આવડતથી વિલાંગોના કમીશ્નર બન્યા અને હોદાને પૂર્ણ પણે દીપાવ્યો છતાં કોઈને અન્યાય ન થાય તે પણ એ પદ પર રહીને ખૂબ જ ધ્યાન રાખતા.

સેવા એમની નસેનસમાં વણાયેલી છે કોઈને પણ દુઃખી જોઈને દુઃખ સહન કરી શકતા નથી. પોતાના ખીસાના પૈસા ખર્ચીને દુ:ખીજનો પાસે દોડી જાય અને શક્ય તેટલી મદદ કરે. મારા તથા અધ્યાપક મિત્રોના સુખ દુખના પ્રસંગોમાં તેઓની હાજરી અવશ્ય હોય જ.

ભાસ્કરભાઈને 60 વર્ષ પૂર્ણ થતાં એમના શુભેચ્છક મિત્રોએ એમની ષષ્ઠિપૂર્તિ ઉજવવાનું જે નકકી કરે છે તે ખુબ જ આનંદની વાત છે. પ્રભુ તેઓને તથા તેમના પરિવારજનોને ચિરાયુ તથા નિરોગી રાખે જેથી લોકોની તથા સમાજની સેવા કરતા રહે તેવી અમારી પ્રાર્થના.

“ भास्कर महोदयः शतं जिव शरदः”

પ્રિ. વી. જી. શાસ્ત્રી